- Kutchh
- ગડકરીએ જણાવ્યું ગુજરાતમાં કઈ 6 જગ્યાએ 25317 કરોડના ખર્ચે હાઇવે બની રહ્યા છે
ગડકરીએ જણાવ્યું ગુજરાતમાં કઈ 6 જગ્યાએ 25317 કરોડના ખર્ચે હાઇવે બની રહ્યા છે
કેન્દ્રીય માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે વિકાસ દિવસ નિમિતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેદ્ર મોદીએ આપેલો પ્રગતિશીલ, સમૃદ્ધ અને સંપન્ન રાજ્યનો વારસો રૂપાણીજી અને નીતિન પટેલે જાળવી રાખ્યો છે અને તેમના માર્ગદર્શનમાં ગુજરાત લગાતાર પ્રગતિ અને વિકાસની ઓર ધપી રહ્યું છે, જે અમારા માટે ખુશીની વાત છે. નીતિન ગડકરીએ આ કાર્યક્રમમાં લોકાર્પિત થયેલા કાર્યોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આજના લોકાર્પણમાં રાષ્ટ્રીય રાજમાર્ગ નિર્માણ અંતર્ગત ડીસામાં એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવ્યો છે. જે પૂર્વ-પશ્ચિમને જોડતો ઈકોનોમિક કોરિડોર છે. આ રસ્તો કંડલા અને મુન્દ્રા જેવા બંદરોને ઉત્તર અને મધ્ય ભારતથી જોડાશે. આ કારણે અહીં ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને અકસ્માતો પણ ઘટશે. વળી, રાજસ્થાનથી આવતા દર્દીઓને પણ મેડિકલ સેવા માટે ગુજરાત જવું સરળ પડશે.
ભારતમાલા પરિયોજના હેઠળના આશરે રૂ. 25,317 કરોડના 1080 કિલોમીટરના રસ્તાઓના કાર્યોનો પ્રારંભ ગુજરાતમાં થઇ ગયો હોવાની જાણકારી આપતા કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ ઉમેર્યું હતું કે, સાંચોર-અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ 210 કિમી હાઈ-વે રૂ.6,000 કરોડના ખર્ચે, જેતપુર-રાજકોટ 65 કિમીનો છ માર્ગ હાઇવે રૂ. 650 કરોડના ખર્ચે, 120 કિમીનો સાંતલપુર-સામખિયાળી છ માર્ગીય હાઇવે 1200 કરોડના ખર્ચે, 290 કિમીનો બોડેલી-વાપી ગ્રીન ફિલ્ડ ચાર માર્ગ રૂ.8412 કરોડના ખર્ચે, ધાનેરા-ડીસા વચ્ચેનો 34 કિમીનો માર્ગ રૂ. 500 કરોડના ખર્ચે, સુરત-નાસિક-અમદાવાદનો આશરે 128 કિમીનો ગ્રીનફિલ્ડ માર્ગ રૂ.2428 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. નીતિન ગડકરીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, આ તમામ કાર્યો આ વર્ષમાં જ ચાલુ થઇ જશે.
આ સાથે જ દિલ્હી-મુંબઈ વચ્ચેના એક્સપ્રેસ હાઇ-વેનું કાર્ય પૂરજોરમાં ચાલુ હોવા અંગે માહિતી આપતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ માર્ગ પૂર્ણરૂપે ચાલુ થઇ જતા માત્ર 12 કલાકમાં જ મુંબઈથી દિલ્હી પહોંચી જવાશે. આ હાઇવે પૈકીનો જે માર્ગ ગુજરાતના ભાગે આવે છે, તેમાં 8 લેનનો વડોદરાથી મુંબઈ વચ્ચેનો 425 કિમીનો રૂ.25,000 કરોડના સંભવિત ખર્ચના હાઈ-વેનું નિર્માણ પ્રગતિમાં છે, આ પૈકીનો 125 કિલોમીટરનો વડોદરા-કિમ-પાદરા-અંકલેશ્વરનો રૂ.8711 કરોડનો પ્રોજેક્ટ ડિસેમ્બર,2021માં જ પૂર્ણ થઇ જશે, જ્યારે બાકીનો 85 કિમીનો ભાગ ઓક્ટો, 2021માં પૂરો થઇ જશે. અહીં જાબુઆ, મધ્યપ્રદેશથી ગુજરાતના દાહોદ-પંચમહાલ-વલસાડ-વડોદરા-ભરૂચ-સુરત સાથે જોડનારો એક્સપ્રેસ-વે અહીંના આદિવાસી-પછાત અને ગ્રામીણ ક્ષેત્રના લોકોનો વિકાસ કરશે.
આ તબક્કે નીતિન ગડકરીએ અમેરિકાના પૂર્વ પ્રેસિડેંટ જહોન એફ.કેનેડીને યાદ કરી જણાવ્યું હતું કે, કેનેડી હંમેશા કહેતા કે, American roads are not good because America is rich, but America is rich because American roads are good, આપણા આ રસ્તાઓનું જાળતંત્ર ગુજરાત-મધ્યપ્રદેશ-રાજસ્થાન અને આસપાસના વિસ્તારો માટે ગ્રોથ એન્જીન બનશે. આ સાથે ગડકરીએ ઉમેર્યું હતું કે, અમૃતસર -જામનગર ઇકોનોમિક કોરિડોરનું કામ પણ શરુ થઇ રહ્યું છે. સાંચોર-સાંતલપુરનો 125 કિમીનો એક્સપ્રેસ 6 લેન રૂ. 3000 કરોડના ખર્ચે બની રહ્યો છે.
તેમણે કહ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આગ્રહથી 109 કિમીનો ધોલેરા-અમદાવાદ હાઇવે, અમિત શાહના અનુરોધથી જેતપુર-ભાવનગર-સોમનાથના જંક્શન ઉપર ફ્લાઈ-ઓવરનું નિર્માણ કરવાની ડિઝાઇન તૈયાર થઇ ચુકી છે. વળી, સોમનાથ ટ્રસ્ટ ભૂમિ ઉપર ફ્લાઈ-ઓવર, કોડિનારથી વેરાવળનો ચાર-લેનના પ્રસ્તાવને પણ માન્યો છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચિલોડા-ગાંધીનગર-સરખેજ માટે વધુ કાર્યનો પ્રસ્તાવ આપ્યો હતો, જેને ચેંજ ઓફ સ્કોપ હેઠળ સામેલ કર્યો છે. પરસોત્તમ રૂપાલાએ મહુવા-સાવરકુંડલા-બગસરા-અમરેલી-જેતપુરનો માર્ગ પૂરો કરવા માંગ કરી છે. જો ભૂમિ અધિગ્રહણનું કામ સમયસર પૂરું થઇ જશે તો તેને પાંચ પેકેજમાં પૂરો કરી દેવામાં આવશે. આવશે. આ સાથે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ મહેસાણા-ભુજ વચ્ચે ચાર માર્ગીય રસ્તો બનાવવાની માંગ કરી હતી, જેને સ્વીકૃતિ આપી દેવાઈ છે, જે 2022 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. સાંસદ કે.સી.પટેલે વાપી-વલસાડનો માર્ગ પહોળો કરવાની વાત કરી હતી, તેને સ્વીકૃત કરવામાં આવ્યો છે. જ્યારે સાંસદ હસમુખ પટેલે શામળાજી-ચિલોડા હાઇવે માટે માંગ કરી હતી, જે કાર્ય ડિસેમ્બર,2021 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય મહામાર્ગ નિર્માણકાર્ય તેજીથી ચાલી રહ્યું છે ત્યારે આગામી ત્રણ વર્ષમાં જ અમેરિકાના સ્ટાન્ડર્ડના માર્ગો બનાવી શકીશું. એક સમય હતો જ્યારે આપણે એક દિવસમાં માત્ર બે કિલોમીટર રસ્તો બનાવી શકતા હતા, આજે એક દિવસમાં 38 કિલોમીટરનો રસ્તો બનાવવા સક્ષમ છીએ. નીતિન ગડકરીએ ભાર મુક્યો હતો કે, જો રાજ્ય સરકાર જમીન અધિગ્રહણના કાર્યો ઝડપી અને સમાધાનપૂર્વક કરાવે તો ધોરીમાર્ગ નિર્માણમાં હજુ પણ વધુ તેજીથી કામ કરી શકાય તેમ છે.

