મન કી બાતમાં 40 દિવસની અબાબતના PMએ કેમ કર્યા વખાણ, કહ્યું- તેણે કર્યું મહાન કામ

PC: twitter.com

PM નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં ઓર્ગન ડોનેશનને લઈને વાત કરી હતી, જેમાં તેમણે 40 દિવસની એક દીકરી અબાબત કૌર વિશે વાત કરી હતી અને તેના ભરપેટ વખાણ કર્યા હતા. PM મોદીએ અમૃતસરના સુખબીર સિંહ સંધુ સાથે વાત કરી હતી, જેમણે તેમની 40 દિવસની દીકરી અબાબતનું ઓર્ગન ડોનેટ કર્યું હતું.

PM મોદીએ મન કી બાતમાં કહ્યું હતું કે, આધુનિક મેડિકલ સાયન્સના આ યુગમાં ઑર્ગન ડૉનેશન, કોઈને જીવન આપવાનું એક ખૂબ જ મોટું માધ્યમ બની ચૂક્યું છે. કહે છે કે જ્યારે એક વ્યક્તિ મૃત્યુ પછી પોતાનું શરીર દાન કરે છે તો તેનાથી આઠથી નવ લોકોને એક નવું જીવન મળવાની સંભાવના થાય છે. સંતોષની વાત એ છે કે આજે દેશમાં ઑર્ગન ડૉનેશન પ્રત્યે જાગૃતિ પણ વધી રહી છે. વર્ષ 2013માં આપણા દેશમાં ઑર્ગન ડૉનેશનના પાંચ હજારથી પણ ઓછા કિસ્સાઓ હતા, પરંતુ વર્ષ 2022માં આ સંખ્યા વધીને 15 હજારથી વધી ગઈ છે. ઑર્ગન ડૉનેશન કરનારી વ્યક્તિઓએ, તેમના પરિવારે ખરેખર ખૂબ જ પુણ્યનું કામ કર્યું છે.

તેમણે કહ્યું કે, મારું ઘણા સમયથી મન હતું કે હું આવું પુણ્ય કાર્ય કરનારા લોકોના ‘મનની વાત’ જાણું અને તેને દેશવાસીઓ સાથે વહેંચું. આથી આજે ‘મન કી બાત’માં આપણી સાથે એક વહાલી દીકરી, એક સુંદર ઢીંગલીના પિતા અને તેમની માતાજી આપણી સાથે જોડાવા જઈ રહી છે. પિતાજીનું નામ છે સુખબીરસિંહ સંધૂ જી અને માતાજીનું નામ છે સુપ્રીત કૌરજી, આ પરિવાર પંજાબના અમૃતસરમાં રહે છે. ઘણી પ્રાર્થના પછી તેમને એક સુંદર ઢીંગલી, દીકરી થઈ હતી. ઘરના લોકોએ ખૂબ જ પ્રેમથી તેનું નામ રાખ્યું હતું – અબાબત કૌર. અબાબતનો અર્થ બીજાની સેવા સાથે જોડાયેલો છે. બીજાનું કષ્ટ દૂર કરવા સાથે જોડાયેલો છે. અબાબત જ્યારે માત્ર ઓગણચાલીસ (39) દિવસની હતી ત્યારે તે આ દુનિયા છોડીને ચાલી ગઈ. પરંતુ સુખબીરસિંહ સંધૂ અને તેમની પત્ની સુપ્રીત કૌરજીએ, તેમના પરિવારે ઘણો જ પ્રેરણાદાયક નિર્ણય કર્યો. આ નિર્ણય હતો- ઓગણચાલીસ (39) દિવસની ઉંમરની દીકરીના અંગદાનનો- ઑર્ગન ડૉનેશનનો. આપણી સાથે આ સમયે ફૉન લાઇન પર સુખબીરસિંહ અને તેમનાં શ્રીમતીજી ઉપસ્થિત છે. આવો, તેમની સાથે વાત કરીએ.

પ્રધાનમંત્રી: સુખબીરસિંહ નમસ્તે.

સુખબીરસિંહ: નમસ્તે માનનીય પ્રધાનમંત્રી. સત શ્રી અકાલ.

પ્રધાનમંત્રી: સત શ્રીઅકાલજી, સત શ્રી અકાલજી, સુખબીરસિંહ, હું આજે ‘મન કી બાત’ના સંદર્ભમાં વિચારી રહ્યો હતો તો મને લાગ્યું કે અબાબતની વાત એટલી પ્રેરણાદાયક છે કે તે તમારા જ મોંઢે સાંભળું કારણકે ઘરમાં દીકરીનો જન્મ જ્યારે થાય છે તો અનેક સપના, અનેક ખુશીઓ લઈને આવે છે, પરંતુ દીકરી આટલી જલ્દી ચાલી જાય તે કષ્ટ કેટલું ભયંકર હશે તેનો પણ હું અંદાજ લગાવી શકું છું. જે રીતે તમે નિર્ણય કર્યો, તો હું બધી વાત જાણવા માગું છું, જી.

સુખબીરસિંહ: સર, ભગવાને ખૂબ જ સારું બાળક આપ્યું હતું અમને, ખૂબ જ વ્હાલી ઢીંગલી અમારા ઘરમાં આવી હતી. તેના જન્મતાં જ અમને ખબર પડી કે તેના મગજમાં નાડીઓનો એક એવો ગુચ્છો બનેલો છે કે જેના કારણે તેના હૃદયનો આકાર મોટો થઈ રહ્યો છે. તો અમે ચિંતા પડી ગયાં કે બાળકની તબિયત આટલી સારી છે , આટલું સુંદર છે અને આટલી મોટી સમસ્યા લઈને જન્મ્યું છે.

પહેલા 24 દિવસ સુધી તો બાળક ઘણું ઠીક રહ્યું, બિલકુલ નૉર્મલ રહ્યું. અચાનક તેનું હૃદય, એકદમ કામ કરવાનું બંધ થઈ ગયું, તો અમે તરત જ તેને હૉસ્પિટલ લઈને ગયા, ત્યાં ડૉક્ટરોએ તેને જીવતી તો કરી દીધી, પરંતુ સમજવામાં સમય લાગ્યો કે તેને શું તકલીફ પડી, આટલી મોટી તકલીફ નાના બાળકને અને અચાનક હૃદયરોગનો હુમલો થયો તો અમે તેને સારવાર માટે પીજીઆઈ ચંડીગઢ લઈ ગયા. પરંતુ બીમારી એવી હતી કે તેની સારવાર આટલી નાની ઉંમરમાં સંભવ નહોતી. ડૉક્ટરોએ ઘણો પ્રયાસ કર્યો કે તેને જીવતી કરવામાં આવે. જો છ મહિના સુધી બાળક જીવી જાય તો તેના ઑપરેશનનું વિચારી શકાય તેમ હતું. પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું, માત્ર ૩૯ દિવસની જ્યારે થઈ ત્યારે ડૉક્ટરે કહ્યું કે તેને ફરી વાર હૃદયરોગનો હુમલો થયો છે.

હવે આશા બહુ જ ઓછી રહી ગઈ હતી. તો અમે બંને પતિ-પત્ની રોતાંરોતાં એવા નિર્ણય પર પહોંચ્યા કે અમે જોયું હતું તેને બહાદુરીથી ઝઝૂમતા, વારંવાર એવું લાગી રહ્યુ હતું કે જાણે હવે ચાલી જશે, પરંતુ તે ફરી બેઠી થઈ જતી હતી, તો અમને એવું લાગ્યું કે આ બાળકનો અહીં આવવાનો કોઈ હેતુ છે તો તેણે જ્યારે બિલકુલ જ જવાબ દઈ દીધો તો અમે બંનેએ નિર્ણય કર્યો કે શા માટે આપણે આ બાળકના ઑર્ગન ડૉનેટ ન કરી દઈએ. કદાચ, બીજા કોઈના જીવનમાં ઉજાસ આવી જાય, પછી અમે પીજીઆઈના જે ઍડ્મિનિસ્ટ્રેટિવ બ્લૉક છે તેમાં સંપર્ક કર્યો અને તેમણે અમને માર્ગદર્શન આપ્યું કે આટલા નાના બાળકની માત્ર કિડની જ લઈ શકાય છે. પરમાત્માએ હિંમત આપી ગુરુ નાનક સાહેબનું ચિંતન છે. આ વિચારથી અમે નિર્ણય લઈ લીધો.

પ્રધાનમંત્રી: ગુરુઓએ જે ઉપદેશ આપ્યો છે જી, તેને તમે જીવીને બતાવ્યો છે. સુપ્રીતજી છે શું? તેમની સાથે વાત થઈ શકશે?

સુખબીરસિંહ: જી સર.

સુપ્રીતજી: હેલ્લો. 

પ્રધાનમંત્રી: સુપ્રીતજી, હું તમને પ્રણામ કરું છું.

સુપ્રીતજી: નમસ્કાર, સર નમસ્કાર સર. આ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે આપ અમારી સાથે વાત કરી રહ્યા છો.

પ્રધાનમંત્રી: તમે આટલું મોટું કામ કર્યું છે અને હું માનું છું કે દેશ જ્યારે આ બધી વાતો સાંભળશે તો ઘણા લોકો કોઈનો જીવ બચાવવા માટે આગળ આવશે. અબાબતનું આ યોગદાન છે, તે ખૂબ જ મોટું છે જી.

સુપ્રીતજી: સર, આ પણ ગુરુ નાનક બાદશાહજીની કદાચ ભેટ હતી કે તેમણે હિંમત આપી, આવો નિર્ણય લેવામાં.

પ્રધાનમંત્રી- ગુરુઓની કૃપા વગર તો કંઈ બની જ ન શકે જી.

સુપ્રીતજી: બિલકુલ સર, બિલકુલ.

પ્રધાનમંત્રી: સુખબીરસિંહ, જ્યારે તમે હૉસ્પિટલાં હતાં અને આ હચમચાવી દે તેવા સમાચાર જ્યારે ડૉક્ટરે તમને આપ્યા, તે પછી પણ તમે સ્વસ્થ મનથી તમે અને તમારાં શ્રીમતીજીએ આટલો મોટો નિર્ણય કર્યો, ગુરુઓનો ઉપદેશ તો છે જ કે તમારા મનમાં આટલો મોટો ઉદાર વિચાર અને સાચે જ અબાબતનો જે અર્થ સામાન્ય ભાષામાં કહીએ તો મદદગાર થાય છે. આ કામ કરી દીધું, તે પળ વિશે હું સાંભળવા માગું છું.

સુખબીરસિંહ: સર, ખરેખર તો અમારા એક પારિવારિક મિત્ર છે- પ્રિયાજી. તેમણે પોતાનાં ઑર્ગન ડૉનેટ કર્યાં હતાં. તેમનામાંથી પણ અમને પ્રેરણા મળી તો તે સમયે અમને લાગ્યું કે શરીર તો પંચ તત્ત્વોમાં વિલીન થઈ જશે. જ્યારે કોઈ જુદું પડી જાય છે, ચાલ્યું જાય છે તો તેના શરીરને સળગાવી દેવામાં આવે છે કે દાટી દેવામાં આવે છે, પરંતુ જો તેનાં ઑર્ગન કોઈનાં કામમાં આવી જાય તો આ ભલાઈનું જ કામ છે અને તે સમયે, અમને વધુ ગર્વની અનુભૂતિ થઈ જ્યારે ડૉક્ટરે, કહ્યું અમને કે, તમારી દીકરી ભારતની સૌથી નાની ઉંમરની દાતા બની છે, જેનાં ઑર્ગન સફળતાપૂર્વક પ્રત્યારોપિત થયાં, તો અમારું માથું ગર્વથી ઊંચું થઈ ગયું કે જે નામ અમે અમારાં માતાપિતાનું, આટલી ઉંમર સુધી ન કરી શક્યાં, એક નાનકડી બાળકી આવીને આટલા દિવસોમાં અમારું નામ ઊંચું કરી ગઈ અને તેનાથી બીજી મોટી વાત એ છે કે આજે તમારી સાથે વાત થઈ રહી છે આ વિષયમાં. અમે ગર્વની અનુભૂતિ કરી રહ્યા છીએ.

પ્રધાનમંત્રી: સુખબીરસિંહ, આજે તમારી દીકરીનું માત્ર એક જ અંગ જીવિત છે તેવું નથી. તમારી દીકરી માનવતાની અમરગાથાની અમર યાત્રી બની ગઈ છે. તેના શરીરના અંશના મારફત તે આજે પણ ઉપસ્થિત છે. આવા ઉમદા ભલાઈના કામ માટે, હું તમને, તમારાં શ્રીમતીજીની, તમારા પરિવારની પ્રશંસા કરું છું.

સુખબીરસિંહ: આપનો આભાર સર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp