રામ મંદિર માટે વિદેશી દાન પણ સ્વીકારી શકશે ટ્રસ્ટ, મોદી સરકારે આપી મંજૂરી

PC: twitter.com

હોમ મિનિસ્ટ્રીએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે વિદેશથી દાન સ્વીકારવા માટે મંજૂરી આપી દીધી છે. મંદિર ટ્રસ્ટ તરફથી ઘણા સમયથી આ અંગે માગ કરવામાં આવી હતી કે, વિદેશી દાન સ્વીકારવા માટે મંજૂરી આપવામાં આવે, જેને સરકારે સ્વીકારી લીધી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, મિનિસ્ટ્રીના ફોરેઇન કન્ટ્રીબ્યૂશન રેગ્યુલેશન એક્ટ ડિપાર્ટમેન્ટ(FCRA)એ મંદિર નિર્માણ માટે સ્વૈચ્છિક અનુદાન માટે મંજૂરી આપી દીધી છે. ફોરેઇન કન્ટ્રીબ્યૂશન રેગ્યુલેશન એક્ટ અંતર્ગત રજિસ્ટ્રેશન બાદ કોઈપણ સંસ્થા અથવા ટ્રસ્ટ વિદેશી દાન લાવી શકશે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ હોમ મિનિસ્ટ્રીના ફોરેઇન કન્ટ્રીબ્યૂશન રેગ્યુલેશન એક્ટ ડિપાર્ટમેન્ટમાં રજિસ્ટર કર્યું છે અને 2010ના ફોરેઇન કન્ટ્રીબ્યૂશન રેગ્યુલેશન એક્ટ અંતર્ગત સ્વૈચ્છિક યોગદાન મેળવવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. ચંપત રાયે એવું પણ જણાવ્યું હતું કે, કોઈપણ વિદેશી સ્ત્રોતથી આવનારા દાને ફક્ત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મુખ્ય બ્રાન્ચના ખાતામાં સ્વીકાર કરવામાં આવશે.

3 વર્ષમાં રામ મંદિર બનાવવા 900 કરોડ ખર્ચાયા

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 5 ફેબ્રુઆરી, 2020થી 31 માર્ચ, 2023 સુધીમાં મંદિરના નિર્માણ માટે રૂ. 900 કરોડનો ખર્ચ કર્યો છે અને ટ્રસ્ટના બેન્ક ખાતામાં હજુ પણ રૂ. 30 અબજ એટલે કે 3000 કરોડ છે. ટ્રસ્ટના અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી.

શનિવારે સવારે ટ્રસ્ટના અધિકારીઓની ત્રણ કલાકની બેઠક બાદ ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, '5 ફેબ્રુઆરી, 2020થી 31 માર્ચ, 2023 સુધીમાં મંદિરના નિર્માણમાં રૂ. 900 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને રૂ. 3000 કરોડથી વધુ હજુ પણ ટ્રસ્ટના બેન્ક ખાતામાં પેન્ડીંગ છે.' રાયે જણાવ્યું હતું કે, મીટિંગમાં વિદેશી ચલણમાં દાન સ્વીકારવાની કાનૂની પ્રક્રિયા સહિત 18 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને ટ્રસ્ટે FCRA (ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ) હેઠળ પરવાનગી માટે અરજી કરી છે.

રાયે કહ્યું કે સરયુના કિનારે સ્થિત રામ કથા મ્યુઝિયમ એક કાનૂની ટ્રસ્ટ હશે અને તેમાં રામ મંદિરનો 500 વર્ષનો ઈતિહાસ અને 50 વર્ષના કાનૂની દસ્તાવેજો રાખવામાં આવશે. ટ્રસ્ટે અપીલ કરી હતી કે, દેશભરના નાગરિકોએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે સૂર્યાસ્ત સમયે તેમના ઘરની સામે પાંચ દીવા પ્રગટાવવા જોઈએ.

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ પખવાડિયા પહેલા કહ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીની સાથે 22 જાન્યુઆરીએ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દેશભરમાંથી લગભગ 10,000 મહાનુભાવો હાજરી આપે તેવી અપેક્ષા છે.

રાયે કહ્યું કે, રામજન્મભૂમિના દરેક મુલાકાતીઓને પ્રસાદની સાથે ભગવાન રામની તસવીરો પણ વહેંચવામાં આવશે. તેમણે કહ્યું કે, લક્ષ્‍યાંક નક્કી કરવામાં આવ્યું છે કે, બે વર્ષમાં ભગવાન રામની તસવીર 10 કરોડ ઘરોમાં પહોંચે. રાયે કહ્યું કે, 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ભારતના 5 લાખ ગામડાઓમાં પૂજા અક્ષત (પૂજા કરાયેલા ચોખા)નું વિતરણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અક્ષતને વહેંચીને વિવિધ વિસ્તારોના તેમના મંદિરોમાં તહેવારોની જેમ અયોધ્યાની ઉજવણી કરવાની અપીલ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, અભિષેક સમારોહ પહેલા ભગવાન રામની સામે ચોખાની પૂજા કરવામાં આવશે અને પૂજા કરાયેલા ચોખા સમગ્ર ભારતમાં વહેંચવામાં આવશે. તેમણે કહ્યું કે ભારતભરના 50 કેન્દ્રોના કાર્યકરો અક્ષતને વિવિધ કેન્દ્રો પર લઈ જશે. તેમણે કહ્યું કે, અભિષેક સમારોહ માટે ધાર્મિક સમિતિની રચના કરવામાં આવી છે. રાયે કહ્યું કે મંદિર ત્રણ તબક્કામાં પૂર્ણ થશે અને અંતિમ નિર્માણ જાન્યુઆરી 2025 સુધીમાં પૂરું થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp