'સાલ્લા મૈં તો સા'બ બન ગયા': ઇગો ઉપર જાય ત્યારે શું બને છે?

જો ખાનદાની રઇસ હૈ વો મિજાજ રખતૈ હૈ નર્મ અપના તુમ્હારા લહજા બતા રહા હૈ, તુમ્હારી દૌલત નયી નયી હૈ ઉર્દુ શાયરા શબીના અદીબ પોતાની આ ગઝલમાં એમ કહે છે કે જે લોકો જન્મથી શ્રીમંત છે એમનો મિજાજ નરમ એટલે કે સંસ્કારી હોય છે, પરંતુ તમે જે ચેનચાળા કરી રહ્યા છો એના પરથી લાગે છે કે તમારી પાસે તાજેતરમાં જ નવાં નવાં પૈસા આવ્યા છે. એટલે કે તમારું સોશ્યલ રેટિંગ છેલ્લા થોડા સમયમાં ઉપર ગયું છે અને એનાથી તમારું ઇગો રેટિંગ રાતોરાજ વધી ગયું છે. તમે એટલા અસ્વસ્થ થઇ ગયા છો કે તમારી વર્તણુંકમાં એની અસર દેખાય છે.
ઇગો રેટિંગ ઉપર જવાનો રોકડો આનંદ: માણસનું ઇગો રેટિંગ ઉપર જાય ત્યારે એ ખુબ જ આનંદ અનુભવતો હોય છે. આમ જોઇએ તો માણસનું ઇગો રેટિંગ ઉપર જાય એ સમયની લાગણી જ માણસના જીવનની આનંદની ક્ષણો હોય છે. પહેલા પ્રકરણમાં આપણે એવોર્ડ ફંક્શનમાં તમે અનુભવેલા આનંદની વાત કરી હતી. સૌની હાજરીમાં તમારું સોશ્યલ રેટિંગ વધ્યું, જેને પગલે તમારું ઇગો રેટિંગ વધ્યું અને તમે આનંદ ઉલ્લાસની લાગણી અનુભવી. તમે ઇગોનો અનુભવ કર્યો. તો માણસનું ઇગો રેટિંગ ઉપર જાય એ સમયની આ એક લાક્ષણિકતા છે. ઇગો રેટિંગ ઉપર જાય ત્યારે માણસ આનંદની લાગણી અનુભવે છે, પરંતુ એ સાથે જ એની વર્તણુંકમાં ફેરફારો થાય છે. સેલ્ફ એસ્ટીમ વિશેના પ્રકરણમાં આપણે જાણ્યું હતું કે સફળતા મળ્યા પછી માણસનો સેલ્ફ એસ્ટીમ ચગી જાય છે અને એની વર્તણુંકમાં પરિવર્તન આવી શકે છે, જે મોટા ભાગના કિસ્સામાં નુકશાનકારક હોય છે. શબીના અદિબે પોતાની ગઝલમાં આવી માનસિકતા અને વર્તણુંકની જ વાત કરી છે. અચાનક વધુ પૈસા આવી ગયા એટલે તમે ચગી ગયા અને ગર્ભ શ્રીમંત જેવી હરકત કરવા લાગ્યા, જે અન્ય લોકોને હાસ્યાસ્પદ લાગે છે. જોકે ઇગો રેટિંગ ઉપર જવાથી દરેક વ્યક્તિ છકી નથી જતી. ઇગો રેટિંગ વધવાની અસર દરેક વ્યક્તિ પર અલગ અલગ હોય છે.
ઇગો રેટિંગ કઇ રીતે ઉપર જતું હોય છે: માણસનું સોશ્યલ રેટિંગ અનેક રીતે ઉપર જઇ શકે છે, છતાં એક વાત નિશ્ચિત છે કે માણસને કંઇક પ્રાપ્ત થાય ત્યારે એનું ઇગો રેટિંગ ઉપર જતું હોય છે. ધન સંપત્તિમાં કે પ્રતિષ્ઠામાં વધારો થાય ત્યારે ઇગો રેટિંગ ઉપર જાય છે. જોકે ઇગો રેટિંગ ઉપર જવાને કારણે મળતાં એક સાવ જ અલગ પ્રકારના એક વિશેષ આનંદ વિશે જાણવાનું પણ રસપ્રદ છે. આ આનંદ છે એક વાર જે બાબતે ઇગો રેટિંગ નીચે ગયું એ જ બાબતમાં ઇગો રેટિંગ ફરી ઉપર જાય ત્યારે માણસ સાવ અલગ પ્રકારનો, આહ્લાદક આનંદ અનુભવે છે. તમારા પરિવારું કોઇ સભ્ય ખોવાઇ ગયું હોય અથવા ઘર છોડીને ચાલ્યું ગયું હોય ત્યારે તમે કંઇક ગુમાવ્યું હોવાની લાગણી અનુભવો. તમારું ઇગો રેટિંગ નીચે જતું રહે. ત્યાર બાદ થોડા સમય પછી પરિવારજન ઘરે પાછું આવી જાય તો તમારું ઇગો રેટિંગ પાછું ઉપર આવી જાય. તમે એક અનોખા આનંદની અનુભુતિ કરો. ક્યારેક ઘરમાં કોઇ કીંમતી ચીજ ખોવાઇ જાય અને ઘણા પ્રયાસો કરવા છતાં એ ન મળે. રાત્રે અચાનક એ ચીજ મળી જાય તો કેવો આનંદ થાય. ફિલ્મનો હીરો પોતાની સાથે થયેલા અન્યાયનો બદલો લેતો હોય એવી અસંખ્ય ફિલ્મો બની છે અને લોકો એ ફિલ્મો વારંવાર જોઇને આ જ પ્રકારનો આનંદ માણતા હોય છે. પહેલા ઇગો રેટિંગ નીચે જાય એનું દુઃખ અને પછી એ જ ઇગો રેટિંગ પાછું ઉપર જવાનો આનંદ. મનોરંજક ફિલ્મો જોવા પાછળનું કારણ આ ઇગો રેટિંગ ઉપર ફીલ કરવાનો આનંદ જ છે.
બદલાયેલું ઇગો રેટિંગ અને બદલાયેલી વર્તણુંક: ઇગો રેટિંગ ઉપર જાય છે ત્યારે માણસના વર્તનમાં પરિવર્તન આવતું હોય છે. કોઇ પણ વ્યક્તિ માટે ઉપર જઇ રહેલા પોતાના સોશ્યલ રેટિંગને પચાવવાનું મુશ્કેલ હોય છે, કારણ કે સોશ્યલ રેટિંગ વધવાની સાથે જ માણસનું ઇગો રેટિંગ પણ ઉપર જાય છે અને ઇગો રેટિંગ ઉપર જવાને લીધે માણસ કેવું વર્તન કરે એનું કંઇ જ નક્કી નહીં. આથી જ ઇગો રેટિંગ ઉપર જાય ત્યારે માણસના વર્તનમાં કેવા ફેરફારો આવી શકે એની ચર્ચા આપણે અહીં કરીશું, જે રિયલ લાઇફમાં બહુ જ ઉપયોગની નીવડી શકે છે.
1. સંબંધો બગાડવા: માણસના જીવનમાં સમસ્યાઓ અનેક કારણોસર હોઇ શકે છે, પરંતુ જે સમસ્યાઓ માણસ પોતે જ પોતાના માટે પેદા કરતો હોય છે એમાંની મોટા મોટા ભાગની સમસ્યાઓનું કારણ ઇગો રેટિંગનાં ઉપર જવાની પ્રક્રીયા છે. ઇગો રેટિંગનું ઉપર જવાથી માણસ આનંદ જ અનુભવે છે, પરંતુ જો પચાવી ન શકે તો એ એના માટે સમસ્યાઓ પેદા કરે છે. મોટા ભાગના લોકો માટે ઉપર જતાં ઇગો રેટિંગને પચાવવાનું સહેલું નથી હોતું. ઇગો રેટિંગ વધે એટલે માણસનો સેલ્ફ એસ્ટીમ ચગી જાય. એ પોતે હોય એના કરતાં પોતાને અનેકગણો ઉંચો માનવા લાગે અને એની અસર એના વર્તનમાં આવે. એની સાથે સંકળાયેલા લોકોને આમેય એની સફળતાથી ઇર્ષ્યા થતી હોય, એવામાં આ ભાઇનું બદલાયેલું વર્તન. આવા સંજોગોમાં જો માણસ સાવધ ન રહે તો માણસ સંબંધો બગાડી નાંખે, બધી ગુડવિલ ગુમાવી બેસે અને પોતાના માટે મુશ્કેલીભરી સ્થિતિનું નિર્માણ કરી દે. અને પછી કદાચ નિષ્ફળતા મળવાનું શરુ થઇ જાય. થોડા જ સમયમાં ઉપર ગયેલું ઇગો રેટિંગ પાછું નીચે આવવા માંડે.
2.મોટાઇ દેખાડવાનો ઉત્સવ: આપણે જાણ્યું હતું કે માણસને મોટાઇ પ્રાપ્ત કરવાની ઝંખના હોય છે અને પછી મોટાઇનું પ્રદર્શન કરવાનો શોખ હોય છે. તો સોશ્યલ રેટિંગ ઉપર ગયું એટલે મોટાઇ આવી ગઇ. હવે એનો દેખાડો કરવાનો. સોશ્યલ રેટિંગ અને ઇગો રેટિંગ ઉપર જાય ત્યારે માણસ સૌથી પહેલું કામ નવી સંપત્તિ અથવા સફળતાનો દેખાડો કરવાનું કરે છે. એ દુનિયાને દેખાડવા માંગતો હોય છે કે હવે હું પહેલા જેવો મિડલ ક્લાસ નથી, હવે હું અમીર છું. હવે મારી પાસે બહુ પૈસા આવી ગયા છે, હવે હું નવાં મોટા ઘરમાં રહું છું, મેં નવી કાર ખરીદી છે. વગેરે. જેની જેની નજરમાં પોતે મિડલ ક્લાસ છે એ સૌને યાદ કરીને એમને પોતાના નવા સ્ટેટસ વિશેની માહિતી આપ્યા વિના માણસને ચેન ન પડે. પોતાના જુના પડોશીઓને વર્ષો સુધી યાદ નહીં કર્યા હોય, પરંતુ હવે કોઇક બહાનું શોધીને એમને મળશે અને પછી હોંશે હોંશે પોતાની નવી સફળતાની એમને જાણકારી આપશે. પૈસા આવવાને લીધે એણે અનેક નવી લક્ઝરી ચીજવસ્તુઓ વસાવી છે, પરંતુ એ લક્ઝરી ભોગવવા કરતાં એની જાણ દુનિયાને કરવાની તાલાવેલી એનામાં વધુ હોય છે. પોતાનું સોશ્યલ રેટિંગ ઉપર ગયું છે એની જાણ લોકોને કરવા માટે માણસ થોડા ઘણા પૈસા વેડફવા પણ તૈયાર થઇ જશે. વિના કારણ કોઇ પાર્ટી આપશે અથવા કોઇ ક્ષુલ્લક પ્રસંગનાં મોટાં સેલિબ્રિશનનું પ્લાનિંગ કરશે અને એની પાછળ મોટો ખર્ચ કરશે. અલબત્ત, આ બધુ લોકોને બતાવવા માટે હોય એટલે સગાંવ્હાલાં તથા મિત્રોને આમંત્રણ આપશે અને હાજર રહેવા માટે આગ્રહ કરશે. મફતમાં મોજ માણીને અમુક મહેમાનો વાહવાહી કરે એટલે ભાઇના પૈસા વસુલ. હવે તો પોતાની સંપત્તિનું પ્રદર્શન કરવા માટે સોશ્યલ મિડિયા પણ ઉપલબ્ધ છે. પોતાની સંપત્તિનું વલ્ગર કહી શકાય એ રીતે સોશ્યલ મિડિયા પર પ્રદર્શન કરતાં માણસ અચકાતો નથી.
3. જુનું હવે કંઇ જ નથી ગમતું: સોશ્યલ અને ઇગો રેટિંગ ઉપર ગયા પછી થોડા સમય સુધી માણસ એનો દેખાડો કરીને એમાંથી આનંદ મેળવતો રહે છે, પરંતુ પછી એને પોતાના સમકક્ષ અથવા પોતાનાથી નીચેના લોકોમાંથી રસ ઉડી જાય છે. હવે એ પોતાના જુના સાથીઓથી એ દુર ભાગવાની કોશિષ કરે છે. જુના સાથીઓ એને પોતાની જુની મિડલ ક્લાસ પરિસ્થિતિની યાદ અપાવે છે, જે એને અસ્વસ્થ બનાવે છે. કોઇ એની જુની ઓળખ, જુના ઇગો રેટિંગ વિશેનો ઉલ્લેખ કરે તો એ પણ હવે માણસને ગમતું નથી. લગ્ન પછી પતિ અથવા પત્નીને મોટી સફળતા મળે ત્યારે દાંપત્ય જીવનમાં ગંભીર સમસ્યા પેદા થઇ શકે છે. જે પાત્રનું સોશ્યલ રેટિંગ વધે એનો પાવર વધી જાય છે અને એની અપેક્ષાઓ વધી જાય છે. પુરુષને મોટી સફળતા મળે ત્યારે મોટા ભાગના કિસ્સામાં સ્ત્રી એટલે કે પત્ની તો પતિના આ નવા રુઆબ સ્વીકારીને લગ્નજીવન બચાવી લે છે, પરંતુ પતિ માટે નવી સફળતા પામેલી પત્નીનું નવું વર્ચસ સહન નથી થતું અને અનેક કિસ્સામાં પતિપત્ની વચ્ચેનું ઘર્ષણ આખરે છુટા પડવામાં પરિણમે છે. લગ્ન પછી સફળતા મેળવનાર અનેક સ્ત્રીઓના લગ્નજીવ ભાંગી પડતા આપણે જોયાં છે. આની પાછળનું કારણ ઉપર જણાવ્યું એ જ હોય છે.
4. મોટા લોકો સાથેની ઉઠબેસના ધખારા: સોશ્યલ રેટિંગ ઉપર ગયા પછી માણસને ફક્ત પોતાનાથી ઉપરના ક્લાસના લોકોમાં જ રસ પડે છે. એ એમના જેવા બનવાની કોશિષ કરે છે. એમની નકલ કરે છે. એને લાગે છે કે હવે તો હું પણ શ્રીમંત છું એટલે મારે પણ એ લોકો જે કરે એ કરવાનું હોય. શ્રીમંતની જેમ તેઓ પણ કોઇ ક્લબના મેમ્બર બને છે, શ્રીમંતો રહેતા હોય એવા બિલ્ડિંગમાં ઘર ખરીદે છે, પોતાના બાળકોને ભદ્ર ગણાતી સ્કુલોમાં દાખલ કરાવે છે. પોતાનાથી ઉપરના સોશ્યલ રેટિંગવાળા લોકો સાથે સંબંધ બાંધવાની પણ કોશિષ તેઓ સતત કરતાં રહે છે. વધુમાં શ્રીમંતોની જેમ તેઓ લાયન્સ ક્લબ કે એવી કોઇ સ્ટેટસ ધરાવતી ચેરીટિ સંસ્થાઓ સાથે પણ જોડાશે અને નાનું મોટું ડોનેશન પણ કરવા લાગશે. ઇગો રેટિંગ ઉપર ગયા પછીની માણસની આવી દરેક હરકતો કૃત્રીમ હશે. શબીના હદીબની ગઝલમાં આ જ વાત છે. નવાં નવાં પૈસા આવ્યા એટલે માણસ શ્રીમંત જેવી હરકતો કરવા લાગે છે, પરંતુ એના એ વર્તન પરથી જ લોકોને ખબર પડી જાય કે તમારી પાસે તો હમણા હમણાં જ પૈસા આવ્યા છે. તમારો મુળ ક્લાસ અલગ છે.
5. લાંબા સાથે ટુંકું જાય: કેટલાક લોકો હંમેશાં પોતાના ઇગો રેટિંગને વાસ્તવિક સોશ્યલ રેટિંગથી ઘણું વધુ ઉપર હોવાનો વહેમ ધરાવતા હોય. આવા લોકોનું ઇગો રેટિંગ નાની સફળતાને પગલે ઘણું વધુ ઉપર જતું રહે છે. પોતાના ઇગો રેટિંગને તેઓ વધુ પડતું ઉંચું ધારી લે છે અને પોતાનાથી અનેકગણું ઉંચું સોશ્યલ રેટિંગ ધરાવતા લોકો સાથે સ્પર્ધા કરવા લાગે છે. એમને પડકાર ફેંકે છે. સમજી શકાય એવી વાત છે કે આવી સ્પર્ધામાં તેઓ ફાવી શકતા નથી કારણ કે જેમની સાથે તોએ સ્પર્ધામાં ઉતરે છે એ લોકો સફળતાને પચાવી ચુકેલા હોય છે અને તેઓ સ્પર્ધાની દરેક ટ્રીક્સમાં માહેર હોય છે. નવાં આવેલા ખેલાડીને તેઓ આસાનીથી પછડાટ આપી દે છે. આના પરથી જ કદાચ કહેવત બની છે કે 'લાંબા સાથે ટુંકુ જાય, મરે નહીં તો માંદુ થાય.' સોશ્યલ રેટિંગ ઉપર ગયા પછી માણસ એનો દેખાડો કરે કે મોટા લોકો સાથે કમ્પિટિશન કરે એમાં એને બહુ મોટું નુકસાન થતું નથી, પરંતુ ઇગો રેટિંગ વધવાને કારણે માણસ બીજી કેટલીક એવી જોખમી વર્તણુંક કરવાં લાગે છે, જેના લીધે એને મોટું નુકશાન થઇ શકે છે. પોતાનાથી વધુ મોટા લોકો સાથે સ્પર્ધામાં ઉતરવું એ આવી જોખમી વર્તણુંક છે.
6. જોખમી ઓવરકોન્ફિડન્સ: સોશ્યલ રેટિંગ વધવાને પગલે માણસ પોતાના ઇગો રેટિંગને ઘણું વધુ ઉપર માની લે ત્યારે અનેક સમસ્યાઓ પેદા થતી હોય છે. સેલ્ફ એસ્ટીમવાળા પ્રકરણમાં આપણે જાણ્યું હતું કે થોડી સફળતાને પગલે માણસનો સેલ્ફ એસ્ટીમ અસાધારણ રીતે વધી જાય છે, જેને પગલે એ ક્યારેક બહુ મોટું અને જોખમી સાહસ કરી નાંખતો હોય છે. ઇગો રેટિંગ ઉપર જવાને લીધે એનો આત્મવિશ્વાસ વધુ પડતો ઉપર જાય છે. ધંધાની બાબતમાં ઓવર કોન્ફિડન્સને પગલે કરવામાં આવેલું સાહસ ક્યારેક માણસે બહુ મોટી મુશ્કેલીમાં મુકી દેતું હોય છે. ધંધાની અનેક મોટી નિષ્ફળતાઓ પાછળ આવું કારણ જવાબદાર હોય છે. બને છે કે એવું કે ધંધામાં ઉપરા ઉપરી સફળતા મેળવાનાર વ્યક્તિનું ઇગો રેટિંગ બહુ જ ઉપરના સ્તરે જતું રહે છે. એને લાગે છે કે હું જે ધંધામાં હાથ નાખું એમાં મને સફળતા જ મળે છે, કારણ કે હું મિડાસ ટચ ધરાવું છું. જેને હાથ લગાડું એ સોનુ બની જાય છે. આવા ઓવર કોન્ફિડન્સના સાથે વિચારનાર બિઝનેસમેનના મનમાં પછી કોઇ બહુ મોટી સફળતા મેળવવાની મહત્વકાંક્ષા જાગે છે અને અત્યાર સુધી કદી ન કર્યું હોય એવું મોટું સાહસ કરવાનું એ નક્કી કરે છે. પોતાની સઘળી મિલકત દાવ પર લગાવી દે છે અને બહારથી પણ પૈસા ઉધાર લે છે. હવે જો કોઇક કારણસર સાહસ નિષ્ફળ જાય તો બિઝનેસમેન રાતોરાત મહેલમાંથી ઝુંપડીમાં આવી જાય. વિજાય માલ્યાએ એરલાઇન્સનું દુઃસાહસ કર્યું એ પહેલા કેવા સુખી હતા. નવાં સાહસમાં મળેલી નિષ્ફળતાનું કારણ કોઇ પણ હોય, પરંતુ એક વાત તો નક્કી કે બિઝનેસમેને પોતાના અતિ ઉંચા ઇગો રેટિંગને પગલે બહુ જ ઝડપથી, વધુ રિસર્ચ કે તૈયારી કર્યા વિના સાહસ કર્યું હતું, જેની ભુમિકા નિષ્ફળતામાં બહુ મોટી હતી. જો સાહસ હાથ ધર્યું એ પહેલા બિઝનેસમેનું ઇગો રેટિંગ એટલું ઉપર ન હોત તો સાવધ રહ્યા હોત. બીજી અનેક તપાસ કરી હોત, વધુ લોકોની સલાહ લીધી હોત. એનાથીય આગળ વિચારીએ તો સાહસ હાથ ધર્યા પહેલા જો બિઝનેસમેનને કોઇ નિષ્ફળતા મળી હોત અને એને પગલે એનું ઇગો રેટિંગ નીચે ગયું હોત અને એણે નવું સાહસ કરતાં પહેલા દશ વિચાર વિચાર કર્યો હોત. અને એવી પુરી શક્યતા હોત કે આ નુકસાનકર્તા સાહસ એણે હાથ ધર્યું જ ન હોત. આમ સોશ્યલ રેટિંગ ઉપર જવાને પગલે ઇગો રેટિંગનું ઉપર જવું એ બહુ જ જોખમી સ્થિતિ છે. એ તબક્કે માણસે બહુ જ સાવધ રહેવું જોઇએ.
7.રુઆબ અને ઉદ્ધતાઇ: ઇગો રેટિંગ ઉપર જવાને પગલે માણસ પોતાને નુકશાન થાય એવું વર્તન તો કરતો જ હોય છે, તો બીજી તરફ આ સ્થિતિમાં માણસ બીજાને નુકશાન થાય એવું વર્તન કરવાની ટેન્ડન્સી પણ વિકસાવતો હોય છે. નવું સોશ્યલ રેટિંગ આવ્યા પછી માણસ પોતાની નજીકના માણસોથી દુર ભાગે છે અને પોતાના જુના મિત્રો સગાંને એવોઇડ કરે છે એ આપણે જોયું. આવી સ્થિતિમાં ક્યારેક માણસનું વર્તન એથીય ખરાબ સ્તરે પહોંચી જાય છે. ઇગો રેટિંગ વધી જવાને પગલે ઘણીવાર માણસ પોતાના સમકક્ષ કે પોતાનાથી નીચેના માણસો સાથે ખરાબ વર્તન કરવા લાગે છે. એમના પર રુઆબ કરે છે અને ક્યારેક એમની સાથે અભદ્ર ભાષામાં વાત કરે છે. પોતાનું સોશ્યલ રેટિંગ વધ્યું એના કારણે પોતે અન્ય લોકો કરતાં બહુ મોટો એવી માન્યતાને લીધે એ અન્ય લોકોને નીચે માનવા માંડે છે એટલું જ નહીં, એમના પર વર્ચસ જમાવવાનો, એમને ડોમિનેટ કરવાનો પોતાને હક્ક મળી ગયો એવું એ માનવા માંડે છે. આવી માન્યતાનો પડઘો એના વર્તનમાં આવે છે, જેને પગલે એ અન્ય લોકો સાથે ઉદ્ધતાઇથી વર્તે છે. પરિણામે સંબંધો બગડે છે અને એની ઇમેજ પણ બગડતી જાય છે. આવાં વર્તનને કારણે ક્યારેય એનું પોતાનું અપમાન પણ થઇ જાય છે.
8.પરપીડન વૃત્તિ: ઇગો લેવલ ઉપર ગયા પછી કેટલાક માણસોમાં પરપીડન વૃત્તિ આવી જાય છે અને તેઓ બીજાને, ખાસ તો પોતાનાથી નીચેના સ્તરના લોકોને હેરાન કરે છે, એમનું એમનું અપમાન કરે છે. આવી પરપીડન વૃત્તિ વિકસવા પાછળનું મુળ કારણ કોઇ પણ હોઇ શકે, પરંતુ એક દેખીતું કારણ એ છે કે આવા લોકોના મનમાં એવી ખોટી માન્યતા ઘુસી જાય છે કે અન્ય લોકોને નીચા પાડવાથી પોતાની ઉંચાઇ પુરવાર થાય છે. એટલે કે અન્ય લોકોનું સોશ્યલ રેટિંગ અથવા ઇગો રેટિંગ નીચું પાડવાથી પોતાનું ઇગો રેટિંગ ઉપર હોવાનું સાબિત થાય છે. સામાન્ય ભાષામાં એવું કહેવાય છે કે પોતાનો ઇગો સંતોષવા માટે તેઓ અન્યોને અપમાનીત કરે છે. પરપીડન વૃત્તિમાં લોકોને કોઇ પિશાચી આનંદ મળતો હશે, કારણ કે કોઇને હેરાન કરીને પછી તેઓ હસતાં હોય છે. એક વાર પરપીડન વૃત્તિમાંથી મળતા કહેવાતા આનંદનો સ્વાદ ચાખી ગયા પછી આવા લોકોની પરપીડન વૃત્તિ વધતી જ જાય છે. પરપીડન વૃત્તિના અનેક પ્રકારો હોય છે, જેમાંનો એક પ્રકાર છે કોઇને જાહેરમાં અપમાનીત કરવાનો, એમને અપશબ્દો કહેવાનો. પોતાનું ઇગો રેટિંગ ઉપર જવાને પગલે અનેક લોકો પોતાનાથી મોટી ઉંમરના વડિલ જેવા લોકોનું અપમાન કરવા માંડે છે. તેઓ એવું માનવા લાગે છે કે સામેની વ્યક્તિ ઉંમરમાં મોટી છે તો શું થઇ ગયું, સ્ટેટસમાં તો હું તો મોટો માણસ છું. ઘરમાં દીકરો વધુ પૈસા કમાવા માંડે એ પછી પોતાના પિતાનું અપમાન કરવા માંડે એવી ઘટના બનતી જ હોય છે. પરપીડન વૃત્તિનું એક બિભત્સ સ્વરુપ એટલે ક્રુર રમુજ. ઇગો રેટિંગ ઉપર ગયા પછી લોકો અન્ય લોકોને અપમાનીત કરવા માટે જે હરકતો કરે છે એમાં ક્રુર રમુજ વૃત્તિ સૌથી વધુ અસરકારક પુરવાર થાય છે. ઘણી વાર ગાળ કરતાં ક્રુર રમુજ વધુ તકલીફ આપતી હોય છે. તમે જાહેરમાં કોઇને અપશબ્દ કહીને એનું અપમાન કરો ત્યારે એ વ્યક્તિ સમસમી જાય અને ત્યાં હાજર રહેલા લોકો ચુપ રહે. પરંતુ તમે જ્યારે કોઇ વ્યક્તિને જાહેરમાં રિડિક્યુલ કરવાના હેતુથી એને નીચે ઉતારી પાડતી મજાક કરો ત્યારે એ વ્યક્તિને તો તકલીફ થાય જ, ત્યાં હાજર રહેલા અન્ય લોકો પણ તમારી વાત પર હસે એટલે અપમાનીત વ્યક્તિની પીડા વધુ ઘણી વધુ તકલીફદાયક બને. ક્રુર રમુજ કરનાર વ્યક્તિ પણ જાણે આવી મજાકમાંથી રાક્ષસી આનંદ મેળવતી હોય એ રીતે અટ્ટહાસ્ચ કરતી હોય છે.
9.થેન્કલેસ માણસ: ઇગો રેટિંગ ઉપર જાય ત્યારે માણસમાં એક પ્રકારની જે ઉદ્ધતાઇ આવતી હોય છે એમાં એ પોતાના પર કોઇએ કરેલા ઉપકારને ભુલી જતી હોય છે. સફળતા માટેની બધી જ ક્રેડિટ પોતે જ લેવા માટે પ્રામાણીકતા ખોઇ બેસે છે. આપણે ઘણા લોકો પાસે એવું સાંભળીએ છીએ કે હવે એની પાસે પૈસા આવી ગયા છે એટલે મેં કરેલા ઉપકારને એ ભુલી ગયો. થેન્કલેસ માણસ.
તો આ પ્રકરણમાં આપણે જોયુ કે માણસનું સોશ્યલ રેટિંગ જ્યારે ઉપર જાય ત્યારે એની સાથોસાથ માણનું ઇગો રેટિંગ પણ ઉપર જાય છે અને આ નવાં ઇગો રેટિંગને પચાવવાનું બહુ મુશ્કેલ છે. ઉપર ગયેલા ઇગો રેટિંગના નશામાં જો માણસ સાવધ ન રહે તો અનેક ભુલો કરી બેસે છે અને એનાથી એને પોતાને તેમ જ એની આસપાસના લોકોને મોટું નુકસાન પહોંચી શકે છે. આવતા પ્રકરણમાં આપણે એ જોઇશું કે માણસનું સોશ્યલ રેટિંગ નીચે જાય અને એને પગલે એનું ઇગો રેટિંગ નીચે જાય ત્યારે શું થાય છે. એ સમયની એની વર્તણુંક વિશે જાણવાનું બહુ જ રસપ્રદ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp