
PM નરેન્દ્ર મોદીએ દિલ્હી- મુંબઇ એક્સપ્રેસ-વેનો 246 કિમીના દિલ્હી – દૌસા – લાલસોટ વિભાગનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ, તેમણે રૂપિયા 5940 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવનારા 247 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગની પરિયોજનાનો શિલાન્યાસ પણ કર્યો હતો. PM નવા ભારતના નિર્માણમાં વૃદ્ધિ, વિકાસ અને કનેક્ટિવિટીના એન્જિન તરીકે ઉત્કૃષ્ટ માર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા પર વિશેષ ભાર આપી રહ્યા છે અને દેશભરમાં ચાલી રહેલા સંખ્યાબંધ વિશ્વ-કક્ષાના એક્સપ્રેસ-વેના નિર્માણ દ્વારા આ દૂરંદેશીને સાકાર કરવામાં આવી રહી છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધન આપતા PMએ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વેનો પ્રથમ તબક્કો રાષ્ટ્રને લોકાર્પિત કરવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે રેખાંકિત કર્યું હતું કે, આ એક્સપ્રેસ-વે દુનિયાના સૌથી અદ્યતન એક્સપ્રેસ-વે પૈકી એક છે, જે વિકાસશીલ ભારતનું ભવ્ય ચિત્ર રજૂ કરે છે.
PMએ જણાવ્યું હતું કે, જ્યારે આવા આધુનિક માર્ગો, રેલ્વે સ્ટેશનો, રેલ્વે ટ્રેક, મેટ્રો અને હવાઇમથકોનું નિર્માણ થાય છે ત્યારે દેશના વિકાસને વેગ મળે છે. તેમણે માળખાકીય સુવિધાઓના નિર્માણ પર કરવામાં આવતા રોકાણની બહુગુણક અસર પર પણ પ્રકાશ પાડ્યો હતો. PMએ રાજસ્થાનમાં ધોરીમાર્ગોના નિર્માણ માટે રૂપિયા 50,000 કરોડથી વધુના રોકાણોની નોંધ લીધી હતી અને ટિપ્પણી કરી હતી કે, છેલ્લા 9 વર્ષથી, કેન્દ્ર સરકાર પણ માળખાકીય સુવિધાઓના નિર્માણમાં સતત વિશાળ રોકાણ કરી રહી છે. PMએ માહિતી આપી હતી કે, આ વર્ષના બજેટમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે રૂપિયા 10 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે 2014માં કરવામાં આવેલી ફાળવણી કરતાં 5 ગણી વધુ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ રોકાણોથી રાજસ્થાનના ગરીબ અને મધ્યમ વર્ગને ઘણો ફાયદો થશે. PMએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવતા રોકાણોના કારણે અર્થવ્યવસ્થા પર થતા ફાયદાઓ પર ખાસ ભાર મૂક્યો હતો અને કહ્યું કે તેનાથી રોજગાર તેમજ કનેક્ટિવિટીનું સર્જન થાય છે.
PMએ જણાવ્યું હતું કે, જ્યારે ધોરીમાર્ગો, રેલ્વે, બંદરો, હવાઇમથકો, ઓપ્ટિકલ ફાઇબર, ડિજિટલ કનેક્ટિવિટી, પાકાં મકાનો અને કોલેજોના નિર્માણમાં રોકાણ કરવામાં આવે છે ત્યારે સમાજનો દરેક વર્ગ સશક્ત બને છે.
PMએ માળખાકીય સુવિધાઓના અન્ય ફાયદા વિશે સમજાવતા કહ્યું હતું કે, આના કારણે આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, દિલ્હી- દૌસા- લાલસોટ ધોરીમાર્ગનું નિર્માણ કરવાથી દિલ્હી અને જયપુર વચ્ચેનો મુસાફરીનો સમય ઓછો થઇ જશે. PMએ જણાવ્યું હતું કે, એક્સપ્રેસ-વેની સાથે ગ્રામીણ હાટની પણ સ્થાપના કરવામાં આવી રહી છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો અને કારીગરોને મદદ મળશે. તેમણે રેખાંકિત કર્યું હતું કે, દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વેથી રાજસ્થાનની સાથે દિલ્હી, હરિયાણા, ગુજરાત અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોને ફાયદો થશે. તેમણે કહ્યું હતું કે, સરિસ્કા, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, રણથંભોર અને જયપુર જેવા પર્યટન સ્થળોને આ ધોરીમાર્ગથી ઘણો ફાયદો થશે.
PMએ અન્ય ત્રણ પરિયોજનાઓ વિશે વાત કરતા કહ્યું હતું કે, તેમાંથી એક પરિયોજના જયપુરને એક્સપ્રેસ-વે સાથે સીધી કનેક્ટિવિટી આપશે. બીજી પરિયોજના એક્સપ્રેસ-વેને અલવર નજીક અંબાલા-કોટપુતલી કોરિડોર સાથે જોડશે. આનાથી હરિયાણા, પંજાબ, હિમાચલ અને જમ્મુ કાશ્મીરથી આવતા વાહનોને પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જવામાં મદદ મળશે. લાલસોટ કરોલી માર્ગ આ પ્રદેશને પણ એક્સપ્રેસ -વે સાથે જોડશે.
PMએ રેખાંકિત કર્યું હતું કે, દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર રાજસ્થાન અને દેશ માટે પ્રગતિના બે મજબૂત સ્તંભ બનવા જઇ રહ્યા છે અને આવનારા સમયમાં રાજસ્થાન સહિત આ સમગ્ર પ્રદેશની કાયાપલટ કરશે. તેમણે ટાંક્યું હતું કે, આ બંને પરિયોજના મુંબઇ-દિલ્હી આર્થિક કોરિડોરને મજબૂત બનાવશે અને માર્ગ અને ફ્રેઇટ કોરિડોરના કારણે રાજસ્થાન, હરિયાણા અને પશ્ચિમ ભારતના ઘણા પ્રદેશો બંદરો સાથે પણ જોડશે. તેમણે ઉમેર્યું હતું કે, તેના કારણે લોજિસ્ટિક્સ, સ્ટોરેજ, પરિવહન અને અન્ય ઉદ્યોગો માટે નવી તકોનું સર્જન પણ થશે.
PMએ દિલ્હી- મુંબઇ એક્સપ્રેસ-વે પીએમ ગતિ શક્તિ માસ્ટરપ્લાન દ્વારા સંચાલિત હોવાની વાત પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, ઓપ્ટિકલ ફાઇબર, વીજળીની લાઇનો અને ગેસની પાઇપલાઇન નાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને બાકી બચેલી જમીનનો ઉપયોગ સૌર ઉર્જા ઉત્પાદન તેમજ વેરહાઉસિંગ જેવા હેતુઓ માટે કરવામાં આવશે. PMએ ટિપ્પણી કરી હતી કે, આ પ્રયાસોથી ભવિષ્યમાં દેશના ઘણા નાણાંની બચત થશે.
PMએ પોતાના સંબોધનનું સમાપન કરી વખતે રાજસ્થાન અને દેશ માટે ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્ર પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, સરકારનો સંકલ્પ સમર્થ, સક્ષમ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવાનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp