26th January selfie contest

ક્રિકેટર સલીમ દુરાનીના નિધન પર PMએ કહ્યું- તેમનાથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું

PC: PIB

PM નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટર સલીમ દુરાનીના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. એક ટ્વિટ થ્રેડમાં, PMએ કહ્યું કે, સલિમ દુરાનીજી ક્રિકેટના દિગ્ગજ હતા, પોતાનામાં એક સંસ્થા હતા. તેમણે ક્રિકેટની દુનિયામાં ભારતના ઉદયમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. મેદાન પર અને મેદાનની બહાર તે પોતાની સ્ટાઈલ માટે જાણીતા હતા. તેમના નિધનથી વ્યથિત છું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.

તેમણે બીજી ટ્વીટમાં લખ્યું કે, સલિમ દુરાનીનો ગુજરાત સાથે ખૂબ જૂનો અને મજબૂત નાતો હતો. તે થોડા વર્ષો સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે રમ્યા હતા. તેમણે ગુજરાતને પણ પોતાનું ઘર બનાવ્યું હતું. મને તેમની સાથે વાર્તાલાપ કરવાની તક મળી છે અને તેમના બહુપક્ષીય વ્યક્તિત્વથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. તે ચોક્કસપણે ચૂકી જવાશે.

ફિલ્મના કોઈ નાયકની જેમ આકર્ષક લગતા, ખુશ મિજાજી વ્યક્તિત્વના ધણી અને ફેન્સની માગ પર સિક્સ લગાવનારા ફેમસ 1960ના દશકના દિગ્ગજ ભારતીય ક્રિકેટર સલીમ દુર્રાનીનું રવિવારે નિધન થઈ ગયું છે. તેઓ 88 વર્ષના હતા. તેમના પરિવારના નજીકના લોકોએ તેમના નિધનના સમચારોની પુષ્ટિ કરી છે. સલીમ દુર્રાની પોતાના નાના ભાઈ જહાંગીર દુર્રાની સાથે જામનગર (ગુજરાત)માં રહેતા હતા. આ વર્ષે જાન્યુઆરીમાં તેમના જાંઘના હાડકાં તૂટી ગયા બાદ ઓપરેશન થયું હતું.

કાબુલમાં જન્મેલા સલીમ દુર્રાની ન માત્ર પોતાની શાનદાર બેટિંગ માટે જાણીતા હતા, પરંતુ તેઓ ડાબા હાથના સ્પિન બોલર પણ હતા. તેમણે ભારત માટે 29 ટેસ્ટ મેચ રમી છે. સલીમ દુર્રાનીએ વર્ષ 1961-62માં 5 મેચોની ટેસ્ટ સીરિઝમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની 2-0થી જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 29 ટેસ્ટ મેચોમાં સલીમ દુર્રાનીએ 1 સદી અને 7 અડધી સદી સાથે 1202 રન બનાવ્યા હતા, જ્યારે એક સ્પિનર તરીકે 46 ઇનિંગમાં 75 વિકેટ પોતાના નામે કરી હતી.

સલીમ દુર્રાનીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો ખૂબ અનુભવ હતો. તેમણે વર્ષ 1953થી વર્ષ 1978 સુધી 170 મેચ રમી હતી. આ મેચોમાં તેમણે 8,545 રન બનાવ્યા હતા. તેની સાથે સાથે તેમણે લેફ્ટ આર્મ સ્પિનથી 484 વિકેટ લીધી હતી. 3 લિસ્ટ-A મેચોમાં પણ ભાગ લીધો, જેમાં તેમણે 4 વિકેટ લીધી હતી. સલીમ દુર્રાનીનો જન્મ 11 ડિસેમ્બર 1934ના રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયો હતો. ત્યારબાદ દુર્રાની પરિવાર કરાચી આવીને વસી ગયો. ભારત અને પાકિસ્તાનના ભાગલા સમયે દુર્રાની પરિવાર ભારત આવીને વસી ગયો.

સલીમ દુર્રાની અર્જુન એવોર્ડથી સન્માનિત થનારા પહેલા ક્રિકેટર હતા. વર્ષ 1961માં તેમને આ સન્માન મળ્યું હતું. સલીમ દુર્રાનીને ફેન્સ ખૂબ પસંદ કરતા હતા. વર્ષ 1973માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ કાનપુર ટેસ્ટમાં સલીમ દુર્રાનીને ડ્રોપ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ફેન્સે સ્ટેડિયામાં ટીમનો વિરોધ કર્યો હતો. ફેન્સે કાર્ડ અને બેનર પર લખ્યું ‘દુર્રાની નહીં તો ટેસ્ટ નહીં.’ ત્યારબાદ દુર્રાનીને મુંબઈ ટેસ્ટમાં ચાન્સ મળ્યો હતો.

સલીમ દુર્રાનીએ ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ ફેબ્રુઆરી 1973માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ બ્રેબોર્ન સ્ટેડિયમ મુંબઇમાં રમી હતી. ત્યારબાદ તેમણે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો. સંન્યાસ બાદ તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ હાથ અજમાવ્યો. દુર્રાનીએ ફિલ્મ ‘ચરિત્ર’માં કામ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp