- Gujarat
- આ જિલ્લામાં દૂધ ઉત્પાદન સંઘની ચૂંટણી પહેલા મોટા સમાચાર, 4એ કેસરિયો ધારણ કર્યો
આ જિલ્લામાં દૂધ ઉત્પાદન સંઘની ચૂંટણી પહેલા મોટા સમાચાર, 4એ કેસરિયો ધારણ કર્યો
ખેડામાં દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી પહેલા મોટા સમાચાર આવ્યા છે. ચાર સહકારી ડિરેક્ટર્સે ભાજપનો હાથ પકડ્યો છે. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી પહેલા ચાર સહકારી ડિરેક્ટર્સ જુવાનસિંહ ચૌહાણ, શારદાબેન પટેલ, સીતાબેન પરમાર અને ઘેલાભાઈ ઝાલા બીજેપીમાં જોડાયા છે.

જણાવી દઈએ કે આવનારી 14 ફેબ્રુઆરીના રોજ ખેડા દૂધ ઉત્પાદન સંઘની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં કુલ 15માંથી 3 ડિરેક્ટરોએ કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા છે. આ સાથે હવે ભાજપ પાસે 15માંથી 13 સભ્યોનું જૂથબળ થઈ ગયુ છે. માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પહેલા પાર્ટીનો દબદબો જાળવી રાખવા માટે આ રણનીતિ પાર્ટી માટે એક લાભદાયી પગલું સાબિત થઈ શકે છે. આ માટે ગાંધીનગરમાં કમલમ્ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિતના પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપના પ્રદીપસિંહ વાઘેલાએ મીડિયાને જણાવ્યું છે કે, આજે ખેડા અને આણંદ જિલ્લાના સંયુક્ત ડેરીના આગેવાનો ભાજપમાં જોડાયા છે. આથી પાર્ટીની પકડ વધુ મજબૂત થઈ છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્દિક પટેલ સહિત કેટલાક કોંગ્રેસના નેતાઓએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે વિપક્ષ દ્વારા બીજેપી પર સતત આરોપ લગાવવામાં આવી રહ્યા છે. જોકે તેનો લાભ પણ બીજેપીને મળતો હોય તેવી સ્થિતિનું નિર્માણ જોવા મળે છે.


