ગોપાલ ઈટાલિયાએ લોકોને પૂછ્યું- તમે જણાવો શું કરવું જોઈએ?

PC: twitter.com

AAP નેતા ગોપાલ ઈટાલિયાએ પોતાના સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને લોકોને જ સવાલ પૂછ્યો છે કે તેમને શું કરવું જોઈએ.

ગોપાલ ઈટાલિયાએ લખ્યું હતું કે...

થોડા દિવસ પહેલા દ્વારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાનાં ભાયાભાઈ જગાભાઈ આહીર નામના ખેડૂતે પોતાની સાથે છેતરપીંડી થતા આત્મહત્યા કરી. ભાયાભાઈએ આત્મહત્યા કરતા પહેલા સ્થાનિક પોલીસનો, એસ.પી ઓફિસનો અને તાલુકા કોર્ટ સુધીનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આખરે એને આત્મહત્યા કરવી પડી હતી. મૃતક ખેડૂત ભાયાભાઈએ ન્યાય મળતા પહેલા કોઈના તરફથી મદદનું સહેજ આશ્વાસન પણ મળ્યું હોત તો કદાચ ન્યાયની લડાઈ લડવા માટે જીવતા હોત........પણ અફસોસ

હું પોતે પણ ગામડામાં જ જન્મેલો અને ગ્રામીણ કલ્ચરમાં ઉછેર ધરાવતો વ્યક્તિ છું એટલે મને પાક્કો ખ્યાલ છે કે, ગામડાઓમાં અને નગરપાલિકા કક્ષાના નાના શહેરોમાં જ્યારે કોઇપણ આમ આદમી સાથે અન્યાય કે અત્યાચાર થાય ત્યારે તે માણસ એકલો પડી જાય છે.

ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક માથાભારે માણસો, સ્થાનિક રાજકીય વ્યક્તિઓ, બુટલેગરો, રેતી માફિયાઓ, વ્યાજખોરો, તોડબાજો વગેરેઓ ગામડાના નાના માણસોને ખુબ જ ત્રાસ આપતા હોય છે. આ બધા જ અસામાજિક તત્વો ક્યાંક ને ક્યાંક સ્થાનિક સરકારી તંત્ર સાથે સંબંધો ધરાવતા જ હોય છે એટલે પીડિત નાના માણસો પોલીસ સ્ટેશને કે સરકારી તંત્ર પાસે જાય તો પણ તેમને સાંભળવામાં આવતા નથી. આમ, છેવટે ગુંડા – અસામાજિક તત્વોની હિંમત વધી જતી હોય છે.

ગામમાં કે ગામના ખેતરોમાં કે સ્કૂલોની આસપાસ બહેન દીકરીની છેડતી કરવાના અનેક પ્રસંગો બનતા હોય છે પણ ગુંડાઓનાં ડરથી કોઈ ફરિયાદ લખાવતું નથી. વ્યાજનાં નામે રૂપિયા ઉઘરાવીને છેલ્લે જમીન પણ પડાવી લેવાની ઘટનાઓ બનતી હોય છે પણ કોઈ ફરિયાદ લખાવતું નથી. માથાભારે કે ચીટર વ્યક્તિ નાના માણસો પાસેથી પૈસા પડાવી લે એની ફરિયાદો થતી નથી. નાના માણસની જમીન પચાવી પાડે એની પણ ફરિયાદ કરવામાં આવતી નથી. ગામડાઓમાં ગરીબ કે નાના કે નિરાધાર માણસનું શોષણ કરી લેવાની અનેક ઘટનાઓ બનતી હોય છે પણ માંડ બે/પાંચ ટકા ઘટનાઓ પોલીસના ચોપડે નોંધાતી હશે.

સૌથી મોટી તકલીફ એવી છે કે, કોઇપણ વ્યક્તિ જ્યારે પોલીસ સ્ટેશને કે સરકારી કચેરીએ જાય છે ત્યારે તેને બિલકુલ સહકાર આપવામાં નથી આવતો. ઉલટાનું તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે અને તેની ફરિયાદ સાંભળવામાં નથી આવતી. જે ઘટના મીડિયામાં કે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હોય એવી ઘટનામાં માત્ર કહેવા પુરતી ફરિયાદો નોંધવામાં આવતી હોય છે.

માંડમાંડ ફરિયાદ લખ્યા પછી પણ પોલીસે જે એફઆઈઆર લખી છે તે યોગ્ય છે કે કેમ? તેમાં પુરતી કલમ છે લખી છે કે નહિ? પોલીસ યોગ્ય તપાસ કરી રહેલ છે કે નહિ? કોર્ટમાં કેસ મજબુત થાય એવા પુરાવા એકઠા કરે છે કે નહિ? આરોપીને જામીન ન મળે તે માટે પોલીસે પુરતા પ્રયત્નો કરે છે કે કેમ? જામીન મળ્યા બાદ આરોપી પીડિત વ્યક્તિને હેરાન તો નથી કરતો ને? યોગ્ય ચાર્જશીટ થાય છે કે કેમ? કોર્ટમાં કેસ ચાલે ત્યારે યોગ્ય જુબાની લેવાય છે કે કેમ? કોર્ટમાં કેસ ચાલે ત્યારે આરોપી ફરિયાદી ઉપર દબાણ કરે છે કેમ? – આવી અનેક બાબતો પીડિત વ્યક્તિને ખબર નથી હોતી એટલે પોલીસને ભીનું સંકેલી લેવામાં એકદમ સરળતા રહે છે.

સ્થાનિક માથાભારે કે ગુંડા બદમાશ માણસો સામે કોર્ટમાં કેસ લડવા માટે ઘણી વખત તાલુકા કક્ષાએ એડવોકેટશ્રી ન મળે એવું પણ બનતું હોય છે, ઘણી વખત કોર્ટમાં ચાલુ કેસમાં આપણા વકીલશ્રીને ખસી જવા માટે ધાક-ધમકી આપવામાં આવે એવું પણ બનતું હોય છે. ટૂંકમાં એક ગરીબ માણસે ફરિયાદ લખાવવાથી લઇને, તેની યોગ્ય તપાસ થાય, તાત્કાલિક ધરપકડ થાય, કોર્ટમાં કેસ વ્યવસ્થિત ચાલે, વકીલ પણ મળી રહે તે માટે કેટકેટલીય લડાઈ લડવી પડે છે. અને આટલી લડાઈ લડવા વ્યક્તિ સક્ષમ હોતો નથી એટલે છેવટે ગુંડાઓ સામે સરેન્ડર થવું પડે છે.

સામાન્ય રીતે પોલીસ ફરિયાદીને કે પીડિતને સહયોગ કરતી નથી એટલે લોકોની ફરિયાદ કરવાની હિંમત હવે ઓછી થતી જાય છે. માંડ માંડ હિંમત કરીને લોકો ફરિયાદ કરે તો પણ પોલીસ આરોપીને બચાવવાના કેટલાય પ્રયત્નો કરે છે એટલે આરોપીની હિંમત વધે છે. ટૂંકમાં ગુંડાઓ, વ્યાજખોરો, માફિયાઓના ત્રાસથી અનેક લોકોએ આત્મહત્યા કરી હશે, અનેક લોકોએ પોતાનું વતન છોડ્યું હશે, અનેક લોકોએ પોતાની જમીન ગુમાવી હશે, અનેક લોકો આજે પણ જુલમ સહન કરીને જીવતા હશે...એમનું કોણ? કદાચ ક્યારેક થાકીને આત્મહત્યા કરી લેશે તો?

સરકાર પોતાની ગમે તેટલી વાહવાહી કરાવે પણ પીડિત ફરિયાદીને તો મોટા ભાગે પોલીસ સ્ટેશનોમાં કડવા અનુભવ જ થાય છે અને ગુંડાઓ કે અપરાધીઓને સ્થાનિક પોલીસના આશીર્વાદ મળતા હોય એવો જનતાનો અનુભવ રહ્યો છે.

જયારે કોઈ ઘટના બને ત્યારે પીડિત વ્યક્તિને જો સમયસર કાયદાકીય મદદ મળે, પીડિત વ્યક્તિને હિંમત આપવામાં આવે, પીડિત પરિવારને સધિયારો આપવામાં આવે, પીડિતને ન્યાય મળશે તેવું પ્રયત્નો દ્વારા આશ્વાસન આપવામાં આવે તો ગુંડાઓની ગુંડાગીરી ઘટે તેમજ પીડિતને ન્યાય મળે.

મને રોજ અનેક લોકોના ફોન આવે છે કાયદાકીય માર્ગદર્શન લેવા માટે, હું મારી શક્તિ પ્રમાણે લગભગ સૌને ફોન ઉપર માર્ગદર્શન આપતો જ હોઉં છું. પણ ટેલીફોન ઉપર કેટલા લોકોને હું મદદરૂપ થઇ શકીશ? અસંખ્ય ઘટનાઓ બને છે અને આપણે માત્ર છાપામાં આત્મહત્યા કે હત્યાના સમાચાર વાંચીને છોડી દઈએ છીએ. શું સમાજમાં ગુનાખોરી વધે એ આપણો સહિયારો પ્રશ્ન નથી? શું સરકારી તંત્ર ગુનેગારોના સમર્થનમાં કામ કરવા લાગે તે આપણી સામુહિક સમસ્યા નથી? શું નાના માણસોને કોર્ટ કચેરીમાં ન્યાય માટે આત્મહત્યા કરવી પડે તે આપણા સૌ માટે ચેતવણીરૂપ કિસ્સો નથી?

મને એમ લાગે છે કે, એક સામુહિક મોટા પ્રયાસની જરૂર છે. આપણે સૌ ભેગા મળીને એકબીજાને કાયદાકીય રીતે મદદરૂપ થવાની કોઈ વ્યવસ્થા ઉભી કરી શકીયે તેમ છીએ. આપણે આપણી તન, મન અને ધનની શક્તિ જો બીજાને મદદરૂપ થવામાં વાપરીએ તો કંઈક થઈ શકે એવી મને આશા છે. ગ્રામીણ વિસ્તારોમાં નાની-મોટી ઘટના બને ત્યારે પીડિત વ્યક્તિની પૂરી વાત સહાનુભુતિ સાંભળે, તેને મફત કાનૂની મદદ કરે, બે-પાંચ કાગળિયા લખી આપે, કોર્ટકચેરીમાં સાથે જાય, પીડિતને એકદમ હિંમત અને આશ્વાસન આપે એવી કોઈ સામાજિક વ્યવસ્થા હોવી જરૂરી છે.

ગુંડા, બદમાશ, માથાભારે, વ્યાજખોરની સામે લડવા માટે મને સપોર્ટ કરવાવાળું કોઈ નથી એટલા માત્રથી દુઃખી થઈને આત્મહત્યા કરવાવાળા કે આજીવન અત્યાચાર સહન કરવાવાળાની સંખ્યા લાખોમાં છે, આપણે એમના માટે શું કરી શકીયે? વિચારો જરાક!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp