હાર્દિકને મોટો ઝટકો, પોલીસ સામે ગેરવર્તનના કેસમાં કોર્ટે અરજી નામંજૂર કરી

PC: facebook.com/HardikPatel.Official

ભાજપના વિરમગામના ધારાસભ્ય અને એક જમાનામાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલને અમદાવાદની ગ્રામ્ય કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હાર્દિક પટેલને કોર્ટ તરફથી રાહત મળી નથી. પાટીદાર અનામત આંદોલન દરમિયાન કરેલા આમરણાંત ઉપવાસ વખતે પોલીસ સાથે કરેલી ગેરવર્તણુંક કેસમાં કોર્ટે હાર્દિકની રાહત આપવાની અરજી નામજૂંર કરી દીધી છે. જો કે હાર્દિક સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક સામે અનેક કેસો થયા હતા.

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન જ્યારે જોર પર હતું ત્યારે વર્ષ 2018માં હાર્દિક પટેલે નિકોલમાં આમરણાંત ઉપવાસ કર્યા હતા અને તે વખતે પોલીસ સામે ગેરવર્તણૂંક કરી હતી. એ સમયે હાર્દિક પટેલ સહિત 9 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં રાહત આપવા માટે હાર્દિક પટેલે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. બંને પક્ષોની દલીલ સાંભળ્યા પછી કોર્ટે હાર્દિકની અરજી નામંજૂર કરી દીધી હતી.

વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું અને એ દરમિયાન હાર્દિક સામે અનેક ફરિયાદો થઇ હતી. 18 ઓકટોબર 2015માં રાષ્ટ્ર ધ્વજનું અપવામ કરવા બદલ તેની સામે ગુનો નોંધાયો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે મેચિમાં વિક્ષેપ પાડવા બદલ પણ હાર્દિકની અટકાયત કરવામાં આવી હતી.

એ ઉપરાંત પોલીસ કર્મીઓની હત્યા વિશે કથિત ટિપ્પણી બદલ હાર્દિક પટેલ સામે સુરતની કોર્ટમાં રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને હાર્દિક પટેલને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. 15, જુલાઇ 2016ના દિવસે હાર્દિકને 6 મહિના રાજ્યની બહાર અને 9 મહિના મહેસાણા બહાર રહેવાની શરતે જામીન આપવામાં આવ્યા હતા.

આ દરમિયાન હાર્દિક ઉદયપુરમાં રહ્યા હતા. વર્ષ 2015ના રાજદ્રોહ કેસમાં ટ્રાયલ કોર્ટમાં હાજરી આપવામાં નિષ્ફળ રહેવા બદલ હાર્દિકની 2020માં ફરી ધરપકડ કરવામાં આવી હતી. આવા તો અનેક કેસ છે.

હાર્દિક પટેલ વર્ષ 2020માં કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમને ગુજરાતના કાર્યકારી પ્રમુખ પણ બનાવવામાં આવ્યા હતા. જો કે તેમનો થોડા જ સમયમાં કોંગ્રેસથી મોહભંગ થઇ ગયો અને જે ભાજપને હાર્દિક પટેલ સતત ભાંડતા હતા તે જ પાર્ટીમાં વર્ષ 2022માં જોડાયા. એ પછી ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિકને વિરમગામથી ટિકીટ આપી હતી અને 51555 મતથી હાર્દિક પટેલ ચૂંટણી જીત્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp