નીરજની જીવનસાથી પણ સ્પોર્ટ્સના ક્ષેત્રે કંઈ ઓછી નથી, જાણો શું કરે છે હિમાની

PC: instagram.com/neeraj____chopra

ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાના લગ્ન થયા. નીરજે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને આ માહિતી આપી. નીરજે હિમાની મોર સાથે લગ્નના સાત ફેરા લીધા હતા. નીરજ ચોપરાએ પોતાના લગ્નની તસવીરો જાહેર કરતાની સાથે થોડીવારમાં જ, બંને એક્સથી લઈને ગૂગલ સુધી દરેક જગ્યાએ છવાઈ જવા લાગ્યા. લાખો લોકોએ શોધ કરી, કોણ છે આ હિમાની?

ચાહકો જાણવા માટે ઉત્સુક છે કે, હિમાની કોણ છે? તે શું કરે છે? આ સાથે, પ્રખ્યાત સ્ટાર્સથી લઈને રમતવીરો અને નેતાઓથી લઈને અભિનેતાઓ સુધી, બધાએ તેમને તેમના જીવનના નવા અધ્યાય માટે શુભકામનાઓ પાઠવી.

નીરજ ચોપરાની પત્ની હિમાની મોર હરિયાણાના સોનીપતની રહેવાસી છે. નીરજની જેમ, તે પણ એક રમતગમત ખેલાડી છે અને ટેનિસ રમે છે. હિમાનીએ લિટલ એન્જલ્સ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ એ જ શાળા છે, જ્યાં ભારતના નંબર-1 ટેનિસ ખેલાડી સુમિત નાગલે પણ અભ્યાસ કર્યો છે.

મળતી માહિતી મુજબ, હિમાની મેકકોર્મેક ઇસેનબર્ગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કરી રહી છે. હિમાનીએ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. તે દિલ્હીના મિરાન્ડા હાઉસની ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, જ્યાંથી તેણે રાજકીય વિજ્ઞાન અને શારીરિક શિક્ષણમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી છે. આ ઉપરાંત, 2022માં, હિમાની ફ્રેન્કલિન પિયર્સ યુનિવર્સિટીમાં ટેનિસમાં સ્વયંસેવક સહાયક કોચ પણ રહી ચૂકી છે.

હિમાની મોર એક ટેનિસ ખેલાડી છે. તેણે 2017 દરમિયાન તાઇવાનમાં યોજાયેલી 'વર્લ્ડ યુનિવર્સિટી ટેનિસ ચેમ્પિયનશિપ'માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એટલે કે, આમ જોવા જઈએ તો, હિમાની રાષ્ટ્રીય સ્તરથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ટેનિસ રમી ચુકી છે. ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA)ની વેબસાઇટ અનુસાર, 2018માં હિમાનીનું શ્રેષ્ઠ રાષ્ટ્રીય રેન્કિંગ સિંગલ્સમાં 42 અને ડબલ્સમાં 27 હતું.

હિમાની મોરનો પરિવાર ખેલાડીઓથી ભરેલો છે. હિમાનીના પિતા ચાંદરામ મોર એક પ્રખ્યાત કબડ્ડી ખેલાડી રહ્યા છે. તેઓ ભારતીય ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત, હિમાનીનો નાનો ભાઈ હિમાંશુ મોર પણ ટેનિસ ખેલાડી છે અને સ્પોર્ટ્સ ક્વોટા દ્વારા વાયુસેનામાં અધિકારી તરીકે પોસ્ટેડ છે. આ દિવસોમાં તે નાગપુરમાં પોસ્ટેડ છે. હિમાનીના બે પિતરાઈ ભાઈઓ કુસ્તીબાજ છે, જ્યારે એક પિતરાઈ ભાઈ બોક્સર છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ લગ્ન 16 જાન્યુઆરીના રોજ શિમલામાં ખૂબ જ ગુપ્ત રીતે થયા હતા. નીરજના કાકા ભીમે જણાવ્યું કે, આ કપલ હનીમૂન મનાવવા માટે અમેરિકા ગયું છે. તેમના ભારત પાછા ફર્યા પછી જ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp