આજે આખા દેશમાં ડેરી ક્ષેત્રનો સૌથી સારો વ્યવસાય ગુજરાતમાં ચાલે છે: સી.આર.પાટીલ
ગાંધીજયંતિના અવસરે સુમુલ ડેરી દ્વારા સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સાંકરી સ્વામિનારાયણ મંદિર ખાતે 'મહિલા જન ભાગીદારી કાર્યક્રમ' યોજાયો હતો. જેમાં સુરત અને તાપી જિલ્લાના પશુપાલક બહેનોને મોટિવેશન સ્પીકર જય વસાવડાએ પ્રોત્સાહિન પુરુ પાડયું હતું. આ અવસરે આદિજાતી વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આદિજાતી વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યુ કે, આજનો કાર્યક્રમ એ નારીવંદનાનો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા અનામત બિલ પાસ કરી મહીલાઓને ઉચિત સન્માન આપવાનુ કામ કર્યુ છે. રાજ્ય સરકાર 42 હજાર સહાય આપે છે તે આગામી સમયમાં વધારીને 60 હજાર કરવામાં આવશે, સાથે મંડળીઓને સોલાર લાઇટ આપવાનું કામ પણ કરાશે. મહિલાઓના વિકાસ કરવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, બહેનો આજે પોતાના ઘરની જવાબદારી સંભાળવાની સાથે આર્થિક ઉપાર્જન પણ કરી રહી છે. સાથે સમાજની દૂધની જરૂરીયાતો પૂરી કરી સફેદક્રાંતિમાં પણ સહયોગ આપી રહી છે. ઘરમાં પતિની આવક ઓછી હોવાના કારણે બાળકોને ભણાવવામાં અને અન્ય જગ્યાએ કોમ્પ્રોમાઇસ કરવું પડતું હોય છે પરંતુ જ્યારે બહેનો કમાય છે ત્યારે તેઓ પોતાની જરૂરીયાતો અને બાળકોને ભણાવવાથી માંડીને પોતે બચત પણ કરે છે. દૂધ મંડળીઓની જે આવક છે તેમાં બહેનો આત્મવિશ્વાસ દેખાય છે.
તેમણે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન હંમેશા નારી શક્તિને મજબૂત કરવા માટે અનેક યોજનાઓ લાવ્યા છે, તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે યોજનો અમલમાં મૂકી અને તેમની નીતિઓમાં ફેરફાર કરી દૂધના સારા ભાવ મળે તેવું આયોજન કર્યું હતું. આજે આખા દેશમાં ડેરી ક્ષેત્રેનો સૌથી સારો કારભાર ગુજરાતમાં ચાલે છે. દૂધની સફેદ ક્રાંતિ લાવ્યા ત્યારે ડેરીઓને જરૂર પડે ગ્રાન્ટ આપી અને તેમાં વહીવટમાં બહેનોને સમયસર પૈસા મળે તેમજ મંડળીઓના સારા વહીવટને કારણે આજે દૂધના સારા ભાવો મળી રહ્યા છે. બહેનોને માટે સરકાર દ્વારા અકસ્માત વીમો, સુકન્યા સમૃદ્ધિ યોજના અમલમાં મુકવામાં આવી છે.જેના વિષે બહેનોને જાણકારી આપી હતી.
સુમુલ ડેરીના પ્રમુખ માનસિંહભાઈ પટેલે મંડળીની ૧ લાખ ૭૫ હજાર સભાસદ બહેનોના પતિના પ્રધાનમંત્રી સુરક્ષા વીમાનું પ્રીમિયમ સુમુલ ડેરી ભરશે એવી જાહેરાત કરી હતી.
આ કાર્યક્રમમાં દૂધ મંડળી ક્ષેત્રે સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી ટોપ ટેન મહિલા સંચાલિત મંડળીઓનું સન્માન કરાયું હતું.જેમાં સુરત જિલ્લાના ઝાડીફળિયા દેદવાસણ, અંત્રોલી ગોપાલનગર, મોટીનરોલી, દાઉતપોર અને તાપી જિલ્લાના રાયગઢ, પીપલવાડા, હલમુંડી, કેલવણ, જેતવાડી અને તકિયાઆંબા ગામની મહિલા મંડળીઓને સન્માન કરાયુ હતું. સાથે સાથે ઉમદા કામગીરી માટે તાપી જિલ્લાની ખરસી અને ચાપલધારા જ્યારે સુરત જિલ્લાની ધજ અને અંત્રોલી ગામની મહિલા મંડળીઓને સન્માનિત કરાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp