જરૂર પડી તો ભીષ્મ ક્યુબ કાર્ગોનો દેશમાં પ્રથમવાર કચ્છમાં ઉપયોગ કરાશેઃ માંડવિયા
ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, કચ્છમાં બિપરજોય વાવાઝોડાના કારણે 7 સંવેદનશીલ તાલુકામાં કોઇપણ પ્રકારની જાન-માલની નુકસાની ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે. ત્યારે આજરોજ કચ્છ જિલ્લામાં તૈયારીની સમીક્ષા હેતુ આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ વહીવટીતંત્ર સાથે બેઠક યોજીને જિલ્લા કલેકટર પાસેથી અત્યારસુધી કરાયેલી તમામ તૈયારીની વિગતો જાણીને ખાસ કરીને દરીયાકાંઠાના 0 થી 5 કિ.મીના વિસ્તારમાં કાચા મકાનમાં તથા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સલામત સ્થળે સંપૂર્ણ સ્થળાંતર કરવા સુચના આપી હતી.
આ સાથે વાવાઝોડા બાદ ઉપસ્થિત થનાર પરિસ્થિતિને પહોંચી વળવા અત્યારથી જ એકશન પ્લાન તૈયાર કરવા તેમાં ખાસ કરીને ભોજન,પાણી, વીજળી અને આરોગ્યની સુવિધા તત્કાલ પૂર્વવત થાય તે જોવા તાકીદ કરી હતી. આજની આ બેઠક દરમિયાન વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતના ચીફ સેક્રટરી રાજ કુમાર જોડાઇને કચ્છની તૈયારી અંગે સમીક્ષા કરીને જરૂરી સૂચના આપી હતી.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના અધ્યક્ષ સ્થાને તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ જિલ્લા પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેકટર અમિત અરોરાએ અત્યાર સુધી કચ્છના સાત તાલુકામાં કરાયેલા સર્વે મુજબ 0 થી 10 કિ.મીમાં 120 ગામ તથા 0 થી 5 કિ.મીમાં 72 ગામમાં અંદાજે 21360 લોકો કાચા મકાનમાં રહેતા હોવાનું જણાઇ આવતા તેમાંથી જરૂરીયાત મુજબ સોમવારથી સ્થળાંતર કામગીરી શરૂ કરાઇ હોવાની વિગત જણાવી હતી. જેમાં અત્યારસુધી 8 હજાર લોકોનું સ્થળાંતર થઇ ચુકયું હોવાનું જણાવીને બાકીના લોકોને જરૂરીયાત મુજબ સાંજ સુધી ખસેડી લેવામાં આવશે તેવી વિગત આપી હતી.
આ સાથે શેલ્ટર હોમ, સંચાર વ્યવસ્થા, મેડીકલ, કંટ્રોલરૂમ, પાણી, ભોજન, જેસીબી, ટ્રેકટર સહિતના સાધનો, નડતરરૂપ વૃક્ષોના ડાળી કટીંગ, હોર્ડીંગ્સ ઉતારવા,સોલાર પેનલ ઉતારી લેવાની સુચના,આરોગ્ય કેન્દ્રોમાં જનરેટર મુકવા, વિન્ડ કંપનીઓને સલામતીના પગલા ભરવાની સૂચના,શેલ્ટર હોમમાં તમામ પ્રકારની વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અધિકારી અને કર્મચારીની નિમણૂક, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ, આ સાથે આરપીએફ,બીએસએફ, કોસ્ટગાર્ડ, આર્મી ,નેવી સહિતની તમામ એજન્સી સાથે સંકલન સહિતની તૈયારી અંગે મંત્રીને વિગતવાર માહિતી જણાવી હતી.
બેઠકમાં પશ્ચિમ કચ્છ એસ.પી ડો.કરણરાજ વાઘેલા તથા પૂર્વ કચ્છના એસ.પી મહેન્દ્ર બગડીયા દ્વારા દરીયાકાંઠાના ખાલી કરાવાયેલા ગામ તથા વિસ્તારમાં પોલીસની તૈનાતી સાથે વાવાઝોડા દરમિયાન કયાંક પણ રસ્તા બ્લોક ન થાય તેમજ સંચાર વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વાયરલેસ સિસ્ટમ સાથેની તમામ તૈયારી કરાઇ હોવાની માહિતી કેન્દ્રીય મંત્રીને આપી હતી.
બેઠક દરમિયાન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના ચીફ સેક્રેટરીએ જોડાઇને કચ્છ જિલ્લામાં વહીવટીતંત્રની તૈયારી તથા અત્યારસુધી થયેલા સ્થળાંતર સહિતની વિગતો મેળવીને જિલ્લા કલેકટરને દરીયાકાંઠાના ગામોમાં ત્વરીત સ્થળાંતર કરાવવા તેમજ વાવાઝોડાની સ્થિતિ દરમિયાન સંચાર વ્યવસ્થા જળવાઇ રહે, ત્વરાએ ઇલેકટ્રીક સપ્લાર્ય પુર્વવત થાય, રસ્તા બ્લોક ન રહે, આરોગ્ય સુવિધા ત્વરીત મળી રહે તે જોવા સૂચના આપી હતી. આ સાથે શેલ્ટર હોમમાં તમામ પ્રકારની જીવન જરૂરીયાતની ચીજો રાખવા જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ બેઠકમાં ઝીરો કેઝ્યુઆલટીના અભિગમ સાથે કામગીરી કરવાનો તંત્રને આદેશ આપ્યો હતો. ખાસ કરીને પ્રાથમિક જરૂરીયાત જેવી કે, વીજળી, પાણીની વિતરણ સુવિધા અને કમ્યુનિકેશન નેટવર્ક વહેલી તકે ફરીથી સ્થાપિત થઇ શકે તે બાબતની ખાસ તકેદારી રાખીને દરિયાકાંઠાના 0 થી 10 કિ.મીમાં આવતા ગામોમાં કાચા મકાન તથા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું 100 ટકા સ્થળાંતર કરવા સુચના આપી હતી. વાવાઝોડા બાદ આરોગ્ય સેવા સુદ્રઢ રહે તે માટે અત્યારથી જ જિલ્લાના મુખ્ય તથા અન્ય આરોગ્ય કેન્દ્રોમાં બેડ, તથા અન્ય આનુસંગિક વ્યવસ્થા અંગેની ચકાસણી કરી લેવા તથા પહેલાથી ભોજન,ફુડ પેકેટ સહિતની તમામ જરૂરી તૈયારીનું આયોજન ઘડી કાઢવા ખાસ તાકીદ કરી હતી. ઉપરાંત મુખ્ય કંટ્રોલરૂમ અને ડયુટી પર મુકાયેલા અધિકારીઓ વચ્ચે યોગ્ય સંકલન થાય તે રીતનું આયોજન ઘડી કાઢવા કલેકટરને સુચના આપી હતી.
તેમણે વાવાઝોડા બાદ જાન-માલના નુકશાનની સ્થિતિને પહોંચી વળવા જરૂર પડશે તો દિલ્લીથી ખાસ ડિજીટલ ટેક્નોલોજીથી સજ્જ ભીષ્મ ક્યુબ ફેસીલીટીને કચ્છમાં ઉતારવાની તૈયારી બતાવી હતી. આ ક્યુબ ફેસીલીટીમાં 34 ક્યુબ હોય છે જેમાં આપત્તિની સ્થિતીમાં જરૂરી જીવન જરૂરીયાતની ચીજોથી લઇને આરોગ્ય સુધીની તમામ ચીજવસ્તુની કીટ એક કમાન્ડથી મેળવી શકાય છે. આ ક્યુબ કાર્ગોને જરૂર પડે તો તત્કાલ ગમે તે સ્થળે હેલીકોપ્ટરની મદદથી કે વાહન દ્વારા ખસેડી શકાય છે. આ સેવા પ્રયોગ દેશમાં પ્રથમવાર જરૂર પડશે તો કચ્છમાં કરાશે તેવું ઉમેર્યું હતું.
બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા નેવી,આર્મી, કોસ્ટગાર્ડ, એનડીઆરએેફ, એરફોર્સના અધિકારીઓએ તેમની તૈયારી અંગે છણાવટ કરીને દરેક સ્થિતિને પહોંચી વળવા તેમની ટીમો તૈયાર હોવાનું જણાવ્યું હતું.
આજની બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલે વાવઝોડા બાદ પાણી નિકાલ, વીજ પુરવઠો ત્વરાએ પુર્વવત થાય તેમજ ખાસ કરીને પમ્પીંગ હાઉસ તેમજ હેડવર્કસમાં વીજળી પૂર્વવત કરવા પર ભાર મૂકયો હતો. ઉપરાંત તંત્ર દ્વારા એનજીઓ સાથે મળીને કરાયેલા પ્લાનીંગને બિરદાવતા લોકોના સ્થળાંતર માટેની કામગીરી તથા સમજુતીમાં સ્થાનિક પદાધિકારીઓની મદદ લેવા સુચન કર્યું હતું . લોકો સાથે પશુઓની સલામતીને પણ જોવા તંત્રને જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp