26th January selfie contest

ઇગોનું આકર્ષણ અને અપાકર્ષણ

PC: Khabarchhe.com

ઇગો શું નથી અને ઇગો શું છે? શેર બજારમાં સાચું પ્રિડિક્શન કરવા માટે નિષ્ણાતો કંપની, સરકારની નીતિ તથા બજારનાં વિવિધ પાસાંનો અભ્યાસ કરતાં હોય છે. જેમ કે ફન્ડામેન્ટલ્સ, કંપનીનું ભાવિ પ્રોસ્પેક્ટ, અર્નિંગ પર શેર, કંપનીના એન્યુઅલ રિપોર્ટ્સનો ઝીણવટભર્યો અભ્યાસ વગેરે. એકંદરે આ બધા પરિબળો મહત્વના છે, છતાં બધા જ પરિબળો અવારનવાર ખોટાં પણ સાબિત થતાં હોય છે અને એ રીતે શેરના ભાવમાં ચડઉતર થતી જોવા મળે છે. આથી જ નિષ્ણાતો હંમેશાં કોઇ એક એવાં પરિબળની શોધમાં હોય છે, જેના આધારે શેરના ભાવની ચડઉતર વિશેનું ચોક્સાઇભર્યું પ્રિડિક્શન કરી શકાય.

આવી જ રીતે જીવનની સચ્ચાઇ જાણવા માટે પણ વિચારકો, દાર્શનિકો અને વિદ્વાનો સદીઓથી આવાં કોઇ એક ફેક્ટરની તલાશ કરતાં રહ્યા છે, જેનો આધાર લઇને માનવીના સુખદુખ તથા માણસની દરેક વર્તણુંકને સમજી શકાય, પરંતુ હજુ સુધી એમાં કોઇને સો ટકા સફળતા નથી મળી. બધા પરિ બળોનો જેમાં સમાવેશ થઇ જાય એવું કોઇ એક પરિબળ હજુ સુધી કોઇ શોધી નથી શક્યું. જીવનની લગભગ દરેક બાબતને, માણસની દરેક વર્તણુંકને અને માનવજીવનના અર્થને સાચી રીતે સમજાવે એવું કોઇ એક પરિબળ મળી જાય તો કેવું? સુખ અને દુઃખની લાગણી શું છે? માણસ શા માટે અમુક સંજોગોમાં અમુક રીતે વર્તે છે એની સાચી સમજ, સંબંધોની સચ્ચાઇ વગેરે જેવી બાબતો સહેલાઇથી સમજાવી શકે એવું કોઇ એક પરિબળ મળી જાય તો કેવું?

હકીકતમાં આવું એક પરિબળ મોજુદ છે. એ આપણી સામે જ છે, છતાં આપણે ક્યારેય એને સાચી રીતે સમજી નથી શક્યા. એ પરિબળ છે માણસનો અહંકાર. એટલે કે માણસનો ઇગો. માનવજીવનમાં ઇગો એક એવું મહત્વનું પરિબળ છે કે જો એને સાચી રીતે સમજીએ તો જીવનની દરેક વાત સરળતાથી સમજાઇ જાય. એટલું જ નહીં. જીવન એકદમ સરળ અને આનંદમય બની જાય. સમસ્યા એ છે કે ઇગો વિશેની પ્રચલિત માન્યતાઓ તથા એ વિશે થયેલા અત્યાર સુધીના અભ્યાસમાં ઇગો વિશેની સાચી જાણકારી બહાર આવી નથી. ઇગોને કોઇ સાચા અર્થમાં સમજી નથી શક્યું. અલબત્ત, ઇગો વિશેની કેટલીક જાણકારી ઉપલબ્ધ છે, પરંતુ એ અપુરતી છે. ઇગો શું છે એનો આછાપાતળો ખયાલ લોકો ધરાવે છે, પરંતુ ઇગોનાં બીજા અનેક પાસાંને સમજવાની ખાસ કોશિષો જ નથી થઇ. માણસમાં ઇગો ક્યારે અને કઇ રીતે પેદા થયો, શા માટે પેદા થયો. ઇગો કઇ રીતે કામ કરે છે, કઇ રીતે આપણું વર્તન નક્કી કરે છે વગેરે બાબતો વિશે ભારે અજ્ઞાન પ્રવર્તે છે. ઇગો વિશેની આ જાણકારી વિના ઇગોને સમજવાનું મુશ્કેલ છે.

અહંકારની કામગીરી વિશે આપણે ફક્ત દશ ટકા જાણીએ છીએ અને એમાં જીવનની સચ્ચાઇની માત્ર એક ઝલક દેખાય છે. અહંકારના વિવિધ પાસાંઓ વિશેની નેવું ટકા વાતોથી વિશ્વ અજાણ છે આ નેવું ટકા જાણકારી માનવજીવનને એક નવી દિશા આપી શકે છે. અહંકાર વિશેની અજાણી રહેલી એ જાણકારી અહીં આપવાનો આશય છે. વધુ દાવાઓ કરવાને બદલે હું મુળ વાત પર આવીશ અને એક પછી એક મુદ્દાની રજુઆત કરીશ. સૌથી પહેલા તો એ વિચારીએ કે આજની તારીખે અહંકાર વિશે આપણે શું જાણીએ છીએ? અહંકાર વિશે કેવી માન્યતાઓ પ્રચલીત છે?

ઇગો એક શૈતાની તત્વઃ ઇગો વિશેની મોટા ભાગના માન્યતાઓમાં એને વિલન ગણાવવામાં આવે છે. એને કોઇ દુષ્ટ તથા અનિષ્ટ તત્વ ગણવામાં આવે છે. ધર્મ અને અધ્યાત્મના ખેંરખાંઓ હંમેશાં ઇગોને એક દુષ્ટ તત્વ ગણતાં આવ્યાં છે. ઇગો જાણે આપણા મગજમાં ઘુસી ગયેલું કોઇ શૈતાની તત્વ હોય એવું આપણા મનમાં ઠસાવવામાં આવે છે. ભારતની કે અન્ય કોઇ પણ સંસ્કૃતિની પ્રાચીન બોધકથાઓમાં મુખ્ય બોધ જરૂર એ હોય છે કે ઇગો માણસનું પતન કરે છે એટલું જ નહીં, ઇગો સર્વનાશ પણ નોતરી શકે છે. ભારતના બહુ મોટા અને પવિત્ર ગ્રંથ રામાયણના મુખ્ય ખલનાયક રાવણને વિશ્વનો સૌથી મોટો અહંકારી, ઇગોઇસ્ટિક માણસ ગણવામાં આવ્યો છે. આધુનિક યુગમાં અસંખ્ય લોકોની હત્યા માટે જવાબદાર એવા જર્મનીનો ભૂતપૂર્વ શાસક એડોલ્ફ હિટલર મોટો અહંકારી અને ઇગોઇસ્ટિક હતો એવું જણાવાય છે.

ઇગો એટલે અભિમાન. પ્રાઇડઃ એક સમજ એવી પ્રવર્તે છે કે ઇગો એટલે અભિમાન. પોતાની જાતને ઊંચી માનવી, પોતાના વિશે મોટી મોટી વાતો કરવી. આઇ એમ સમથિંગ એવું માનીને પોતાના ગુણગાન ગાવા. વગેરે. જીવનમાં કોઇક પ્રકારની સફળતા મેળવી ચુકેલા માણસો પોતાની સિદ્ધિઓ બાબતે ગૌરવ અનુભવતા હોય છે. એ તો સમજ્યા, પરંતુ અમુક લોકો એ ગૌરવને બદલે એનું અભિમાન લેવા માંડે છે. તેઓ એમ માનવા લાગે છે કે મેં જે સિદ્ધ કર્યું એ બહુ મોટી વાત છે અને એ મારા જેવી વિશેષ વ્યક્તિ જ સિદ્ધ કરી શકે. આવા માણસો જાણે એવું કહેતા હોય છે કે મારા જેવી સિદ્ધિ મેળવવાનું તમારા જેવા સામાન્ય માણસોનું કામ નથી. હું મહાન છું. આઇ એમ સમથિંગ. આવી વાતો કરનારા વિશે અન્ય લોકો તરત જ અભિપ્રાય બાંધી લે છે અને એમના પર એવું લેબલ લગાવી દે છે કે આ તો બહુ અભિમાની છે. બહુ અહંકારી છે. ફક્ત સફળતાની જ વાત નથી, અમુક સ્ત્રીઓને પોતાના રૂપનું અભિમાન છે તો કોઇ વિદ્વાનને પોતાની વિદ્વતાનું અભિમાન હોય છે. અરે, કેટલાક સન્યાસીઓ સંસારનો ત્યાગ કરી દેવાનું પણ અનુભવતા હોય છે. વાત એક જ છે. મારી પાસે જે શ્રેષ્ઠત્વ છે એ તમારી પાસે નથી એટલે હું મહાન છું. આઇ એમ સમથિંગ. આ પ્રકારના વલણનું ઇગોથી બહુ નજીક છે, પરંતુ એ ઇગો નથી. ઇગો એનાથી કંઇક વિશેષ છે. કંઇ સિદ્ધ ન કર્યું હોય એવા માણસો પણ ઘણીવાર અભિમાન કરતાં હોય છે અને ઇગો દેખાડતા હોય છે. કેટલાક લોકો અભિમાન ન હોવાનું પણ અભિમાન કરતાં હોય છે. તો ઇગો એ અભિમાન કરતાં કંઇક વિશેષ છે.

ઇગોનો પર્યાય એટલે ઉદ્ધતાઇઃ એક માન્યતા એ પ્રવર્તે છે કે ઇગો એ ઉદ્ધતાઇ તથા તોછડાઇનો પર્યાય છે અને એ વિનમ્રતાની વિરુદ્ધનું પરિબળ છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે અહંકારી માણસો ઉદ્ધતાઇથી વર્તતા હોય છે. આ પણ ખોટું છે. ઉદ્ધતાઇ એ બિહેવિયર છે, એક વર્તણુંક છે, જે વ્યક્તિની નારાજગી અથવા ગુસ્સાને વ્યક્ત કરે છે. બધા જ અહંકારી માણસો ઉદ્ધત રીતે વર્તે એ જરૂરી નથી. ઘણા અહંકારી માણસો વહેવારમાં સાલસ હોય છે. બીજી તરફ વિનમ્ર માણસો પણ મનમાં મોટો અહંકાર લઇને ફરતા હોય એવું બનતું હોય છે. કેટલાક લોકોને વિનમ્રતાપૂર્વક પોતાના વિશેની બડાશ હાંકવાની ફાવટ હોય છે. તો કેટલાક લોકો વિનમ્રતાના આંચળા હેઠળ પોતાના ઇગોને છૂપાવતા હોય છે.

ઇગો એટલે આપણું સમગ્ર અસ્તિત્વઃ ઇગો જ માણસનું સર્વસ્વ હોવાની પણ એક માન્યતા છે. એટલે કે આપણું સમગ્ર હુંપણું એ જ આપણો અહંકાર એવી એક સમજ છે. આપણે જે છીએ એ આપણો ઇગો જ છે, બીજું કંઇ જ નહીં. આ માન્યતાને નકારી કાઢનારા દલીલ કરે છે કે તો પછી ઇગોથી છુટકારો પામવાની વાત કઇ રીતે થઇ શકે? ઇગોથી બચવા માટે શું આપણાં અસ્તિત્વને જ મિટાવી દેવાનું? હકીકતમાં માનવ જીવનમાં, માનવ સંબંધોમાં એવી ઘણી ક્ષણો હોય છે, જ્યારે માણસ બિલકુલ ઇગો નથી અનુ ભવતો. માતા અને નાનાં બાળક વચ્ચેના સંબંધમાં ઇગો ક્યાં વચ્ચે આવતો હોય છે? કોઇ કલાકાર સંગીતમાં તલ્લીન હોય કે કોઇ ચિત્રકાર ચિત્ર બનાવતો હોય ત્યારે એનામાં ક્યાં ઇગો હોય છે? તો ઇગોને આપણા સમગ્ર અસ્તિત્વ સાથે જોડવાનું પણ ભુલભરેલું છે.

સાયન્સ, ટેકનોલોજી કે સાઇકોલોજી અને ફિલોસોફી વિશેના છેલ્લામાં છેલ્લા સંશોધન વિશે જાણકારી મેળવવી હોય તો હોલીવુડની ફિલ્મો, એમાંય ખાસ તો સાયન્સ ફિક્શન પર આધારીત ફિલ્મો, કોમિક્સ, સિરિયલો પર એક નજર કરવી. હોલીવડમાં છેલ્લા સંશોધનો પર આધારીત ફિલ્મો કે સિરિયલ બનતી જ હોય છે. હોલીવુડમાં માર્વેલ સ્ટુડિયોની કોમિક્સ તથા સિરિયલોમાં 'ઇગો ધ લિવિંગ પ્લેનેટ' નામનું એક પાત્ર બહુ લોકપ્રિય બન્યું છે. આ પાત્રને એક દુષ્ટ તત્વ તરીકે જ રચવામાં આવ્યું છે. 'ઇગો ધ લિવિંગ પ્લેનેટ'ની ઇચ્છા સમગ્ર સૃષ્ઠિનો નાશ કરવાની છે. આમ સાયન્સ ફિક્શનમાં પણ ઇગોની કલ્પના એક દુષ્ટ તત્વ તરીકે જ કરવામાં આવી છે.

આ ઉપરાંત 2016માં પ્રકાશિત થયેલી બુક 'ઇગો ધ એનીમી' બેસ્ટ સેલર બની. લોકપ્રિય લેખક રિયાન હોલીડેની આ બુકનો સાર પણ એ જ છે કે ઇગો તમારો દુશ્મન છે એ તમને બરબાદ કરનારું એક જોખમી તત્વ છે વગેરે. અલબત્ત, લેખકે કદાચ ઉંડા અભ્યાસના આધારે, મહેનત કરીને આ પુસ્તક લખ્યું હશે, પરંતુ આપણને એમાં નવું કંઇ જાણવા મળતું નથી. તેઓ ઇગોને ફક્ત અભિમાન ગણે છે અને આવું અભિમાન સફળતા મેળવવામાં અ ડચણ બને છે એનું જ પુસ્તકમાં રટણ છે. આથી જ આપણને લાગે કે ઇગોના દરેક પાસાં વિશેનો ઉંડો અભ્યાસ કરવાની કોશિષ ખાસ થઇ નથી.

માન્યતાઓ ખોટી: આગળ વધતા પહેલા આપણે એક વાત સમજી લઇએ કે ઇગો વિશે જે માન્યતાઓ પ્રવર્તે છે એમાંની મોટા ભાગની ખોટી છે. ઇગો વિશે જે અભ્યાસ થયો છે એના તારત્મયોમાં ગુંચવણો પ્રવર્તે છે અને કેટલાક મૂળભૂત પ્રશ્નો જાગે છે. જનમાનસમાં પ્રવર્તતી માન્યતાઓ અનુસાર જો ઇગો માણસનું પતન અને વિનાશને નોતરતું એક અનિષ્ટ તથા દુષ્ટ તત્વ છે, તો લોકો એનાથી મુક્ત કેમ નથી થઇ જતા? શા માટે દરેક સદીમાં, દરેક દાયકામાં અહંકારી લોકો પેદા થતાં રહે છે? શા માટે અહંકારને કારણે રાજામાંથી રંક બનતા માણસોની વાર્તાઓનું પુનરાવર્તન થયા જ કરે છે?

બીજો પ્રશ્ન એ જાગે કે ઇગોમાં એવું કયું તત્વ છે, જે માણસને આકર્ષે છે અને એને અહંકારી બનવા પ્રેરે છે? શા માટે માણસ બધુ જાણતો હોવા છતાં અહંકારી બને છે અને પોતાને જ નુકસાન પહોંચાડતો રહે છે? દિવસમાં અનેકવાર આપણે ઇગોના પ્રભાવ હેઠળ વર્તતા હોઇએ છીએ, પરંતુ એ સમયે એનાથી વાકેફ નથી હોતા. શું તમે સજાગપણે ઇગોનો પ્રત્યક્ષ અનુભવ ક્યારેય કર્યો છે?

ઇગોનો અહેસાસ અને ઉલ્લાસ: એક કલ્પના કરો. વર્ષોથી તમે જે ક્ષેત્ર સાથે સંકળાયેલા છો એ ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કામગીરી દાખવવા બદલ તમને એક બહુ મોટો એવોર્ડ મળ્યો છે. જિંદગીમાં આ તમારો પહેલો એવોર્ડ છે. આજે સાંજે એક ભવ્ય સમારંભમાં એક બહુ મોટી હસ્તીના હસ્તે તમને એ એવોર્ડ એનાયત થવાનો છે. તમે તમારા પરિવાર સાથે ઓડિટોરિયમમાં પહોંચો છો. ત્યાં તમારા ક્ષેત્રના અનેક લોકો હાજર છે. તમારા હિતેચ્છુઓ અને તમારી સફળતાની ઇર્ષ્યા કરનારા લોકો પણ ત્યાં હાજર છે. તમારા મિત્રો અને તમારા સગાં તથા પરિચીતો પણ હાજર છે. સૌને ખબર છે કે તમને એવોર્ડ મળવાનો છે. એમને જોઇને તમને કેવી અહ્લાદક ખુશીની લાગણી થાય છે? સમારંભનો પ્રારંભ થઇ ગયો. કાર્યક્રમના સંચાલેક માઇક હાથમાં લીધું. તમારા પહેલા અન્ય કેટેગરીના વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો અને હવે તમારો વારો છે. સંચાલક તમારું નામ બોલે છે. તાળીઓના ગડગડાટ. તમારું હૈયું આનંદથી ઝુમી ઉઠે છે. તમે તમારી બેઠક પરથી ઉભા થઇને સ્ટેજ પર જાઓ છો. એવોર્ડ એનાયત કરતાં પહેલા સંચાલાક ઓડિયન્સને તમારો પરિચય આપતાં તમારી પ્રસંશા કરે છે. ફરી તાળીઓના ગડગડાટ. તમે અલૌકીક લાગણીની અનુભુતિ કરી રહ્યા છો. છેવટે જાણીતી હસ્તીના હાથે તમને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. તમે નમ્રતા સાથે નીચા ઝુકીને એવોર્ડ સ્વીકારો છો. આ વખતના તાળીઓના ગડગડાટમાં તમે સુધબુધ લગભગ ખોઇ બેસો છો. તમને સુઝતું નથી કે શું કરવું, શું બોલવું.

વેલ, આ લાગણી, આ અનુભુતિ શેની છે? હિતેચ્છુઓ, હિતશત્રુઓની હાજરીમાં તમારો સામાજિક દરજ્જો ઉપર ગયો એવી લાગણી તમે અનુભવી. આ લાગણીને શબ્દોમાં વર્ણવવાનું તમારા માટે શક્ય નથી, પરંતુ તમે ખુબ આનંદ અને ઉલ્લાસની અનુભુતિ કરી એની તમને ખાતરી છે. શું આ લાગણી તમને પસંદ આવે એવી નથી? શું આ ઇગોની ફર્સ્ટ હેન્ડ અનુભુતિ છે? તમે ઇગોની આ લાગણીને માણી એનો અર્થ એ નથી કે ઇગો બહુ મજાની વસ્તુ છે. જે રીતે ઇગો આનંદની લાગણીનો અનુભવ કરાવે છે એ જ રીતે ઇગો દુઃખ અને પીડાની લાગણીનો પણ તમને અનુભવ કરાવી શકે છે. ઉપરોક્ત પ્રસંગમાં તમે ઇગોની ફક્ત એક ઝલક અનુભવી. ઇગોને સાચા અર્થમા સમજવાની સફર બહુ લાંબી છે.

ઇગો એક, પાસાં અનેક: ઇગોને સમજવામાં આજ સુધી લોકો ગુંચવણ અનુભવતા રહ્યા છે એની પાછળનું મુખ્ય કારણ એ છે કે ઇગોને ફક્ત એક જ એંગલથી સમજવાની કોશિષ થતી રહી છે. હકીકતમાં ઇગોના દરેક પાસાંને સમજવા માટે સાવ જ અલગ દષ્ટિકોણની જરુર છે. જેમ કે ઇગોને મોટે ભાગે નિષ્ઠુરતા અને જડતાની સાથે સાંકળવામાં આવે છે, પરંતુ જો હું તમને એમ કહું કે ઇગો માણસનું મુખ્ય સંવેદના કેન્દ્ર છે તો? અને તમને કહું કે ઇગોને માપવાની કોશિષ થઇ શકે છે તો? જો હું તમને કહું કે કે ઇગો વ્યક્તિ અને સમાજ વચ્ચેનો એક સેતુ છે તો? ઇગોને આપણે નવા દષ્ટિકોણથી જોઇશું તો એને સમજવાનું સરળ થઇ પડશે. ઇગોની મુખ્ય ચર્ચા કરતાં પહેલા આપણે ઇગો સાથે સંકળાયેલા કેટલાક કોન્સેપ્ટ્સને વિગતમાં સમજીશું. એક છે માણસનો સેલ્ફ એસ્ટીમ, જેને ઘણા લોકો ઇગોનો પર્યાય માને છે. સેલ્ફ એસ્ટીમ ઇગોની બહુ નજીક છે. સમજવા જેવો બીજો કોન્સેપ્ટ છે માણસનાં વ્યક્તિત્વનું સ્પર્ધાત્મક પાસું, જેમાં માણસ અન્યો સાથે તુલના કરીને પોતાનું ચડિયાતાપણું પુરવાર કરવાની કોશિષ કરતો રહે છે. ત્રીજો કોન્સેપ્ટ્સ છે સમાજ દ્વારા વ્યક્તિને આપવામાં આવતા સામાજિક દરજ્જાની સિસ્ટમ વિશેનો. ટુંકમાં ઇગોની સાચી જાણકારી બહુ જ રસપ્રદ છે. એના વિશે કદી ન સમજાયેલી વાતો અહીં જાણીને તમને થશે કે અરે હા, વાત તો સાચી છે. એટલું જ નહીં, ઇગો વિશેની સાચી જાણકારી મેળવ્યા પછી સુખદુઃખ, સંબંધો, નિષ્ફળતા અને માનસિક અશાંતિ જેવી અનેક બાબતોને સરળતાથી સમજી શકાશે અને એનાં ટેન્શન પણ દુર થઇ શકશે.

-નિખિલ મહેતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp