ઇગો આખરે છે શું ?

PC: i2.wp.com

ઇગોને સમજવા માટે જરૂરી એવી અને એની આસપાસની માહિતી આપણે મેળવી લીધી. હવે પ્રોપર ઇગોને સમજીએ. ઇગો વિશેની આવી જાણકારી અગાઉ ક્યાંય તમે વાંચી નહીં હોય એટલે પહેલી વારમાં કદાચ એ તમારા માનવામાં નહીં આવે, પરંતુ તર્ક તથા દલીલો વિશે શાંત ચિત્તે વિચારશો તો બધુ બરોબર સમજાશે. માટે ધ્યાનથી વાંચજો. આપણે જાણ્યું કે માણસ હંમેશાં મોટો બનવા અને પોતાની મોટાઇ દેખાડવાની ઝંખના રાખતો હોય છે. મોટાઇ દેખાડવા માટે એ સમાજમાં ઉંચો દરજ્જો પ્રાપ્ત કરવા માટે મથે છે. ઉંચો સામાજિક દરજ્જો પ્રાપ્ત કરવા માટે એ અન્ય લોકો સાથે તુલના અને સ્પર્ધા કરતો રહે છે. સમાજ માણસને એની લાયકાત અનુસાર જે દરજ્જો આપે, જે સોશ્યલ રેટિંગ આપે એ એનું સમાજમાં સ્થાન દર્શાવે છે. આમ સમાજમાં માણસનું જે સ્થાન છે, જે દરજ્જો છે એ જ એનું સોશ્યલ રેટિંગ છે.

સમાજ માણસને જે સોશ્યલ રેટિંગ આપે છે એને વ્યાપકપણે માન્યતા મળેલી હોય છે, પરંતુ દરેક સમયે અને દરેક કિસ્સામાં સૌ કોઇને એ સોશ્યલ રેટિંગ સ્વીકાર્ય નથી હોતું. આખરે જંગ તો સામાજિક દરજ્જા માટેનો જ હોય છે. એક તરફ સમાજ પારંપરીક ધારાધોરણોના આધારે દરેક વ્યક્તિનું સોશ્યલ રેટિંગ નક્કી કરે છે અને બીજી તરફ માણસ પોતાની રીતે પણ પોતાનું એક રેટિંગ નક્કી કરતો હોય છે. પોતે કોણ છે, પોતે શું કરી શકે એમ છે, પોતે કોનાથી ચડિયાતો છે એ વિશે વ્યક્તિ પોતાની એક ધારણા બાંધતો હોય છે. અન્ય લોકો સાથે તુલના કરવાની હોય ત્યારે વ્યક્તિ પોતાની આ ધારણા સમાજ સમક્ષ આગળ ધરે છે. ઉદાહરણ. બારમા ધોરણમાં ભણતા કુનાલ અને યશ નામના બે વિદ્યાર્થીઓ વચ્ચે સરખામણી કરવાની છે. કુનાલને નેવું ટકા આવ્યા અને યશને ચોર્યાસી ટકા આવ્યા.

તો સમાજ યશને કહેશે કે કુનાલને તારા કરતાં વધુ માર્ક્સ આવ્યા છે એટલે એનું સોશ્યલ રેટિંગ તારા કરતાં ઉંચું છે. એ તારા કરતાં ચડિયાતો છે એ વાત તું સ્વીકારી લે, આમ છતાં યશ કદાચ એ ન સ્વીકારે અને એની પાછળના એના કારણો અનેક હોઇ શકે. શક્ય છે કે પરીક્ષાના દિવસે યશની તબિયત સારી નહોતી એટલે એ પરીક્ષામાં બરોબર પરફોર્મ કરી શક્યો નહોતો. શક્ય છે કે પરીક્ષાના આગલા દિવસે યશના ઘરમાં મોટી તકરાર થઇ હતી એટલે એ પરીક્ષા માટેની પૂરી તૈયારી કરી શક્યો નહોતો. આવા અનેક કારણોસર યશ એમ માનતો હોય કે પરીક્ષાનું જે પરિણામ જાહેર થયું છે એ મારું સાચું મૂલ્યાંકન નથી. જો સંજોગો બરોબર હોત તો મને પંચાણું ટકા માર્ક્સ મળ્યા હોત અને હું કુનાલ કરતાં ચડિયાતો પુરવાર થયો હોત. આથી કુનાલ મારા કરતાં ચડિયાતો છે એ હું નહીં સ્વીકારું. સત્તાવાર પરિણામમાં યશને મળેલા ચોર્યાસી ટકા એ એનું સોશ્યલ રેટિંગ છે, જ્યારે પોતે પંચાણું ટકા માર્ક્સ મેળવી શક્યો હોત એ યશની ધારણા છે. એ યશનો ઇગો છે. સોશ્યલ રેટિંગ અને ઇગો વચ્ચે આ ફરક છે. સોશ્યલ રેટિંગ જાહેર થયેલા તથ્યો પર આધારીત હોય છે, જ્યારે માણસનો ઇગો એની પોતાની ધારણા પર, એના એઝમ્પ્શન પર આધારીત હોય છે.

તો ઇગોને સમજવા માટે સરળ રીતે એવું કહી શકાય કે પોતાના તુલનાત્મક સામાજિક મૂલ્ય વિશે વ્યક્તિએ બાંધેલી પોતાના વિશેની ધારણા એનો ઇગો છે. ઇગો સેલ્ફ એસ્ટીમથી એ રીતે અલગ પડે છે કે સેલ્ફ એસ્ટીમ વ્યક્તિના મન સુધી જ સિમીત હોય છે, જ્યારે ઇગો એ પોતાના વિશેની એવી ધારણા છે, જે અન્ય સાથેની તુલના માટે સમાજ સમક્ષ રજૂ કરવાની હોય છે. વાતને ટુંકમાં દોહરાવીએ તો વ્યક્તિની પોતાના વિશેની ધારણા એનો ઇગો હોય છે. સંજોગો અનુસાર વ્યક્તિની પોતાના વિશેની ધારણા પણ બદલાતી રહે છે અને એના ઇગોમાં પણ ચડઉતર થતી રહે છે.

ક્યારેક એ ઉપર જાય તો ક્યારેક એ નીચે જાય. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે. જેમ સામાજિક દરજ્જાની ચડઉતરને સરળતાથી સમજવા માટે એને 'સોશ્યલ રેટિંગ' નામ આપ્યું હતું એમ ઇગોની ચડઉતરને સરળતાથી સમજવા માટે એને 'ઇગો રેટિંગ' નામ આપવાનું યોગ્ય છે. સરળ સમજ માટે આપણે રેટિંગના કાલ્પનિક આંકડાનો સહારો લઇ શકીએ. સામાજિક દરજ્જો એ જ સોશ્યલ રેટિંગ છે. ફરક એટલો છે કે સામાજિક દરજ્જો એક સ્થાન સુચવે છે, જ્યારે સોશ્યલ રેટિંગ એ સ્થાનનું મૂલ્ય નક્કી કરી શકાય એવો એક મૂલ્યાંક સુચવે છે. ઇગો રેટિંને પણ આ રીતે સમજી શકાય. ઇગો એક ધારણા છે, જ્યારે ઇગો રેટિંગ એ ધારણાનું મૂલ્ય નક્કી કરી શકાય એવો મૂલ્યાંક સુચવે છે, જે બદલાતો રહે છે. સરખામણી કરવા માટે ઇગોને રેટિંગના સંદર્ભમાં સમજવાનું સરળ પડે.

ઇગોની કામગીરી: ઇગોને સમજવાનું સરળ છે, પરંતુ ઇગોની કામગીરીને લોકો સમજી નથી શક્યા એટલે જગતમાં મોટી ગુંચવણો ઉભી થઇ છે. ઇગો કઇ રીતે કામ કરે છે એ સમજીએ.
દરેક વ્યક્તિ પોતાની જાતને બહુ પ્રેમ કરતી હોય છે અને પોતાના વિશેની બધી જ બાબતો પ્રત્યે એને લગાવ હોય છે. વ્યક્તિના અસ્તિત્વની સૌથી વધુ નજીક એનો ઇગો હોય છે. વ્યક્તિને પોતાના મૂલ્ય અથવા મૂલ્ય વિશેની ધારણા પણ બહુ વહાલી હોય છે. એટલે કે વ્યક્તિને પોતાનો ઇગો બહુ વહાલો હોય છે. આથી જ વ્યક્તિનો ઇગો અતિશય સંવેદનશીલ હોય છે.

આથી જ જ્યારે પણ અન્ય કોઇની સાથે સરખામણી કરવાના સંજોગો ઉભા થાય ત્યારે ઇગો સૌથી પહેલા સક્રીય બની જાય છે અને પોતાને એટલે કે વ્યક્તિના મૂલ્ય વિશેની પોતાની ધારણાને આગળ ધરે છે. આ ધારણા સમાજમાં વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે અને સમાજ સમક્ષ એવો દાવો કરે છે કે મારું મૂલ્ય આટલું છે. આ રીતે ઇગો વ્યક્તિ અને સમાજ વચ્ચેનો એક સેતુ બને છે. અન્ય વ્યક્તિ સાથે સરખામણી કરતી વખતે ઇગો તરત જ નક્કી કરી લે છે કે સામી વ્યક્તિના સોશ્યલ રેટિંગ કરતાં મારું રેટિંગ ઉંચું છે કે નીચે. એટલે કે સામી વ્યક્તિ કરતાં હું ચડિયાતો છું કે નબળો. અને પછી તરત જ ઇગો એ ચડિયાતાપણા અથવા નબળાઇની લાગણીનો અનુભવ વ્યક્તિને કરાવે છે. જો વ્યક્તિ ચડિયાતી જણાય તો એને આનંદની લાગણીનો અનુભવ કરાવે અને જો એ ન બળી જણાય તો પીડાનો અનુભવ કરાવે.

ઇગો વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે એટલે હંમેશાં એ વ્યક્તિને જ વફાદાર રહે છે. ખાસ તો વ્યક્તિની લાગણીઓ બાબતે ઇગો બહુ જ સંવેદનશીલ હોય છે. વ્યક્તિની દરેક લાગણી અને સંવેદનાનું એ વિશેષ ધ્યાન રાખે છે. આથી જ ઇગો બાહ્ય જગતમાં બનતી ઘટનાનું સતત અર્થઘટના કરતો રહે છે અને એને સામી વ્યક્તિના સોશ્યલ સાથે પોતાની સરખામણી કર્યા બાદ એને પગલે પેદા થતી લાગણીનો અહેસાસ વ્યક્તિને કરાવતો રહે છે. ઇગોની કામગીરી વિશે ફરી જાણી લઇએ. વ્યક્તિ જ્યારે પણ અન્ય વ્યક્તિને મળે ત્યારે એનો ઇગો કામે લાગી જાય છે અને બંને વ્યક્તિઓ વચ્ચે સરખામણી કરે છે.

સામી વ્યક્તિનું સોશ્યલ રેટિંગ જો વધુ ઉંચું હોય તો ઇગો આ વ્યક્તિને મેસેજ આપે છે કે સામી વ્યક્તિ તારા કરતાં બહુ ચડિયાતી છે. આ મેસેજને પગલે તરત જ વ્યક્તિની અંદર એક નિરાશા અથવા પીડાની લાગણી પેદા થાય છે, કારણ કે પોતાનાથી ચડિયાતું હંમેશાં માણસને પીડાની લાગણીનો અનુભવ કરાવે છે. પીડાની લાગણી બહુ ત્વરીત અને ક્ષણિક હોય છે, કારણ કે પછી તરત જ વ્યક્તિ ચડિયાતી વ્યક્તિ સાથે વિનમ્ર બનીને વાત કરવા લાગશે અથવા વહેવારું બનીને એમને ખુશ કરવાનો પ્રયાસ કરશે.આ થઇ અન્ય વ્યક્તિ સાથે સરખામણી કરવાની વાત. બાહ્ય જગતમાં કોઇ ઘટના બને એની અસર પણ વ્યક્તિના સંવેદનાતંત્ર પર થતી હોય છે અને એનો અહેસાસ કરાવવાનું કામ ઇગો કરે છે. જો ઓફિસમાં તમને પ્રમોશન મળે તો ઇગો તમને ઓફિસના અન્ય કર્મચારીઓ કરતાં ચડિયાતા હોવાનો અહેસાસ કરાવશે અને સાથે જ આનંદની લાગણીની અનુભુતિ પણ કરાવશે. જો સોસાયટીના સેક્રેટરી તરીકે સારી કામગીરી બજાવવા બદલ મેનેજિંગ કમિટિ તમારું સન્માન કરવાનો નિર્ણય તમને જણાવશે તો ઇગો તમને આનંદની લાગણીની અનુભુતિ કરાવશે.

આમ બાહ્ય જગતમાં કોઇ પણ ઘટના બને, કોઇ કંઇ બોલે, કંઇક કરે, કોઇને ત્યાં ચોરી થાય, કોઇને ઇનામ મળે, કંઇ પણ બને કે ઇગો તરત એ ઘટના સાથે સંકળાયેલી વ્યક્તિઓ સાથે વ્યક્તિની સરખામણી કરવા લાગશે. એ ઘટનાને પગલે વ્યક્તિ ચડિયાતી બની કે નબળી બની એનું અર્થઘટન ઇગો કરશે અને એ અનુસારની લાગણી વ્યક્તિની અંદર પેદા કરશે. ઉદાહરણ. વ્યક્તિ એક દુકાનદાર છે અને સામે આવેલી હરીફ વેપારીની દુકાનમાં અચાનક આગ લાગી. બધો સામાન બળી ગયો. દુકાન ફરી શરુ થતાં છઆઠ મહિના લાગી જાય એવી સ્થિતિ ઉભી થઇ. ભલે આ ઘટનામાં વ્યક્તિની કોઇ ભુમિકા ન હોય, પરંતુ એનું અર્થઘટન કરતાં ઇગો વ્યક્તિને હવે થોડી ચડિયાતી માનશે કારણ કે હરીફના નબળા પડવાને કારણે એનો વેપાર વધશે. ચડિયાતાપણાનો આ અહેસાસ વ્યક્તિને આનંદની લાગણીનો અનુભવ કરાવશે.

ઇગો એક સિગ્નલ રિસિવિંગ સેન્ટર: ઇગો રેટિંગ અને સોશ્યલ રેટિંગ વચ્ચેના સંબંધને સમજી લઇએ. એવી કલ્પના કરો કે સમાજ એક રિલે સેન્ટર છે, જ્યાંથી લોકોના સોશ્યલ રેટિંગ વિશેની માહિતિ સતત રિલે થતી રહે છે. બીજી તરફ માણસનો ઇગો એ માણસના મનની અંદર ગોઠવાયેલું એક રિસિવિંગ સેન્ટર છે, જે પોતાના માટે રિલે થયેલા સોશ્યલ રેટિંગને રિસિવ કરે છે. બાહ્ય જગતમાં આપણા માટે જે કંઇ બોલાય કે લખાય કે આપણા સંદર્ભ સાથેનું કંઇ દેખાય ત્યારે એનું ઇમોશનલ પ્રોસેસીંગ ઇગો કરે છે. માનો કે તમારી ઉઘરાણીની બહુ મોટી રકમ પાછી મળ્યાના સમાચાર તમારા મિત્ર તમને આપે છે.

તો આ તમારું રિલે થયેલું ઉંચું સોશ્યલ રેટિંગ છે, જે તમે રિસિવ કર્યું. હવે તમારો ઇગો એ સમાચારનું અર્થઘટન કરીને તમને આનંદની લાગણીનો અનુભવ કરાવશે. આમ સમાજે આપેલા સોશ્યલ રેટિંગનો અર્થ શું થાય એની સમજ વ્યક્તિને ઇગો આપે છે અને એને અનુરુપ લાગણી એની અંદર પેદા કરે છે. જો સોશ્યલ રેટિંગ ઉંચે ગયું હોય તો એ હકીકત પ્રોસેસ થઇને આનંદની લાગણીમાં રુપાંતરીત થઇ જાય અને જો રેટિંગ નીચે ગયું હોય તો એ હકીકત પીડાની લાગણીમાં રુપાંતરીત થાય. વાતને ફરી એક વાર સમજીએ. બાહ્ય જગતમાં વ્યક્તિ માટે સોશ્યલ રેટિંગ રિલે થાય, જેના સિગ્નલ ઇગો નામનું રિસિવિંગ સેન્ટર ઝીલી લે અને એનું ઇમોશનલ પ્રોસેસિંગ કરીને વ્યક્તિની અંદર આનંદ અથવા પીડાની લાગણી પેદા કરે.

નવાં ઇગો રેટિંગનો સિલસીલો: અન્ય લોકો સાથેની સરખામણી બાદ વ્યક્તિ ચડિયાતી અથવા નબળી પુરવાર થાય અને એને પગલે એનામાં સુખદ અથવા દુખદ લાગણી પેદા થાય એ તો આપણે સમજ્યા. હવે એ વિચારવાનું છે કે આવી લાગણી પેદા થયા પછી શું બને છે. કોઇ પણ પ્રકારની લાગણી વ્યક્તિના ઇગોને, એની માનસિક અવસ્થાને ડિસ્ટર્બ કરે છે. સુખ અથવા દુઃખની લાગણી પછી વ્યક્તિનું ઇગો રેટિંગ બદલાઇ જાય છે. એની માનસિક અવસ્થા બદલાઇ જાય છે. પછી વ્યક્તિ નવું ઇગો રેટિંગ ધારણ કરે છે અને એની વર્તણુંક પણ એ અનુસાર બદલાઇ જાય છે. અહીં ફરી આપણે વ્યક્તિના મૂલ્ય, એના ઇગો રેટિંગના કાલ્પનિક આંકડાનો સહારો લઇએ. ઉપરના ઉદાહરણમાં જો વ્યક્તિનું ઇગો રેટિંગ આગ લાગવાની ઘટના પહેલા પચાસ હતું તો હવે એ કદાચ સાંઇઠ થશે.

આ જ રીતે જે વેપારીની દુકાનમાં આગ લાગી એનું ઇગો રેટિંગ ઘટના પહેલા પચાસ હતું તો હવે એ કદાચ ચાલીસ અથવા એનાથી પણ ઓછું થશે. મહત્વનો મુદ્દો એ છે કે આપણે જે ઇગો રેટિંગ ધારેલું હોય એ અનુસારની આપણી માનસિક અવસ્થા એ સમયે હોય છે. અને એ અનુસારની આપણી વર્તણુંક હોય છે. વ્યક્તિ પચાસના રેટિંગ પર જે રીતે વિચારતી હતી અને વર્તતી હતી એ હવે સાંઇઠના રેટિંગવાળી વ્યક્તિની જેમ વિચારશે અને વર્તશે, કારણ કે એની માનસિક અવસ્થામાં હવે ફેરફાર થયો છે. ઉદાહરણ. પચાસના રેટિંગ તરીકે વ્યક્તિ જે નાના વેપારીઓને આજીજી કરતી હતી એ સાંઇઠના રેટિંગ પર આવ્યા પછી કદાચ નહીં કરે. બીજી તરફ જેની દુકાનમાં આગ લાગી છે એ નાનામાં નાના વેપારીઓ, સપ્લાયરો વગેરે સાથે સારા સંબંધ રાખવાની કોશિષ કરશે, જેથી એનો વેપાર ફરી શરુ થાય ત્યારે વાંધો ન આવે.
નવું ઇગો રેટિંગ અપનાવ્યા પછી વ્યક્તિમાં નવી માનસિક અવસ્થા પેદા થશે. અને ઇગો નવા રેટિંગ સાથે જ બહારના જગતમાં બનતી ઘટનાઓ સાથે વ્યક્તિની સરખામણી કરશે.

ઇગોની કામગીરીનો આખો ઘટનાક્રમ ફરીવાર ટુંકમાં સમજીએ: 1. બાહ્ય જગતમાં કોઇ ઘટના બને. 2. ઇગો એ ઘટનાનું અર્થઘટન કરીને એ નક્કી કરે કે ઘટનાને પગલે વ્યક્તિનું ઇગો રેટિંગ ઉપર ગયું કે નીચે ગયું. અને એ રીતે વ્યક્તિને સુખદ અથવા દુખદ લાગણીની અનુભૂતિ કરાવે. જો ઇગો રેટિંગ ઉપર ગયું હોય તો આનંદની લાગણી થાય અને ઇગો રેટિંગ નીચે ગયું હોય તો પીડાની લાગણી અનુભવાય. 3. લાગણીના અનુભવ પછી વ્યક્તિનું ઇગો રેટિંગ બદલાય. એની માનસિક અવસ્થા બદલાય. વ્યક્તિ નવું ઇગો રેટિંગ ધારણા કરે. 4. નવું ઇગો રેટિંગ ધારણ કર્યા પછી વ્યક્તિ નવા ઇગો રેટિંગ અનુસાર અન્ય લોકો સાથે વહેવાર અને વર્તન કરે. 5. ફરી બહારની દુનિયામાં કોઇ ઘટના બને અને ઇગો ફરી એનું અર્થઘટન કરે, પરંતુ આ વખતે નવા ઇગો રેટિંગને ધ્યાનમાં રાખીને એ અર્થઘટન કરે. 6. ફરી ઇગો રેટિંગ તથા માનસિક અવસ્થા બદલાય.
ઇગો રેટિંગની ચડઉતર.

સોશ્યલ રેટિંગની સામે પોતાનું ઇગો રેટિંગ મુકીને માણસ લાગણીઓનું એડજસ્ટમેન્ટ કરતો રહે છે, પરંતુ માણસનો સામાજિક દરજ્જો, એનું સોશ્યલ રેટિંગ હંમેશાં માટે એક જ સ્તર પર સ્થિર નથી રહેતું. એ સતત બદલાયા કરે છે. આજે ક્લર્ક તરીકે નોકરી કરતો માણસ થોડા મહિના પછી મેનેજર બની જાય અને અમુક વર્ષો પછી કંપનીનો માલિક પણ બની જાય. ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચમાં ફાસ્ટ સેન્ચુરી ફટકારીને હીરો બની ગયેલો ક્રિકેટર પછીની ચાર પાંચ ઇનિંગ્સમાં નબળી રમત કરે તો એ વિલન બની જાય. ક્રિકેટચાહકો એને ગાળો આપવા માંડે અને એનું સોશ્યલ રેટિંગ સાવ નીચે જતું રહે.

આમ સોશ્યલ રેટિંગ એક સ્તર છે. એક લેવલ છે, જે સતત ઉપરનીચે ફરતું રહે છે. આપણા ઇગો રેટિંગની પણ એ જ સ્થિતિ છે. સોશ્યલ રેટિંગની સાથોસાથ આપણું ઇગો રેટિંગ પણ સતત બદલાતું રહે છે. કેટલાક સોશ્યલ રેટિંગ લાંબા ગાળે બદલાય છે, કેટલાક ટુંકા ગાળામાં બદલાય છે તો કેટલાક પળે પળે બદલાય છે. કોઇ વ્યક્તિ ઓફિસમાં ક્લર્ક તરીકે કામ કરતી હોય અને ધીમે ધીમે પ્રગતિ કરીને પંદરેક વર્ષો પછી મેનેજર બની જાય તો એનો સામાજિક દરજ્જો લાંબા ગાળે બદલાયો ગણાય.

કોઇ નાના દુકાનદારને મોટું ફાઇનેન્સ મળે અને એ મેન્યુફેક્ચરિંગ યુનિટ શરુ કરે. ટુંક સમયમાં એ ઘણા વધુ પૈસા કમાવા લાગે તો એમાં એનું સોશ્યલ રેટિંગ ટુંકા ગાળામાં બદલાયું ગણાય. ઓફિસમાં તમારે કોઇની સાથે ઝઘડો થાય અને એ જ દિવસે તમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવે તો તમારું સોશ્યલ રેટિંગ પળભરમાં બદલાઇ ગયું એમ કહી શકાય. સૌથી વધુ મહત્વની વાત એ છે કે સોશ્યલ રેટિંગ તથા ઇગો રેટિંગમાં ફેરફાર થવાને કારણે વ્યક્તિની માનસિક અવસ્થા બદલાય છે અને એની વર્તણુંકમાં પરિવર્તન આવે છે. ઇગો રેટિંગમાં થતી ચડઉતર અને એને પગલે વર્તણુંકમાં આવતા ફેરફાર દ્વારા જ માણસના જીવનની અનેક સચ્ચાઇઓ બહાર આવતી હોય છે. આ સિરીઝનો કેન્દ્રવર્તી વિચાર જ સોશ્યલ રેટિંગ અને ઇગો રેટિંગની ચડઉતર દ્વારા ઉજાગર થતા જીવનના કેટલાક સત્યો જાણવાનો છે. તો આગામી પ્રકરણોમાં ઇગો રેટિંગની ચડઉતરના કેટલાક એવા પાસાંને સમજીશું, જેની સચ્ચાઇ નવાઇભરી તો છે જ, પણ એ વહેવારીક જીવનમાં પણ બહુ જ ઉપયોગી નીવડે એવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp