આનંદ સાગર સ્વામી પર ભગવાન શિવના અપમાનનો આરોપ, તેમની વિરુદ્ધ પગલાં લેવાની માંગ

PC: latestly.com

મૂળ સોખડાથી જુદા પડેલ આનંદ સાગર સ્વામી અમેરિકાના બોસ્ટન શહેરમાં સત્સંગ પ્રચાર અર્થે ગયા છે. પ્રબોધ સ્વામી જૂથનાં સાધુ આનંદ સાગર સ્વામીએ અમેરિકાનાં બોસ્ટન શહેરમાં પ્રબોધ સ્વામીનાં સન્માનમાં યોજાયેલ સત્સંગ સભામાં ગુરુહરી પ્રાગટ્ય પર્વે કાર્યક્રમમાં વાણી વિલાસ કર્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ આનંદ સાગર સ્વામી પર ભગવાશિવના અપમાનનો આરોપ છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હવે તેમની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

સનાતની અને હિન્દુ સાધુઓએ મંગળવારે ભગવાન શિવનું અપમાન કરવા બદલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સામે કડક કાર્યવાહીની માંગ કરતાં તેમણે કહ્યું કે, સાધુએ તેમના અનુયાયીઓને પ્રભાવિત કરવા અને ભગવાન શિવ પર તેમના સંપ્રદાયના ગુરુ પ્રબોધ સ્વામીની સર્વોચ્ચતા સ્થાપિત કરવા માટે આવું કર્યું હતું.

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ આનંદસાગર સ્વામીએ તેમના અનુયાયીઓને સંબોધતા કહ્યું કે, ભગવાન શિવે તેમના શિષ્યના ચરણ સ્પર્શ કર્યા છે. તેમના નિવેદનની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વીડિયો વાયરલ થયા બાદ દરેક લોકો સાધુ આનંદ સાગર સ્વામીની ટીકા કરી રહ્યા છે. જે બાદ સાધુએ માફી માંગી હતી. માફીથી નારાજ સનાતન સાધુઓ અને અનુયાયીઓ સ્વામિનારાયણ સાધુ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

બ્રહ્મસમાજના આગેવાન મિલન શુક્લાએ રાજકોટ બી ડિવિઝનમાં અરજી કરી સાધુ આનંદ સાગર સામે ભારતીય દંડ સંહિતાની કલમ 298 હેઠળ ફરિયાદ દાખલ કરવા વિનંતી કરી છે. ગોરખનાથ પંથ જોતિરનાથના સનાતન સાધુ સ્વામીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પહેલીવાર નથી જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ સનાતન ધર્મગુરુઓનું અપમાન કર્યું હોય, ભૂતકાળમાં તેઓએ ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્મા અને દેવી દેવતાઓનું પણ અપમાન કર્યું છે. હું સ્વામિનારાયણ સાધુ આનંદ સાગર સામે કાર્યવાહીની માંગ કરું છું.

સત્સંગ સભામાં આનંદ સાગર સ્વામીએ એક દાખલો આપતા કહ્યું હતું કે, આણંદ જિલ્લાનાં કરમસદ વિદ્યાનગર ખાતે આવેલા સોખડા સંસ્થા સંચાલિત આત્મીય ધામમાં રહી અભ્યાસ કરતા મૂળ કચ્છનાં વિધાર્થી નીશીતને પ્રબોધ સ્વામીએ રાત્રીનાં સમયે આજ્ઞા કરી આત્મીય ધામનાં દરવાજા પાસે જા. નીશીત પ્રબોધ સ્વામીની સૂચના મુજબ દરવાજા પાસે ગયો જ્યાં ભગવાન શંકરનાં નીશીતને દર્શન થયા હતા.

આનંદ સાગર સ્વામીનાં અમેરિકા સ્થિત સત્સંગ સભાનાં વીડિયો મુજબ, નીશીતે શંકર ભગવાનને કહ્યું આપ પ્રબોધ સ્વામીને મળવા ચાલો. શંકર ભગવાને કહ્યું પ્રબોધ સ્વામીનાં દર્શન મારા ભાગ્યમાં નથી, તેમ કહી શંકર ભગવાન નીશીતના ચરણ ર્સ્પર્શ કરીને ચાલ્યા ગયા હતા. આનંદ સાગર સ્વામીના વાયરલ વીડિયો મુજબ, શંકર ભગવાન કરતા પ્રબોધ સ્વામી મોટા છે તે અર્થ નીકળતા સમગ્ર ગુજરાતમાં સનાતન ધર્મનાં લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp