26th January selfie contest

MLAએ સુરતમા શ્રમિક અન્નપૂર્ણા યોજનાનુ ભોજન કેન્દ્ર શરૂ કરાવ્યુ, રૂ.5મા મળશે ભોજન

PC: khabarchhe.com

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આજરોજ સુરત શહેર-જિલ્લાના 18 જેટલા કડિયાનાકા ખાતેથી રૂા.5 માં સાત્વિક ભોજન આપતી ‘‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’’ હેઠળ ભોજન કેન્દ્રોનો શુભારંભ થયો હતો. જે પૈકી શહેરના રાંદેરના રામનગર કડિયાનાકા ખાતેથી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે અને મેયર હેમાલીબેન બોઘાવાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ભોજન કેન્દ્રનો પ્રારંભ થયો હતો. આ અવસરે મંત્રીએ આત્મીયતાના ભાવ સાથે પોતાના હસ્તે શ્રમિકોને ભોજન પીરસ્યું હતું.

આ પ્રસંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબ અને શ્રમિકોના કલ્યાણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે મકાન અને અન્ય બાંધકામક્ષેત્રે જોડાયેલા શ્રમયોગીઓ શહેર-જિલ્લાના 18 ભોજન કેન્દ્રો ખાતેથી માત્ર રૂા.5ના રાહતદરે ભોજનનો સ્વાદ માણી શકશે. ‘કોઈ ભુખ્યો ન સુવે’ તેવી વડાપ્રધાનની પરિકલ્પનાને સાકારિત કરવા માટે સરકાર કાર્ય કરી રહી હોવાનું જણાવી મંત્રીએ ઉમેર્યું કે, શ્રમયોગીઓને રોટલી, સબ્જી, દાળ-ભાત અને સપ્તાહમાં એકવાર મિષ્ટાન્ન સાથેનું પૌષ્ટિક ભોજન પુરૂ પાડવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે શ્રમિકોને ભોજનની સાથે આરોગ્યની દરકાર રાખીને તેઓના કલ્યાણ માટે હરતા-ફરતા ધનવંતરિ આરોગ્ય રથો પણ શરૂ કર્યા છે. જેમાં શ્રમયોગીઓ વિનામૂલ્યે આરોગ્યની સેવાઓ મેળવી શકશે.

 આ અવસરે રાજ્યના શ્રમ આયુકત અનુપમ આનંદ, ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણબોર્ડ-અમદાવાદના સભ્યસચિવ વિશાલ સક્સેના, સુરતના નાયબ શ્રમ આયુકત એમ.સી. કારીયા, કન્સ્ટ્રકશન ઇન્સ્પેકટર એ.બી.ગોરસિયા, શ્રમ અધિકારી એસ.એસ. શાહ, BOCW ના પ્રોજેક્ટ મેનેજર શ્વેતા ડી.ચૌધરી તથા એચ.એસ. પટેલ તેમજ મોટી સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.

 નોંધનીય છે કે, શ્રમિક કલ્યાણ બોર્ડની આ યોજના હેઠળ બાંધકામ શ્રમિકોને એક ઈ-નિર્માણ કાર્ડ મારફતે પોતાના પુરા પરિવાર માટે એક સમયનું ભોજન મળશે. દરેક શ્રમિક પોતાનું ઈ-નિર્માણ કાર્ડ લઈ ભોજનનો લાભ મેળવી શકશે. શ્રમિકોને પોતાના ટિફીનમાં અથવા જમવા માટે ભોજન આપવામાં આવશે. જે શ્રમિકો પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોઇ તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમિકની હંગામી નોંધણી થાય છે અને 15 દિવસ સુધી ભોજન મેળવી શકે છે. વધુમાં બાંધકામ સાઈટ પર 50થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેમને બાંધકામ સાઈટ પર જ ડિલિવરી મળી રહે તે માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

 સુરત શહેરમાં ચીકુવાડી બી.આર.ટી.એસ.ની સામે, પાંડેસરા બમરોલી કૈલાસનગર, ભટાર ચાર રસ્તા, ઉન ચાર રસ્તા પોલીસ ચોકી પાસે, ઉડુપી રેસ્ટોરન્ટ પાસે ઉધના ત્રણ રસ્તા, લલિતા ચોકડી-કતારગામ, રાંદેરના રામનગર ઝૂલેલાલ મંદિરની સામે, પાલનપુર જકાતનાકા, કાપોદ્રા ચાર રસ્તા, પર્વત પાટીયા બ્રિજ પાસે, પર્વત પાટીયા બ્રિજ નીચે, ચોક બજાર, યોગી ચોક, લિબાયત ખાતે નીલગીરી સર્કલ પાસે જયારે જિલ્લામાં બારડોલી તાલુકાની અલંકાર સિનેમા પાસે, કડોદરા ચાર રસ્તા, કીમ ચાર રસ્તા, અંબોલી બસ સ્ટેશન પાસે ભોજન કેન્દ્રો શરૂ થશે. જેથી મોટી સંખ્યામાં શ્રમિકોને પોષણક્ષમ ભોજનસેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ યોજનાના નિયંત્રણ અને સંચાલન માટે બનાવવામાં આવેલા પોર્ટલ પોર્ટલમાંથી જ બાંધકામ શ્રમિકોને ટોકન આપવામાં આવે છે. આ પોર્ટલ સી.એમ.ડેશબોર્ડ અને જનસંવાદ સાથે ઈન્ટીગ્રેશન કરવામાં આવેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp