સુરતના વરાછાની સોસાયટીમાં ઘરમાંથી, રોડ પરથી બધેથી કાદવ જ કાદવ નિકળ્યો

PC: twitter.com

સુરતના વરાછા વિસ્તારમાં મેટ્રો ટ્રેનની જે કામગીરી ચાલી રહી છે તેને લઈને વિઠ્ઠલ નગરના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. મેટ્રો ટ્રેનની આ કામગીરીના કારણે વિઠ્ઠલ નગર સોસાયટીના કેટલાક મકાનોના ડ્રેનેજ હોલમાંથી કિચડ જેવા ફીણ બહાર આવવા લાગ્યા હતા. તો લોકોની ઘરવખરીને નુકસાન પણ થયું હતું.  બેથી ત્રણ કલાકમાં આ ફોમનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું.

સુરતના વરાછા વિસ્તારમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે. ત્યારે મેટ્રોની કામગીરીના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ નગર સોસાયટીમાં મેટ્રોની કામગીરીના કારણે ડ્રેનેજ લાઈનમાંથી કિચડ નીકળવા લાગતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સવારે 11થી 12 વાગ્યા વચ્ચે લોકોના ઘરના ટોયલેટ તેમજ અન્ય ડ્રેનેજ હોલમાંથી આ કિચડ વાળો ફોગ નીકળવાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા આ બાબતે મેટ્રોના અધિકારીઓને માહિતી આપવામાં આવી હતી પરંતુ બેથી ત્રણ કલાક સુધી મેટ્રોના અધિકારીઓ ન પહોંચ્યા હોવાના કારણે પરિસ્થિતિ વધારે વણસી ગઈ. મેટ્રો ટ્રેનની કામગીરીના કારણે વિઠ્ઠલ નગરના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘરની અંદરથી ડ્રેનેજ હોલમાંથી જે ફોમ નીકળી રહ્યો હતો તેને લઈ ઘરની ટાઇલ્સ પણ ઉખડી ગઈ હતી. તો લોકોને ઘરમાં રહેલો ઇલેક્ટ્રીક્સનો સામાન પણ ખરાબ થઈ ગયો હતો અને લોકોને પોતાની ઘરવખરી ઘર બહાર કાઢવાની ફરજ પડી હતી.

તો સ્થાનિક લોકો દ્વારા મેટ્રોના અધિકારીઓને લઈને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે, આ પરિસ્થિતિના કારણે જે નુકસાન થયું છે તેનું વળતર આપવામાં આવે. તો બીજી તરફ આ ઘટનાના બે થી ત્રણ કલાક બાદ મેટ્રોના અધિકારીઓ વિઠ્ઠલ નગર સોસાયટીની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમને કહ્યું હતું કે જે ફોમ જમીનમાંથી નીકળ્યો છે તે કોઈ નુકસાનકારક નથી. મશીનરી જ્યારે ચાલતી હોય છે ત્યારે માટીને ઢીલી કરવા માટે આ ફોમનો ઉપયોગ કરવામાં આવે છે. મેટ્રોના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે આગામી દિવસોમાં જે જે ઘરમાં નુકસાન થયું છે તે લોકોને વળતર મેટ્રો દ્વારા લોકોને આપવામાં આવશે.

બીજી તરફ સ્થાનિક લોકોનું કહેવું છે કે, મેટ્રોના અધિકારી રોજ દિવસમાં બેથી ત્રણ વખત તપાસ કરવા માટે આવતા હતા અને કહેતા હતા કે કોઈ પણ મુશ્કેલી સર્જાય તો તાત્કાલિક સંપર્ક કરવો પરંતુ આજે જ્યારે મુશ્કેલી સર્જાય છે ત્યારે મેટ્રોના અધિકારી બેથી ત્રણ કલાક બાદ મુલાકાતે આવ્યા છે અને તેના કારણે આ પરિસ્થિતિ વધારે ખરાબ થઈ છે. લોકો કહી રહ્યા છે કે મેટ્રોના અધિકારીઓની બેદરકારીને કારણે તેમને આ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આ ઘટનાના ત્રણથી ચાર કલાકના સમય બાદ સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા આ કીચડ જેવા ફોમને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મહત્વની વાત કહી શકાય કે એક પણ જન પ્રતિનિધિ દ્વારા મુશ્કેલીમાં લોકોની મુલાકાત કરવામાં આવી ન હતી. જ્યારે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા. તેમને લોકોની મુશ્કેલી કરતા વધારે કાર્યક્રમને પ્રાધાન્ય આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp