15 ઓગસ્ટે આઝાદ થયેલા પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટ કેવી રીતે થઈ ગયો?
મર્ડર અને હિસ્ટ્રી નામની પોતાની બુકમાં જાણીતા પાકિસ્તાની ઈતિહાસકાર કે. કે. અઝીઝે પોતાની બુકમાં લખ્યું છે કે, સામાન્ય લોકોની ધારણા એવી જ છે અને સ્વતંત્રતા દિવસે સરકાર દ્વારા યોજવામાં આવતાં વિવિધ કાર્યક્રમો પાકિસ્તાર 14મી ઓગસ્ટે આઝાદ થયો હતો એ વાતની પુષ્ટિ કરાવે છે. પરંતુ, આ વાત સત્ય નથી. જો ભારતની આઝાદીનું બિલ ચોથી જુલાઈએ બ્રિટિશ સંસદમાં પ્રસ્તુત થયું હતું અને તેને 15મી જુલાઈએ કાયદાની માન્યતા મળી હતી, તેમાં કહેવામાં આવ્યું હતું કે, 14-15 ઓગસ્ટની મધ્યરાત્રિએ ભારતનાં ભાગલાં પડશે, જેનાંથી ભારત અને પાકિસ્તાન નામનાં બે નવા દેશ બનશે.
અઝીઝે વધુમાં લખ્યું છે કે, વોયસરોય લોર્ડ માઉન્ટબેટન છેલ્લાં આ બંને દેશોને સત્તાનું હસ્તાંતરણ કરવાનાં હતાં જે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનાં એકમાત્ર પ્રતિનિધિ હતાં. પરંતુ, માઉન્ટબેટન એક જ સમયે નવી દિલ્હી અને કરાંચીમાં હાજર રહી ન શકે, અને એવું પણ શક્ય નહોતું. 15મી ઓગસ્ટ પહેલાં ભારતને સત્તાનું હસ્તાંતરણ કરવામાં આવે અને પછી કરાચી જાય, કારણ કે ભારતને સત્તા હસ્તાંતરિત કરતાં જ કાયદા અનુસાર, તેમની ભૂમિકા ભારતનાં ગવર્નર જનરલ તરીકેની શરૂ થઈ જવાની હતી. આથી, વ્યવહારિક રસ્તો એ જ હતો કે, વોયસરોય 14મી ઓગસ્ટે જ પાકિસ્તાનને સત્તાનું હસ્તાંતરણ કરી દે અને ભારતને સત્તા સોંપવાનું કામ બીજા દિવસે એટલે કે 15મી ઓગસ્ટે કરવામાં આવે. પરંતુ, એનો મતલબ એવો નથી કે પાકિસ્તાનને તેની આઝાદી 14મી ઓગસ્ટે મળી હતી, કારણ કે ઈન્ડિયન ઈન્ડિપેંડેસ એક્ટમાં એ તારીખ 15મી ઓગસ્ટ હતી.
પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી મોહમ્મદ અલીએ પણ પોતાની બુકમાં ધી ઈમરજન્સી ઓફ પાકિસ્તાનમાં આ વાતની પુષ્ટિ કરી છે. તેમાં જણાવ્યા અનુસાર, 15 ઓગસ્ટ, 1947નાં દિવસે રમજાન મહિનાનો છેલ્લો શુક્રવાર હતો અને ઈસ્લામી માન્યતાઓ અનુસાર, તે સૌથી પવિત્ર દિવસોમાંનો એક દિવસ છે. મોહમ્મદ અલીએ લખ્યું છે કે, આ મુબારક દિવસે કાયદે આઝમ પાકિસ્તાનનાં ગવર્નર જનરલ બન્યાં, કેબિનેટમાં શપથ લીધી, ચાંદ અને તારાનાં ચિહ્નોવાળો ધ્વજ ફરકાવવામાં આવ્યો અને દુનિયાનાં નક્શા પર પાકિસ્તાન વજૂદમાં આવ્યું.
એટલું જ નહીં પરંતુ કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણાએ 15 ઓગસ્ટ, 1947નાં દિવસે પાકિસ્તાન બ્રોડકાસ્ટિંગ સર્વિસની શરૂઆત કરતાં દેશનાં નામ એ સંદેશ આપ્યો હતો કે, ખુશીની લાગણી સાથે હું તમામને ઘણીબધી શુભકામનાંઓ પાઠવું છું. 15 ઓગસ્ટ સ્વતંત્ર અને સંપ્રભુ રાષ્ટ્ર પાકિસ્તાનનો જન્મ દિવસ છે. 1948માં પાકિસ્તાનને જે પહેલી ટપાલ ટિકીટ બહાર પાડી હતી, તેમાં આઝાદીની તારીખ 15 ઓગસ્ટ, 1947 જ લખવામાં આવી હતી.
પરંતુ, આજે રેડિયો પાકિસ્તાન 15મી ઓગસ્ટની શુભકામનાનો સંદેશ 14મી ઓગસ્ટે પ્રસારિત કરે છે. અહીં, હકીકત એ છે કે, 1948માં જશ્ને આઝાદીની આ તારીખને 14 ઓગસ્ટ કરી દેવામાં આવી હતી. આવું કેમ કરવામાં આવ્યું તે અંગે શોધખોળ કરતાં જુદી-જુદી વાતે જાણવા મળી રહી છે. ઘણા રિપોર્ટોમાં એવું કહેવામાં આવ્યું છે કે, તે વર્ષે 14મી ઓગસ્ટે રમજાનનો 27મો રોજો એટલે કે શબ-એ-કદ્ર હતો. માન્યતા છે કે એ રાત્રે ધાર્મિક ગ્રંથ કુરાન લખાયું હતું. ત્યારબાદથી પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ 14મી ઓગસ્ટે મનાવવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે, 14મી ઓગસ્ટે વોયસરોયે સત્તા હસ્તાંતરિત કર્યા બાદ જ કરાચીમાં પાકિસ્તાની ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો, આથી ત્યારબાદથી પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસની તારીખ 14 ઓગસ્ટ કરી દેવામાં આવી.
જોકે, ભારત અને પાકિસ્તાનમાં એક વર્ગ એવો પણ છે જેમનું માનવું છે કે, પાકિસ્તાને પોતનાં સ્વતંત્રતાની તારીખ 14 ઓગસ્ટ એટલા માટે રાખી કારણ કે તેને ભારતની અલગ દેખાવું હતું. કેટલાંક લોકો તો આ વાતને રાષ્ટ્રવાદ સાથે જોડીને કહે છે કે, પાકિસ્તાનનાં કર્તાધર્તા એવું બતાવવા માગતા હતા કે તેમનો દેશ ભારત કરતાં એક દિવસ વહેલો આઝાદ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp