- Kutchh
- જામનગર: આયુર્વેદિક દવાની દુકાન ચલાવનારા 30 વર્ષીય યુવકનું હાર્ટ ઍટેકથી મોત
જામનગર: આયુર્વેદિક દવાની દુકાન ચલાવનારા 30 વર્ષીય યુવકનું હાર્ટ ઍટેકથી મોત
જામનગરમાંથી હચમચાવે એવી ઘટના સામે આવી છે. દુકાનમાં કામ કરતા એક 30 વર્ષીય યુવકને અચાનક હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. દીકરાની અંતિમ યાત્રાના થોડા જ સમય બાદ માતાનું પણ આઘાતમાં હૃદય બેસી જતા મોત નીપજ્યું હતું. માતા-પુત્રના અચાનક મોતથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

મળતી માહિતી મુજબ, જામનગરના મહાલક્ષ્મી ચોક ખાતે છેલ્લા 100 વર્ષથી નાગજીભાઈ વૈદ્યની દવાની પેઢી આવેલી છે. આ પેઢી આયુર્વેદિક દવાઓ માટે ખૂબ જ જાણિતી છે. આ પેઢી ચલાવતા વલેરા પરિવારના 30 વર્ષીય યુવક રાજ વલેરા આ દુકાનનું સંચાલન કરે છે. રાજ વલેરાને કોઈ ગંભીર બીમારી નહોતી. શનિવારના રોજ બપોરે દુકાન પર રાજ વલેરા બેઠા હતા ત્યારે અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.

થોડા જ સમય બાદ રાજને હાર્ટ એટેક આવતા કરૂણ મોત નીપજ્યું હતું. આશાસ્પદ દીકરાના મોતથી વલેરા પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી. દીકરાના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જો કે, દીકરાના અંતિમ સંસ્કારના થોડા જ સમય બાદ માતા ધીરજબેન વાલેરને પણ હૃદય રોગનો હુમલો થયો હતો અને તેમને ત્વરિત નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. આમ ગણતરીના સમયમાં એક સાથે પરિવારના બે સભ્યો ગુમાવતા વલેરા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જ્યારે સમગ્ર વિસ્તારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

