પેપર લીકનો વિરોધ કરતા હજારો યુવાનોને પોલીસે દોડાવી-દોડાવીને માર્યા, કલમ 144 લાગૂ

PC: khabarchhe.com

ગુરુવારે, દહેરાદૂનમાં ભરતી કૌભાંડોની સીબીઆઈ તપાસની માંગ સાથે વિરોધ કરી રહેલા યુવાનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. CM પુષ્કર સિંહ ધામીએ તેની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. આજે (શુક્રવારે) બેરોજગાર સંગઠને ઉત્તરાખંડ બંધનું એલાન આપ્યું છે. આને ધ્યાનમાં રાખીને પરેડ ગ્રાઉન્ડના ત્રણસો મીટરની ત્રિજ્યામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

CM પુષ્કર સિંહ ધામીએ બુધવારે રાત્રે અને ગુરુવારે થયેલા પથ્થરમારા અને લાઠીચાર્જની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. CM ધામીએ ચીફ સેક્રેટરીને પથ્થરબાજી અને લાઠીચાર્જની સમગ્ર ઘટનાની તપાસ કરવા જણાવ્યું છે. તમામ હકીકતો અને સંજોગો તપાસ્યા બાદ તપાસ અધિકારી સરકારને વિગતવાર તપાસ અહેવાલ આપશે.

બુધવારે દેહરાદૂનના ગાંધી પાર્કમાં ધરણા પર બેઠેલા વિદ્યાર્થીઓને પોલીસે મોડી રાત્રે બળજબરીથી ઉપાડી લીધા હતા. આ દરમિયાન પોલીસે આંદોલનકારી વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ કર્યો હતો, જેના વિરોધમાં ગુરુવારે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. દેહરાદૂનનો મુખ્ય માર્ગ રાજપુર રોડ લગભગ સાત કલાક જામ રહ્યો હતો. દુકાનો, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ પણ બંધ રહ્યા હતા. પોલીસ અધિકારીઓની સમજાવટ બાદ પણ યુવાઓ રાજી ન થયા. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા યુવાનોએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ કર્યો. આ દરમિયાન પોલીસે વિવિધ સ્થળોએ બે-ત્રણ વખત લાઠીચાર્જ કર્યો. મોડી સાંજે પોલીસે સંસ્થાના પ્રમુખ બોબી પંવાર, રામ કંડવાલ, સંદીપ, મુકેશ સિંહ, અનિલ કુમાર, શુભમ સિંહ, અમન ચૌહાણ, લુસુન ટોદરિયા, હરિ ઓમ ભટ્ટ, મોહન કૈંથોલા, રમેશ તોમર, નીતિન દાસ અને અમિત પંવાર વગેરેની ધરપકડ કરી હતી.

નારાજ બેરોજગાર સંગઠને આજે ઉત્તરાખંડ બંધનું એલાન આપ્યું છે. બેરોજગાર સંઘના યુવાનોના સ્વજનો પણ મોટી સંખ્યામાં ગાંધી પાર્ક, પરેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચે તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. જેના કારણે પ્રશાસને પરેડ ગ્રાઉન્ડની આસપાસ 300 મીટરની ત્રિજ્યામાં કલમ-144 લાગુ કરી હતી. તેમજ પૂર્વ પરવાનગી વગર સરઘસ, પ્રદર્શન, જાહેર સભાનું આયોજન કરવામાં આવશે નહીં.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા માટે ઉત્તરાખંડ સ્પર્ધાત્મક પરીક્ષા વટહુકમ 2023ને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, જો કોઈ વ્યક્તિ, પ્રિન્ટિંગ પ્રેસ, સર્વિસ પ્રોવાઈડર સંસ્થા, મેનેજમેન્ટ સિસ્ટમ, કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ વગેરે અન્યાયી રીતે સંડોવાયેલા જોવા મળે તો તેને આજીવન કેદ સુધીની સજા અને 10 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ ઉમેદવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં નકલ કરતો અથવા અન્ય ઉમેદવારોને નકલ કરાવતો જણાય તો તેને ત્રણ વર્ષની જેલ અને ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયાના દંડની સજા થશે. આ સિવાય જો તે ઉમેદવાર અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરીથી દોષિત ઠરે તો દસ વર્ષની જેલ અને ઓછામાં ઓછા 10 લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

બેરોજગાર સંગઠનની માંગ છે કે 12 ફેબ્રુઆરીએ યોજાનારી પટવારી ભરતીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવે. સાથે જ નકલ કરનારાઓના નામ જાહેર કરવામાં આવે. આયોગના અધિકારીઓ અને કર્મચારીઓની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. હાઈકોર્ટના જજની દેખરેખ હેઠળ ભરતીમાં ગોટાળાની સીબીઆઈ તપાસ થાય. જ્યાં સુધી નકલ વિરોધી કાયદો ન આવે ત્યાં સુધી કોઈ ભરતી પરીક્ષા ન હોવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp