ગુજરાત સ્થાપના દિવસ: જય જય ગરવી ગુજરાતની ગાથા

PC: Khabachhe.com

ભારતીય ઉપખંડમાં ગુજરાતે એક પ્રગતિશીલ રાજ્ય તરીકે આગવી ઓળખ ઉભી કરી છે. 6 કરોડની વસતી ધરાવતું ગુજરાત બૃહદ મુંબઈ રાજ્યમાંથી 1960ની પહેલી મેએ અસ્તિત્વમાં આવ્યું. ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે કેટલીક ખાસ વિગતો મમળાવી રાજ્યની અસ્મિતાનો અનુભવ લઈએ.

ગરવી ગુજરાતની અસ્મિતાની વાત જ્યારે સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ કરી હતી. ત્યારે જે રાજ્ય ગૌરવનો અર્થ હતો તે હવેની લોકશાહીમાં ભલે ન હોય પરંતુ એક રાજ્ય તરીકે ગુજરાત દેશ અને વિદેશમાં નામના પ્રાપ્ત કરી ચુકયું છે. પહેલી મે 1960માં બૃહદ મુંબઈના ઉત્તરીય 17 પ્રોવિન્સમાંથી અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા ગુજરાત રાજ્ય માટેની ઈન્દુલાલ યાજ્ઞિકની આગેવાનીમાં લડાયેલી મહાગુજરાતની ચળવળની લોહિયાળ લડત ગુજરાતના ઈતિહાસમનાં સુવર્ણાક્ષરે નોંધાયેલી છે. પંચાવન વર્ષ પૂર્ણ કરી ગુજરાત સમયની સાથે એટલી કરવટ લઈ ચુકયું છે કે જેની કલ્પના મહાગુજરાતના ચળવળકારોએ પણ નહી કરી હોય. ગુજરાતની વસ્તી સેન્સસ-2011 મુજબ છ કરોડ આડત્રીસ લાખથી વધુ છે. જે ભારતની કુલ વસ્તીના 4.99 ટકા છે.

ગુજરાતની રચના સમયે વિધાનસભામાં 132 બેઠકો હતી, જે આજે 182 છે, રાજ્યના સૌપ્રથમ મુખ્યપ્રધાન ડોકટર જીવરાજ મહેતા હતા. દેશની જેમ જ રાજ્યમાં પણ કોંગ્રેસનું એકચક્રી શાસન હતું. રાજ્યના લોકોએ 1971માં રાષ્ટ્રપતિ શાસનનો અનુભવ પણ કર્યો હતો. 1969માં કોમી રમખાણો, 1971માં પાકિસ્તાન સાથેના યુધ્ધ સમયની તંગ પરિસ્થિતિઓ પણ એ સમયની પેઢીઓએ જીવી અને જીરવી જાણી છે. સત્તાના કેન્દ્ર સમાન વિધાનસભા અમદાવાદથી ખસેડીને 1971માં ગાંધીનગર રાજધાની બની અને હાલનું વિધાનસભા બિલ્ડીંગ 1982માં બન્યું.

ગુજરાત રાજ્યએ કેટલીક અનિચ્છનીય ઘટનાઓનો સામનો પણ કર્યો છે. કોમી રમખાણો, દુષ્કાળ, મચ્છુ ડેમ દુર્ધટના, 2001નો ધરતીકંપ જેવી કુદરતી હોનારતો અને 2002માં ગાંધીનગર અક્ષરધામ પર આતંકવાદી હુમલો અને ગોધરામાં સર્જાયેલો સાબરમતી ટ્રેન હત્યાકાંડ અને તેને પગલે થયેલા કોમી રમખાણો આજે પણ ગુજરાતની તસવીરને ધૂમિલ કરે છે.

નર્મદાના પાણી પહોંચાડવાની યોજના પણ તેના અંતિમ ચરણમાં આવતાં ઘણે ઠેકાણે ખેતીમાં ઝડપી વિકાસ શકય બન્યો. અગિયાર વર્ષથી કુદરત પણ રાજી છે અને દુકાળ જેવી આપદા આવી નથી. પાણી, વીજળી વિના ટળવળવાની સ્થિતિ હળવી બનાવવામાં જે થઈ શકે તે ગમે તે રીતે કરવામાં આવ્યું છે. જેને પગલે ગુજરાત પાણી અને વીજળીના મુદ્દે આત્મનિર્ભર બન્યું છે. જે સમગ્રપણે રાજ્યની પ્રગતિની ગતિ ચીંધે છે. ઈન્ફ્રાસ્ટ્રકચરલ ડેવલપમેન્ટ માટે ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ સારું એવું આગળ છે. વેપાર-વાણિજ્યથી ધમધમતા રાજ્યના દરેક ઝોનમાં બે-ત્રણ શહેરોનો ધમધમાટ દેખીતો છે.

વૈશ્વિક મંદીના સમયમાં જ્યારે દેશ અને દુનિયાની ગતિ ધીમી પડી હોય ત્યારે ગુજરાતમાં પણ તેની અસર દેખાઈ છે અને રાજ્યના ઈકોનોમિક ગ્રોથ રેટમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાત સ્ટેટ પ્લાનિંગ કમીશનના સત્તાવાર આંકડા મુજબ 1990માં ગુજરાતનો વિકાસ દર 4.8 ટકા હતો. જે 2006માં 6.9 ટકા થયો. 2008માં 11 ટકા થયો. 

અલબત્ત ગુજરાતીઓ શાંતિપ્રિય અને વેપારિક સુઝબુઝ ધરાવતી પ્રજા તરીકે જાણીતી છે અને ગુજરાતીઓના ડીએનએમાં ઉદ્યોગ સાહસિકતા વણાયેલી છે તે પણ રાજ્યની પ્રગતિનું મુખ્ય એન્જિન છે તેમ કહેવામાં અતિશ્યોક્તિ નથી. ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું અલંગ શિપબ્રેકિંગ યાર્ડ છે. રીલાયન્સની જામનગર સ્થિત રીફાઈનરી દેશની ઈકોનોમીમાં મહત્વની બની ચૂકી છે. રાજ્યમાં ફર્ટીલાઈઝર, પેટ્રોકેમિકલ, ટેક્સટાઈલ, રીફાઈન્ડ ઓઈલ, કેમિકલ, સોડાએશ, સીમેન્ટ, ડેરી ઉદ્યોગ, જેમ્સ એન્ડ જ્વેલરી અને નેનો તાણી લાવ્યા પછી ગુજરાત ઓટોમોબાઈલ હબ જેવી કેટલીક કલગીઓ શોભી રહી છે.

સુરતના ડાયમંડ અને યાર્ન ઉદ્યોગે પણ રાજ્યની પ્રગતિમાં ડંકો વગાડ્યો છે. સીધા વિદેશી રોકાણને ખેંચી લાવવા માટે સંપૂર્ણપણે કોર્પોરેટ સ્ટાઈલ અપનાવી વાઈબ્રન્ટ ગુજરાતના કોન્સેપ્ટે પણ રોજગારીમાં તકો ઉભી કરી આપી છે. ઔધોગિકની સાથે કૃષિક્ષેત્રમાં પણ તમાકુ, કપાસ, મગફળી જેવા રોકડિયા પાક અને ઘઉ, ચોખા, બાજરી, જુવાર જેવા ધાન્ય પાકોની ઉપજ વધી છે, જેમાં નર્મદા નીરે વધુ ભાગ ભજવ્યો છે, રાજ્યને મળેલો સોળસો કિલોમીટર લાંબો દરિયાકાંઠાનો વિકાસ પણ ઘણી રીતે ઈકોનોમીને સહાય કરી રહ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા બહુહેતુક આયોજનો જેવા કે રણોત્સવ, ટુરીઝમ ડેવલપમેન્ટ, સોમનાથ, દ્વારકા, અંબાજી જેવા લોકપ્રિય ધાર્મિક સ્થળોના વિકાસ, દીવ અને સાપુતારા જેવા ફરવાલાયક સ્થળોએ વધેલી સુવિધાઓ અને બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચને રજૂ કરેલું 'ખૂશ્બૂ ગુજરાત કી' નું ફુલગુલાબી ચિત્ર... વિદેશી પ્રવાસીઓને ગુજરાતમાં ફરવા આવતાં કરી દીધા છે, જેને પગલે ફોરેન ટુરિઝમમાં 14 ટકાનો વધારો જોવાયો છે.

ગુજરાત રાજ્ય આજે ભારત માટે વિકાસના મોડલ તરીકે ચર્ચામાં છે અને તેમાં સારાનરસા અનેક મુદ્દાઓ લોકમુખે અને જાણકારોમાં ચર્ચાતા રહે છે અને રહેશે. જો કે શાંતિ અને સમૃધ્ધિભર્યા ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્ન અન્યોના આધારે નહી પણ સ્વબળે ચરિતાર્થ કરવા સદાય મથતી રહેતી ગુજરાતી પ્રજા જ્યા જાય ત્યા સદાકાળ ગુજરાતનો તેનો માહોલ બનાવી જાણે છે તે ચોક્કસ કહી શકાય.

અત્રતત્રસર્વત્ર વસતાં સૌ ગુજરાતીઓને Khabarchhe.comની ટીમ તરફથી રાજ્યના સ્થાપના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp