પોલીસે 40 કિમી પીછો કરી મહેસાણાથી યુવકને બચાવ્યો, જાણો આખો મામલો શું છે

PC: khabarchhe.com

સિદ્ધપુર શહેરના હાઇવે વિસ્તારમાં તાવડિયા ચાર રસ્તા નજીકથી પ્રેમ પ્રકરણની અદાવતમાં સફેદ રંગની આર્ટિગા કારમાં છરી જેવા હથિયારથી સજ્જ અપહરણકારોએ એક યુવકનું અપહરણ કર્યું હતું. સિદ્ધપુર પી.આઇ. જે.બી. આચાર્યને આ અંગે જાણ થતાં તેમની ટીમે અપહરણકર્તાઓની કારનો 40 કિલોમીટર સુધી પીછો કરી તમામને ઝડપી લીધા હતા.

પોલીસ સૂત્રોથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, સિદ્ધપુર પીઆઇ જે.બી આચાર્ય સિદ્ધપુર શહેરના હાઇવે વિસ્તારમાં તાવડીયા ચાર રસ્તા નજીક પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન એક વ્યક્તિએ તેમને આવીને કહ્યું હતું કે, સાહેબ ત્યાં એક કારમાં કેટલાક છોકરાઓ છરી જેવા હથિયારો લઇને બેઠા છે અને કોઇ એક છોકરાને બેસાડીને કંઇક કરી રહ્યા છે. આ વાત સાંભળી પીઆઇ જે.બી. આચાર્યએ પોતાની ટીમને ઘટના સ્થળ તરફ જવાનું કહેતા પોલીસની એક ગાડી ત્યાં ગઈ હતી. જો કે, પોલીસને જોઈ અપહરણકારોએ પોતાની કાર મહેસાણા તરફ દોડાવી મૂકી હતી.

સિદ્ધપુર પોલીસે વાયરલેસ પર આ અંગે જાણ કરી હતી અને અપહરણકારોની કારનો મહેસાણા સુધી 40 કિલોમીટર જેટલો પીછો કર્યો હતો. ત્યાર બાદ અપહરણકર્તાઓની કારને આંતરી તેમને રોક્યા હતા અને કારમાંથી 6 અપહરણકારોને ઝડપી સિદ્ધપુર પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.

જે યુવકનું અપહરણ થયું હતું તેને બચાવવા સિદ્ધપુર પીઆઇ જે.બી.આચાર્ય અને તેમની પોલીસ ટીમે 40 કિલોમીટર સુધી પીછો કરી મહેસાણા નજીક અપહરણકારોને દબોચી લીધા હતા અને ઊંઝા ખાતેથી પોલીસે અપહરણ કરાયેલા યુવકનો કબજો મેળવી તેને હાથે ઇજાઓ થઇ હોવાથી ધારપુર સારવાર અર્થે ખસેડ્યો હતો. માહિતી મુજબ, આર્ટિગા કાર નંબર GJ 02 EA 1625માં અપહરણ કરવામાં આવ્યું હતું, તે કારમાં પોલીસની પ્લેટ પણ મળી આવી હતી. આથી ઝડપાયેલા આરોપીઓ પૈકી એક આરોપીના પિતા પોલીસ વિભાગમાં જમાદાર હોવાની પણ વિગતો સામે આવી હતી, જેની પોલીસ તપાસ કરી રહી છે.

અર્ટિગા કારમાં અપહરણકર્તાઓ યુવકનું અપહરણ કરી ગયા હતા, જેઓ પાસે છરી જેવા હથિયાર પણ હતા. કારમાં ઝપાઝપી થતા અપહ્યત યુવકને હાથમાં છરીના ઘા વાગતા તે લોહી લુહાણ થયો હતો અને ગાડીમાં પણ લોહીના ડાઘા જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp