26th January selfie contest

નિર્ણાયક સરકાર, સાચા ઇરાદા સાથે ચાલતી સરકાર, અભૂતપૂર્વ ગતિએ વિકાસ દર્શાવે છે: PM

PC: PIB

PM નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે યોજાયેલી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું હતું. આ સમિટ મધ્યપ્રદેશમાં રોકાણની વિવિધ તકોને પ્રદર્શિત કરશે. સંબોધન આપતા, PMએ તમામ રોકાણકારો અને ઉદ્યોગસાહસિકોનું સ્વાગત કર્યું હતું અને વિકસિત ભારતનું નિર્માણ કરવામાં મધ્યપ્રદેશની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ, આસ્થા અને આધ્યાત્મિકતાથી લઇને પર્યટન સુધી, કૃષિથી લઇને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સુધી, એક અદ્ભુત સ્થળ છે. PMએ સૌનું ધ્યાન દોર્યું હતું કે, આ સમિટનું આયોજન એવા સમયે થઇ રહ્યું છે જ્યારે ભારતના અમૃતકાળના સુવર્ણ યુગનો પ્રારંભ થયો છે અને વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આપણે સૌ ભેગા મળીને કામ કરી રહ્યા છીએ. વિશ્વની દરેક સંસ્થા અને નિષ્ણાતો ભારતીયોમાં જે ભરોસો મૂકી રહ્યા છે તેના માટે PMએ ખુશી વ્યક્ત કરી હતી અને તેમણે ટિપ્પણી કરી હતી કે, જ્યારે આપણે વિકસિત ભારતની વાત કરીએ છીએ, ત્યારે તે ફક્ત આપણી આકાંક્ષા જ નથી, પરંતુ તે દરેક ભારતીયનો સંકલ્પ પણ છે.

PMએ વૈશ્વિક સંસ્થાઓ દ્વારા ભારતમાં મૂકવામાં આવેલા ભરોસાના ઉદાહરણો આપતાં, IMF પર પ્રકાશ પાડ્યો હતો જે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતને એક તેજસ્વી સ્થાન તરીકે જુએ છે અને વિશ્વ બેંક કે જેણે અગાઉ આશા વ્યક્ત કરી હતી કે વૈશ્વિક સમસ્યાઓ સામનો કરવા માટે ભારત અન્ય ઘણા દેશોની સરખામણીઓમાં વધુ સારી સ્થિતિમાં છે, તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. PMએ ભારતની સારી સ્થિતિ માટે દેશના મજબૂત મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સને શ્રેય આપ્યો હતો અને OECDનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારત આ વર્ષે G-20 સમૂહમાં સૌથી ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થાઓમાંથી એક હશે. PMએ મોર્ગન સ્ટેનલીને ટાંકીને કહ્યું હતું કે, ભારત આગામી 4 થી 5 વર્ષમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે આગળ ઉમેર્યું હતું કે, મેકકિન્સીના CEO દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, માત્ર વર્તમાન દાયકો જ નહીં પરંતુ આખી સદી જ ભારતની છે.

PMએ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાને ટ્રેક કરતી સંસ્થાઓ અને વિશ્વસનીય અવાજો ભારતમાં અભૂતપૂર્વ ભરોસો મૂકે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વૈશ્વિક રોકાણકારો પણ ભારત માટે આવો જ આશાવાદ ધરાવે છે. PMએ એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બેંક દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણ વિશે વધુ માહિતી આપી હતી, જેમાં જાણવા મળ્યું છે કે, મોટાભાગના રોકાણકારો ભારતને તેમના રોકાણ માટે યોગ્ય સ્થળ તરીકે પસંદ કરે છે. PMએ ઉમેર્યું હતું કે, આજે, ભારત વિક્રમી પ્રમાણમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) પ્રાપ્ત કરી રહ્યું છે. અમારી વચ્ચે તમારી ઉપસ્થિતિ પણ આ ભાવનાને પ્રતિબિંબિત કરે છે. દેશ પ્રત્યે જે પ્રકારે મજબૂત આશાવાદ બતાવવામાં આવી રહ્યો છે તેના માટેનો શ્રેય તેમણે ભારતની મજબૂત લોકશાહી, યુવા જનસમુદાય અને રાજકીય સ્થિરતાને આપ્યો હતો અને ભારતના એવા નિર્ણયો પર પ્રકાશ પાડ્યો હતો જે ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વેગ આપી રહ્યાં છે.

PMએ 'આત્મનિર્ભર ભારત' અભિયાન પર પ્રકાશ પાડતા ટાંક્યું હતું કે, રોકાણ માટે દુનિયામાં ભારતને એક આકર્ષક સ્થળ તરીકે જોવામાં આવે છે, જ્યાં 2014થી ભારત દ્વારા 'રિફોર્મ, ટ્રાન્સફોર્મ અને પરફોર્મ' (સુધારા, પરિવર્તન અને કામગીરી)નો માર્ગ અપનાવવામાં આવ્યો છે. PMએ કહ્યું હતું કે, સદીમાં એકાદ વખત આવતી કટોકટીની સ્થિતિમાં પણ, અમે સુધારાનો માર્ગ અપનાવી રાખ્યો હતો.

PMએ ટિપ્પણી કરી હતી કે સ્થિર સરકાર, નિર્ણાયક સરકાર, સાચા ઇરાદાઓ સાથે ચાલતી સરકાર, અભૂતપૂર્વ ગતિએ વિકાસ દર્શાવે છે. તેમણે છેલ્લાં આઠ વર્ષ પર પ્રકાશ પાડ્યો હતો જેમાં દેશમાં સુધારાની ગતિ અને વ્યાપકતામાં માત્ર નિરંતર વૃદ્ધિ જ જોવા મળી છે. PMએ બેન્કિંગ ક્ષેત્રમાં રિકેપિટલાઇઝેશન (પુન:મૂડીકરણ) અને ગવર્નન્સ (સુશાસન) સંબંધિત સુધારાઓ, IBC જેવા આધુનિક નિરાકરણ માળખાનું સર્જન, GSTના સ્વરૂપમાં ‘એક રાષ્ટ્ર એક કર’ જેવી પ્રણાલીનું સર્જન, કોર્પોરેટ ટેક્સને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવો, સોવેરીન વેલ્થ ફંડ્સને મુક્તિ આપવી, કરમાંથી પેન્શન ફંડ, સંખ્યાબંધ ક્ષેત્રોમાં સ્વયંચાલિત માર્ગ દ્વારા 100% FDIને મંજૂરી આપવી, નાની આર્થિક ભૂલોનું નિરાપરાધીકરણ કરવું અને આવા સુધારાઓ કરીને રોકાણના માર્ગમાં આવતા અવરોધોથી મુક્તિ મેળવવા જેવા ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો હતો.

 તેમણે ભારત ખાનગી ક્ષેત્રની તાકાત પર દેશની સમાન નિર્ભરતા હોવાની વાત પર પણ ભાર મૂક્યો હતો અને માહિતી આપી કે, સંરક્ષણ, ખાણકામ અને અવકાશ જેવા ઘણા વ્યૂહાત્મક ક્ષેત્રો ખાનગી ખેલાડીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, લગભગ ડઝનેક શ્રમ કાયદાઓને 4 શ્રમ સંહિતામાં સામેલ કરવામાં આવ્યા છે, તે પોતે જ આ દિશામાં લેવાયેલું એક મોટું પગલું છે. PMએ અનુપાલનનું ભારણ ઘટાડવા માટે કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે ચાલી રહેલા અભૂતપૂર્વ પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો અને માહિતી આપી કે, છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ 40,000 અનુપાલન દૂર કરવામાં આવ્યા છે. PMએ ઉમેર્યું હતું કે, રાષ્ટ્રીય સિંગલ વિન્ડો પ્રણાલીનો પ્રારંભ કરવાથી, આ પ્રણાલી હેઠળ અત્યાર સુધીમાં લગભગ 50 હજાર મંજૂરીઓ આપવામાં આવી છે.

PMએ દેશમાં રોકાણની શક્યતાઓને ઉત્તેજન આપતા આધુનિક અને મલ્ટિમોડલ માળખાકીય સુવિધાઓના વિકાસ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, છેલ્લા 8 વર્ષમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણની ઝડપ બમણી થઇ ગઇ છે અને દેશમાં કાર્યરત હવાઇમથકોની સંખ્યામાં પણ વધારો થયો છે. PMએ ભારતના બંદરોની સંચાલન ક્ષમતા અને ટર્નઅરાઉન્ડ ટાઇમમાં આવેલા અભૂતપૂર્વ સુધારા અંગે પણ વાત કરી હતી. PMએ કહ્યું હતું કે, સમર્પિત ફ્રેટ કોરિડોર, ઔદ્યોગિક કોરિડોર, એક્સપ્રેસ-વે, લોજિસ્ટિક પાર્ક, આ બધુ જ નવા ભારતની ઓળખ બની રહ્યાં છે. PMએ ‘PM ગતિશક્તિ’ પર પ્રકાશ પાડતા ટિપ્પણી કરી હતી કે, તે ભારતમાં માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવા માટેનું રાષ્ટ્રીય પ્લેટફોર્મ છે જેણે રાષ્ટ્રીય માસ્ટર પ્લાનનું સ્વરૂપ લીધું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ પ્લેટફોર્મ પર સરકારો, એજન્સીઓ અને રોકાણકારો સંબંધિત અપડેટ કરેલો ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. PMએ ઉમેર્યું હતું કે, અમે ભારતને વિશ્વનું સૌથી સ્પર્ધાત્મક લોજિસ્ટિક્સ બજાર બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમારી રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિનો અમલ કર્યો છે.

PMએ દેશમાં ડિજિટલ માળખાકીય સુવિધાઓના મુદ્દાને પણ સ્પર્શ્યો હતો અને માહિતી આપી હતી કે, સ્માર્ટફોન ડેટા વપરાશ, ગ્લોબલ ફિનટેક અને IT-BPN આઉટસોર્સિંગ વિતરણ મામલે ભારત પ્રથમ ક્રમે છે. તેમણે એ પણ ટાંક્યું હતું કે, ભારત સમગ્ર વિશ્વમાં ત્રીજું સૌથી મોટું ઉડ્ડયન અને ઓટો બજાર છે. વૈશ્વિક વિકાસના આગલા તબક્કાના મહત્વને રેખાંકિત કરતા PMએ જણાવ્યું હતું કે, એક તરફ, ભારતમાં દરેક ગામડામાં ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક પૂરું પાડવામાં આવી રહ્યું છે, તો સાથે જ બીજી તરફ એટલી જ ગતિથી 5G નેટવર્કનું વિસ્તરણ પણ કરવામાં આવી રહ્યું છે. તેમણે નોંધ્યું હતું કે, 5G, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) અને AI ની મદદથી દરેક ઉદ્યોગ અને કન્ઝ્યુમર માટે નવી તકોનું સર્જન કરવામાં આવી રહ્યું અને આગળ જણાવ્યું હતું કે, તેનાથી ભારતમાં વિકાસની ગતિના વેગમાં માત્ર વધારો થશે.

PMએ માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં વિવિધ ક્ષેત્રોમાં 4 લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન થયું છે, જેમાં મધ્યપ્રદેશમાં જ સેંકડો કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. તેમણે મધ્યપ્રદેશને ફાર્મા અને ટેક્સટાઇલ ક્ષેત્ર માટે એક મોટું હબ બનાવવા માટે PLI યોજના ઘણી મહત્વપૂર્ણ હોવાની નોંધ લીધી હતી. PMએ અપીલ કરતા કહ્યું હતુ કે, હું મધ્યપ્રદેશમાં આવતા રોકાણકારોને PLI યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરું છું.

PMએ ગ્રીન એનર્જી (હરિત ઉર્જા) અંગે ભારતની મહત્વાકાંક્ષાઓ પર ભાર મૂકતા માહિતી આપી હતી કે, સરકારે થોડા દિવસો પહેલાં જ ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી આપી છે, જે લગભગ રૂ. 8 લાખ કરોડના રોકાણની શક્યતાઓને ઉજાગર કરશે. તેમણે ધ્યાનમાં લીધું હતું કે, આ માત્ર ભારત માટે રોકાણ આકર્ષવાની તક જ નથી પરંતુ ગ્રીન એનર્જીની વૈશ્વિક માંગને પહોંચી વળવાનો પણ એક અવસર છે. PMએ રોકાણકારોને આ મહત્વાકાંક્ષી મિશનમાં તેમની ભૂમિકાનું અન્વેષણ કરવા માટે અનુરોધ કર્યો હતો કારણ કે, આ અભિયાન હેઠળ હજારો કરોડના પ્રોત્સાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે. .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp