
છેલ્લાં 10 દિવસથી મા અંબાના અંબાજી મંદિરમાં પ્રસાદને લઇને શરૂ થયેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લેતો. ગુજરાત સરકારે અંબાજી ટ્રસ્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યાના એક દિવસ પછી રાજ્યના પૂર્વ નાયબ મંત્રી અને ભાજપના કદાવર નેતા નિતિન પટેલે પણ આ વિવાદમાં ઝુકાવ્યું છે અને તેમના એક નિવેદનને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. નિતિન પટેલની એન્ટ્રી પછી શું અંબાજીમાં ફરી પ્રસાદ તરીકે મોહનથાળ મળતો થશે? નિતિન પટેલે શાતં થઇ ગયેલા મુદ્દાને ફરી ગરમ કરી દીધો છે.
અંબાજી મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ મોહનથાળનો પ્રસાદ આપવામાં આવતો હતો, પરંતુ સંચાલકોએ મોહનથાળને બદલે ચીકીને પ્રસાદ તરીકે આપવાનું શરૂ કરતા ભારે વિવાદ ઉભો થયો હતો. એ પછી શનિવારે ગુજરાત સરકારના પ્રવક્તા રૂષિકેશ પટેલે સ્પષ્ટ કહ્યુ હતું કે, અંબાજી મંદિરમાં ચીકી જ પ્રસાદ તરીકે અપાશે, મોહનથાળ નહીં. હવે જયારે સરકારના પ્રવકતાએ નિવેદન આપી દીધું છે એ પછી નિતિન પટેલે એમ કહ્યુ કે, આ મામલો શ્રધ્ધાળુઓ અને મંદિર ટ્રસ્ટ વચ્ચેનો છે, પરંતુ મને આશા છે કે સરકાર કોઇ યોગ્ય સમાધાન કાઢશે. નિતિન પટેલના આ નિવેદને બધાને ચોંકાવી દીધા છે. સરકારે તો જાહેર કરી દીધું છે, પછી નિતિન પટેલ સમાધાનની વાત કેમ કરી રહ્યા છે?
નિતિન પટેલના આ નિવેદનને કારણે ભાજપના કેટલાંક નેતાઓમાં ખુશી જોવા મળી છે, કારણકે તેઓનું માનવું છે કે અંબાજી મંદિરના પ્રસાદ વિવાદને કારણે ભાજપને નુકશાન થઇ રહ્યું છે. ભાજપના નેતાઓ જાણે છે કે ભલે નિતિન પટેલ અત્યારે સરકારનો હિસ્સો નથી, પરંતુ તેમનું કદ આજે પણ ઉંચુ છે. એટલે લોકો પણ એવું માની રહ્યા છે કે શું અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી મળતો થશે?
બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી મંદિરમાં 1લી માર્ચથી પ્રસાદ તરીકે મોહનથાળને બદલે ચીકીનું વિતરણ શરૂ થયું હતું જેનો અનેક લોકોએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસે પણ આ વિવાદમાં ઝુકાવ્યું હતું. વિશ્વ હિંદુ પરિષદે પણ ટ્રસ્ટના આ નિર્ણયની આકરી ટીકા કરી હતી. વિશ્વ હિંદુ પરિષદે તો 13 માર્ચે 3 હજાર મંદિરોમાં મોહનથાળ વિતરણ કરવાની જાહેરાત કરી છે અને સરકારને અલ્ટીમેટમ પણ આપ્યું છે.
સરકારની જાહેરાત પછી નિતિન પટેલના નિવેદન પછી સરકાર પોતાના નિર્ણયથી પીછેહઠ કરે છે કે નિર્ણય યથાવત રાખે છે તે આગામી દિવસોમાં ખબર પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp