- Central Gujarat
- વડોદરામાં સેલ્ફીના ચક્કરમાં બે વિદ્યાર્થી કેનાલમાં ખાબક્યા, એકનો બચાવ
વડોદરામાં સેલ્ફીના ચક્કરમાં બે વિદ્યાર્થી કેનાલમાં ખાબક્યા, એકનો બચાવ
મોબાઇલમાં સેલ્ફી લેવાના શોખીનો માટે વડોદરાથી ચેતવણી સમાન ઘટના સામે આવી છે. અહીં રવિવારે સાંજે શહેરના છાણી ટીપી-13માં રેલવે ગરનાળા પાસે નર્મદા કેનાલ પર સાઇકલિંગ કરવા નીકળેલા ધો.11 અને 12ના બે વિદ્યાર્થી મોબાઇલમાં સેલ્ફી લેવા જતા કેનાલમાં ખાબક્યા હતા. આ ઘટનામાં એકને સ્થાનિકો લોકોએ બચાવી લીધો છે જ્યારે અન્ય વિદ્યાર્થીની શોધખોળ કરાઈ રહી છે.
રવિવારે સાંજે 6 વાગે નિઝામપુરા ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતો અને ધોરણ 12માં અભ્યાસ કરતો દેવ મોરે અને સર્વોદય સોસાયટીમાં રહેતો અને ધો.11માં ભણતો પ્રભદેવસિંગ સાઇકલિંગ કરવા માટે ઘરેથી નીકળ્યા હતા અને છાણી કેનાલ પાસે પહોંચ્યા હતા. દરમિયાન તેઓ ડૂબતા સૂરજ સાથે સેલ્ફી લેવા માટે સાઇકલ સાથે કેનાલની પાળી પર ચઢ્યા હતા. દરમિયાન પૂરઝડપે એક કાર ત્યાંથી પસાર થઈ હતી. જેથી બંને બાળકો અચાનક ડરી ગયા હતા અને સંતુલન ગુમાવીને કેનાલમાં ખાબક્યાં હતા.

બંને વિદ્યાર્થીઓને ડૂબતા જોઈ કેટલાક સ્થાનિક દોડી આવ્યા હતા અને બાળકોને બચાવવા માટે કેનાલમાં કૂદયા હતા. દરમિયાન સ્થાનિક તરવૈયાઓ દ્વારા પ્રભદેવસિંગને બચાવી લીધો હતો. જ્યારે દેવ મોરેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરતા ટીમ ઘટના સ્થળે આવી હતી અને વિદ્યાર્થીની શોધખોળ આદરી હતી. જોકે, તેનો પત્તો લાગ્યો નહોતો, પણ પાણીમાંથી સાઇકલ મળી હતી. આ મામલે હાલ પણ વિદ્યાર્થીની શોધખોળ ચાલુ છે.

