આજે ગુજરાતના દરેક ગામડાઓ સુધી પાક્કા માર્ગ વીજળી અને પાણી પહોંચ્યું: CM પટેલ

PC: khabarchhe.com

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણા ખાતે ત્રિ-દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન મેગા એક્સ્પો -2023નો પ્રારંભ થયો છે. આ અવસરે CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સરદાર ધામ અને ગુજરાત પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન દ્વારા ત્રિ-દિવસીય મેગા એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે તે ખરેખર સરાહનિય છે. ગુજરાત રાજ્યના તત્કાલીન CM અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળથી ગુજરાતમાં શરૂ થયેલી અવિરત વિકાસની સફળતાને કારણે આજે ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. એટલુ જ નહિ, આજે ગુજરાત તમામ ક્ષેત્રોમાં ખુબ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે.

CMએ વધુમાં કહ્યું કે, નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી વિકાસની રાજનીતિને કારણે આજે ગુજરાતના દરેક ગામડાઓ સુધી પાક્કા માર્ગ અને વીજળી પહોંચી છે. વીજળી અને રસ્તાઓ બનવાને કારણે સરળતાથી પાણી પણ ગામડાઓ સુધી પહોંચ્યું છે.

CMએ ઉમેર્યું હતું કે, વિકાસ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સહિત દરેક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે.

CM તાજેતરમાં રાજકોટના જસદણના આટકોટમાં લોકાર્પણ કરેલી અત્યાધુનિક હોસ્પિટલનું ઉદાહરણ આપતા કહ્યું કે, આજે ગ્રામ્ય લેવલે આવી અધ્યતન ટેકનોલોજીથી સજ્જ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે તે આપણા સૌ માટે એક ગર્વની વાત છે. નરેન્દ્ર મોદીએ વિકાસનો મજબૂત પાયો ગુજરાતમાં નાખ્યો હતો તેનો અનુભવ આજે દેશ અને સમગ્ર દુનિયાને થઈ રહ્યો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

CMએ નરેન્દ્ર મોદીની તાજેતરમાં થયેલી વિદેશ યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં કરેલા અવિરત વિકાસના કાર્યોને કારણે ભારતનું નામ આજે વૈશ્વિક સ્તર પર ગાજી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને તો ત્યાં સુધી કહ્યું હતું કે 'મોદી ઇઝ અ બોસ', જે સૌ ભારતના સૌ નાગરિકો માટે એક ગૌરવની વાત છે.

CMએ મહેસાણા ખાતે આયોજિત ગ્લોબલ પાર્ટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝ મેગા એક્સ્પો -2023ની વાત કરતા કહ્યું કે, આ એક્સ્પોમાં 300 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં આ પ્રકારનું આયોજન પ્રથમ વખત થઈ રહ્યું છે. આ એક્સ્પો એટલા માટે પણ મહત્વનો થઈ જાય છે કે પાટીદાર સમાજે તમામ સમાજને સાથે રાખીને આગળ વધવાનો જે પ્રયાસ કર્યો છે તે પણ એક સહરાનીય છે. યુવા ઉદ્યોગકાર અને સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવાનો માટે આ એક્સ્પો અનેક તકો લઈને આવ્યું છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં છેલ્લા 3 વર્ષથી ગુજરાત ટોપ પર છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા દાયકાઓમાં ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આયોજન અને માર્ગદર્શન મુજબ ગુજરાત સતત આગળ વધી રહ્યું છે.વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું અનુકરણ સમગ્ર દેશમાં થઈ રહ્યું છે અને તેણે આજે દેશભરમાં આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ નવી વિકાસની તકો માટે સતત ચિંતન કરતા રહે છે અને માર્ગદર્શન પૂરું પાડતા રહે છે. ગુજરાતમાં સતત ઇનોવેશન અને આવિષ્કારો થઈ રહ્યા છે, સ્ટાર્ટઅપ વિકસી રહ્યાં છે, જે આવનારા સમયમાં ઉદ્યોગ ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે અને દેશને નવી ઊંચાઈએ પહોંચાડવામાં યોગદાન આપશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહેસાણાએ શિક્ષણનું મૂલ્ય સમજીને શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારા પ્રયાસો થયા, પરિણામે મહેસાણા આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. શિક્ષણનો વ્યાપ વધતા જ આજે આટલો વિકાસ સાધી શક્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.

બિઝનેસ મેગા એક્સપો અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આવા ઉપક્રમોને કારણે બિઝનેસમેન એક છત તળે એકત્ર થાય છે અને બિઝનેસના નવા આયામો સર્જાય છે, સાથે સાથે નવી તકો ઉપલબ્ધ થાય છે. ઉદ્યોગ સાહસિકો પરસ્પર નજીક આવે છે અને સહિયારી પ્રગતિ કરે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ દેશ હોય ત્યાં પટેલ સમુદાય અચૂક જોવા મળે છે. પહેલેથી જ શાંતિપ્રિય એવા પાટીદારો દુનિયાભરના દેશોમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે અને દરેક દેશમાં તેમને આવકાર મળી રહ્યો છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજ અન્ય તમામ સમાજને સાથે રહીને ચાલે છે. વિકાસ માટે સૌને સહભાગી બનાવે છે અને નવી તક પૂરી પાડે છે, એવું તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમય સાથે બદલાતી ટેકનોલોજી અને ઇમર્જિંન ઉદ્યોગમાં કૌશલ્યવાન માનવ સંસાધનની જરૂર પડશે, જેને ધ્યાનમાં રાખીને નવી સ્કીલ શીખવતા કોર્સિસ રાજ્યમાં શરૂ થયા છે, એ નોંધનીય છે.

આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સરદારધામ દ્વારા આયોજિત આ એક્સ્પોમાં મને સહભાગી થવાનો અવસર મળ્યો એ મારા માટે આનંદની વાત છે. જ્યારે સમાજ આ પ્રકારે દુરંદેશી વિચારથી કાર્યક્રમોનું આયોજન કરે ત્યારે ચોક્કસથી યુવાધનને દિશા મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, પાટીદાર સમાજના યુવાનોએ 21મી સદીમાં સમાજ માટે શું કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સરકારની કામગીરી વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર વેપાર ઉદ્યોગ ક્ષેત્રને વેગ આપવા 2024માં વાઇબ્રન્ટ સમિટ યોજવા જઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp