લગ્ન વિષયક કેસો માટે 300 કિમી સુધી લાંબા થવું પડે તે કેટલું યોગ્ય? નિવૃત્ત જજ

PC: blog.ipleaders.in

દોસ્તો,આજે ઘણા સમયે કાનૂન વિષયક લખવાનું મન થયું. આમ તો કાનુન વિષયક પુસ્તકો લખ્યા છે એ મોટાભાગના મિત્રો જાણે છે. વિષય કાનુન છે, પરંતુ તેની વિપરીત અસર પક્ષકારોને થઈ રહી છે, તે વિષય પર ઘણા ઓછા લોકોનું ધ્યાન ગયું છે, તેથી હું લખવા પ્રેરાઈ છું. કૌટુંબિક વિવાદ સંબંધિત ફેમિલી કોર્ટની રચના કરવામાં આવી, તે સૌ જાણે છે.

આ ફેમિલી કોર્ટ જિલ્લા કક્ષાએ હોય છે, તેમાં જે ન્યાયાધીશો ફરજ બજાવે છે તે જિલ્લા ન્યાયાધીશ ની સમકક્ષ પોસ્ટ છે. ગુજરાતમાં જિલ્લા ન્યાયાધીશને ડેપ્યુટેશન પર ફેમિલી કોર્ટમાં મૂકવામાં આવે છે. મહારાષ્ટ્રમાં સીધી ભરતીથી ફેમિલી કોર્ટના જજની નિમણૂક કરવામાં આવે છે. જિલ્લા ન્યાયાધીશ એવા કેસ ચલાવે છે કે જેમાં ફોજદારી ગુનો સાબિત થાય તો મૃત્યુદંડની સજા, આજીવન કેદની સજા ફરમાવી શકે. એટલે કે, ગંભીર ગુના હોય તેવા કેસ જિલ્લા ન્યાયાધીશ સંભાળતા હોય છે. જેમાં હત્યા, બળાત્કાર, ડ્રગ્સ, ભ્રષ્ટાચાર, એટ્રોસિટી વિગેરેના કેસ તથા સિવિલ અપીલ અને રિવિઝન તથા ક્રિમિનલ અપીલ અને રિવિઝન વિગેરેનો સમાવેશ થાય છે.

ફેમિલી કોર્ટમાં ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 મુજબ ભરણપોષણની અરજી કે કલમ 127 મુજબની ભરણપોષણમાં વધારો કે ઘટાડો એવા ફેરફાર માટે અરજી વિગેરે દાખલ થાય છે, જે તાલુકા કક્ષાએ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ચલાવે છે. એ જ રીતે છૂટાછેડાના કેસ હોય કે લગ્નજીવનના હક્કોના પુનઃસ્થાપન માટેની માટેના દાવા હોય તો તાલુકા કક્ષાએ સિનિયર સિવિલ જજની કોર્ટમાં ચાલે છે, જે ફેમિલી કોર્ટના જજ ચલાવે છે. આ ઉપરાંત વાલીની નિમણૂક માટેની અરજી પણ ફેમિલી કોર્ટમાં થાય છે જે ચલાવવા માટે જિલ્લા ન્યાયાધીશને હુકુમત છે, તે ફેમિલી કોર્ટના જજ ચલાવે છે. વકીલ મિત્રો અને ન્યાયાધીશ મિત્રો આ બાબતથી વાકેફ છે જ. પરંતુ વિગત એટલા માટે જણાવી છે કે જેને કાનૂન સાથે કોઈ નિસ્બતના હોય તેવી વ્યક્તિ પણ આ બાબત સમજી શકે. હવે પક્ષકારોને કઈ રીતે વિપરીત અસર પડે છે તે બાબત સમજીએ.

ધારો કે કોઈ પક્ષકાર, ભરણ પોષણની અરજી કરે અને તેમાં આખરી હુકમ થાય ત્યારે જે પક્ષકારા હુકમથી નારાજ થાય તે આ હુકમને પડકારે. હવે જો આ હુકમ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એ કર્યો હોય તો આ હુકમને જિલ્લા ન્યાયાધીશ પાસે પડકારવાનો રહે. સ્વાભાવિક છે કે કોઈપણ તાલુકા મથકથી જિલ્લા મથક 50 60 કિમીથી દુર નહીં જ હોય અથવા બહુ તો 100 કિલોમીટર જેટલું દૂર હશે. હવે આ બાબતને બીજી રીતે સમજીએ. માની લો કે વલસાડની ફેમિલી કોર્ટે આવી ભરણપોષણની અરજી અન્વયે એ કોઈ હુકમ કર્યો હોય અને તેને પડકારવો હોય તો આ હુકમ માત્ર વડી અદાલતમાં જ અમદાવાદ મુકામે પડકારી શકાય.

ભુજથી, વલસાડથી, જામનગર કે પોરબંદરથી અમદાવાદનું અંતર કેટલું છે તે મારે કહેવાની જરૂર છે ખરી? ડભોઇ તાલુકાની કોર્ટમાં ભરણપોષણની અરજી અન્વયે કોઈ હુકમ થાય તો ત્યાં જો જિલ્લા ન્યાયાધીશનું સીટિંગ હોય તો ત્યાં જ પડકારી શકાય, નહીં તો વડોદરા. પરંતુ જો વડોદરા ફેમિલી કોર્ટમાં આવો હુકમ થયો હોય તો અમદાવાદ આવવું પડે. એટલું જ નહીં ફેમિલી કોર્ટમાં કયા વિસ્તારના લોકો માટે હકૂમત છે તે અંગેનું પણ નોટિફિકેશન હોય છે. તેથી એવું પણ બને કે વડોદરા મુકામે જયુડિશિયલ મેજિસ્ટ્રેટ જે હુકમ કરે તો નારાજ પક્ષકારે જિલ્લા કોર્ટમાં જવાનું, પણ જે પક્ષકારે એ ફેમિલી કોર્ટમાં જવાનું હોય તે પક્ષકારે અમદાવાદ વડી અદાલતમાં આવવું પડે.

બીજી બાબત એ છે કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અને સિનિયર સિવિલ જજના અનુભવ અને ફેમિલી કોર્ટના જજના અનુભવમાં પણ ફરક પડે, કારણ કે કેડરમાં ફરક છે. સક્ષમ તો બંને છે. તો અમુક પક્ષકાર ઓછા અનુભવી એવા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસે જાય જ્યારે અમુક પક્ષકાર જિલ્લા ન્યાયાધીશ કક્ષાના અનુભવી જજ પાસે જાય.

બીજી નોંધપાત્ર બાબત એ છે કે, ભરણ પોષણની મેટર જ્યારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પાસે ચાલે ત્યારે પક્ષકારે પોતાની અરજીની હકીકતો પુરવાર કરવાની રહે છે, તેમણે સોગંદ પર કોર્ટમાં જુબાની આપવી પડે, જ્યારે ફેમિલી કોર્ટ એક્ટની જોગવાઈ મુજબ પક્ષકારે સોગંદનામુ આપવાનું રહે ત્યારબાદ તેની ઉલટ તપાસ થાય. ભારતીય પુરાવાના કાયદામાં એવી જોગવાઈ છે કે પક્ષકારને સરતપાસમાં સૂચક પ્રશ્નો પૂછી શકાય નહીં, અને તેથી જ સરતપાસનું સોગંદનામુ આપી શકાય નહીં. તેમણે કોર્ટમાં આવીને જે પ્રશ્ન પુછાય તેના જ જવાબ આપવાના રહે, પરંતુ તેનાથી વિપરીત ફેમિલી કોર્ટના પક્ષકારે એવું કંઈ કરવું પડતું નથી, માત્ર ઉલત તપાસના જ જવાબ આપવાના રહે છે.

હવે ન્યાયાધીશની વાત કરીએ તો જિલ્લા ન્યાયાધીશ સુધીની કક્ષાએ પહોંચેલા ન્યાયાધીશને ફેમિલી કોર્ટમાં મૂકવામાં આવે ત્યારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અને સીનીયર સિવિલ જજ પાસેથી જે કામ લેવામાં આવે છે તે કરવાનું રહે છે. એક અનુભવી જજ પાસેથી ગંભીર પ્રકારના કેસો ચલાવવાનું કામ લેવાને બદલે આવા પ્રમાણમાં હળવા કામ આપવામાં આવે તેનાથી ગંભીર પ્રકારના જે કેસો નું ભારણ છે તેને વિપરીત અસરો પડે છે.

જ્યારે કાનુન ઘડતી વખતે કોઈ બૌદ્ધિકો, શુભચિંતકોના તેવા મંતવ્ય મેળવવામાં ના આવે ત્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે. ફેમિલી કોર્ટની રચના કરીને પક્ષકારોનું અહીત કરવામાં આવ્યું છે. કારણ કે લગ્ન વિષયક તકરારો માટે 200 કિમી અને 300 કિમી સુધી લાંબા થવું પડે એ કોઈ રીતે યોગ્ય નથી. કારણ કે પક્ષકારોને અમદાવાદ આવવા જવાનું ખર્ચ વધી જાય છે. ઉપરાંત વડી અદાલતના વકીલને રોકવામાં આવે તો તેમની ફી નો ખર્ચ પણ વધી જાય. વડી અદાલતમાં પણ લગ્ન વિષયક તકરારો સમાધાન માટે રાખવામાં આવે છે, જે માટે દૂર દૂરથી પક્ષકાર હોય આવવું પડે. કંઈ સુધારો થઈ શકે એમ છે?

યશોધરા પંડ્યા, નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp