ગીગોલો બનાવવાની લાલચ આપી હજારો લોકો સાથે છેતરપિંડી

PC: khabarchhe.com

ટેક્નોલોજીની સાથે-સાથે તેને લગતા ગુનાઓ પણ વધી રહ્યા છે. હવે સાયબર ક્રાઈમ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. સાયબર ગુનેગારો પહેલા લોકોને પોતાની જાળમાં ફસાવે છે અને પછી તેમની પાસેથી પૈસા પડાવી લે છે. દિલ્હીના સાયબર પોલીસ સ્ટેશનમાંથી આવા જ કેટલાક છેતરપિંડીના મામલા સામે આવ્યા છે. દિલ્હી આઉટર નોર્થ ડિસ્ટ્રિક્ટ સાયબર સ્ટેશનની પોલીસે જણાવ્યું છે કે આરોપીઓએ ઓનલાઈન જોબ શોધી રહેલા યુવાનોને ગીગોલો બનવાની લાલચ આપી અને પછી તેમની પાસેથી મોટી રકમની છેતરપિંડી કરીને ગાયબ થઈ ગયા.

દિલ્હી પોલીસે આ કેસમાં આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. પોલીસે જણાવ્યું છે કે આ સાયબર ઠગોએ તેમને ગીગોલો બનાવવાના બહાને 4000 લોકો સાથે છેતરપિંડી કરી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા બે આરોપીઓ કુલદીપ સિંહ ચરણ અને શ્યામ લાલ નેગી છે. મળતી માહિતી મુજબ આ બંને જયપુરના રહેવાસી છે.

આ સાયબર ગુનેગારો પાસેથી મોટી માત્રામાં ટેકનોલોજીનો સામાન પણ મળી આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે આરોપીઓ પાસેથી એક ડેસ્કટોપ, એક લેપટોપ, 4 મોબાઈલ ફોન, એક હાર્ડ ડિસ્ક, 2 એસડી કાર્ડ, 18 સિમ કાર્ડ, 11 બેંક એકાઉન્ટ અને 21 એટીએમ કાર્ડ અને ચેકબુક જપ્ત કરવામાં આવી છે.

આ છેતરપિંડી કેવી રીતે કરવામાં આવી તેનો પણ પોલીસે ખુલાસો કર્યો છે. આ મામલામાં ડીસીપી દેવેશ કુમાર મહલાએ જણાવ્યું કે નરેલાના રહેવાસી એક વ્યક્તિએ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ આપી હતી. પીડિતે જણાવ્યું કે તે ઓનલાઈન નોકરી શોધી રહ્યો હતો. દરમિયાન એક વેબસાઇટ પર પહોંચી ગયો. વાત કર્યા બાદ આરોપીએ તેની પાસેથી રજીસ્ટ્રેશન ફીના નામે 2499 રૂપિયા લીધા અને એક આઈડી વોટ્સએપ પર મોકલ્યો. આ પછી અન્ય ઘણી વસ્તુઓના નામે 39190 રૂપિયા લેવામાં આવ્યા પરંતુ તે વ્યક્તિને નોકરી આપવામાં ન આવી.

એસએચઓ રમણ કુમાર સિંહની ટીમ આરોપીઓને પકડવા માટે સક્રિયપણે કામ કર્યું છે. આ તપાસ દરમિયાન કોલ ડિટેઈલમાંથી પૈસા મોકલનાર ખાતાની માહિતી એકત્ર કરવામાં આવી. આ સિવાય ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પ્રથમ આરોપી કુલદીપ સિંહ ચરણની જયપુરથી ધરપકડ કરવામાં આવી હતી અને તેના દ્વારા અન્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી.

આ દરમિયાન આ આરોપીઓએ જે ખુલાસો કર્યો તે ચોંકાવનારો હતો. આ આરોપીઓએ જણાવ્યું કે 2017થી અત્યાર સુધીમાં છેલ્લા 6 વર્ષમાં પ્લે બોય સર્વિસ, ગીગોલો સર્વિસ અને એસ્કોર્ટ સર્વિસ આપવાના બહાને ચાર હજારથી વધુ લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરી ચુક્યા છે અને લોકોને નોકરીઓ આપવાના નામે છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp