કોરી રે ગાગરડીમાં સોપારીનો કટકો, જોજે રે વાલીડા સાસુજીનો લટકો

PC: twitter.com

સોપારીનો સોટો માણારાજ,  સોપારી સોટો માણારાજ લવીંગ લીલે ને વીરો મારો હળવો હળવો હાલ...

કોરી રે ગાગરડીમાં સોપારીનો કટકો, જોજે રે વાલીડા સાસુજીનો લટકો (ફટાણું )

ગુજરાતી લગ્નગીતોમાં ચક્રવર્તિન રાજ જેવો સોપારીનો વૈભવ છે, તેમ હિંદુ ધર્મનાં સંપ્રદાયમાં સોપારીનું એક વિશિષ્ટ મહત્વ છે.

સોપારી એ પાંચ દીવડામાં નો એક દીવો છે. ત્રીજા ક્રમાંકે આવતાં ગણપતિનું પ્રતિક છે. અહિં પંચદીવડા એટલે પંચ મહાભૂત.  આ ત્રીજા ક્રમાંકે આવતાં દીવડો એ ગણેશનો હોય છે. વિવાહમાંગલ્ય સમયે, ગણપતિનું સ્થાન ઘરનો ઉંબર છે. આથી બાકીનાં દિવસોમાં ઉંબર પર કંકુથી સાથીયો કરવાંમાં આવે છે. તેમ ઉંબરને ગોલ્ડન યેલો હળદરી પીળો લાલ રંગથી રંગવામાં આવે છે, તેમ રોજ રોજ ઉંબરને હળદરથી લેપન કરવામાં આવે છે, આ પ્રથા આજે પણ દક્ષિણ ભારતમાં જોવા મળે છે. અહિં હળદર અને તેમાંથી બનતાં કંકુ પણ મંગળ ગ્રહનાં પ્રતિક છે.  મંગળ (રોગ) પ્રતિકારક શક્તિનો પણ કારક  છે. હળદર અને કંકુ પણ નૈસર્ગિક જર્મીસાઈડલ છે.

વેદીક ત્થા તંત્ર જ્યોતિષ અનુસાર સોપારી એ અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. સ્વામી ગ્રહ મંગળ. હિંદુ ધર્મ અનુસાર સોપારીમાં કોઈ પણ દેવની પ્રતિષ્ઠા કે ધારણા કરી તેની પૂજા કરી શકાય છે. તેમ કોઈ પણ ગ્રહની નડતર સમયે તે ગ્રહની સોપારીમાં ધારણા કરી ને તેનાં જાપ પણ કરવાંમાં આવે છે.

જ્યારે ગુજરાતી ગીતોમાં સોપારી સામાન્ય રીતે રાયવર સોરી વરરાજા માટે વપરાતું રૂપક છે. આ રૂપક હળવા સ્પર્શે શૃંગાર રસથી ભરેલ છે. આમે પણ મંગળ પ્રધાન વ્યક્તિ જ રસિક/રસિયો હોય છે.  સોપારીનું કઠણપણુ પુરુષનું પ્રતિક છે.  જ્યારે વધુ એ નમણી નાગર વેલનું પાન કે લવીંગ કે લવીંગનું પાન. સોપારીની વિવિધા તો જુઓ કાચી શકાય, સેકીને.... ચુરો... કટકો.... કે પછી આખી... પાનબીડા સાથે.... મુખવાસ સાથે.... તંબાકુ સાથે..... આ વિવિધા પુરુષનાં શૃંગારીક કાવ્યની સાથે સાથે ચાલે છે. જ્યારે સ્ત્રી/નારી એ ચંચળ છે. વૈવિધ્ય તેનો મૂળ સ્વભાવ છે, આથી તો ભાવ જગતમાં પણ અનેક મનોભાવો જોવા મળે છે. તેમ ગીતોમાં બોલાતું લીલ કે લીલો એ માત્ર લીલીછમ્મ સમૃદ્ધિ માટે જ નથી, અમુક ગીતમાં લીલ શબ્દ હતાં/છે. જે લીલાલહેરનાં પ્રતિક તરીકે વપરાયાં હતાં, જે કાળ ક્રમે અપભ્રંશ થઈને લીલા થઈ ગયાં... તેમ અમુક લગ્ન ગીત કે ઊર્મિ લોક ગીતમાં સોપારી નંગ સોળની વાત આવે છે. તે ઓવ્યુલેશન ટાઈમની ગણનાં છે. આખરે, સોપારી જ સૂડી વચ્ચે આવવાંની છે. બાકીનાં શૄંગાર અને ભાવ જગતનો મેળ જાતે કરી લેજો. 

પરિચય બાદ આપણે આ સોપારીનાં શબ્દની યાત્રા કરી લઈએ.

સોપારીને સંસ્કૃતમાં પૂગ, ઝલિ, ક્પીતન, પિચ્છા, શૌભ, પૂગફળ ઉદ્વેગ વૃષપર્વન્ કહે છે.  સોપારી ભારતમાં મેંગલોર થી માંગરોળ સુધી થતી હતી. દક્ષિણ સૌરાષ્ટ્ર એક સમયે વર્ષા વન હતું. જે જે વૃક્ષો દક્ષિણભારત-મહારાષ્ટ્રમાં થાય છે, તે બધા અહિં હતાં.

સોપારી માટે જુનો શબ્દકોશ એમ કહે છે, કે કન્નડ શબ્દ સોપ્પુ પરથી બન્યો, પરંતુ કન્નડમાં સોપુ એટલે ફોક =જનસામાન્ય જેવો અર્થ થાય છે. તેનાં પરથી આ શબ્દ બન્યો હોય તે શક્યતા ભૂલી જવી પડે. પરંતુ  સોપારીનાં પાંદમાંથી સૂપડાં બનતાં હતાં, હજુ પણ બને છે. તો કદાચ સંસ્કૃત શૂર્પ ને કોઈ લોક બોલીમાં સોપુ કે શૂપુ કહેતાં હોય. અને તેનાં પરથી સોપારી શબ્દ બન્યો હોય તેવું વિચારી શકાય. તેમ એક સમયે ભારતિય જુના રાજ માર્ગમાં સોપારા બંદર આવતું હતું, ત્યાં સોપારી ઉતરતી તેમ અહિં પણ સોપારી થતી, તેનાં પરથી સોપારી બન્યાની શક્યતા વિચારી શકાય.  આ સોપારા એટલે નાલા સોપારા જુનું નામ શૂર્પારક.

સોપારી સહુથી વધારે ગુજરાત મહારાષ્ટ્રમાં ખવાય છે. જે તે સમયે અહિંની પ્રાકૃતો સક્ષમ હતી, એટલે આવાં કોઈ શબ્દ એડોપ્ટ કરે તે વાત ગળે  ન ઉતરે. સોપારી શબ્દ આ બન્ને રાજયમાં છેલ્લા ૧૫૦૦ વર્ષથી જોવાં મળે છે. હવે સોપારીનાં મૂળ સુધી પહોંચી જઈએ.

સોપારી એ સંસ્કૃત શબ્દ વૃષપર્વન્ નું પ્રાકૃત વસાપારી ( જુની માગધીમાં આ શબ્દ છે.)  શૌરસેનીમાં પણ આવું જ રૂપ બની શકે, તેમ તેની અપભ્રંશમાં સુપારી બની શકે.  જુની મહારાષ્ટ્રી પ્રાકૃત એ શૌર સેની પરથી જ અવતરી છે. અગર સ્વતંત્ર રૂપ માનીએ તો જુની મહારાષ્ટ્રી પ્રાકૃત અને સોરઠીમાં વૃષપર્વન્ નું રૂપ ઉસપારવ સુપારવ બની શકે. અને તેનાં પર સુપારી/ સોપારી......

વૃષપર્વન્ માં અઘોષ વ અડધો છે, તેમ ન હલંત છે. પ્રાકૃત ઉચ્ચારોમાં પ્રથમ અને અંતિમ અક્ષરની બાદબાકી થઈ શકે છે. જેમ સ્ટેશનનું ટેશન સ્વામીનુ સામી, આવા અનેક ઉદાહરણ છે. તેમ સંસ્કૄતમાંથી લોક સંસ્કૃત અને તેમાંથી પ્રાકૃત બોલીઓને બનતાં હજાર વર્ષ લાગ્યાં હતાં.  અને એ પ્રાકૃતોને અપભ્રંશ બનતાં એટલા જ વર્ષ થયાં હતાં.

સંસ્કૃત સાહિત્યમાં સુપર્ણા =સુંદર પાન વાળુ સોપારીનાં પાન ઉપયોગી તેમ નીચે છ્ત્રાકારે હોય છે.  તેમ સુપાર નામનો શબ્દ છે, આ બન્ને શબ્દને અભ્યાસમાં લઈ શકાય છે.  ભારતિય ભાષામાં મોટા ભાગનાં તદભવ શબ્દો, સંસ્કૃતનાં અડધા કે ક્લ્સ્ટર અક્ષરો વાળા શબ્દો પરથી જ બન્યાં છે, સરળ અને માત્રા વિનાંનાં શબ્દો કે આખા અક્ષરોનાં શબ્દો મોટા ભાગે તત્સમ રૂપે જ સ્વીકાર્યા છે.

સોપારીની અન્ય વાતો અને કૃષિ-વનસ્પતિ વિજ્ઞાનની વાતો આવતાં અંકે.

અપૂર્ણમ --સંપૂર્ણમ

જય ભારત જય આર્યવર્ત

પં. ડો. હિતેષ એ. મોઢા

જયોતિષ-વાસ્તુ તજજ્ઞ

ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ

101 આરડી ચેમ્બર્સ છાંયા ચોકી

પોરબંદર -- ફોન. 9879499307

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp