વિકસિત ભારતનું નિર્માણ કરવા દેશ 4 સ્તંભ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે: PM મોદી

PC: PIB

PM નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં યોજાયેલી મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદમાં સંબોધન આપ્યું હતું. PMએ જૂન 2022માં યોજાયેલી છેલ્લી પરિષદથી દેશ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા વિકાસના સીમાચિહ્નોને યાદ કર્યા હતા, જેમાં ભારતે G20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી, વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું, નવા સ્ટાર્ટઅપ્સની ઝડપી નોંધણી, અવકાશ ક્ષેત્રમાં ખાનગી ખેલાડીઓની પ્રવેશ, રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિનો પ્રારંભ, રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી વગેરેનો સમાવેશ થાય છે. તેમણે રેખાંકિત કર્યું હતું કે, રાજ્યો અને કેન્દ્રએ સાથે મળીને કામ કરવું જોઇએ અને પ્રગતિની ગતિ વધારવી જોઇએ.

PMએ જણાવ્યું હતું કે, વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે, દેશ માળખાકીય સુવિધાઓ, રોકાણ, આવિષ્કાર અને સમાવેશના ચાર સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે આખી દુનિયા ભારતમાં વિશ્વાસ વ્યક્ત કરી રહી છે અને આપણને એવા દેશ તરીકે જોવામાં આવી રહ્યો છે જે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં સ્થિરતા લાવી શકે તેમ છે. તેમણે કહ્યું હતું કે, જો રાજ્યો નેતૃત્વ લેશે, ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ‘ભારત પ્રથમ’ના અભિગમ સાથે નિર્ણયો લેશે તો જ દેશ આનો સંપૂર્ણ લાભ મેળવી શકશે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યોએ વિકાસ તરફી શાસન, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ઇઝ ઓફ લિવિંગ અને મજબૂત માળખાકીય સુવિધાઓની જોગવાઇ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.

મહત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમનો પ્રારંભ કરતા, PMએ મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ હેઠળ દેશના વિવિધ મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં પ્રાપ્ત થયેલી સફળતા પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, મહત્વાકાંક્ષી જિલ્લા મોડલને હવે મહત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમના રૂપમાં તાલુકા સ્તર સુધી લઇ જવું જોઇએ. તેમણે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને પોતપોતાના રાજ્યોમાં મહત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમનો અમલ કરવા માટે જણાવ્યું હતું.

PMએ MSME વિશે ચર્ચા કરતી વખતે જણાવ્યું હતું કે, રાજ્યોએ અવશ્યપણે MSMEના ઔપચારિકકરણ માટે સક્રિયપણે કામ કરવું જોઇએ. તેમણે કહ્યું હતું કે, આ MSMEને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે આપણે ફાઇનાન્સ, ટેક્નોલોજી, માર્કેટ અને કૌશલ્યની પહોંચ ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. તેમણે GeM પોર્ટલ પર વધુ MSMEને લાવવાની પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપણે MSMEને વૈશ્વિક ચેમ્પિયન અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાનો ભાગ બનાવવાની દિશામાં પગલાં લેવા જોઇએ. MSMEના વિકાસમાં ક્લસ્ટર અભિગમની સફળતા વિશે ચર્ચા કરતા, PMએ જણાવ્યું હતું કે, MSME ક્લસ્ટરો અને સ્વ-સહાય સમૂહોના જોડાણને અનન્ય સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને તેમના માટે GI ટેગની નોંધણી મેળવવા માટે એક્સપ્લોર શકાય છે, તેને 'વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ'ના પ્રયાસ સાથે સાંકળી શકાય છે. તેમણે આગળ ઉમેર્યું હતું કે, તેનાથી વોકલ ફોલ લોકલના આહ્વાન પ્રોત્સાહન મળશે. તેમણે કહ્યું હતું કે, રાજ્યોએ તેમના શ્રેષ્ઠ સ્થાનિક ઉત્પાદનોને ઓળખી કાઢવા જોઇએ અને તેમને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કદ પ્રાપ્ત કરવામાં મદદ કરવી જોઇએ. આ વાત કરતી વખતે તેમણે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શરૂ કરવામાં આવેલા એકતા મોલનું ઉદાહરણ પણ આપ્યું હતું.

PMએ એક સમયે દેશમાં લાગુ કરવામાં આવેલા અતિ-નિયમન અને નિયંત્રણોના બોજને યાદ કર્યો હતો અને કેન્દ્ર તેમજ રાજ્ય સ્તરે હજારો અનુપાલનને સમાપ્ત કરવા માટે કરવામાં આવેલા સુધારાઓને યાદ કર્યા હતા. તેમણે જૂના કાયદાઓને સમાપ્ત કરવાની જરૂરિયાત વિશે પણ વાત કરી હતી, જેમાંથી કેટલાક કાયદા તો આઝાદી મળી ત્યારથી ચાલ્યા આવે છે.

વિવિધ સરકારી વિભાગો એક જ દસ્તાવેજો કેવી રીતે માંગે છે તેના વિશે ચર્ચા કરતા PMએ જણાવ્યું હતું કે, આજે સમયની માંગ છે કે, સ્વ-પ્રમાણીકરણ, ડીમ્ડ એપ્રૂવલ અને ફોર્મના માનકીકરણ તરફ આગળ આપણે આગળ વધવું જોઇએ. તેમણે કેવી રીતે દેશ ભૌતિક અને સામાજિક બંને માળખાકીય સુવિધાને વધુ સારી બનાવવા માટે કામ કરી રહ્યો છે તેના વિશે પણ વાત કરી હતી અને PM ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટરપ્લાન વિશે ચર્ચા કરી હતી. તેમણે ડેટા સુરક્ષા અને આવશ્યક સેવાઓની વિના અવરોધે ડિલિવરી પહોંચાડવા માટે સુરક્ષિત ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવાના મહત્વ વિશે પણ વાત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજ્યોએ મજબૂત સાઇબર સુરક્ષા વ્યૂહરચના અપનાવવાનો પ્રયાસ કરવો જોઇએ અને આગળ ઉમેર્યું હતું કે, આ રોકાણ ભવિષ્ય માટેના વીમા જેવું છે. સાઇબર સુરક્ષા ઓડિટ વ્યવસ્થાપન અને કટોકટી વ્યવસ્થાપન યોજનાઓના વિકાસ સંબંધિત પાસાઓની પણ તેમણે ચર્ચા કરી હતી.

PMએ દેશના દરિયાકાંઠાના વિસ્તારોના વિકાસ અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશનો વિશાળ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન સંસાધનોથી સજ્જ છે અને દેશ માટે વિપુલ તકો પૂરી પાડે છે. વલયાકાર અર્થવ્યવસ્થા પ્રત્યે જાગૃતિ વધારવાની જરૂરિયાત પર ભાર મૂકતા, PMએ મિશન LiFE (પર્યાવરણની જીવનશૈલી) અને તેને આગળ વધારવામાં રાજ્યો દ્વારા ભજવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

ભારતની પહેલ પર, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, એમ જણાવતાં PMએ જણાવ્યું હતું કે, બાજરી માત્ર સ્માર્ટ ફૂડ નથી પરંતુ પર્યાવરણને અનુકૂળ પણ છે અને ભવિષ્યમાં ટકાઉક્ષમ ખોરાક બની શકે છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યોએ બાજરીના ઉત્પાદનો સંબંધિત સંશોધન જેમ કે પ્રસંસ્કરણ, પેકેજિંગ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ વગેરે પર કામ કરવું જોઇએ અને બાજરીના ઉત્પાદનોના એકંદર મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપવું જોઇએ. PMએ દેશભરના અગ્રણી જાહેર સ્થળો અને રાજ્ય સરકારની કચેરીઓ પર 'બાજરી કાફે' સ્થાપિત કરવા અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યોમાં યોજાનારી G20 બેઠકોમાં બાજરીનું પ્રદર્શન કરવામાં આવી શકે છે.

રાજ્યોમાં યોજાનારી G-20ની બેઠકો સંબંધિત તૈયારીઓ માટે, PMએ સામાન્ય નાગરિકોને સામેલ કરવાના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આવા 'સિટીઝન કનેક્ટ' (જન જોડાણ) પ્રાપ્ત કરવા માટે સર્જનાત્મક ઉકેલોની કલ્પના કરવી જોઇએ. તેમણે G20 સંબંધિત તૈયારીઓ માટે સમર્પિત ટીમની સ્થાપના કરવાની પણ સલાહ આપી હતી. PMએ રાજ્યોને ડ્રગ્સ, આંતરરાષ્ટ્રીય ગુનાઓ, આતંકવાદ અને વિદેશી ધરતી પર ઉદ્દભવતી ગેરસમજને કારણે ઊભા થતા પડકારો અંગે પણ ચેતવણી આપી હતી.

PMએ બ્યૂરોક્રેસીની ક્ષમતામાં વધારો કરવાની જરૂરિયાત અને મિશન કર્મયોગી શરૂ કરવાની ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે તેમની તાલીમ સંબંધિત માળખાકીય સુવિધાઓની પણ સમીક્ષા કરવી જોઇએ અને ક્ષમતા નિર્માણના કાર્યક્રમો શરૂ કરવા જોઇએ.

PMએ જણાવ્યું હતું કે, મુખ્ય સચિવોની આ પરિષદનું આયોજન કરવા માટે વિવિધ સ્તરે લગભગ 4000 અધિકારીઓએ કામ કર્યું છે, જેના માટે 1 લાખ 15 હજારથી વધુ માનવ કલાકોનું રોકાણ કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રયાસો પાયાના સ્તરે પણ પ્રતિબિંબિત થવા જોઇએ અને પરિષદમાંથી મળતા સૂચનોના આધારે કાર્ય યોજનાઓ તૈયાર કરવા અને અમલમાં મૂકવા માટે રાજ્યોને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, નીતિ આયોગે આ સંદર્ભે રાજ્યો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા પણ તૈયાર કરવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp