26th January selfie contest

ભાજપના સાંસદ વિરુદ્ધ નોંધાશે FIR, કોર્ટની ફટકાર બાદ દિલ્હી પોલીસ માની

PC: twitter.com

જાતિય સતામણી મામલે રેસલરોને આજે સુપ્રીમ કોર્ટ તરફથી રાહતની ખબર મળી છે. દિલ્હી પોલીસે આજે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, તેઓ ભાજપના સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રેસિડન્ટ બ્રિજ ભૂષણ સિંહ સામે જાતિય સતામણીની FIR દાખલ કરશે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને ફટકાર લગાવી હતી કે આટલા ગંભીર આરોપ હોવા છતા દિલ્હી પોલીસે હજુ સુધી FIR દાખલ કેમ નહોતી કરી, જેની સામે દિલ્હી પોલીસે આજે FIR નોંધવાની વાત કરી હતી. રેસલરો તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, ભાજપના સાંસદ પર આરોપ લગાવનારી રેસલર મહિલાઓને સુરક્ષા પણ આપવી જોઈએ અને રિટાયર જજ પાસે આ કેસની તપાસ કરાવવી જોઈએ, આના સુપ્રીમ કોર્ટે સુરક્ષા આપવાનો દિલ્હી પોલીસને આદેશ કર્યો હતો.

WFIના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ સામે વિરોધ કરવા માટે કુસ્તીબાજો ફરી જંતર-મંતર પહોંચ્યા હતા. 7 મહિલા કુસ્તીબાજોએ સિંહ વિરૂદ્ધ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ફરિયાદ આપી હતી. પહેલવાનોએ કહ્યું હતું કે, 3 મહિના થઈ ગયા, છતા અમને ન્યાય મળ્યો નથી, તેથી અમે ફરીથી વિરોધ કરી રહ્યા છીએ. અમે ન્યાય માગીએ છીએ, હજુ FIR નોંધાઈ નથી. પહેલા અમને FIR દાખલ કરવાનું કહેવામાં આવ્યું હતું, હવે અમે FIR દાખલ કરવા જઇએ છે તો પોલીસ સાંભળતી નથી.

રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને BJP સાંસદ બ્રિજભૂષણ સિંહ પર ખેલાડીઓએ ગંભીર આરોપ લગાવ્યા છે. બ્રિજ ભૂષણ સિંહ આ પહેલા પણ પોતાના અનેક નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે. છેલ્લા લગભગ 1 દાયકાથી બ્રિજ ભૂષણ સિંહ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ છે. પરંતુ બ્રિજ ભૂષણ સિંહ પર તાનાશાહી વલણ સહિત યૌન શોષણનો આરોપ લાગ્યો છે. સરકારે આ આરોપો પર રેસલિંગ ફેડરેશન પાસેથી જવાબ માંગ્યો છે, પરંતુ બ્રિજ ભૂષણ સિંહ આ આરોપોને નકારી રહ્યા છે અને વિપક્ષી પાર્ટીઓ આકરા પ્રહારો કરી રહી છે. વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા સહિત 30 કરતા વધુ પહેલવાન દિલ્હીના જંતર-મંત્ર પર ભારતીય કુશ્તી સંઘ (WFI)ના અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહ પર કાર્યવાહીની માગ કરતા ધરણાં કરી રહ્યા છે. 

સમગ્ર ઘટના પર થોડા દિવસ પહેલા સાંસદ બ્રિજભૂષણ સિંહે કહ્યું છે કે જો તેમના પર લાગેલા આરોપો સાબિત થાય છે તો તેઓ દરેક પ્રકારની સજા માટે તૈયાર છે. ભૂતકાળમાં પણ બ્રિજ ભૂષણ સિંહ ઘણી વખત વિવાદોમાં રહ્યા છે. પોતાની દબંગ છબી અને સ્પષ્ટવક્તા નિવેદનોને કારણે તેઓ ઘણી વખત પોતાની જ સરકારને બદનામ કરી ચૂક્યા છે.

બે વર્ષ પહેલા તેમણે ભરેલા સ્ટેજ પર એક ખેલાડીને થપ્પડ મારી દીધી હતી. આ સાથે તેમણે રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાતનો પણ વિરોધ કર્યો હતો. ગયા વર્ષે તેમણે પોતાની જ યોગી સરકારને એમ કહીને ભીંસમાં લીધી હતી કે જો હું બોલીશ તો બળવાખોર કહેવાઈશ. એટલું જ નહીં, બાબા રામદેવ પરના તેમના તાજેતરના નિવેદને ભારે રાજકીય તોફાન મચાવ્યું હતું.

રાજકીય રીતે બ્રિજભૂષણ સિંહને ઉત્તર પ્રદેશના મજબૂત નેતા માનવામાં આવે છે. બહરાઈચ, ગોંડા, બલરામપુર અને ફૈઝાબાદ જેવા શહેરોમાં તેમનો ઘણો રાજકીય પ્રભાવ છે. આ જ કારણ છે કે સરકાર આ મામલે સાચવીને પગલાં લઈ રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp