ગુજરાતના હેલ્થ મિનિસ્ટરે જણાવ્યું રાજ્યમાં H3N2 વાયરસના કેટલા કેસ છે

PC: khabarchhe.com

રાજ્યમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ભારે પવન, માવઠું અને કરા પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉનાળાની ઋતુમાં કમોસમી વરસાદ થતા રોગચાળો વકર્યો છે. શરદી, ઉધરસ, તાવ સહિત અન્ય બીમારીઓના કેસમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ કોરોના અને નવા વાયરસ H3N2, H3N1નું સંક્રમણ વધતા કેસમાં વધારો થયો છે. ત્યાર હવે આ મામલે વિધાનસભામાં આરોગ્ય મંત્રીએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

મળતી માહિતી મુજબ, ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાજ્યમાં હાલ નવા H3N2 વાયરસના કારણે એકપણ મોત નોંધાયુ નથી. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં સરકારને સવાલ કર્યો હતો કે, રાજ્યમાં હાલ H3N2ના કારણે શરદી, તાવ, ઝાડા અને ઉલટીના કેસમાં વધારો થયો છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. ત્યારે જવાબ આપતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, હાલ રાજ્યમાં H3N2 વાયરસના કુલ 3 કેસ નોંધાયા છે. આ વાયરસના કારણે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિનું મૃત્યું થયું નથી. તેમણે માહિતી આપી કે, રાજ્યમાં 1 જાન્યુઆરીથી 13 માર્ચ સુધી સિઝનલ ફ્લૂના 83 કેસ નોંધાયા છે, જેમાં માત્ર એક દર્દીનું મોત નિપજ્યું છે.

આરોગ્ય મંત્રીએ કહ્યું કે, 10 માર્ચ, 2023 સુધીમાં રાજ્યમાં H1N1ના 77 અને H3N2ના 3 કેસ નોંધાયા છે. તેમણે ગૃહમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા પરિસ્થિતિ ભાળ મેળવી તૈયારી કરવામાં આવી રહી છે. તમામ સરકારી હોસ્પિટલમાં દવાના સ્ટોક, તબીબોની હાજરી, વોર્ડની સંખ્યામાં વધારો સહિતના મુદ્દાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ સાથે આરોગ્ય મંત્રીએ સાવચેતીના ભાગરૂપે સ્વબચાવ માટે લોકોને માસ્ક પહેરવા અપીલ કરી છે અને લોકોએ ખોટો ભય ફેલાવવાની જરૂર નથી તેમ જણાવ્યું છે. જણાવી દઈએ કે, ભાવનગરમાં ત્યાર સુધીમાં H3N2ના 6 કેસ જ્યારે મહેસાણાની એક યુવતી H3N2 ઈનફ્લુએન્ઝા પોઝિટિવ આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp