26th January selfie contest

વિશ્વ ચકલી દિવસ: માનવીનું અન્ય જીવસૃષ્ટિ સાથેનું સહઅસ્તિત્વ

PC: static.toiimg.com

સમગ્ર જીવસૃષ્ટીની વાત કરીએ તો તેમાં સૃષ્ટિ પરના માનવ સહિતના તમામ સજીવોનો સમાવેશ થઇ જાય. મનમાં એક પ્રશ્ન એ પણ થાય કે આ સૃષ્ટિ પર પહેલા કોણ આવ્યું, માનવી કે અન્ય કોઈ સજીવ? તો તેનો જવાબ છે અન્ય સજીવો. તેનો મતલબ એમ થયો કે આ સૃષ્ટિ પર પહેલા હક્કદાર માનવી નહિ પરંતુ માનવ સિવાયના અન્ય સજીવો છે. પરંતુ હાલની સ્થિતિ વિપરીત છે. દિવસે ને દિવસે માનવ શક્તિ સૃષ્ટિ પર હાવી થઇ રહી છે અને જેના પરિણામ સ્વરૂપે આજે અનેક અન્ય સજીવો લુપ્તતાને આરે પહોંચ્યા છે. આ સ્થિતિમાં માનવી એમ માનતો હોય કે સૃષ્ટિ પર માત્ર તેનો જ અધિકાર છે અને તેની જ મનમાની ચાલશે તો તે ભૂલ ભરેલી વાત. કારણ કે જેમ જેમ અન્ય જીવસૃષ્ટિનો નાશ થતો જશે તેમ તેમ માનવીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે વધુ ને વધુ સંઘર્ષ અને ઘર્ષણ કરવું પડશે. તેનો મતલબ એવો થયો કે માનવીએ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે અન્ય જીવસૃષ્ટિ સાથે સંવાદિતા (Harmony) સ્થાપિત કરવી પડે. જેને આપણે બીજી રીતે કહીએ તો માનવીએ અન્ય જીવસૃષ્ટિ સાથે સહઅસ્તિત્વ સ્થાપિત કરવું પડે.

આ વાતને ધ્યાનમાં રાખીને, અનેક પર્યાવરણ નિષ્ણાતો અને પર્યવરણ પ્રેમીઓએ માનવીના અન્ય જીવસૃષ્ટિ સાથે સહઅસ્તિત્વને ટકાવી રાખવા માટે અન્ય સજીવોની લુપ્ત થતી પ્રજાતિ અંગે સંશોધનો અભ્યાસ કર્યા તથા તેમના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કેવા પ્રયત્નો થવા જોઈએ તે અંગે યોગ્ય સૂચનો કર્યા. આવી એક જ પ્રક્રિયાના ભાગસ્વરૂપે ૨૦ માર્ચને “વિશ્વ ચકલી દિવસ” તરીકે ઉજવવાનું નક્કી થયું.

વર્ષ 2010માં ભારતના નાસિક સ્થિત “નેચેર ફોરેવર સોસાયટી” નામની સંસ્થા દ્વારા “ચકલી બચાવો અભિયાન” શરુ કરવામાં આવ્યું. આ અભિયાનના ભાગરૂપે ઇકોસીસ એક્શન ફાઉન્ડેશન (ફ્રાંસ) અને અન્ય રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સહયોગથી “નેચેર ફોરેવર સોસાયટી” દ્વારા પ્રથમ વખત 20 માર્ચ 2010ના રોજ “વિશ્વ ચકલી દિવસ” ઉજવવામાં આવેલ. આપણા મનમાં સહજ રીતે પ્રશ્ન થાય કે ચકલી દિવસની ઉજવણી શા માટે? આ સમજવા માટે વિશ્વ ચકલી દિવસ ઉજવવા પાછળના કારણો જાણવા ખુબ જ જરૂરી છે. આજથી 15-20 વર્ષ પહેલા આપણા ઘરના આંગણામાં કે ફળિયામાં ચકલીઓનો ચી-ચી અવાજ સાંભળવા મળતો અને બાળકો તેની આસપાસ રમતા જોવા મળતા. આ ચકલીઓ તેમના માળા મોટા ભાગે આપણા ઘરના કોઈ ગોખલા કે માળિયામાં બનાવી તેમાં ઈંડા મુકતી અને બચ્ચાને જન્મ આપતી. જાણે તે આપણા ઘરનો એક અભિન્ન હિસ્સો જ હતી. ઘણા વર્ષોથી આ જ રીતે ચકલીઓ અને માનવ પ્રજાતિ વચ્ચે સહઅસ્તિત્વનો સંબંધ સ્થાપિત થયેલ.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી બદલાયેલ માનવ જીવનશૈલી, બાંધકામની પદ્ધતિઓ, ખેતીમાં વધી રહેલ રસાયણિક ખાતરનો વપરાશ, વધી રહેલ વાયુ અને અવાજ પ્રદુષણનું પ્રમાણ તથા ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો વધી રહેલ વપરાશના કારણે ચકલીઓ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બન્યું છે. આજે કોન્ક્રીટના જગલમાં ચકલીઓ માટે માળો બાંધવા તથા ઈંડા મુકવા માટે યોગ્ય વાતાવરણ અને જગ્યા મળવી ખુબ જ મુશ્કેલ જણાય છે. જેના પરિણામ સ્વરૂપે દિવસે ને દિવસે “ઘર ચકલીઓની” સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ છે. વર્ષ 2016માં આંતરરાષ્ટ્રીય કક્ષાએ કુદરતી જૈવ સૃષ્ટિના સંવર્ધન અને સંરક્ષણ માટે કામ કરતી સંસ્થા “ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) દ્વારા ઘર ચકલીની સંખ્યામાં નોંધપાત્ર રીતે થયેલ ઘટાડાને કારણે તેને લુપ્ત થતી પ્રજાતિની યાદીમાં (રેડ લીસ્ટ) માં મુકવામાં આવેલ.

લુપ્ત થઇ રહેલ “ઘર ચકલી” ની પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ઘણા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે લખનૌ યુનિવર્સીટીના ઇન્સ્ટીટયુટ ફોર વાઈલ્ડલાઈફ સાયન્સ વિભાગ દ્વારા દર વર્ષે લખનૌ શહેરમાં હાથ ધરવામાં આવતી ઘર ચકલીની વસ્તી ગણતરીમાં વર્ષ 2019માં 11675ની સરખામણીએ વર્ષ 2020માં નોંધપાત્ર વધારા સાથે આ સંખ્યા ૧૫૩૨૪ જોવા મળેલ. પરંતુ એક અખબારી એહવાલ મુજબ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના (BNHS) નાયબ નિયામક દ્વારા વર્ષ 2021માં જણાવેલ કે “કેટલાક રીપોર્ટના આધારે કહી શકાય કે સમગ્ર દેશમાં ઘર ચકલીની સંખ્યામાં 80 ટકા જેટલો ઘટડો જોવા મળે છે પરંતુ આ ઘટાડા અંગેના કારણો અને સંખ્યાને લઈને આપણી પાસે કોઈ ચોક્કસ કે આધારભૂત પુરાવા નથી જે ચિંતાનો વિષય છે.”

વાત જયારે માનવના અન્ય સજીવો સાથેના સહઅસ્તિત્વની આવે તો તેમાં મારા-તમારા જેવા સામાન્ય માણસો પણ ઘર ચકલી બચાવવામાં ઘણું યોગદાન આપી શકે છે. આપણા ઘરમાં બિલાડી કે કુતરા ન પહોંચે તેવી જગ્યા પર પુંઠાના, માટીના કે લાકડાના ચકલીના માળા લગાવી શકાય. ચકલીઓ આ પ્રકારના માળામાં પોતાનો માળો બનાવી તેમાં ઈંડા મુકે છે. તેમના ખોરાક – પાણીની વ્યવસ્થા માટે ઘરની પાળી, અગાસી, બાલ્કની કે ફળિયામાં પાણીનું કુંડુ અને થોડો ખોરાક જેમકે બાજરી, ચોખાની કણકી, રોટલીના ટુકડા વગેરે મૂકી શકાય. આજકાલ પક્ષીઓને સેવ, ગાંઠિયા કે પાપડી ખવડાવાનું ચલણ ખુબ જ પ્રચલિત થયું છે જે તદ્દન અયોગ્ય છે અને આ પ્રકારના ખોરાક પક્ષીઓના સ્વાસ્થ્ય માટે હાનીકારક હોવાથી તેમને તેમના કુદરતી ખોરાક જ આપવા જોઈએ. ઘરની આસપાસ દેશી અને ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. બાળકોને નાનપણથી જ કુદરત પ્રત્યે લગાવ થાય તેવા વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ જેથી આવનારી પેઢી ચકલીઓ અને અન્ય લુપ્ત થતી પ્રજાતિને માત્ર ફોટામાં જ નહિ પરંતુ પોતાની નજર સમક્ષ જાણી શકે ને માણી શકે.

- સમયની એરણે
- ગૌરવ ઠક્કર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp