વિદ્યાર્થીઓ સમયની સાથે તાલ મિલાવી શકે એવું શિક્ષણ આપવું પડશેઃ ગુજરાત ગવર્નર

PC: khabarchhe.com

ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠક કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષપદે આજે ગુજરાત વિદ્યાપીઠ પરિસર, અમદાવાદમાં યોજાઈ હતી. ગુજરાત વિદ્યાપીઠ મંડળમાં સામાજિક સમરસતાના હિમાયતી, કૃષિ અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગુજરાતના પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા અને આઈ.આઈ.એમ. કોલકત્તાના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ, પૂજ્ય ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણીની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સભ્ય અને પૂજ્ય ગાંધીજીના પૌત્રી સુમિત્રાબેન કુલકર્ણીના પુત્ર ક્રિષ્ના કુલકર્ણીની ટ્રસ્ટી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંડળની બેઠકને સંબોધન કરતાં કહ્યું હતું કે, વિશ્વ ઝડપભેર પ્રગતિ કરી રહ્યું છે. આવા વાતાવરણમાં ગુજરાત વિદ્યાપીઠનું મહત્વ વધે એ માટે પ્રતિદિન નવા સંશોધનો સાથે પ્રગતિ કરવી પડશે. વિદ્યાર્થીઓ સમયની સાથે તાલ મિલાવી શકે એવું શિક્ષણ આપવું પડશે, અન્યથા ગુજરાત વિદ્યાપીઠ માત્ર એક ઈમારત જ રહી જશે, જેનો કોઈ અર્થ નથી. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જે ઉદ્દેશો સાથે આ સંસ્થાની સ્થાપના કરી હતી એ જ ઉદ્દેશોની આજે સમાજને આવશ્યકતા છે. પૂજ્ય ગાંધીજીના વિચારો પુરાતન નથી, શાશ્વત છે. જીવનની આવશ્યકતા છે. તેમણે તમામ ટ્રસ્ટીઓને ચિંતન કરવા, નવા ઉકેલો શોધવા અને પ્રગતિશીલ અભિપ્રાયો ખુલીને વ્યક્ત કરવા અનુરોધ કર્યો હતો.

આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, પૂજ્ય ગાંધીજીએ સ્થાપેલી આ સંસ્થા પ્રત્યે લોકોમાં સન્માનનો ભાવ પુનઃ જાગે એવા પ્રયત્નો કરવાની આવશ્યકતા છે. સંસ્થાઓ ભવનોથી નથી બનતી, મનુષ્યથી જ બને છે; એમ કહીને તેમણે ગુજરાત વિદ્યાપીઠ પ્રત્યે સામાન્ય નાગરિકોમાં શ્રદ્ધા અને સન્માનનો ભાવ પુનઃ પ્રગટ થાય એવા પ્રયત્નો કરવા તમામ ટ્રસ્ટીઓને અનુરોધ કર્યો હતો.

ગુજરાત વિદ્યાપીઠના મંડળમાં કેટલાક ટ્રસ્ટીઓ એવા છે જેઓ વિદ્યાપીઠમાં જ ભણ્યા છે અને તેમણે વિધાપીઠમાં ભણાવ્યું પણ છે. વરિષ્ઠ ટ્રસ્ટીઓને સંબોધતાં તેમણે કહ્યું કે, વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ ટ્રસ્ટીઓના આશીર્વાદ અને યુવા ટ્રસ્ટીઓના સમર્પણથી ગુજરાત વિદ્યાપીઠને આગળ લઈ જવા સૌએ ઈમાનદારીથી પ્રયત્નો કરવાના છે. આ એક કર્મયોગ છે, મનમાં પવિત્રતા સાથે પૂજ્ય ગાંધીજીના માનવ કલ્યાણ, ગરીબ ઉત્કર્ષ, સહિષ્ણુતા, પ્રેમ અને જ્ઞાતિ-જાતિ ભેદના સિદ્ધાંતોને પુનર્જીવિત કરવા સહિયારા પ્રયત્નો કરવાના છે. તેમણે સ્પષ્ટ ચિંતન, દૃઢ નિર્ણયશક્તિ અને સમર્પિત ભાવથી ટીમ સ્પિરિટ-પરિવાર ભાવનાથી કામ કરવા સૌ ટ્રસ્ટીઓને અનુરોધ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp