1997થી મહિલાઓનું, મહિલાઓ માટે, મહિલાઓ વડે સંચાલિત એકમાત્ર ‘મહિલા પોલીસ સ્ટેશન’
સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, બાળકીના જન્મથી લઈ તેમના ભણતર અને લગ્ન, પ્રસુતિ, બાળકોના અભ્યાસ સુધીની વિવિધ યોજનાઓનો લાભ આમજનતાને મળી રહ્યો છે. ત્યારે સમાજમાં સ્ત્રીઓને સુરક્ષિત વાતાવરણ મળી રહે એ માટે સુરત પોલીસનો મહિલાલક્ષી અભિગમ એટલે સુરત શહેરનું એકમાત્ર ઉમરા ‘મહિલા પોલીસ સ્ટેશન’. વર્ષ 1997થી મહિલાઓનું, મહિલાઓ માટે અને મહિલાઓ વડે સંચાલિત અને 24x7x365 કાર્યરત રહેતા મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસકર્મીઓ જ ફરજ બજાવે છે. સ્પેશિયલ શી-ટીમ સાથે 31 મહિલા પોલીસકર્મીઓના સ્ટાફમાં 1 PI, 1 PSI, 3 ASI, 5 હેડ કોન્સ્ટેબલ, 9 કોન્સ્ટેબલ અને 12 લોકરક્ષકનો સમાવેશ થાય છે. ખાસ કરીને ઘરેલુ હિંસા કે છેડતી જેવા કિસ્સામાં મહિલાઓ નિ:સંકોચ આગળ આવીને ફરિયાદ નોંધાવે અને આ પ્રકારના ગુન્હાઓમાં પીડિતાને ન્યાય અપાવવામાં આ પોલીસ સ્ટેશન અગ્રભૂમિકા નિભાવી રહ્યું છે.
24 કલાક, સપ્તાહના સાતેય દિવસ અને વર્ષના 365 દિવસ ખુલ્લા રહેતા આ પો.સ્ટેશનમાં કલમ 498 અને 323 સંબંધિત શારિરીક કે માનસિક ઘરેલુ હિંસા તેમજ છૂટાછેડાના કેસો પણ આવતા હોય છે, ત્યારે રોજની આશરે 25 જેટલી અરજીઓમાંથી મોટાભાગના કેસો નોંધ્યા વગર જ સમજાવટથી ઉકેલાય જાય છે એ આ પો.સ્ટેશનની ખાસિયત છે.
નોંધનીય છે કે, વર્ષ 2022માં વિવિધ કિસ્સાઓમાં કુલ 2752 અને વર્ષ 2023 માં અત્યાર સુધી કુલ 413 અરજીઓ કરવામાં આવી છે, જેમાંથી આશરે 80% જેટલી અરજીઓમાં કેસ પણ નોંધાતા નથી. તેનું મુખ્ય કારણ અહીંનાં સ્ટાફ દ્વારા બન્ને પક્ષોને સાથે રાખીને કરવામાં આવતું હકારાત્મક કાઉન્સેલિંગ છે, જેમાં સમાધાનના પ્રોત્સાહક પરિણામો મળ્યા છે.
હેડ કોન્સ્ટેબલ મીના ગામિત કહે છે કે, મહિલાઓ અને તેમના પરિવારોને ઘરેલુ હિંસાના કેસોમાં કાઉન્સિલિંગ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. અમે બંને પક્ષ સાથે શાંતિ અને સમજાવટથી કામ લઈએ છીએ, જેથી સમાધાન શક્ય બને. જે મહિલાઓ પોલીસને આપવિતી નથી જણાવી શકતી તેમના માટે ડોકટર અને સાયકિયાટ્રિસ્ટ અને કાઉન્સેલર દ્વારા પણ પક્ષોને સમજ આપીએ છીએ.
શી ટીમની પ્રશંસનીય કામગીરી
નાની બાળકીઓ, કિશોરીઓ અને સ્ત્રીઓની સુરક્ષાને ધ્યાને લઈ વર્ષ 2020-2021 દરમિયાન રાજ્ય સરકારે દરેક પોલીસ સ્ટેશન દીઠ નિમેલી એક સ્પેશિયલ ટીમ એટલે “શી ટીમ”. જે શહેર કે જિલ્લાનાં તમામ સ્થળોએ 24 કલાક પેટ્રોલિંગ કરી રોજેરોજ બનતા નાના મોટા છેડતી કે દુષ્કર્મોના બનાવોને અટકાવવામાં તેમજ મહિલા અને કિશોરીઓને ભોગ ન બને એ માટે સાવચેત રહેવાની સમજ આપવામાં કારગર સાબિત થઈ છે. એ જ રીતે ઉમરા સ્થિત મહિલા પો.સ્ટેશન અંતર્ગત કાર્યરત શી ટીમની કામગીરી પણ સરાહનીય રહી છે.
શહેરના 10 પોલીસ સ્ટેશનની શી ટીમને લીડ કરતાં પી.એસ.આઈ. સોનલ રાઠવા કે જેઓ છેલ્લા બે વર્ષથી આ પો.સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓ જણાવે છે કે, શી ટીમની કામગીરી માત્ર અણબનાવોને રોકવા સુધી સિમિત નથી, પણ ટીમ સાથે મળીને અમે સરકારના વિવિધ અભિયાન અંતર્ગત નાની બાળકીઓથી લઈ, કિશોરીઓ અને મહિલાઓને સચેત-જાગૃત રાખવાનું પણ કામ કરીએ છીએ.
વધુમાં તેમણે કહ્યું કે, અમે સ્વરક્ષા અભિયાન હેઠળ અત્યાર સુધીમાં વિવિધ સ્કૂલ/કોલેજોમાં જઈ 4 લાખથી વધારે કિશોરીઓ-યુવતીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી છે. અને બાળકીઓ-કિશોરીઓને ‘ગુડ ટચ,બેડ ટચ’ વિષે પણ માહિતગાર કરી છીએ. જેના આંકડા આપતા તેઓ કહે છે કે, ગત વર્ષે બે લાખ જેટલી બાળકીઓ-કિશોરીઓ-મહિલાઓને જાગૃત્ત કર્યા છે. મહિલાઓના મનમાંથી પોલીસનો ભય દૂર કરવા અને તેમની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર સ્થાપિત કરવા સોસાયટીમાં જઈ સ્ત્રીઓને તેમના વિશેષ કાયદાઓ વિષે માર્ગદર્શન આપીએ છીએ એમ તેમણે ઉમેર્યું હતું.
શી-ટીમની કામગીરી વિષે તેઓ કહે છે કે, જ્યારે મહિલાઓને મોડી રાત્રે એક જગ્યાએથી બીજી જગ્યાએ એકલા જવું હોય અને તેઓ ભયભીત હોય તો, એવા સંજોગોમાં પણ મદદ કરીએ છીએ. હેલ્પલાઈનમાં મદદ માટે આવતા તમામ કોલ પર સમયસર પહોંચીએ છીએ.
આમ, બદલાતા સમય સાથે પુરૂષપ્રધાન સમાજમાં સ્ત્રી અને પુરૂષને એક સમાન સ્થાન આપવા માટે ‘જેન્ડર ઈક્વાલિટી’ને પ્રાધાન્ય આપતી કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર મહિલા સુરક્ષા માટે પણ સંવેદનશીલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp