રાજકોટ પોલીસે ઉમેદવારોને જમવાનું પણ આપ્યું અને કેન્દ્ર પર પણ પહોંચાડ્યા

PC: khabarchhe.com

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા લેવાયેલ તલાટી કમ મંત્રીની પરીક્ષા સંદર્ભે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીએ માનવતા મહેકાવી હતી. પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડતાઓ ન પડે તે માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉમદા પ્રયાસો સાથે પોતાની ફરજ નિભાવી હતી. ત્યારે લોકરક્ષક પોલીસ વિભાગે સાચા અર્થમાં પરીક્ષાર્થીઓની મિત્ર બનીને તેમની પડખે ઊભી હતી.

રાજકોટમાં કચ્છ જિલ્લાના રાપર ખાતેથી આવેલા પરીક્ષાર્થી ડાહ્યાભાઇ મંજીભાઇ ગારિયાએ જણાવ્યું હતું કે, ન્યારા પાટિયા પાસે આવેલ કોસ્મિક સ્કૂલમાં મારે પરીક્ષા આપવાની હતી. રાત્રિનો સમય ઉપરથી આજુબાજુમાં રહેવા માટે કોઈ હોટલ પણ જોવા મળી નહોતી. તેથી બસ સ્ટેશનમાં સૂવાનો વિચાર કર્યો. પરંતુ બસ સ્ટેશન બાજુમાં જ ચેક પોસ્ટ હોવાથી ત્યાં સુરક્ષિત અનુભવ થશે એવો વિચાર કરીને ત્યાં ગયો. નાઈટ ડ્યુટીમાં ફરજ બજાવતા કમલેશભાઇ, દેવજીભાઇ, ભરતભાઇ અને પંકજભાઇએ માનવતા દાખવીને મારી પાસે આવ્યા અને મારો પરિચય કેળવીને મે જમ્યુ કે નહી?, તેની દરકાર લઈને મારી જમવા રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. હું પોલીસ કર્મીઓનો દિલથી આભાર માનું છું. તેઓની આ મદદને કારણે હું કોઈપણ મુશ્કેલી વિના તલાટીની પરીક્ષા આપી શક્યો છું.

રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ પેટ્રોલિંગ દરમિયાન કોઈ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ન મળતું હોય અથવા કોઇ કારણોસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ અનુભવતા હોય તો ઘણા પરીક્ષાર્થીઓની મદદે આવ્યા હતા અને પોતાના વાહનમાં તેઓને પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોચાડ્યા હતા.

વધુમાં વહીવટી તંત્ર દ્વારા ફરજ પર રોકાયેલ સ્ટાફનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. માલવીયા નગર પોલીસ સ્ટેશન દ્વારા સ્ટાફ તથા પરીક્ષાર્થીઓ માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ જિલ્લા વહીવટી તંત્રએ માનવતાની મહેક પ્રસરાવીને સુખદ અનુભવ સાથે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શકે તેવું વાતાવરણ સર્જ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp