PM નરેન્દ્ર મોદીએ આ વાતનો અફસોસ વ્યક્ત કર્યો

PC: PIB

PM નરેન્દ્ર મોદીએ ‘આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરીને શહેરી વિકાસ’ વિષય પર યોજવામાં આવેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અંદાજપત્ર પછીના 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આ છઠ્ઠો વેબિનાર યોજાયો હતો.

આ વેબિનારમાં ઉપસ્થિતોને સંબોધન આપતા PMએ એ વાતનો અફસોસ વ્યક્ત કર્યો હતો કે, આઝાદી પછી દેશમાં માત્ર એક કે બે શહેરોનો આયોજનબદ્ધ વિકાસ કરવામાં આવ્યો છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, જો આઝાદીના 75 વર્ષમાં 75 આયોજનબદ્ધ શહેરોનો વિકાસ કરવામાં આવ્યો હોત તો વિશ્વમાં ભારતની સ્થિતિ સંપૂર્ણપણે અલગ હોત. PMએ એ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે, 21મી સદીમાં ભારતના ઝડપી માહોલમાં સુઆયોજિત શહેરો એ સમયની માંગ છે. PMએ નવા શહેરોનો વિકાસ અને હાલના શહેરોમાં સેવાઓનું આધુનિકીકરણ એ શહેરી વિકાસના બે મુખ્ય પરિબળો છે તે વાતને રેખાંકિત કરીને દેશના દરેક અંદાજપત્રમાં શહેરી વિકાસના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે એવી માહિતી આપી હતી કે, શહેરી વિકાસના ધોરણો માટે આ વર્ષના અંદાજપત્રમાં રૂપિયા 15,000 કરોડનું પ્રોત્સાહન જાહેર કરવામાં આવ્યું છે અને તેનાથી સુનિયોજિત શહેરીકરણને વેગ પ્રાપ્ત થશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

PMએ પુનરોચ્ચાર કર્યો હતો કે, શહેરી વિકાસમાં આયોજન અને શાસનની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે ટાંક્યું હતું કે, શહેરોનું નબળું આયોજન કરવામાં આવે અથવા આયોજન પછી યોગ્ય અમલીકરણનો અભાવ હોય તો ભારતની વિકાસ યાત્રામાં તેના કારણે મોટા પડકારો ઉભા થઇ શકે છે. તેમણે સ્પેટિઅલ આયોજન, પરિવહન આયોજન અને શહેરી માળખાકીય સુવિધાઓના ક્ષેત્રોમાં ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવાની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે આ વેબિનારમાં ઉપસ્થિત રહેલા સહભાગીઓને રાજ્યોમાં શહેરી આયોજન ઇકોસિસ્ટમને કેવી રીતે મજબૂત બનાવવી, શહેરી આયોજનમાં ખાનગી ક્ષેત્રમાં ઉપલબ્ધ કુશળતાનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો અને અંતે શહેરી આયોજનને નવા સ્તરે લઇ જઇ શકે તેવા ઉત્કૃષ્ટતાના કેન્દ્રનો વિકાસ કેવી રીતે કરવો તે અંગેના ત્રણ મુખ્ય પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિનંતી કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો કે તમામ રાજ્ય સરકારો અને શહેરી સ્થાનિક સંસ્થાઓ વિકસિત રાષ્ટ્ર માટે તેમનું યોગદાન માત્ર ત્યારે જ આપી શકે છે જ્યારે તેઓ આયોજનબદ્ધ શહેરી વિસ્તારો તૈયાર કરવામાં આવે. PMએ ટિપ્પણી કરી હતી કે શહેરી આયોજન અમૃતકાળમાં આપણા શહેરોનું ભાવિ નિર્ધારિત કરશે અને માત્ર સુઆયોજિત શહેરો જ ભારતનું ભાવિ નિર્ધારિત કરી શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વધુ સારા આયોજનથી જ આપણાં શહેરો પણ આબોહવાને અનુકૂલિત બનશે અને જળ સુરક્ષિત પણ બનશે.

PMએ નિષ્ણાતોને આવિષ્કારી વિચારો સાથે આવવા માટે અનુરોધ કર્યો હતો અને GIS આધારિત માસ્ટર પ્લાનિંગ, વિવિધ પ્રકારના આયોજન સાધનોનો વિકાસ, કાર્યક્ષમ માનવ સંસાધન અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં આવા વિચારો જે ભૂમિકા ભજવી શકે છે તેના પર તેમણે પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તેમની તજજ્ઞતાની શહેરી સ્થાનિક સંસ્થાઓને ખૂબ જ જરૂર પડશે જેનાથી ઘણી તકો ઊભી થશે.

PMએ એ વાતને રેખાંકિત કરી હતી કે, પરિવહન આયોજન એ શહેરોના વિકાસનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે અને આપણા શહેરોની ગતિશીલતા અવિરત હોવી જોઇએ. PMએ 2014 પહેલા દેશમાં ઉપલબ્ધ મેટ્રો કનેક્ટિવિટી પર પ્રકાશ પાડતા સૌનું ધ્યાન દોર્યું હતું કે, વર્તમાન સરકારે ઘણા શહેરોમાં મેટ્રો રેલ્વે પર કામ કર્યું છે અને મેટ્રો નેટવર્ક કનેક્ટિવિટીની બાબતમાં ઘણા દેશોને આપણે પાછળ રાખી દીધા છે. તેમણે મેટ્રો નેટવર્કને વધુ મજબૂત બનાવવા અને પ્રથમ તેમજ છેવાડાની વ્યક્તિ સુધીની કનેક્ટિવિટી પૂરી પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હોત કે, શહેરોમાં રસ્તા પહોળા કરવા, ગ્રીન મોબિલિટી ઉપલબ્ધ કરાવવી, એલિવેટેડ રસ્તાઓનું નિર્માણ કરવું અને જંકશનમાં સુધારણાનો સમાવેશ કરવો આ બધુ જ પરિવહન આયોજનના ભાગરૂપે કરવું પડશે.

PMએ નોંધ્યું હતું કે ભારત વલયાકાર અર્થવ્યવસ્થાને શહેરી વિકાસનો મુખ્ય આધાર બનાવી રહ્યું છે. તેમણે આગળ નોંધ્યું હતું કે, બૅટરીનો કચરો, ઇલેક્ટ્રિકલ કચરો, ઓટોમોબાઇલ સંબંધિત કચરો, ટાયર અને કમ્પોસ્ટ બનાવવા માટે વપરાતા કચરા જેવો હજારો ટન મ્યુનિસિપલ કચરો દરરોજ આપણા દેશમાં ઉત્પન્ન થાય છે. તેમણે માહિતી આપી હતી કે, 2014માં માત્ર 14-15 ટકા કચરાની પ્રોસેસ કરવામાં આવતી હતી તેની સરખામણીમાં આજે 75 ટકા કચરાની પ્રોસેસ કરવામાં આવી રહી છે. તેમણે નોંધ્યું હતું કે, જો આ પગલું અગાઉ લેવામાં આવ્યું હોત તો ભારતના શહેરોની આસપાસના વિસ્તારોમાં કચરાના પહાડો ન ખડકાયા હોત. PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કચરાનું પ્રોસેસિંગ કરીને શહેરોને કચરાના ઢગલામાંથી મુક્ત કરવાનું કામ ચાલી રહ્યું છે અને તેમણે નોંધ્યું હતું કે, તે ઘણા ઉદ્યોગો માટે રિસાયક્લિંગ અને વારાફરતી આવતી વલયાકાર તકોથી ભરપૂર સંભાવનાઓના દ્વાર ખોલશે. તેમણે દરેક વ્યક્તિને આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કરી રહેલા સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવા વિનંતી પણ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઉદ્યોગોએ કચરાના વ્યવસ્થાપનની સંભાવનાને મહત્તમ કરવી જોઇએ અને વધુમાં માહિતી આપી હતી કે, અમૃત (AMRUT) યોજનાની સફળતા પછી શહેરોમાં પીવાના શુદ્ધ પાણી માટે AMRUT 2.0 યોજના શરૂ કરવામાં આવી છે. PMએ પાણી અને ગટરના પરંપરાગત મોડલને આગળ ધપાવવા પર પણ ખાસ ભાર મૂક્યો હતો અને માહિતી આપી હતી કે કેટલાક શહેરોમાં વપરાયેલા પાણીની ટ્રીટમેન્ટ કરીને ઔદ્યોગિક ઉપયોગ માટે તે મોકલવામાં આવે છે.

PMએ ટિઅર-2 અને ટિઅર-3 શહેરોમાં શહેરી માળખાકીય સુવિધાઓ અને આયોજનમાં રોકાણ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, આપણા નવા શહેરો કચરા મુક્ત, જળ સુરક્ષિત અને આબોહવા માટે અનુકૂલિત હોવા જરૂરી છે. PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણા ભાવિ શહેરોને આર્કિટેક્ચર, ઝીરો ડિસ્ચાર્જ મોડલ, ઊર્જાની ચોખ્ખી સકારાત્મકતા, જમીનના ઉપયોગમાં કાર્યક્ષમતા, ટ્રાન્ઝિટ કોરિડોર અને જાહેર સેવાઓમાં AIનો ઉપયોગ જેવા પરિમાણો પર વ્યાખ્યાયિત કરવા જોઇએ. તેમણે શહેરી આયોજનના ભાગરૂપે બાળકો માટે સાયકલ સવારી માટે રમતના મેદાનો અને રસ્તાઓની જરૂરિયાત પણ નોંધી હતી.

PMએ કહ્યું હતું કે સરકાર જે યોજનાઓ અને નીતિઓ ઘડી રહી છે તે માત્ર શહેરોના લોકો માટે જીવન સરળ બનાવતી હોય એવું નથી પરંતુ તેમના પોતાના વિકાસમાં પણ મદદરૂપ થશે. તેમણે આ વર્ષના અંદાજપત્રમાં પીએમ આવાસ યોજના માટે લગભગ રૂ. 80,000 કરોડ ખર્ચવાની સરકારની પ્રતિબદ્ધતા વિશે માહિતી આપી અને જણાવ્યું હતું કે, જ્યારે પણ ઘર બને છે ત્યારે સિમેન્ટ, લોખંડ, રંગ અને ફર્નિચર જેવા ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છે. શહેરી વિકાસના ક્ષેત્રમાં ભવિષ્યવાદી ટેક્નોલોજીની વધી રહેલી ભૂમિકા પર પ્રકાશ પાડતા PMએ સ્ટાર્ટઅપ્સ તેમજ ઉદ્યોગોને આ દિશામાં વિચાર કરવા અને ઝડપથી કામ કરવા માટે અનુરોધ કર્યો હતો. PMએ પોતાના સંબોધનનું સમાપન કરતા કહ્યું હતું કે, આપણે અસ્તિત્વમાં રહેલી તમામ સંભાવનાઓનો લાભ ઉઠાવવો પડશે અને નવી સંભાવનાઓને પણ જન્મ આપવો પડશે. ટકાઉક્ષમ હાઉસ ટેક્નોલોજીથી લઇને ટકાઉક્ષમ શહેરો સુધી, આપણે નવા ઉકેલો શોધવા પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp