નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલઃ પૈસા છે તો સમાજમાં માનપાન મળશે

PC: financialexpress.com

સોશ્યલ રેટિંગ શું છે? આપણે જોયું કે સમાજમાં ઉંચું સ્થાન, ઉંચો દરજ્જો મેળવવાના હેતુથી લોકો મોટા બનવા માંગતા હોય છે અને મોટાઇ દેખાડવા માટે અન્યો સાથે તુલના કરતા હોય છે. સમાજમાં ઉંચો દરજ્જો હોય તો જ માનપાન મળે. જો બીજા લોકો કરતાં તમારો સામાજિક દરજ્જો ઉંચો હોય તો જ તુલના કરીને તમે વિશેષ પ્રકારનો આનંદ મેળવી શકો. સામાજિક દરજ્જો એ સમાજ દ્વારા આપવામાં આવતું એક અદશ્ય સર્ટિફિકેટ છે. સમાજમાં કોનું સ્થાન નીચું અને કોનુ સ્થાન ઉંચું એ આવાં અદશ્ય પ્રમાણપત્રથી નક્કી થાય છે.

સામાજિક દરજ્જો કેવી રીતે નક્કી થાય છે? કોઇ વ્યક્તિનો સામાજિક દરજ્જો કેટલો ઉંચો અને કેટલો નીચો એ કેવી રીતે નક્કી થાય? કોણ કોના કરતાં કેટલું ઉંચું અને કેટલું નીચું એ કઇ રીતે જાણી શકાય? અહીં એક સ્પષ્ટતા કરી લઇએ કે સામાજિક દરજ્જો એ કોઇ હોદ્દો કે પદ નથી. માણસનો સામાજિક દરજ્જો સમાજમાં માણસનું જે સ્થાન છે એ દર્શાવે છે. જો તમે શહેરના બહુ પ્રતિષ્ઠીત નાગરિક છો તો તમને એ અનુસારનો સામાજિક દરજ્જો મળેલો હોય છે. બીજી મહત્વની વાત એ સમજવાની છે કે માણસનો સામાજિક દરજ્જો સતત બદલાતો રહે છે. એ કાયમી નથી હોતો. એક ક્રિકેટર એક વર્ષથી ખુબ જ સારી રમત રમી રહ્યો છે અને હવે ટીમનો કેપ્ટન બન્યો છે તો ચારેય તરફ એની બોલબાલા છે. એનો સામાજિક દરજ્જો બહુ ઉપર છે. આ દરજ્જો એનું વર્તમાન સ્થાન છે, વર્તમાન સામાજિક દરજ્જો છે. હવે જો એ ફોર્મ ગુમાવી બેસે અને સતત નબળી રમત રમવા લાગે તો શું થાય? એનું સ્થાન તથા એનો સામાજિક દરજ્જો નીચે ઉતરવા લાગે. છ મહિના પછી એનો ટીમમાં સમાવેશ ન થાય એવું પણ બને. અને પછી એનો સામાજિક દરજ્જો સાવ તળિયે આવી જાય. વ્યક્તિના સંજોગો બદલાય એમ એના સામાજિક દરજ્જામાં ચડઉતર થતી રહે છે. આથી સામાજિક દરજ્જાને સોશ્યલ રેટિંગ તરીકે ઓળખવાનું વધુ યોગ્ય છે, કારણ કે સામાજિક દરજ્જો વ્યક્તિનું ફક્ત એક સમયનું સ્થાન દર્શાવે છે. સોશ્યલ રેટિંગ એક સંખ્યાનો અંદાજ આપે છે, બદલાતી પરિસ્થિતિનો અંદાજ આપે છે. સમાજમાં અત્યારે માણસનો જે સામાજિક દરજ્જો છે એ એનું અત્યારનું સોશ્યલ રેટિંગ છે એ યાદ રાખવાનું છે. હવેથી આપણે સામાજિક દરજ્જાને સોશ્યલ રેટિંગ કહીશું. સોશ્યલ રેટિંગ શબ્દ વ્યક્તિના સામાજિક દરજ્જાનો અંદાજ લગાવવામાં અને એની ચડઉતરને સમજવામાં મદદરુપ થાય છે. આ રીતે કોઇ બિઝનેસમેનના સામાજિક દરજ્જાને આપણે કાલ્પનિક રેટિંગ આપીને એમ કહીએ કે એમનું સોશ્યલ રેટિંગ અત્યારે પંચોતેરનું છે. થોડા સમય પછી એમને બિઝનેસમાં નુકશાન થાય, એમની સંપત્તિ ઓછી થઇ જાય ત્યારે એમ કહી શકાય કે એમનું સોશ્યલ રેટિંગ પચાસ પર આવી ગયું. આ રીતે સમાજમાં એમનું સ્થાન નીચે ગયું એનો એક અંદાજ માંડી શકાય, ફક્ત એવું કહીએ કે એમનો સામાજિક દરજ્જો નીચે ગયો તો ચિત્ર એટલું સ્પષ્ટ ન થાય. આથી માણસના સામાજિક દરજ્જાની ચડઉતરને સમજવા માટે સોશ્યલ રેટિંગ શબ્દ પ્રયોગને યાદ રાખવો.

તો હવે એ જોઇએ કે સોશ્યલ રેટિંગના આવા પ્રમાણપત્રો કઇ રીતે આપવામાં આવે છે? અને કોણ એ નક્કી કરે છે? સમાજમાં દરેક માણસને એની લાયકાત અને એની હેસિયત અનુસાર એક ખાસ સ્થાન મળે છે, એનું એક મુલ્ય નક્કી થતું છે. વ્યક્તિનું મુલ્ય નક્કી કરવા માટે સમાજ કેટલાક ધારાધોરણો અને માપદંડ અપનાવતો હોય છે. આ ધારાધોરણોના આધારે સમાજની દરેક વ્યક્તિનું મુલ્ય કે સ્થાન નક્કી થાય છે. આ મુલ્ય જ માણસનું સોશ્યલ રેટિંગ છે. એટલું સમજી લો કે સમાજની દરેક વ્યક્તિનું સમાજમાં સ્થાન ક્યાં છે એ નક્કી થઇ ચુક્યું છે. દરેક વ્યક્તિને એની હેસિયત અનુસારનું સોશ્યલ રેટિંગ મળી ચુક્યું છે. આ રેટિંગ ભલે આંકડામાં નથી આપવામાં આવતું, પરંતુ રેટિંગનો અંદાજ સૌ કોઇ લગાવી શકે છે.
તુલના અને સ્પર્ધાના આ સામાજિક જંગલમાં આપણને મળેલા દરજ્જાથી, રેટિંગથી આપણે વાકેફ હોઇએ કે ન હોઇએ, પરંતુ એનો અહેસાસ અવારનવાર આપણને થતો રહે છે. જેમ દુકાનમાં વેચાતી દરેક ચીજવસ્તુ પર એનો ભાવ લખવામાં આવ્યો હોય છે એમ આપણા દરેકના કપાળ પર આપણા સોશ્યલ રેટિંગનો, એક અદશ્ય ટેગ લાગેલો હોય છે. કોઇનું રેટિંગ ઉંચું તો કોઇનું નીચું. આપણું સોશ્યલ રેટિંગ ક્યાંય સત્તાવાર રીતે નોંધાયેલું નથી હોતું, છતાં આપણી ગેરહાજરીમાં લોકો આપણા વિશે વાતો કરે ત્યારે તેઓ આપણું સોશ્યલ રેટિંગ કેટલું છે એનો ઉલ્લેખ કરતાં હોય છે. જેમ કે 'એમની તો વાત ન થાય, બહુ પૈસા છે, અને માણસ પણ સારા' (ઉંચું સોશ્યલ રેટિંગ) અથવા તો 'મને તો લાગે છે પાર્ટી પટી ગઇ છે, ઉઘરાણીવાળા ઘરે આવતા હોય છે.' (નીચું સોશ્યલ રેટિંગ). આ રીતે આપણા સોશ્યલ રેટિંગથી લોકો વાકેફ જ હોય છે. આપણે પોતે પણ અન્ય લોકોના સોશ્યલ રેટિંગથી વાકેફ હોઇએ છીએ અને એ અનુસાર જ એમની સાથે વહેવાર કરતાં હોઇએ છીએ. આપણે ધનવાન તથા સફળ માણસને અલગ દષ્ટિથી જોતાં હોઇએ છીએ અને અને મધ્યમ વર્ગની વ્યક્તિ સાથેનો આપણો વહેવાર અલગ હોય છે. તમે એક મામુલી વેપારી હોવ તો મોટા ઉદ્યોગપતિ કે ફિલ્મસ્ટારના પરિવારમાં થતાં લગ્નમાં હાજર રહેવાનું આમંત્રણ તમને ન મળે. અરે, તમારી કંપનીના બોસ પણ કદાચ એના પુત્રના ભવ્ય લગ્નપ્રસંગમાં હાજર રહેવાનું આમંત્રણ તમને ન આપે. સાવ સરળ વાત છે.

સોશ્યલ રેટિંગનું વ્યવસ્થાતંત્ર: સોશ્યલ રેટિંગની ગોઠવણ એક સર્વમાન્ય સામાજિક વ્યવસ્થા છે, જેમાં સ્વાર્થ સૌનો છે, પણ જેના પર જોહુકમી કોઇની નથી ચાલતી. એ સ્વયં સંચાલીત છે અને સૌ કોઇ એના ફેંસલાને સ્વીકારે છે. સમાજમાં આવી વ્યવસ્થા ગોઠવાઇ શકી એનું કારણ સમજીએ. માણસ એક તરફ અન્યો સાથેની તુલના દ્વારા પોતાનું ચડિયાતાપણું સાબિત કરીને એનો માનસિક આનંદ લેવા માંગતો હોય છે અને બીજી તરફ માણસ એમ પણ ઇચ્છે છે કે આવી તુલનાઓ અને સ્પર્ધાઓના કારણે સમાજમાં અરાજકતા ન ફેલાવી જોઇએ. સ્પર્ધા જીતવા માટે કોઇ એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર ખોટું દબાણ ન લાવે, એની સાથે જબરજસ્તી ન કરે, કોઇ પોતાના બળનો ઉપયોગ કરીને ઉંચું સોશ્યલ રેટિંગ ન મેળવી લે. આથી જ માણસે હેલ્ધી કોમ્પિટિશન એટલે કે તંદુરસ્ત સ્પર્ધાના વિચારને અપનાવ્યો. તંદુરસ્ત સ્પર્ધાનો સિદ્ધાન્ત કહે છે કે સ્પર્ધા કરો, તમારું ચડિયાતાપણું પુરવાર કરો, એ અનુસારના વળતર અને માનપાન મેળવો, પરંતુ સ્પર્ધાના નીતિનિયમોના દાયરામાં રહીને. તો જ રેફ્રી તરીકે સમાજ તમારા ચડિયાતાપણાને માન્યતા આપશે. ઉદહરણ. તમે કાયદાનું પાલન કરીને કોઇ બિઝનેસ કરો, ખુબ પૈસા કમાવ, કરવેરા ભરો અને તમારી સાથે સંકળાયેલા અન્ય લોકોને એમના હક્કની રકમની પુરી ચુકવણી કરો તો બિઝનેસમાંથી થયેલી તમારી કમાણી તથા પ્રતિષ્ઠાને સમાજ માન્યતા આપે છે. માનપાન આપે છે. આ રીતે સમાજ જે દરજ્જો આપે એનો આનંદ તમે માણી શકો છો. જો તમે બિઝનેસમાં કોઇ બેઇમાની કરો અથવા કરવેરા ન ભરો, તમારા ધંધા સાથે સંકળાયેલા લોકોને પૈસા ન ચુકવો તો તમને પૈસા મળી જાય, પરંતુ પ્રતિષ્ઠા ન મળે. માનપાન પણ ન મળે. તમારું સામાજિક મુલ્ય ઘટે, સોશ્યલ રેટિંગ નીચે જાય. નિયમો સૌને એક સમાન રીતે લાગુ પડતા હો છે. આથી જ સોશ્યલ રેટિંગની ગોઠવણને વ્યાપક સ્તરે માન્યતા મળે છે.

સોશ્યલ રેટિંગ નક્કી કરવાના માપદંડ: સૌથી મોટો પ્રશ્ન એ જાગે કે સમાજમાં માણસને સોશ્યલ રેટિંગ કયા આધારે આપવામાં આવે છે? એના માપદંડ કયા? સોશ્યલ રેટિંગ નક્કી કરવા માટે માણસનું દરેક રીતે મૂલ્યાંકન થતું હોય છે અને એ માટે સદીઓથી ચાલ્યા આવતા સામાજિક માપદંડોને અપનાવવામાં આવતાં હોય છે. માણસનું મુલ્યાંકન અને સોશ્યલ રેટિંગ નક્કી કરવા માટેનો સૌથી મોટો માપદંડ ધનસંપત્તિ છે. મોટા ભાગના કિસ્સામાં માણસ પાસે કેટલી સંપત્તિ છે અને એની આવક કેટલી છે એના આધારે એનું સોશ્યલ રેટિંગ નક્કી થતું હોય છે. ધનવાન વ્યક્તિનો સમાજમાં બહુ મોભો હોય છે અને ગરીબને કોઇ એવાં માનપાન આપતું નથી. ગુજરાતીમાં એક કહેવત છે કે 'નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ.' એટલે કે જો નાથાભાઇ નામની વ્યક્તિ પાસે ધનસંપત્તિ ન હોય તો લોકો એને 'નાથિયો' કહીને બોલાવશે, પરંતુ જો એની પાસે મોટી ધનસંપત્તિ હશે તો લોકો એને 'નાથાલાલ' કહીને આદર સાથે સંબોધશે. જો તમે ગરીબ છો તો તમને એ પ્રકારનું સોશ્યલ રેટિંગ મળે. જો તમે અબજોપતિ છો તો તમને એ મુજબનું રેટિંગ મળે. સોશ્યલ રેટિંગ આપવાનું આ સરળ ગણિત છે. લોકો મોટા નૈતિક મુલ્યોની વાતો ભલે ગમે એટલી કરે, પરંતુ આખરે તો પૈસો જ પરમેશ્વર છે. સોશ્યલ રેટિંગ નક્કી કરવામાં પૈસાનું પરિબળ સૌથી મોટું અને સૌથી ઉપર છે.

સોશ્યલ રેટિંગના વૈકલ્પિક માપદંડ: માણસનું સોશ્યલ રેટિંગ નક્કી કરવા માટે ધનસંપત્તિ સૌથી મોટું પરિબળ છે એ ખરું, પરંતુ ફક્ત એ એકમાત્ર પરિબળ દ્વારા માણસનો સામાજિક દરજ્જો નક્કી નથી થતો. ધનસંપત્તિ સિવાયના પણ કેટલાક વૈકલ્પિક માપદંડ છે, જે સમાજમાં તમારું મુલ્ય વધારે છે અને તમને ઉંચું સોશ્યલ રેટિંગ અપાવે છે. માણસની તથા એના પરિવારની સમાજમાં કેવી પ્રતિષ્ઠા છે તેમ જ માણસે કેવી વ્યક્તિગત સિદ્ધિઓ મેળવી છે એ હકીકતની પણ સોશ્યલ રેટિંગ નક્કી કરવામાં ગણતરીમાં થતી હોય છે. કળા, સાહિત્ય કે ટેકનોલોજીના ક્ષેત્રની ઉત્કૃષ્ઠતા તેમ જ સમાજસેવાને કારણે તમે પ્રાપ્ત કરેલી આબરુ, વગદાર વ્યક્તિઓ સાથેના તમારા સંબંધો, ઊચ્ચ કનેક્શનો વગેરે જેવી બાબતો તમારા સોશ્યલ રેટિંગમાં વેલ્યુ એડિશન કરી શકે છે. બીજી તરફ તમારી પાસે ધનસંપત્તિ હોવા છતાં તમારા વ્યક્તિત્વનાં કોઇ નકારાત્મક પાસાં જાહેર હોય તો એના કારણે તમારું સોશ્યલ રેટિંગ નીચે જઇ શકે છે. જેમ કે ગુનાખોરીનો રેકોર્ડ ધરાવતી અથવા અન્ય કોઇ રીતે બદનામ થયેલી ધનવાન વ્યક્તિનું સોશ્યલ રેટિંગ એના જેટલી જ ધનવાન હોય એવી વ્યક્તિ કરતાં ઘણું નીચું હોવાનું. સોશ્યલ રેટિંગ માટેના માપદંડ વિવિધ સમાજમાં અલગ અલગ હોઇ શકે. દાખલા તરીકે કળાકારોને એક સમાજમાં બહુ આદર મળતો હોય અને બીજા સમાજમાં બિલકુલ આદર ન મળતો હોય એવું બની શકે. સંસ્કારી સમાજમાં ગુનાખોરીનો રેકોર્ડ ધરાવનાર વ્યક્તિનું સોશ્યલ રેટિંગ સાવ નીચે હશે, ભલે એની પાસે ગમે એટલી સંપત્તિ હોય. બીજી તરફ એવા પણ સમાજ હોય છે, જ્યાં વ્યક્તિ સામે નાનાંમોટાં પોલીસ કેસ થયા હોય તો એની વિશેષ નોંધ લેવામાં આવતી નથી. સોશ્યલ રેટિંગના પરિબળો તથા એનો પ્રભાવ નક્કી કરવામાં સંબંધીત સમાજમાં પ્રવર્તતા કલ્ચર તેમ જ વેલ્યુ સિસ્ટમ મુખ્ય ભૂમિકા ભજવે છે.

જોકે સોશ્યલ રેટિંગ નક્કી કરવામાં ધનસંપત્તિ સિવાયના વૈકલ્પિક પરિબળોનું મુલ્ય અનિશ્ચિત સ્વરુપનું હોય છે અને એને દર વખતે સર્વસંમતિ પણ નથી મળતી હોતી. જેમ કે મિડલ ક્લાસના કોઇ વિખ્યાત લેખકને અમુક શ્રીમંતો બહુ માનપાન આપીને એમની વાત સાંભળતા હોય, પરંતુ અમુક શ્રીમંતોને મન આવા લેખકનું કોઇ જ મુલ્ય ન હોય અને એમની સાથે વાત પણ ન કરે એવું બની શકે છે. વેકલ્પિક મુલ્યવાળા સોશ્યલ રેટિંગની બીજી સમસ્યા એ છે કે આવું રેટિંગ લોકો મેનિપ્યુલેટ કરીને પણ ક્યારેક મેળવતા હોય છે અને ક્યારેક અનાયસે જ એમને આવા ઊંચા સોશ્યલ રેટિંગ મળી જતાં હોય છે. ધનસંપત્તિ સિવાયના કેટલાક પરિબળો અલગ અલગ મુલ્યો ધરાવતા લેબલો પર આધારીત હોય છે. જો તમે એનિમલ લવર છો અને એ ક્ષેત્રમાં તમે જાહેરમાં થોડાઘણા સક્રીય હોવ તો એક ખાસ પ્રકારનું ઊચ્ચ લેબલ તમને આપોઆપ મળી જાય છે. આનો અર્થ એવો નથી કે તમે દંભી છો અને તમે એનિમલ પ્રત્યે કરુણાભાવ નથી ધરાવતા, પરંતુ હકીકત એ છે કે હ્રદયમાં કરુણાભાવ ન ધરાવતા લોકો પણ પણ પ્રાણીપ્રેમનો દેખાવ કરીને આવું લેબલ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. હોલીવુડની હીરોઇનો એનિમલ લવરના લેબલ મેળવવા માટેના વિશેષ પ્રયાસ કરતી હોય છે. ગ્રેટા થમ્ બર્ગ નામની એક છોકરી પર્યાવરણ માટે બુમાબુમ કરીને રાતારાત વિશ્વભરમાં પ્રસિદ્ધ થઇ ગઇ. એણે પર્યાવરણપ્રેમીનું ટોપનુ લેબલ મેળવીને પોતાનું સોશ્યલ રેટિંગ વધારી લીધું. ધનસંપત્તિ સિવાયના પરિબળોના લેબલોને કારણે સોશ્યલ રેટિંગ ઉપર ચોક્કસપણે જાય છે, છતાં એના ખરા મૂલ્ય બાબતે હંમેશાં અનિશ્ચિતતા પ્રવર્તતી હોય છે. વૈકલ્પિક મૂલ્યો પર આધારીત ઊંચા સોશ્યલ રેટિંગને લોકો મન ફાવે ત્યારે ફગાવી દેતા હોય છે. સ્વાર્થની કે કામની વાત આવે ત્યારે લોકો ધનસંપત્તિના બેઝિક સોશ્યલ રેટિંગને ધ્યાનમાં રાખીને જ નિર્ણયો લેતા હોય છે. જેમ કે કોઇ ધનવાન સમાજસેવક ગરીબોનો ઉદ્ધાર કરવાની તેમ જ એમની સાથે સમાન વર્તન દાખવવાની વાતો જાહેરમાં બહુ કરશે અને પર્સનલ લેવલ પર પણ કદાચ એ લોકો સાથે બહુ જ પ્રેમભાવથી વર્તશે, પરંતુ જો એનો પુત્ર કે પુત્રી કોઇ ગરીબ પાત્ર સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરશે તો આ સામાજિક મોભી પોતાના અસલી દરજ્જામાં આવી જશે. એટલે કે એ તરત જ પોતાના સોશ્યલ રેટિંગ પર આવી જશે અને બીજાના સોશ્યલ રેટિંગ સાથે સરખાવીને એ અભિમાનથી બોલી ઊઠશે, 'અરે, આપણે ક્યાં અને લોકો ક્યાં? યે રિસ્તા નહીં હો સકતા.'

સોશ્યલ રેટિંગની ખરી ચકાસણી અરેન્જ્ડ મેરેજ માટે વર અને કન્યા તથા એમના પરિવારો વિશે થતી તપાસ અને એના મુલ્યાંકનની પ્રક્રીયા દરમિયાન સાવ ઉઘાડી રીતે થતી હોય છે. જેમ કે પરિવારની સંપત્તિ, એની આવક, પ્રતિષ્ઠા, પરિવારમાં બનેલી કોઇ સુખદ કે દુઃખદ ઘટના વગેરે વિશે ખુલ્લી રીતે તપાસ થાય છે, પુછપરછ કરાય છે. છોકરા અને છોકરીના વ્યક્તિત્વની ઝીણવટભરી તપાસ થાય છે. છોકરાના કોઇ અપલક્ષણો હોય તો એની નોન્ધ લેવાય છે. છોકરીના સંસ્કારની તપાસ થાય છે. અરે શારીરિક દેખાવની બાબતે પણ ખુલ્લી તુલના અને ગણતરીઓ કરવામાં આવે છે. છોકરો બહુ જાડો છે તો એનું રેટિંગ (કાલ્પનિક આંકડો)પચાસ જ ગણાય. એની સામે છોકરી આઠમા ધોરણ સુધી જ ભણી છે તો એનું રેટિંગ પણ પાચસ જ ગણાય. આવી સ્પષ્ટ ગણતરીઓ સામસામે મુકવામાં આવતી હોય છે. ટુંકમાં દરેકનું સોશ્યલ રેટિંગ નક્કી થયેલું હોય છે અને એના આધારે જ સમાજમાં વહેવાર થતાં હોય છે.

સોશ્યલ રેટિંગ અને ઇગો: માણસનું સોશ્યલ રેટિંગ કઇ રીતે નક્કી થાય છે એ આપણે જાણી લીધું. હવે એ સમજવાનું છે કે છેવટે સામાજિક દરજ્જામાંથી, સોશ્યલ રેટિંગમાંથી માણસનો ઇગો કઇ રીતે પેદા થાય છે અને એનું લાગણીમાં કઇ રીતે રુપાંતર થાય છે. ઇગોની સંવેદનશીલતા વિશે અગાઉ કદી ન જાણવા મળેલી કેટલીક અદભુત વાતો અને સ્પષ્ટતાઓ આગામી પ્રકરણમાં સમજીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp