ટનલમાં હજુ ફસાયા છે 40 લોકો, અમેરિકન મશીનો વડે સુરંગમાં 30 મીટર ડ્રિલિંગ

PC: aajtak.in

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટના બાદ પહોંચેલા અમેરિકન ઓગર મશીને શુક્રવારે સવાર સુધી 30 મીટર ડ્રિલિંગ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે કાટમાળની અંદર 6 મીટરની 5 પાઈપ નાખવામાં આવી છે. આગળ 30 થી 40 મીટરનું ખોદકામ થોડું સરળ થવાની ધારણા છે. વાસ્તવમાં સવારે 4 વાગ્યે એક પથ્થર આવવાના કારણે મિશનને રોકી દેવામાં આવ્યું હતું, પરંતુ તેને ડાયમંડ કટર અથવા ડાયમંડ બીટ મશીનની મદદથી કાપવામાં આવ્યું હતું.

જો કે હજુ 30 મીટર જેટલું ખોદકામ બાકી છે. ગુરુવારે ઓગર મશીન લગાવવામાં આવ્યું હતું, ત્યારપછી ગુરુવારે રાત સુધીમાં ડ્રિલિંગ મશીને 12 મીટરનો કાટમાળ હટાવી લીધો હતો. અમેરિકન મશીન ઉત્તરકાશી પહોંચ્યા પછી સુરંગની બહાર એક નાની પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દુર્ઘટના પછી, ડ્રિલિંગ દ્વારા કાટમાળને દૂર કરવા માટે સૌથી પહેલા એક નાનું મશીન તૈનાત કરવામાં આવ્યું હતું. આ પછી, અમેરિકન ઓગર મશીનના ભાગોને બુધવારે IAFના C-130 હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા દિલ્હીથી ઉત્તરકાશી પહોંચાડવામાં આવ્યા હતા. દિલ્હીથી પહોંચેલા આ 25 ટનના મશીનનું સેટઅપ રાતોરાત કરવામાં આવ્યું હતું અને પછી તેનો ઝડપથી બચાવ કામગીરીમાં ઉપયોગ થવા લાગ્યો હતો.

બચાવ કામગીરી વચ્ચે સુરંગની બહાર 6 પથારીઓ સાથેની હંગામી હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી છે. સુરંગની બહાર 10 એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી છે જેથી કામદારોને ટનલમાંથી બહાર આવ્યા પછી તાત્કાલિક તબીબી સુવિધા મળી શકે. હકીકતમાં, ડોકટરોએ સલાહ આપી છે કે ટનલમાંથી બહાર આવ્યા પછી કામદારોને માનસિક-શારીરિક માર્ગદર્શનની જરૂર પડશે.

તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે, પીડિતો લાંબા સમય સુધી બંધ જગ્યાએ ફસાઈ જવાના કારણે ગભરાટ અનુભવી શકે છે. આ સિવાય ઓક્સિજનની અછત અને કાર્બન ડાયોક્સાઈડનું વધુ પ્રમાણ પણ તેમના શરીર પર વિપરીત અસર કરી શકે છે. એવી પણ શક્યતા છે કે ઠંડા અને ભૂગર્ભ તાપમાનના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને કારણે તેઓ હાઈપોથર્મિયાથી પીડિત થઇ શકે છે અને તેઓ બેભાન પણ થઈ શકે છે.

દુનિયાના ઘણા દેશો પણ આ રેસ્ક્યુ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે. હવે ઈન્ટરનેશનલ ટનલિંગ એન્ડ અંડરગ્રાઉન્ડ સ્પેસ એસોસિએશનના પ્રમુખ પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સે પણ આ ઓપરેશનમાં મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, તેઓ બચાવ કાર્ય પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, જો બચાવ કાર્ય અસરકારક નહીં હોય તો તે તેના તમામ સભ્ય દેશો વતી મદદ કરવા માટે ભારતમાં તૈનાત રહેશે. તેમણે વધુમાં કહ્યું કે, ભારત વિશ્વમાં ટનલ ઉત્પાદક દેશોમાંનો એક અગ્રણી દેશ છે. આ બહુ ગંભીર બાબત છે. 40 લોકોના જીવને ગંભીર જોખમ છે.

અહીં તમને જણાવી દઈએ કે, 12 નવેમ્બરની સવારે થયેલી ટનલ દુર્ઘટનામાં 40 કામદારો ફસાયા છે. આ કામદારોમાંથી એક વિશ્વજીતના ભાઈ ઈન્દ્રજીત કુમારને વિશ્વાસ છે કે, તેનો ભાઈ બચી જશે. ઈન્દ્રજીતે કહ્યું, 'મારા ભાઈની સુરક્ષાની ચિંતા કર્યા પછી હું મંગળવારે સાંજે ઉત્તરકાશી પહોંચ્યો. મેં મારા ભાઈ સાથે વાત કરી છે, તે ઠીક છે. આટલું શક્તિશાળી ડ્રિલિંગ મશીન તૈનાત કરવામાં આવ્યું છે, તેથી મને ખાતરી છે કે, દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે.'

અહીં તમને જણાવી દઈએ કે, સુરંગમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે રેસ્ક્યુ ટીમ અલગ રણનીતિ સાથે કામ કરી રહી છે. ટીમની યોજના કાટમાળમાં ડ્રિલ કરીને ત્યાં 900 mm વ્યાસની પાઈપો ફિટ કરવાની છે. આ પાઇપ દ્વારા જ તમામ કામદારોને ત્યાંથી બહાર કાઢવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp