સુરતમાં લાલ કેળા અને પીળા તરબૂચનું આકર્ષણ, લાલ કરતા પીળા તરબૂચમાં...

PC: Khabarchhe.com

સ્વાસ્થ્ય સર્વદા સંસ્થા દ્વારા સુરતના મોટા વરાછા ગોપીન ગામમાં યોજાયેલા ચાર દિવસીય પ્રાકૃતિક ફૂડ એક્સ્પો 2023માં લાલ કેળા અને પીળા તરબૂચે આકર્ષણ ઉભુ કર્યું છે.

સૌરાષ્ટ્રના જેસર તાલુકાના શેવડીવદર ગામના ખેડૂત નરવણસિંહ ગોહિલના સ્ટોલમાં લાલ કેળા સહિત 6 પ્રકારના કેળા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 6માંથી લાલ કેળા, એલચી કેળા, કાશ્મીર કેળા આ ત્રણેય કેળા મૂળ સાઉથ ઈન્ડીયા સાઇડના છે. જેમાં કેલ્શિયમ વધુ માત્રામાં અને શુગર ઓછુ હોય છે. જ્યારે નેન્દ્રણ, જી -9, હજારણ દેશી કેળા છે. જેમાં નેન્દ્રણ કેળામાં ફાઈબર મોટી માત્રામાં સાથે કેલ્શિયમ પણ વધુ પ્રમાણમાં હોય છે. નરવણ ભાઈ પોતાના ગામના ખેતરમાં જ આ બધા પ્રકારના કેળા ઉગાડે છે. અને એકદમ પ્રાકૃતિક રીતે ઉગાડતા હોવાથી એનો સ્વાદ વિશેષ મીઠો છે.

મેળામાં અન્ય ફળ પણ છે પરંતુ પીળું તરબૂચ સૌ માટે ધ્યાનાકર્ષક બન્યુ છે. સ્વાદમાં તો એ લાલ જેવુ જ મીઠુ હોય છે. પણ ખેડૂત હિંમત ભાઈ બાલધિયાના જણાવ્યા અનુસાર આ પીળા તરબૂચમાં પાણી વધુ અને ગળ્યુ પણ વધુ હોય છે. આ તરબૂચનું બિયારણ પીળું હોય છે એટલે એ પીળું થાય છે. બાકી વધુ કોઈ ફરક નથી.

મેળામાં ખાણી પીણીના પણ સ્ટોલમાં ડાંગી, કાઠિયાવાડી ડીશ સાથે સરગવો, દૂધી વગેરેના ભજીયા અને અનેક અવનવી વાનગી છે. નાસિકની મધમીઠી દ્રાક્ષ, કોઇમ્બતુરના લાલ કેળા, વલોનાની છાશ, કેસર કેરીની વિવિધ પ્રોડક્ટ, ફળના પલ્પની કુલ્ફી વગેરે મુલાકાતીઓને આકર્ષે છે. નોંધનીય છે કે તા.11થી 14 એપ્રિલ દરમિયાન આયોજિત ફૂડ એક્સપોમાં રાજ્યભરના પ્રાકૃતિક ખેતી કરતા 300 ખેડૂતો દ્વારા 250 જેટલા સ્ટોલમાં ઝેરી રસાયણમુક્ત પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત ખેતપેદાશો, ધાન્યોનું સીધું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

ગૌઆધારિત પ્રાકૃતિક ખેતી થકી દેશવાસીઓની રોગપ્રતિકારક શકિત વધારવાની સાથે કલાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. તંદુરસ્ત ધરતી અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણમાં પ્રાકૃતિક ખેતી રામબાણ ઈલાજ છે. ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી મુક્તિ મેળવવા માટે પ્રેરાય એ માટે સમાજના તમામ વર્ગો સાથસહકાર આપે એ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp