ભારતમાં રહેવા જયશ્રી રામ બોલવું પડશે, વિપક્ષ દેશને વેચવા માગે છેઃ રામભદ્રાચાર્ય

PC: twitter.com

આગ્રામાં ચાલી રહેલી રામકથામાં તુલસી પીઠાધીશ્વર પદ્મભૂષણ સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું હતું કે, હવે હિન્દુત્વ દેવો ભવ અને રાષ્ટ્ર દેવો ભવ. એટલે કે હિન્દુત્વને દેવતા માનો અને ભારતને રાષ્ટ્ર દેવતા માનો. વિપક્ષને રામ અને તેમનું નામ પસંદ નથી. વિપક્ષ આ દેશને વેચવા માગે છે, પરંતુ અમે એવું નહીં થવા દઈએ. દેશમાં રહેવું હોય તો જય શ્રીરામ અને વંદે માતરમ્ તો કહેવું જ પડશે.

તુલસી પીઠાધીશ્વર જગદગુરુ રામભદ્રાચાર્યએ હનુમાન ચાલિસાની ચૌપાઇઓમાં 4 ભૂલો જણાવી છે. તેમણે કહ્યું કે, ટંકણ (પબ્લિશિંગ)ની આ અશુદ્ધિઓને તાત્કાલિક ધોરણે સુધારવી જોઈએ. આ કારણે લોકો ખોટાં શબ્દોનું ઉચ્ચારણ કરે છે. જગદગુરુએ આ સાથે જ રામચરિતમાનસને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવાની માંગ કરી. બુધવારે આગરામાં શ્રીરામ કથા સંભળાવવા દરમિયાન જગદગુરુએ આ વાતો કહી.

જગદગુરુએ હનુમાન ચાલિસાની આ 4 ભૂલોનો કર્યો ઉલ્લેખ...

  • હનુમાન ચાલિસાની એક ચોપાઈમાં આપણે વાંચીએ છીએ- શંકર સુવન કેસરી નંદન. તેમા ત્રુટિ છે. તેની જગ્યાએ શંકર સ્વયં કેસરી નંદન હોવુ જોઈએ. તેનું કારણ એ છે કે, હનુમાનજી શંકરજીના પુત્ર નથી પરંતુ, તેઓ સ્વયં તેમનું જ રૂપ છે.
  • હનુમાન ચાલિસાની 27મી ચોપાઈમાં લખ્યું છે- સબ પર રામ તપસ્વી રાજા. તેમા તપસ્વી શબ્દમાં ત્રુટિ છે, સાચો શબ્દ છે- સબ પર રામરાજ સિર તાજા.
  • 32મી ચોપાઈમાં લખ્યું છે- રામ રસાયન તુમ્હરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા, સાચી ચોપાઈ છે રામ રસાયન તુમ્હરે પાસા, સાદર હો રઘુપતિ કે દાસા.
  • ચાલિસાની 38મી ચોપાઈમાં જો સત બાર પાઠ કર કોઈ લખ્યું છે, તેમા સાચો શબ્દ છે, યહ સત બાર પાઠ કર જોહી.

જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું- રામચરિતમાનસ તમામ સમસ્યાઓનું એક સમાધાન છે. અમારો પ્રયાસ છે કે, રામચરિતમાનસને રાષ્ટ્રીય ગ્રંથનો દરજ્જો આપવામાં આવે. અખંડ ભારતની સંકલ્પના જલ્દી સિદ્ધ થશે. પાક અધિકૃત કાશ્મીર પણ જલ્દી ભારતમાં સામેલ થઈ જશે. દેશના યુવા પ્રતિભાવાન અને સશક્ત છે, જે દેશને ફરીથી વિશ્વગુરુ બનાવશે.

રામ જન્મભૂમિ હિંદુઓની હતી અને હિંદુઓની જ રહેશે. રામત્વ સમગ્ર વિશ્વ પર છવાયેલું છે અને હવે રામ વિના કંઈ નથી. રામચરિતમાનસ એવો ગ્રંથ છે જેનાથી બધા ગ્રંથોનો અર્થ સમજમાં આવી જશે. ભારતના જન-જનમાં રામચરિતમાનસ વસેલું છે.

જગદગુરુ રામભદ્રાચાર્યનું વાસ્તવિક નામ ગિરધર મિશ્રા છે. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં થયો. તેઓ રામાનંદ સંપ્રદાયના 4 જગદગુરુ રામાનન્દાચાર્યોમાંથી એક છે. આ પદ પર વર્ષ 1988થી છે. કહેવાય છે કે, 2 મહિનાની ઉંમરમાં તેમની આંખોની રોશની ચાલી ગઈ હતી.

રામભદ્રાચાર્ય 22 ભાષાઓના જાણકાર છે. અત્યારસુધી 80 પુસ્તકો અને ગ્રંથોની રચના કરી ચુક્યા છે. તેઓ સાંભળીને શીખે છે અને બોલીને પોતાની રચનાઓ લખાવે છે. ચિત્રકૂટ સ્થિત સંત તુલસીદાસના નામ પર સ્થાપિત તુલસી પીઠના સંસ્થાપક છે. વર્ષ 2015માં ભારત સરકારે તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા હતા. એટલું જ નહીં, રામભદ્રાચાર્યએ જ સુપ્રીમ કોર્ટમાં રામલલાના પક્ષમાં વેદ પુરાણના સંદર્ભ સાથે નિવેદન આપ્યું હતું.

2024માં મોદી ફરી બનશે વડાપ્રધાન

એક દિવસ પહેલા જ રામભદ્રાચાર્યએ કહ્યું હતું- મોદી સરકારે ભારતને પાંચમી અર્થવ્યસ્થા બનાવી દીધી. 2024માં ફરી મોદીજી વડાપ્રધાન પદના શપથ લેશે અને સંસદમાં રામચરિતમાનસને બિલ લાવીને રાષ્ટ્રીય ગ્રંથ બનાવશે.

ભોજપાલ નામ ના થઈ જાય ત્યાં સુધી ભોપાલ નહીં આવીશ

આશરે બે મહિના જગદગુરુ રામભદ્રાચાર્યએ ભોપાલમાં રામકથા કરી હતી. આ દરમિયાન CM શિવરાજ સિંહ ચૌહાણની સામે તેમણે ભોપાલનું નામ ભોજપાલ કરવાની વાત કહી હતી. ત્યાં એક દિવસ પહેલા તેમણે કથા સંભળાવવા દરમિયાન કહ્યું હતું- ભોજપાલ નામ ના થઈ જાય, ત્યાં સુધી ભોપાલ નહીં આવીશ.

સમાજવાદી પાર્ટીના MLC સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિત માનસ પર બેનની માંગ કરી હતી. મૌર્યએ કહ્યું હતું- ઘણા કરોડ લોકો રામચરિત માનસને નથી વાંચતા. આ તુલસીદાસે પોતાની ખુશી માટે લખ્યું છે. સરકારે રામચરિત માનસના આપત્તિજનક અંશ હટાવવા જોઈએ. તે અગાઉ બિહારના શિક્ષામંત્રી ચંદ્રશેખરે પણ ધર્મગ્રંથ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે રામચરિત માનસને નફરત ફેલાવનારું હિંદુ ધર્મનું પુસ્તક ગણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp