મહા કુંભમાં વહેલી સવારે શું થયું? કેવી રીતે થઈ ભાગદોડ? પીડિત પરિવારે જણાવ્યું

PC: hindi.moneycontrol.com

મહાકુંભમાં બીજા અમૃત સ્નાન એટલે કે મૌની અમાવસ્યા પર વહેલી સવારે ભાગદોડ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 10 થી વધુ લોકોના મોત થયા હતા. આ સમગ્ર ઘટના પછી, પંચાયતી નિરંજની અખાડાએ જાહેરાત કરી કે હવે વસંત પંચમી પર સ્નાન કરવામાં આવશે. જોકે, હવે અખાડા પરિષદ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભીડ વિખેરાઈ ગયા પછી સ્નાન કરવામાં આવશે.

મહાકુંભમાં સ્નાન કરવા માટે ભક્તોની ભીડ સતત ઉમટી રહી છે. દેશના ખૂણે ખૂણેથી લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. દરમિયાન, સવારે સમાચાર આવ્યા કે, સંગમના કિનારા પર અચાનક ભીડ વધી જવાથી નાસભાગ મચી ગઈ. ઘાયલોને કુંભ વિસ્તારના સેક્ટર 2ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતદેહોને પ્રયાગરાજ મેડિકલ કોલેજના શબઘરમાં મોકલવામાં આવ્યા હતા.

અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ જાહેરાત કરી છે કે, અખાડાઓ હવે ભીડ વિખેરાઈ ગયા પછી સ્નાન માટે જશે. અખાડા રથ સાથે સ્નાન કરશે. જોકે સંખ્યા થોડી ઓછી રહેશે.

એક પીડિતના પરિવારે કહ્યું હતું કે, રાત્રે 11 વાગ્યે પોલીસ આવી અને અમને લાકડીઓ વડે જગાડ્યા. અમે તેમને કહ્યું કે અમને સૂવા દો. તેમણે અમને ભગાડીને નહાવા જવા કહ્યું. અમે નક્કી કર્યું કે સવારે ડૂબકી લગાવવી કે બપોરે. તેથી તેમણે અમારી સાથે દુર્વ્યવહાર કર્યો અને ભગાડી દીધા. આ રીતે આખી જનતા એકઠી થઈ ગઈ. બધો દોષ પોલીસનો છે. અમારી ભાભીને ટોળાએ નહીં પણ પોલીસકર્મીઓએ મારી હતી. 

અન્ય મૃતકના પરિવારે કહ્યું હતું કે, જનતાએ અમને ધક્કો માર્યો અને અમે નીચે પડી ગયા. લોકો અમારા ઉપર ચઢી ગયા. અમે અમને ઉપાડવા માટે બૂમ પણ પાડી પણ કોઈએ ઉપાડ્યું નહીં. કોઈએ અમને મદદ કરી નહીં. અમે કહેતા રહ્યા કે મમ્મી મરી ગઈ છે, કૃપા કરીને અમને ઉપાડો. પણ કોઈ અમને ઉપાડતું નહોતું. લોકો અમારી ઉપરથી પસાર થતા રહ્યા. ભાગદોડ સમયે ત્યાં કોઈ પોલીસ નહોતી.

હવે વહીવટીતંત્રે ત્રણેય શંકરાચાર્યોના સ્નાનનો સમય બદલી નાખ્યો છે. વહીવટીતંત્રનું કહેવું છે કે, હવે શાહી સ્નાન સવારે 11 વાગ્યે થશે. ત્રણેય શંકરાચાર્ય સેક્ટર 22થી સ્નાન માટે એકસાથે નીકળશે.

આ અગાઉ, પંચાયતી નિરંજની અખાડાના મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરીએ કહ્યું હતું કે, 'ભીડ ખૂબ વધારે છે. ભીડને ધ્યાનમાં રાખીને, અખાડા પરિષદે નક્કી કર્યું છે કે, તેઓ વસંત પંચમી પર સ્નાન કરશે.'

આગામી આદેશ સુધી સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. કુંભ સ્પેશિયલ ટ્રેનોને હાલ પૂરતું અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. નિયમિત ટ્રેનો દોડતી રહેશે. ભારે ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિવિધ રૂટ પર દોડતી કુંભ મેળાની ખાસ ટ્રેનોનું સંચાલન રાબેતા મુજબ ચાલુ છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશનથી પ્રયાગરાજ આવતી કુંભ મેળાની ખાસ ટ્રેનોને જ રોકવામાં આવી છે. પરંતુ નિયમિત ટ્રેનો દોડી રહી છે.

લખનઉમાં CMના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં હાજરી આપવા માટે DGP સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પહોંચ્યા છે. પ્રયાગરાજમાં થયેલી ભાગદોડ પછી CMની આ મોટી બેઠક થઈ રહી છે.

PM નરેન્દ્ર મોદી સમગ્ર ઘટના પર સતત નજર રાખી રહ્યા છે. તેમણે સતત ત્રીજી વખત UPના CM યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરી અને રાહત અને બચાવ કામગીરી વિશે પૂછપરછ કરી.

ઘટનાની માહિતી મેળવવા માટે, PM મોદીએ એક કલાકમાં બીજી વખત CM યોગી સાથે વાત કરી અને  PM મોદી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે CM યોગી સાથે સતત સંપર્કમાં રહ્યા છે.

મહાકુંભમાં સંગમ સ્થળે થયેલી ભાગદોડ પછી આજનું અમૃત સ્નાન રદ કરવામાં આવ્યું છે. અખાડા પરિષદે આ નિર્ણય લીધો છે.

મેળા પ્રશાસને અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્રપુરીને અખાડાઓના અમૃત સ્નાનને હાલ પૂરતું બંધ કરવા અપીલ કરી છે, ત્યારપછી આ અમૃત સ્નાન હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ભાગદોડ પછી, અમૃત સ્નાન હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. અખાડાઓ તેમના કેમ્પમાં પાછા ફરી રહ્યા છે.

કુંભ મેળા ઓથોરિટીના ખાસ કાર્યકારી અધિકારી આકાંક્ષા રાણાએ જણાવ્યું હતું કે, 'સંગમ રૂટ પર કેટલાક અવરોધો તૂટી જવાને કારણે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક લોકો ઘાયલ થયા છે. તેમની સારવાર ચાલી રહી છે. આ કોઈ ગંભીર પરિસ્થિતિ નથી.'

મળતી માહિતી મુજબ, આ અકસ્માત સંગમના કિનારા પર પોલ નંબર 11 થી 17 વચ્ચે થયો હતો. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા સતત હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. બધા ઘાયલોને મેળા વિસ્તારમાં બનેલી સેન્ટ્રલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

માહિતી અનુસાર, સંગમના કિનારા પર થયેલી ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયા છે અને ઘણા લોકો તેમના પરિવારથી અલગ થઈ ગયા છે. આસામ અને મેઘાલયના પરિવારોએ જણાવ્યું કે, નાસભાગ અચાનક થઈ હતી. ઘણા લોકો એકસાથે પડી ગયા, જેમાં લગભગ 30થી 40 લોકો ઘાયલ થયા. જોકે, ઘાયલ થયેલા લોકોની સંખ્યાનો આંકડો હજુ સુધી સ્પષ્ટ થયો નથી.

એક મહિલા, જેના પરિવારના સભ્યો ભાગદોડમાં ઘાયલ થયા હતા, તેણે કહ્યું કે, અચાનક કોઈએ કહ્યું કે 'લોકો મરી રહ્યા છે, જેના પછી તે પડી ગઈ. મહિલાએ કહ્યું, 'અમે કોઈને મરતા જોયા નથી પણ કેટલાક લોકોએ કહ્યું કે અહીં લોકો મરી ગયા છે, જે સાંભળીને તે નીચે પડી ગઈ.' બીજી એક મહિલાએ કહ્યું કે, જ્યાં લોકો આવતા-જતા હતા ત્યાં કોઈ તંત્રની વ્યવસ્થા ન હતી. આગળના લોકોમાં બધા જ લોકો દબાઈ ગયા, અને પાછળથી એક મોટું ટોળું તેમના પર ધસી આવ્યું.

કુંભ મેળા વિસ્તારમાં બનેલી સેન્ટ્રલ હોસ્પિટલમાં ઘાયલોને લઈને એમ્બ્યુલન્સ સતત આવી રહી છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

મૌની અમાવસ્યા પર મહાકુંભના બીજા અમૃત સ્નાનમાં ડૂબકી લગાવવા માટે દેશભરમાંથી કરોડો ભક્તો પ્રયાગરાજ પહોંચ્યા છે. આજે કુંભ મેળામાં 10 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચી શકે છે, તેવો અંદાજ છે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં લગભગ 15 કરોડ લોકોએ ગંગામાં ડૂબકી લગાવી છે.

મૌની અમાવસ્યાના એક દિવસ પહેલા મહાકુંભમાં લોકોની ભીડ એકઠી થવા લાગી હતી. પ્રયાગરાજના રસ્તાઓથી લઈને શેરીઓ સુધી, બધું જ ખચોખચ ભરેલું છે. રેલ્વે સ્ટેશન હોય કે બસ સ્ટેન્ડ, ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા નથી. મૌની અમાવસ્યા માટે ભક્તોનો ઉત્સાહ એટલો બધો છે કે, તેઓ કોઈપણ મુશ્કેલીનો સામનો કરવા તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp