રાહુલને 2 વર્ષની સજા થતા કેજરીવાલે કહ્યુ-અમારા કોંગ્રેસ સાથે મતભેદ છે પણ રાહુલ..

PC: twitter.com

માનહાની કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થઈ છે અને સજા બાદ તેમને 30 દિવસ માટે જામીન પણ મળી ગયા અને તેઓ સુરતથી દિલ્હી રવાના પણ થઇ ગયા છે. ત્યારે કોંગ્રેસે આને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. આ સિવાય આમ આદમી પાર્ટીએ પણ રાહુલ ગાંધીનું સમર્થન કર્યું છે અને ભાજપ પર પ્રહાર કર્યો છે. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે રાહુલ ગાંધીના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભાજપમાં ન હોય એવા નેતાઓ અને પાર્ટીઓ પર કેસ કરીને તેમને ખતમ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે. અમારા કોંગ્રેસ સાથે મતભેદ છે, પરંતુ રાહુલ ગાંધીને આ રીતે માનહાનિના કેસમાં ફસાવવા યોગ્ય નથી. જનતા અને વિપક્ષનું કામ છે સવાલ પૂછવા. અમે કોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ, પરંતુ આ નિર્ણયથી સહમત નથી.

માનહાની કેસમાં 2 વર્ષની સજા મળ્યા બાદ રાહુલ ગાંધીએ કરી પહેલી ટ્વીટ

સુરતમાં માનહાનીના કેસમાં 2 વર્ષની સજા મળ્યા બાદ રાહુલ ગાંધીનો પહેલો પ્રતિભાવ સામે આવ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મહાત્મા ગાંધીનો ક્વોટ મૂક્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારા ભગવાન છે અને અહિંસા તેને પામવાનું સાધન.

રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકના બેંગ્લોર પાસે કોલારમાં પોતાના સંબોધનમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમાં રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં કહ્યું હતું કે, બધા ચોરોની અટક મોદી કેમ છે? મોદીની અટક મામલે રાહુલના નિવેદન પર ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ કર્યો હતો. માનહાનિના આ કેસમાં આજે સુરતની કોર્ટે ચૂકાદો આપી દીધો છે, જેમાં રાહુલ ગાંધીને IPCની કલમ 500 મુજબ રાહુલ ગાંધીને સુરતની કોર્ટે દોષિત જાહેર કર્યા છે.

કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 15,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પણ સાથે જ તેમને જામીન પણ મળી ગયા છે. રાહુલ ગાંધી સાથે કે.સી.વેણુગોપલ પણ સુરત કોર્ટમાં પહોંચ્યા હતા. રાહુલ ગાંધીના વકીલ કિરિટ પાનવાલા પણ હાજર રહ્યા હતા, રાહુલ ગાંધી સામે ફરિયાદ કરનારા ભાજપ નેતા પૂર્ણેશ મોદી પણ હાજર રહ્યા હતા.

શું છે આખો મામલો?

લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા તેમણે દેશના કૌભાંડોની વાત જાહેર મંચ પરથી કરી હતી. એ સમય દરમિયાન જે અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યાં હતા એમાં નીરવ મોદી અને લલિત મોદીના નામ પણ સામે આવ્યા હતા. રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદી ચોર હોય છે. આ પ્રકારનું નિવેદન આપતા મોદી અટક ધરાવતા સમાજમાં રોષ જોવા મળ્યો હતો. સુરત વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ સુરત કોર્ટમાં દાખલ કરાયો હતો. ઓક્ટોબર 2021માં રાહુલ ગાંધીએ પોતાને નિર્દોષ ગણાવ્યાં હતા.

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત સુરત આવ્યા છે. ભારત જોડો યાત્રા બાદ ગુજરાતમાં સુરત પહેલી વાર આવ્યા છે, ત્યારે કાર્યકર્તાઓ દ્વારા તેમના સ્વાગતની વિશેષ તૈયારી કરવામાં આવી છે. સ્વાગત માટે ડુમ્મસ ચોક પાસે પહેલો પોઇન્ટ, વેસુ NIT પાસે બીજો અને પૂજા અભિષેક એપાર્ટમેન્ટ પાસે ત્રીજો પોઇન્ટ બનાવવામાં આવ્યો છે. આ ત્રણેય પોઇન્ટ પર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાંકીને તમામ મોદી અટકવાળા લોકો ચોર હોવાની વાત કરી હતી. જેમાં તેમણે નીરવ મોદી અને લલિત મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદી સરનેમનો ઉલ્લેખ કર્યો હોવાથી સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ સુરત સેશન કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમાં ચૂકાદાની તારીખ 23 માર્ચ આપવામાં આવી હતી. જેથી આજે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા હતા. તેને લઈને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, રઘુ શર્મા, અમિત ચાવડા સહિતના નેતાઓ સુરત આવી પહોંચ્યા છે.

ગુજરાતના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું કે. રાહુલ ગાંધીને માત્ર રાજકીય કિન્નાખોરીથી પરેશાન કરવામાં આવી રહ્યા છે. ભૂતકાળમાં પણ આ પ્રકારે રાહુલ ગાંધીને પરેશાન કરવામાં આવ્યા હતા. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, એટલે હજી સુધી કાર્યકર્તાઓ સાથે મળવાનો તેમનો કોઈ ઔપચારિક કાર્યક્રમ નક્કી થયો નથી. આ પ્રકારના કેસમાં ન્યાયની આશા અમે રાખીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp