ઇગોના ભાર સાથે આપણે કેવી રીતે જીવતા હોઇએ છીએ?

ઇગો રેટિંગમાં ચડઉતર ન હોય ત્યારે શું? ઇગોની વાત આવે ત્યારે આપણે સૌ તરત જ કહી દેતા હોઇએ છીએ કે મારામાં જરાય ઇગો નથી. આનું કારણ એ કે આપણામાંના મોટા ભાગના લોકો અભિમાનને ઇગો માનતા હોઇએ છીએ. અને એ રીતે આપણે કદાચ સાચા હોઇએ છીએ, પરંતુ હકીકત એ છે કે આપણા જીવન સાથે, આપણા વ્યક્તિત્વ સાથે ઇગો સખત રીતે જોડાયેલો હોય છે. આપણી મોટા ભાગની વર્તણુંક પર ઇગોનો પ્રભાવ હોય છે. આપણો ઇગો ઉપર જાય અથવા નીચે આવે ત્યારે તો આપણી વર્તણુંક પર એની ઘેરી અસર થાય જ છે, પરંતુ નોર્મલ સંજોગોમાં પણ આપણે ઇગોના ભાર હેઠળ જ વર્તતા હોઇએ છીએ. ઇગોની અસર હેઠળની માણસની રુટિન લાઇફ કેવી હોય છે? જો આપણે ઇગોની અસરને કેન્દ્રમાં રાખીને વિચારીએ તો દરેક નોર્મલ વર્તણુંક પાછળનું કારણ સરળતાથી સમજી શકાય. ઇગોના ભાર હેઠળની આપણી નોર્મલ વર્તણુંક તથા આપણા નોર્મલ વહેવારની કેટલીક લાક્ષણિકતાઓ સમજવા જેવી છે.
સામાજિક મૂલ્યોના રખેવાળ: નોર્મલ સંજોગોમાં આપણે અન્ય સાથે વહેવાર કરતાં હોઇએ ત્યારે જાણતાં અજાણતાં સામાજિક મૂલ્યોના રખેવાળ તરીકેની કામગીરી પણ કરતાં હોઇએ છીએ. કઇ રીતે? જ્યારે પણ સમાજમાં કોઇ ખોટું કરે ત્યારે એનું સોશ્યલ રેટિંગ નીચે લાવવાનું કામ આપણે સૌ કરતાં હોઇએ છીએ. કોઇ દુકાનદાર જ્યારે બહુ છેતરપીંડી કરતો હોય ત્યારે આપણે એના કરતુત વિશે અન્ય લોકોને વાત કરીએ છીએ. અન્ય લોકો પણ પોતાને અનુભવ થયા પછી એ વાત ચારેય તરફ ફેલાવે છે અને એ રીતે ખોટું કરનાર દુકાનદારની આબરુ ઓછી થાય છે અને આખરે એની અસર એના ધંધા પર પણ થાય છે. આ રીતે આપણે ખોટું કરનારને સજા આપવાનું સામાજિક કામ કરતા હોઇએ છીએ. અલબત્ત, ક્યારેક કોઇના વિશે ખોટી વાતો અને ગોસિપ પણ થતી હોય છે, છતાં લાંબા ગાળે ખોટું કરનારને સમાજ સજા આપે જ છે.
આ જ રીતે સમાજના સૌ કોઇ પોતપોતાની હેસિયત પ્રમાણે રહે, પોતપોતાના સોશ્યલ રેટિંગ અનુસારનું વર્તન કરે એનું પણ આપણે ધ્યાન રાખતાં હોઇએ છીએ. જો કોઇ પોતાની હેસિયત બહારનું વર્તન કરે તો આપણે એની મજાક ઉડાવીએ છીએ અથવા ટીકા કરીએ છીએ. ઉદાહરણ. આપણું ઘરકામ કરતાં બહેન જો ક્યારેક ઓલા કે ઉબેરમાં બેસીને આપણા ઘરે કામ કરવા આવે તો આપણને આશ્ચર્ય થાય, કારણ કે એનું સોશ્યલ રેટિંગ ઘણું નીચું છે. આપણા મનમાં જાતજાતની શંકાઓ પણ પેદા થાય. આપણે એને પુછીએ અને એ જવાબ આપે કે મારા પતિ ઓલાની કાર ચલાવે છે અને જ્યારે એમને આ તરફથી પસાર થવાનું હોય ત્યારે તેઓ મને અહીં સુધી મૂકી જાય છે. એમની વાત કન્વીન્સીગ લાગે અને આપણે વધુ કંઇ ટીકા ન કરી શકીએ ત્યારે આપણે ખાનગીમાં મજાક ઉડાવીશું. કદાચ પડોશી સમક્ષ ટકોર પણ કરીશું કે 'આજકાલ તો કામવાળા પણ ઓલાઉબેરમાં કામ કરવા આવે છે.' ટુંકમાં કોઇ વ્યક્તિ પોતાની હેસિયત બહારનું વર્તન કરે તો સમાજ સરળતાથી એ સહન કરતો નથી. સમાજના હિસ્સા તરીકે આપણે પણ એવું ટિપિકલ વર્તન જ કરીએ. સામાજિક મુલ્યોની રખેવાળીનું કામ ઇગો આપણી પાસે કરાવે છે.
મોટાઇ દેખાડવી, નબળાઇ છુપાવવી: આપણે જાણીએ છીએ કે માણસની મુખ્ય ખ્વાહીશ મોટા બનવાની છે, મોટાઇ પ્રાપ્ત કરવાની હોય છે, પરંતુ એનાથીય મોટી ખ્વાહીશ એ મોટાઇ મેનિફેસ્ટ કરવાની હોય છે, એ મોટાઇ દેખાડવાની હોય છે. ઇગોની આ મુખ્ય ખાસિયત છે. માણસે અત્યાર સુધીમાં જે કંઇ પ્રાપ્ત કર્યું છે એની દુનિયાને જાણ કરવામાં એ આનંદ અનુભવે છે. અજાણ્યા માણસને પોતાની ઓળખ આપતી વખતે માણસ પોતાનું ઇગો રેટિંગ મેનિફેસ્ટ કરતો હોય છે. પોતે હોય એના કરતાં કદાચ થોડું વધુ કહેશે. જેની જરુર ન હોય એવી વાત પણ કહેશે. જેમ કે ડબલ ગ્રેજ્યુએટ થયેલી વ્યક્તિ નવા રહેવા આવેલા પડોશીને એ પોતાની ઓળખાણ આપતી વખતે જરુર ન હોવા છતાં પોતાની એજ્યુકેશન ડિગ્રી વિશેની માહિતિ જરુર આપશે. આપણી મોટા ભાગની વર્તણુંકમાં આપણે જે કંઇ મોટાઇ ધરાવીએ છીએ એનું પ્રદર્શન કરતાં હોઇએ છીએ અને આપણી નબળાઇને છુપાવવાના પ્રયાસ કરતાં હોઇએ છીએ. આની પાછળનું કારણ આપણો ઇગો અને ઇગો રેટિંગ છે.
પરિસ્થિતિ કોઇ પણ હોય, પોતાનું ઇગો રેટિંગ ઉપર હોવાનો દેખાવ કરવાની વૃત્તિ માણસની નોર્મલ વર્તણુંકનો મુખ્ય હિસ્સો હોય છે. બિનકાર્યક્ષમતાને કારણે આપણને કોઇક જગ્યાએ નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હોય તો ભવિષ્યમાં ક્યારેય આપણે એ વાતનો ક્યાંય ઉલ્લેખ નહીં કરીએ. નોકરીની બરતરફી એ નિશ્ચિતપણે સોશ્યલ રેટિંગ નીચે લઇ જતી બાબત છે. આથી એ વાત આપણે છુપી રાખીએ છીએ. આ રીતે આપણું અસલી સોશ્યલ રેટિંગ છુપું રહે છે અને આપણે એ છુપાવેલી હકીકત સાથેના ઉંચા સોશ્યલ રેટિંગ તથા એ અનુસારના ઇગો રેટિંગ સાથે જીવતા હોઇએ છીએ. એ અનુસાર વર્તતા હોઇએ છીએ. કોઇ પોતાની કાસ્ટ છુપાવે છે તો કોઇ પોતાનું ભણતર, કોઇ પોતાના જીવનમાં બનેલી દુખદ ઘટના છુપાવે છે તો કોઇ પોતાની આર્થિક પરિસ્થિતિ.
વિવિધ ઓળખ અનુસારનું વિવિધ વર્તન: જીવનના દરેક ક્ષેત્રમાં, દરેક જગ્યાએ માણસની ઓળખ એકસમાન નથી હોતી. માણસની ઓળખ ઘરમાં અલગ હોય, મિત્રોમાં અલગ હોય અને ઓફિસમાં અલગ હોય છે. અલગ ઓળખને કારણે માણસના ઇગો રેટિંગ પણ અલગ હોય છે અને માણસની વર્તણુંક એ ઇગો રેટિંગ અનુસારની હોય છે. આમ આપણી ઓળખ વ્યક્ત કરવામાં ઇગો કેન્દ્રમાં રહે છે. ઓફિસમાં બોસ તરીકે બહુ ઉંચું ઇગો રેટિંગ ધરાવતો માણસ ઘરમાં પત્નીથી ડરતો હોય એ શક્ય છે. ઘરમાં પતિને પોતાના કહ્યામાં રાખતી પત્ની નોકરી કરતી હોય તો ઓફિસમાં બોસ સામે એનું ઇગો રેટિંગ સાવ નીચે હોઇ શકે.
વાતને વધુ સારી રીતે સમજવા માટે આપણે પચાસ વર્ષના એક ગૃહસ્થ વિશે વિચારીએ. એમનું નામ જતીન ભાઇ છે. જતીન ભાઇ એક પ્રાઇવેટ કંપનીમાં સારા પગાર સાથેની નોકરી કરે છે. એમના પરિવારમાં પત્ની નેહા બહેન છે, જે એક ગૃહિણી છે, પુત્ર સિદ્ધાર્થ એન્જીનીઅરીંગનું ભણે છે અને પુત્રી કિંજલ કોલેજના છેલ્લા વર્ષમાં ભણે છે. જતીન ભાઇને ઘરમાં કોઇ ઇગો નથી, કારણ કે તેઓ પોતાની તુલના કોઇ પરિવારજનની સાથે નથી કરતા. પરિવારમાં કોઇનું સોશ્યલ રેટિંગ હોતું નથી. આમ છતાં પરિવારના વડિલ હોવાને નાતે તેમ જ પરિવાર માટે કમાણી કરતા હોવાને નાતે પરિવારના અન્ય સભ્યો માટે જતીન ભાઇનું સોશ્યલ રેટિંગ ઘણું ઉંચું છે અને એમની સામે પરિવારજનો પોતાનું ઇગો રેટિંગ બહુ નીચું અનુભવે છે. જતીન ભાઇનો સ્વભાવ જરા ગુસ્સાવાળો છે એટલે કોઇ તકરાર થાય તો પરિવારજનો જતીન ભાઇ સાથે ડરીને વર્તે છે. જતીન ભાઇથી કોઇ ભુલ થઇ જાય તોય પરિવારજનો જતીન ભાઇને એ વિશે કશું કહેતા નથી. હવે જતીન ભાઇ જે કંપનીમાં કામ કરે છે ત્યાંના બોસ મિસ્ટર પટેલનું સોશ્યલ રેટિંગ જતીન ભાઇ માટે બહુ ઉંચું છે. આથી ઘરમાં બેફિકર થઇને વર્તી શકતા જતીન ભાઇ ઓફિસમાં, બોસની સામે એ રીતે વર્તી શકતા નથી. બોસ સામેના પોતાના નીચા સોશ્યલ રેટિંગને તેઓ બરોબર સમજે છે. આથી તેઓ બોસ સામે પોતાનું ઇગો રેટિંગ નીચું રાખે છે અને એમની સાથે નમ્રતા ભર્યું વર્તન કરે છે. બોસથી કોઇ ભુલ થઇ જાય તોય તેઓ ચુપ રહે છે.
પોતાના ઘરમાં મળે છે એવો આદર જતીન ભાઇને આડોશપાડોશમાં જતીન ભાઇને મળતો નથી. કારણ કે ઘરની બહાર સૌનું સોશ્યલ રેટિંગ એક સરખું છે. અલબત્ત. કોઇ પડોશી વધુ પૈસાદાર હોય તો એનું સોશ્યલ રેટિંગ વધુ હોય, પરંતુ એ ફક્ત જાણકારી પુરતું. પડોશીઓના એક બીજા સાથેના વર્તનમાં એનાથી ખાસ ફરક પડતો નથી. જો પૈસાદાર પડોશી કોઇ ગેરવાજબી વાત કે વર્તન કરે તો પડોશીઓ એને સંભળાવી દે કે તું પૈસાદાર હોય તો તારા ઘરનો, અમને કોઇ ફરક ન પડે. જતીન ભાઇ પણ પડોશીઓ સાથેના સમાન સોશ્યલ રેટિંગથી વાકેફ છે અને એ અનુસાર જ એમની સાથે તેઓ વર્તન કરે છે. જતીન ભાઇ જ નહીં, એમના પરિવારજનો પણ પડોશીઓ સાથે એ જ ઔપચારિકતાથી વર્તે છે. એમના માટે કોઇ પડોશીનું સોશ્યલ રેટિંગ ઓછું નથી કે કોઇનું વધુ નથી.
જતીન ભાઇનું એક મિત્રવર્તુળ પણ છે, જેમાં મોટા ભાગના મિત્રો વર્ષો જુના છે. દરરોજ નહીં તો અઠવાડિયામાં એક બે વાર આ મિત્રોને જતીન ભાઇ મળે છે. ક્યારેક સૌ મિત્રો પરિવારજનો સાથે પણ એક બરીજાને મળતાં હોય છે. મિત્રોને મળે ત્યારે જતીન ભાઇ અને એમના મિત્રો પોતપોતાના સોશ્યલ રેટિંગને લગભગ ભુલી જાય છે. આ બાબતમાં જતીન ભાઇ તથા મિત્રો એકદમ હળવાશ અનુ ભવે છે, કારણ કે જે મુદ્દે ઇગો રેટિંગ હોય એ વિશે તેઓ ખુલ્લા દિલે એકબીજા સાથે ચર્ચા કરી શકે છે. કોઇ મિત્રને પત્ની સાથે ઇગોને કારણે ઝઘડો થયો હોય તો એ અન્ય મિત્રો સાથે એ વિશે નિખાલસતાથી ચર્ચા કરશે. એકાદ મિત્ર એને ઠપકો પણ આપશે કે તારે બહુ ઇગો ન રાખવો જોઇએ. આમ જુના મિત્રમં ડળમાં સોશ્યલ રેટિંગ તથા ઇગો રેટિંગનો પ્રશ્ન પેદા નથી થતો.
જતીન ભાઇના સગાંવ્હાલા એમનો મુખ્ય સમાજ છે અને સોશ્યલ રેટિંગની બાબતમાં એમની સાથે જતીન ભાઇની મુખ્ય તુલના અને સ્પર્ધા થતી હોય છે. સોશ્યલ રેટિંગની આ સ્પર્ધામાં આર્થિક સ્થિતિ, પરિવારની પ્રતિષ્ઠા, બાળકોના ભણતર તથા એમની સિદ્ધિઓ વગેરે જેવા પરિબળોને ગણતરીમાં લેવામાં આવે છે. પોતાના સગાંવ્હાલા અને સમાજમાં પોતાનું સોશ્યલ રેટિંગ કેટલું છે એનાથી જતીન ભાઇ પુરી રીતે વાકેફ હોય છે. પડોશીઓમાં જેમ સૌ સમાન હોય છે એવું અહીં નથી હોતું. અહી કોઇ જતીન ભાઇથી ઉંચું સોશ્યલ રેટિંગ ધરાવે છે તો કોઇ જતીન ભાઇથી નીચું. જતીન ભાઇ આ દરેક પાસાંને ધ્યાનમાં રાખીને સૌની સાથે વર્તે છે.
લોકોના નોર્મલ વર્તનની એક બોટમલાઇન હોય છેઃ ઉંચા સોશ્યલ રેટિંગ ધરાવનારાને આદર આપવો, એમની સાથે સંબંધ વધારવાની કોશિષ કરવી અને નીચું સોશ્યલ રેટિંગ ધરાવનાર પાસેથી આદરની અપેક્ષા રાખવી. સોશ્યલ રેટિંગની દુનિયામાં આ જ ફંડા ચાલતો છે.
વ્યક્તિવિશેષ પાસાંનું સોશ્યલ રેટિંગ અને વર્તણુંક: જેમ વિવિધ જગ્યા અને ક્ષેત્રોમાં માણસનું સોશ્યલ રેટિંગ અલગ હોય છે એમ માણસના વ્યક્તિત્વના કેટલાક પાસાં પણ એને અલગ સોશ્યલ રેટિંગ અપાવે છે. જતીન ભાઇ જે ઓફિસમાં કામ કરે છે ત્યાં હોદ્દા પ્રમાણેના એમના સોશ્યલ રેટિંગને ઓફિસના સહકર્મચારીઓ સ્વીકારે છે અને એમને માનપાન આપે છે. જતીન ભાઇની ઓફિસમાં એમના જેવો જ હોદ્દો ધરાવતા રમણ ભાઇ નામના એક કર્મચારી પણ કામ કરે છે. હવે જતીન ભાઇ વધુ ભણેલા છે અને એમકોમની ડિગ્રી ધરાવે છે, જ્યારે રમણભાઇ વધુ ભણ્યા નથી. ફક્ત સિનિયોરિટી તથા આવડતના જોરે આ હોદ્દા પર પહોંચ્યા છે. બંનેના હોદ્દા તથા પગાર લગભગ એકસરખા છે, છતાં જતીન ભાઇને એમની ઉંચી શૈક્ષણિક લાયકાતને કારણે ઓફિસના કલીગ્સ વધુ માનપાન આપે છે, જ્યારે રમણ ભાઇનો દરજ્જો સહેજ નીચો ગણવામાં આવે છે. આ જ રીતે જતીન ભાઇની પુત્રી કિંજલની ઇન્ટાગ્રામમાં બહુ સક્રીય છે. વાનગીઓની રેસિપી મુકીને એ લોકપ્રિય બની છે અને એમાંથી એ કમાણી પણ કરે છે. આમ જતીન ભાઇની પુત્રી હોવા ઉપરાંત એ પોતાની પણ એક આગવી ઓળખ ધરાવે છે. એની આ વિશેષ ઓળખને કારણે એનું સોશ્યલ રેટિંગનું ઉંચુ છે અને એ અનુસારના માનપાન પણ એને મળે છે. અમુક લોકો કોઇ પ્રતિષ્ઠીત કંપની કે સંસ્થામાં કામ કરતાં હોવાને લીધે પોતાનું સોશ્યલ રેટિંગ ઉંચુ હોવાનો દાવો કરતા હોય છે તો કેટલાક લોકો ભદ્ર વિસ્તારમાં રહેતા હોવાને કારણે અથવા પોતાની કાસ્ટ કહેવાતી ઉંચી હોવાથી પોતાનું સોશ્યલ રેટિંગ ઉંચુ હોવાનો દાવો કરતાં હોય છે.
છુપી વાતો છતી થવાનો ડર: એક બહુ મહત્વાની ઇગો પ્રેરીત વર્તણુંકની નોંધ લેવાનું જરૂરી છે. મોટા ભાગના લોકોની નોર્મલ વર્તણુંકમાં પોતાના વિશેની છુપાવેલી માહિતિ ખુલ્લી પડી જવાનું મોટું ટેન્શન હોય છે. પોતાના વિશેની નબળી માહિતિ છુપી હોવાને કારણે એમનું ઇગો રેટિંગ ઉંચું હોય છે, પરંતુ છુપી હકીકત બહાર ન આવી જાય એનો ડર તેઓ સતત અનુભવતા હોય છે. આવો ડર સતત અનુભવવો એ નોર્મલ સંજોગોના વર્તનની એક બહુ મોટી ખાસિયત છે. દરેક માણસના જીવનમાં એવી કેટલીક બાબતો હોય છે, એમના જીવનમાં એવી કેટલીક ઘટનાઓ બની હોય છે, જેની જાણ અન્ય લોકોને કરવાનું એમને પસંદ નથી હોતું. આપણા જીવનની કોઇ વાત અન્યોથી છુપાવી હોય ત્યારે એ જાહેર ન થઇ જાય એનો ડર અનુભવતા હોઇએ છીએ. એ વાત ખુલ્લી પડી જાય એવા સ્થળે જવાનું ટાળીએ, એવી વ્યક્તિને મળવાનું ટાળીએ અને એનો ઉલ્લેખ નીકળે એવી વાત કરવાનું ટાળીએ. આમ છતાં આપણે આવું શા માટે કરીએ છીએ એની કોઇને ખબર નથી પડતી.
વૈકલ્પિક ઇગો રેટિંગનો આનંદ: સોશ્યલ રેટિંગ તો ધનસંપત્તિ અથવા સાચી પ્રતિષ્ઠા વધે ત્યારે ઉપર જાય, પરંતુ એવું રોજિંદા જીવનમાં વારંવાર બનતું નથી એટલે લોકોએ સોશ્યલ રેટિંગ વધારવાના કેટલાક વૈકલ્પિક માર્ગ શોધી કાઢ્યા છે. આવો એક વિકલ્પ એટલે બુદ્ધિ અને ચતુરાઇને મોટી સંપત્તિ ગણીને પોતાનું ઇગો રેટિંગ ઉંચુ લઇ જવાનો વિકલ્પ. પોતાની પાસે ધનસંપત્તિના બદલે બૌદ્ધિક સંપત્તિ વધુ હોવાનો દાવો કરીને લોકો પોતાનું ઇગો રેટિંગ વધારવાની કોશિષ કરતાં હોય છે અને એ અનુસારનું વર્તન કરતાં હોય છે. દરેક માણસને એમ લાગે છે કે હું બુદ્ધિશાળી છું, સ્માર્ટ છું. આથી દરેક માણસ પોતાની વાતને સાચી ઠેરવવાની કોશિષ કરતો રહે છે. પોતાની વાત ખોટી હોય તોય એ સાચી હોવાની જિદ કરે છે. પોતાની ભુલ ક્યારેય એ કબુલ કરતો નથી, કારણ કે ભુલ કબુલ કરવાથી એવું સાબિત થાય કે એનામાં બુદ્ધિ ઓછી છે અને એનું ઇગો રેટિંગ નીચે જાય.
વૈકલ્પિક ઇગો રેટિંગ મેળવવા માટેની ઘેલછા આજે ચારેય તરફ ફેલાયેલી જોવા મળે છે. અસલી સોશ્યલ રેટિંગ વધારવાનું મુશ્કેલ છે અને એ પ્રાપ્ત કરતાં સમય લાગે છે, પરંતુ આ વૈકલ્પિપક રેટિંગ તો ઇન્સ્ટન્ટ મેળવી શકાય છે. નક્કર વાતમાં કોઇ દમ ન હોય છતાં લોકો પોતાની વાતને ખરી ઠેરવવા માટે ધમપછાડા કરતા રહે છે. સોશ્યલ મિડિયામાં આ ટ્રેન્ડ સ્પષ્ટપણે જોવા મળે છે. સોશ્યલ મિડિયા પરની લોકોની વર્તણુંકને સમજવા માટેની આ સચોટ રીત છે. લોકો પોતાનું ઇગો રેટિંગ વધુ ઉંચું હોવાના વહેમમાં રહે છે અને એ રીતે તેઓ પોતાનું સોશ્યલ રેટિંગ ઉંચુ હોવાનો ભ્રામક આનંદ મેળવે છે. આમાં નક્કર રીતે કંઇ જ સિદ્ધ કરવાનું નથી હોતું. ફક્ત દલીલો, ટ્રોલિંગ અને ગાળાગાળી. વૈકલ્પિક રેટિંગની ખાસિયત એ છે કે એમાં પોતાના ઇગો રેટિંગને ઉંચું લઇ જવા માટે કોઇની મંજુરી લેવાની જરુર નથી હોતી. કોઇ પ્રમાણપત્રનની જરુર નથી હોતી. માણસ પોતે જ પોતાની જાતને વધુ બુદ્ધિશાળી ઘોષિત કરી શકે છે, એવો દાવો કરી શકે છે અને પોતાની વાતને પકડી રાખીને પોતાની ટંગડી ઉંચી રાખી શકે છે. વૈકલ્પિક રેટિંગ એ અનોર્ગેનાઇઝ્ડ સેક્ટર જેવું છે. એનો વ્યાપ ઘણો છે, પરંતુ એની કોઇ વિશ્વસનીયતા નથી. આમ છતાં આજની ફાસ્ટ લાઇફમાં લોકો વૈકલ્પિક રેટિંગનો આનંદ લઇને પોતાની જાતને છેતરતા રહે છે.
ઇગો રેટિંગની ચડઉતર અનિવાર્ય: તો આ થઇ ઇગોના ભારની વાત. આપણા નોર્મલ જીવનમાં ઇગોના પ્રભાવની વાત. સોશ્યલ રેટિંગમાં કોઇ નોંધનીય ફેરફાર ન થતાં હોય ત્યારની વાત. હવે આપણે જાણીએ છીએ દરેક વ્યક્તિના જીવનમાં ઉતારચઢાવ આવતા જ રહે છે. ક્યારેક એનું સોશ્યલ રેટિંગ ઉપર જાય છે અને ક્યારેક નીચે. માણસનું સોશ્યલ રેટિંગ ઉપર જાય અને નીચે જાય ત્યારે સોશ્યલ રેટિંગના ફેરફારને પગલે એના ઇગો રેટિંગમાં ફેરફાર આવે છે. અને છેવટે એની વર્તણુંકમાં પરિવર્તન આવી જતું હોય છે. આવાં પરિવર્તનો અનેક પ્રકારના હોય છે અને દરેકની અલગ લાક્ષણીકતાઓ હોય છે. આવતા પ્રકરણમાં આપણે એ જોઇશું કે માણસનું સોશ્યલ રેટિંગ ઉપર જાય ત્યારે શું બને છે. એની વર્તણુંકમાં કેવા ફેરફારો થાય છે. ઇગો વિશેની સાવ જ નવી વાતો હવે તમને વાચવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp