સંસદમાં અમિત શાહ મણિપુર પર બોલ્યા- સવારે 6.30 વાગ્યે PMએ મને ફોન કરી ઉઠાવ્યો...
સંસદમાં ચાલી રહેલી અવિશ્વાસ દરખાસ્તની ચર્ચામાં અમિત શાહે કહ્યું કે, અત્યાર સુધીમાં લોકસભામાં 27 અવિશ્વાસ અને 11 વિશ્વાસ પ્રસ્તાવ આવી ચૂક્યા છે. આ વખતે PM મોદી અને મંત્રીમંડળ પ્રત્યે કોઇને અવિશ્વાસ નથી. વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ એ માત્ર પ્રજાને ગેરમાર્ગે દોરવાનો છે. બે તૃત્યાંશ બહુમતથી NDAને બે વખત ચૂંટવામાં આવી. સરકાર લઘુમતીમાં હોવાનો કોઇ મતલબ જ નથી.. આઝાદી બાદ દેશના સૌથી લોકપ્રિય PM નરેન્દ્ર મોદી છે. 9 વર્ષમાં PM એ 50 થી વધુ એવા નિર્ણયો લીધા જે યુગો સુધી યાદ રહેશે.
અમિત શાહે કહ્યુ કે ભારતીય રાજકારણને ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તૃષ્ટિકરણ જેવા 3 નાસૂરે ઘેરી લીધું હતું. PM મોદીએ દુર કર્યા. ભ્રષ્ટાચાર ક્વિટ ઇન્ડિયા, પરિવારવાદ ક્વિટ ઇન્ડિયા, તૃષ્ટિકરણ ક્વિટ ઇન્ડિયા.
શાહે આગળ કહ્યુ કે, કોંગ્રેસે ગરીબી હટાવોનો નારો આપ્યો હતો. પરંતુ ગરીબી તો ત્યાની ત્યાં જ રહી. પ્રધાનમંત્રી મોદીએ આ સમસ્યાને સમજી, કારણકે તેમણે પોતે ગરીબી જોઇ હતી.PM મોદીએ 9 વર્ષમાં 11 કરોડથી વધારે પરિવારોને શૌચાલય આપ્યા. લોકો ક્લોરાઇડ યૂક્ત પાણી પીતા હતા, પરંતુ PM મોદીની હર ઘર જળ યોજનાથી 12 કરોડથી વધારે લોકો સુધી પાણી પહોંચ્યું. કોંગ્રેસ દેવું માફ કરવાનું માત્ર લોલીપોપ આપતી રહી, તો ભાજપનો એજન્ડા છે કે ખેડુતો દેવું કરવું જ ન પડે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આ ગૃહમાં એક નેતા એવા છે જેમને 13 વખત રાજનીતિમાં લોંચ કરવામાં આવ્યા. દરેક વખતે તેમનું લોન્ચિંગ ફેઇલ ગયું. તેમનું એવું જ એક લોન્ચિંગ સંસદથી થયું હતું. અમિત શાહે એક ઉદાહરણ આપીને કહ્યું કે, બુંદેલખંડ, મહોબાની એક ગરીબ મા કલાવતીના ઘરે આ નેતા ભોજન કરવા ગયા હતા, પછી સંસદમાં આવીને કલાવતીની ગરીબીનું વર્ણન કર્યું. એ પછી કોંગ્રેસની સરકાર 6 વર્ષ રહી, પરંતુ ગરીબ કલાવતી માટે કશું કરવામાં ન આવ્યું. એ કલાવતીના ઘરે વિજળી, ગેસ, અનાજ, શૌચાલય, આરોગ્ય સેવા આપવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું. જે કલાવતીના ઘરે તમે ભોજન કરવા ગયા હતા તેને PM મોદી પર અવિશ્વાસ નથી.
#WATCH | Union Home Minister Amit Shah gives a detailed response on what led to violence in Manipur and the measures taken by the government to control the situation in the state pic.twitter.com/PKscrHIyGn
— ANI (@ANI) August 9, 2023
દેશની સુરક્ષા પર વાત કરતા અમિત શાહે કહ્યું હતું કે UPA સરકારના વર્ષ 2002થી 2014 સુધીના સમયગાળામાં સરહદ પારથી આતંકી ઘુસીને સેનાના જવાનો માથા કાપીને લઇ જતા હતા. કોઇ જવાબ આપતું નહોતું. અમારી સરકારમાં બે વખત પાકિસ્તાને બે વખત બેવકુફી કરી. બંને વખત અમે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો. એક વખત સર્જિકલ સ્ટ્રાઇક અને બીજી વખત એર સ્ટ્રાઇક બંને વખતે પાકિસ્તાનના ઘરમાં ઘુસીને આતંકવાદીઓનો ખાતમો બોલાવી દીધો હતો. UPA સરકારમાં સૌથી વધારે કૌભાંડો રક્ષા ક્ષેત્રમાં થયા હતા.
અમિત શાહે આગળ ચીનનો ઉલ્લેખ કરીને આરોપ લગાવ્યો કે, ચીનની સરહદ પર આપણી તોપો ન પહોંચી શકે તેવી સ્થિતિ હતી, રસ્તા જ બનાવ્યો નહોતા. માત્ર નકશા જ જોયા કરતા હતા. પરંતુ પ્રધાનમંત્રી મોદી અને રાજનાથ સિંહે સરહદના અંતિમ ગામથી, ભારતના પહેલાં ગામ સુધી રસ્તા બનાવ્યા.
અવિશ્વાસ પ્રસ્તાવ પર વાત કરતા અમિત શાહે કહ્યું હતું કે, હું વિપક્ષની વાત સાથે સહમત છું કે મણિપુરમાં હિંસાનું તાંડવ થયું. અમે પણ દુખી છીએ, જે ઘટનાઓ થઈ શરમજનક હતી, પરંતુ તેના પર રાજનીતિ કરવી વધુ શરમજનક છે. એવો ભ્રમ ફેલાવવામાં આવ્યો કે સરકાર મણિપુર પર ચર્ચા નથી કરવા માગતી. અમે પહેલા દિવસથી ચર્ચા માટે તૈયાર હતા. વિપક્ષ ચર્ચા નહીં હંગામો કરવા માગતો હતો. મણિપુરમાં નસ્લીય હિંસાઓને લોકોએ સમજવી પડશે. લગભગ 6 વર્ષથી મણિપુરમાં BJPની સરકાર છે. એક દિવસ પણ ત્યાં કર્ફ્યૂ નથી લગાવવો પડ્યો. ઉગ્રવાદી હિંસા લગભગ લગભગ ખતમ થઈ ગઈ.
તેમણે કહ્યું કે, 2021મા પાડોશી દેશ મ્યાનમારમાં સત્તા પરિવર્તન થયું. ત્યાં લોકતાંત્રિક સરકાર પડી ગઈ અને મિલિટ્રી શાસન આવી ગયું. આ બધા વચ્ચે કૂકી ડેમોક્રેટિક ફ્રન્ટે લોકતંત્ર માટે આંદોલન શરૂ કર્યું. પછી ત્યાંની સેના પર દબાણ બનાવવાનું શરૂ કર્યું, એવામાં કૂકી લોકો ત્યાંથી શરણાર્થી બનીને મિઝોરમ અને મણિુપર આવવા લાગ્યા. અમે ત્યાં આવેલા શરણાર્થીઓનું ઓળખ પત્ર બનાવ્યું. તેમને વોટર લિસ્ટ અને આધાર કાર્ડને નેગેટિવ લિસ્ટમાં નાખવામાં આવ્યા. 29 એપ્રિલે એક અફવા ફેલાઇ કે જે 58 શરણાર્થી વસેલા છે એ જગ્યાને ગામ જાહેર કરી દેવામાં આવ્યું. તેનાથી મૈતઇ નારાજ થઇ ગયા. લોકોને લાગ્યું આ લોકો સ્થાયી રીતે અહિયા વસી જશે. પછી મણિપુર હાઇકોર્ટના નિર્ણયે આગમાં તેલ નાખી દીધું. આટલા વર્ષોથી પેન્ડિંગ પડેલી પિટિશન પર સુનાવણી કરી અને કહી દીધું કે પહેલા મૈતઈને આદિવાસી જાહેર કરી દેવામાં આવશે. ત્યાર બાદ હિંસા ફેલાઈ ગઈ.
#WATCH | 'UPA' was a good name..why did they need to change the name of the alliance? UPA was involved in scams amounting to over Rs 12 lakh crores...Who was involved in Bofors scam, 2G spectrum scam, CWG scam, Coal scam, Adarsh scam, National Herald scam, Vadra's DLF scam,… pic.twitter.com/MDDPgb7EIQ
— ANI (@ANI) August 9, 2023
નોર્થ ઈસ્ટ રાજ્યો પર વાત કરતા અમિત શાહે કહ્યું કે, હવે ત્યાં હિંસક ઘટનાઓમાં ઘટાડો થયો છે. દેશમાં એવા પણ PM રહ્યા છે, જે પોતાના 15-18 વર્ષના કાર્યકાળમાં એકવાર પણ નોર્થ ઈસ્ટ નથી ગયા, તેમ છતા તેમના વિપક્ષી દળોને તેમના પર ગર્વ છે. જ્યારે PM મોદી 9 વર્ષમાં 50થી વધુ વાર નોર્થ ઈસ્ટ ગયા છે.
અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, મણિપુરમાં પરિસ્થિતિથી હિંસા ઉદભવી છે. આને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ. વિપક્ષ કહે છે મોદી ધ્યાન નથી રાખતા. હું જણાવવા માગું છું કે, 3-4-5 મેના રોજ PM મોદી સતત એક્ટિવ હતા. 3 મેના રોજ ત્યાં હિંસાની શરૂઆત થઈ. રાતે 4 વાગે PM મોદીએ મારી સાથે ફોન પર મણિપુર અંગે વાત કરી, પછી આગલા દિવસે 6.30 વાગ્યે ફરી ફોન કરીને મને ઉઠાવ્યો અને ચર્ચા કરી. ત્રણ દિવસ સુધી અમે સતત કામ કર્યું. 16 વીડિયો કોન્ફ્રન્સ કરી. વાયુસેનાનો ઉપયોગ કર્યો, DGP બદલ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp