વિકાસકામમાં નબળી માનસિકતા રાખી કરાયેલું નબળું બાંધકામ અસ્વીકાર્ય છે: મંત્રી

PC: khabarchhe.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના ચોક્સાઈપૂર્વક આયોજન અને પ્રજાહિતની કામગીરીનું વધુ એક દૃષ્ટાંત સામે આવ્યું છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના દેરોદ ગામે નવીન આંગણવાડી કેન્દ્ર(નંદઘર)ના લોકાર્પણ પ્રસંગે તેમણે રસોડું અને શૌચાલયનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં બાંધકામમાં નબળી કામગીરી અને ઓછી ગુણવત્તાવાળુ સિરામિક જણાતા તુરંત તેને તોડાવી ત્વરિત નવુ બનાવવાનો તેમણે આદેશ કર્યો હતો.

સ્થળ પર જ સમસ્યાનું તુરંત નિવારણ લાવવાની કાર્યશૈલી ધરાવતા શિક્ષણ રાજ્યમંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ દાખલો બેસાડ્યો છે. મંત્રીએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સ્થળ પર રૂબરૂ બોલાવી તાત્કાલિક ધોરણે નબળુ બાંધકામ તોડાવી નવું કામ ચોકસાઈપૂર્વક કરવાની તાકીદ કરી હતી.

આવતા સપ્તાહે ફરીવાર દેરોદ ગામની નવી બનેલી આ આંગણવાડી કેન્દ્ર(નંદઘર)ની જાતમુલાકાત લેશે અને ગુણવત્તાની ચકાસણી કરશે એમ જણાવી મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, CM ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ રાજ્યના લાખો બાળકોના હિતમાં નવી શાળાઓ, વર્ગખંડો, આંગણવાડીઓ બની રહ્યા છે, રાજ્યના કોઈ પણ ખૂણે નિર્માણાધિન આવા બાંધકામની મુલાકાત લઈને હું કામની ગુણવત્તાની ચકાસણી કરીશ, જો કામ નબળું થયું હોવાનું જણાશે તો સખ્ત કાર્યવાહી કરવામાં આવશે, સાથોસાથ દેરોદ ગામની આંગણવાડીની માફક જ તત્કાલ તોડાવીને ફરીવાર ઈજારદારના ખર્ચે યોગ્ય અને ગુણવત્તાયુક્ત બાંધકામ કરાવવામાં આવશે.

રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે કે, ‘રાજ્યની તિજોરીની એક-એક પાઈ રાજ્યના અંતિમ વ્યક્તિની સુખાકારીમાં ઉપયોગી બને અને સરકારનું અંત્યોદયનું ધ્યેય સિદ્ધ થાય, ત્યારે વિકાસકામોમાં નબળી માનસિકતા રાખી કરવામાં આવેલું નબળું બાંધકામ ચલાવી લેવામાં નહીં આવે. દેરોદની આજની ઘટના એવા સૌ લોકો માટે સ્પષ્ટ સંદેશ અને ચેતવણી છે કે જેઓ પ્રજાના નાણાનો દુરૂપયોગ કરે છે અને તેમના હક, સુખસુવિધાઓ પર તરાપ મારે છે’ એમ પાનશેરીયાએ ભારપૂર્વક જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp