ઈસુદાન ગઢવીને AAP ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનાવાયા, ગોપાલ-અલ્પેશને આ જવાબદારી સોપાઈ

PC: twitter.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે આમ આદમી પાર્ટીને 5 સીટો જીતાવનારા ગોપાલ ઈટાલિયાને પાર્ટીએ મોટી જવાબદારી આપી છે. ગોપાલ ઈટાલિયાને મહારાષ્ટ્રના સહ પ્રભારી અને નેશનલ જોઇન્ટ સેક્રેટરીની જવાબદારી આપવામાં આવી છે. આ સાથે જ અન્ય 7 નેતાઓને પણ વિવિધ જવાબદારી આપવામાં આવી છે.

ગોપાલ ઈટાલિયાની જગ્યાએ ઈસુદાન ગઢવીને ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવી દેવાયા છે. આ સિવાય અલ્પેશ કથીરિયાને સુરત ઝોનના સ્ટેટ વર્કિંગ પ્રેસિડન્ટ બનાવાયા છે. ચૈતર વસાવાને સાઉથ ગુજરાત ઝોનના સ્ટેટ વર્કિંગ પ્રેસિડન્ટ બનાવાયા છે.

ડૉ. રમેશ પટેલને નોર્થ ગુજરાત ઝોનના સ્ટેટ વર્કિંગ પ્રેસિડન્ટ બનાવાયા છે. જગમલ વાળાને સૌરાષ્ટ્ર ઝોનના સ્ટેટ વર્કિંગ પ્રેસિડન્ટ બનાવાયા છે. જેવેલ વસરાને સેન્ટ્રલ ઝોનના સ્ટેટ વર્કિંગ પ્રેસિડન્ટ બનાવાયા છે.

આ સિવાય કૈલાશ ગઢવીને કચ્છ ઝોનના સ્ટેટ વર્કિંગ પ્રેસિડન્ટ બનાવવાની જાહેરાત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે. પાર્ટીએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી આ માહિતી શેર કરી હતી. ઈસુદાન ગઢવીને પ્રદેશ અધ્યક્ષ બનાવાતા તેમના પર મોટી જવાબદારી આવી છે, કારણ કે ટૂંક સમયમાં પંચાયતની ચૂંટણી પણ આવવાની છે અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે તેઓ આના માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરી શકે, તે માટે તેમને સમય મળી રહે એટલે અત્યારે આ અંગે જાહેરાત કરી દેવામાં આવી છે.

થોડા દિવસ પહેલા જ ઈસુદાન ગઢવી ખંભાળીયાની મુલાકાતે ગયા હતા, જ્યાં હાર થવા છતા તેઓ લોકોનો આભાર માનવા પહોંચ્યા હતા, જેમણે તેમને વોટ આપ્યા હતા. આના ફોટો ઈસુદાન ગઢવીએ સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું હતું કે, આજે ખંભાળિયાના વાડીનાર, ભરાણા, સોઢા તરઘડી સહિતના ગામોમાં લોકોનો ચૂંટણીમાં ખુબ સહયોગ આપવા બદલ આભાર માન્યો અને આગામી સમયમાં બનતા કામો કરાવવાની ખાતરી પણ આપી.

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા મોર્ચા તરીકે એન્ટ્રી લીધી હતી અને પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયાને જવાબદારી સોંપવામાં આવી હતી. ગોપાલ ઇટાલિયાને કતારગામ વિધાનસભા બેઠક પરથી ટિકીટ આપવામાં આવી હતી.  ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓ અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા હતા.

આમ આદમી પાર્ટીને ગુજરાતમાં 5 બેઠકો તો પણ મળી , પરંતુ તેના જે સ્ટાર નેતાઓ હતા ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથીરિયા અને જેમને મુખ્યમંત્રી તરીકેનો ચહેરો જાહેર કરવામાં આવ્યા હતા તેવા ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ ચૂંટણીમાં હારી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp