26th January selfie contest

સુરતમાં લક્ઝરી બસોએ મુસાફરોને શહેર બહાર ઉતારી દીધા, રીક્ષાવાળાઓએ લૂંટ્યા, ફોટોઝ

PC: twitter.com

સુરત શહેરમાં આજે ખાનગી બસ સંચાલકોએ મુસાફરોને વાલક પાટીયા પર ઉતારી દેતા મોટી સંખ્યામાં મુસાફરોને અટવાનો વારો આવ્યો છે. ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી અને ખાનગી બસ એસોસિએશન વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે તેને લઈને વાંક વગર મુસાફરો તેમજ નાના બાળકો પિસાઈ રહ્યા છે. બેથી ત્રણ કલાક સુધી મુસાફરોને રસ્તા પર જ રઝડવાનો વારો આવ્યો હતો. કુમાર કાનાણી ભાજપના ધારાસભ્યનું કહેવું છે કે, તેમને માત્ર નિયમના પાલનની વાત કરી છે પરંતુ બસ એસોસિયનનો ઈગો ઘવાયો હોવાના કારણે તેઓ મુસાફરને પરેશાન કરે છે.

સુરતની વરાછા વિધાનસભાના ધારાસભ્યએ ટ્રાફિકના જાહેરનામાંના પાલન બાબતે ટ્રાફિક DCPને એક પત્ર લખ્યો હતો. જેમાં શહેરમાં ભારે વાહનો પ્રતિબંધિત સમયમાં પણ પ્રવેશી રહ્યા હોવાનું ઉલ્લેખ હતો, અને ત્યારે હવે આ મામલે ખાનગી લક્ઝરી બસ એસોસિએશન અને ધારાસભ્ય કુમાર કાનાણી આમને સામને હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ કહેવાનું કારણ એવું છે કે, 21 ફેબ્રુઆરી એટલે કે આજથી લક્ઝરી બસો તમામ મુસાફરોને વાલક પાટિયા પર ઉતારશે અને વાલક પાટીયાથી જ ડ્રોપ કરશે તેવો નિર્ણય કર્યો છે અને વહેલી સવારે વાહનોની લાંબી લાંબી કતારો વાલક પાટીયાથી લઈ કામરેજ રસ્તા પર જોવા મળી હતી.

સવારે 5 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી વાલક પાટીયાથી લઈને કામરેજ તરફ જતો રોડ બંધ રહ્યો હતો. કારણ કે મોટી સંખ્યામાં બસો રસ્તા પર ઉભી રહી ગઈ હતી. જેથી હજારો મુસાફરો અટવાયા હતા. તો બીજી તરફ લોકોની આ મજબૂરીનો લાભ રિક્ષાચાલકોએ પણ ઉઠાવ્યો હતો અને ભાડા ડબલ કરી દીધા હતા. વાલક પાટીયાથી હીરાબાગ સુધીના 500 રૂપિયાનું ભાડું મુસાફરો પાસેથી રીક્ષા ચાલક દ્વારા લેવામાં આવતું હતું તો બીજી તરફ બસોના કારણે ટ્રાફિક સર્જાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બેથી ત્રણ કલાક સુધી લોકો ટ્રાફિકમાં જ ફસાયા હતા જેથી બસમાં મુસાફરી કરનારા મુસાફરો તેમજ તેમની સાથે રહેલા નાના બાળકોને પણ ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

બીજી તરફ સવારના સમયે રત્ન કલાકારો તેમજ અન્ય ધંધાર્થીઓ પણ આ ટ્રાફિકજામના કારણે પોતાના કાર્ય સ્થળ પર ખૂબ મોડા પહોંચ્યા હતા અને શાળાએ જતી સ્કૂલ બસો પણ ટ્રાફિકમાં અટવાય હોવાના કારણે બસોમાંથી બાળકોને અધવચ્ચે જ ઉતારીને ચાલીને શાળા પર મોકલવાનો વારો આવ્યો હતો. ટ્રાફિકજામની પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે વહેલી સવારે 6 વાગ્યાથી જ સુરત ટ્રાફિક પોલીસ રસ્તા પર ઉતરી ગઈ હતી. ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર એસીપી અને ખુદ ડીસીપી વાલક પાટીયા પહોંચ્યા હતા અને ટ્રાફિકજામ હળવો કરવાના તમામ પ્રયાસો કર્યા હતા.

તો બીજી તરફ ધારાસભ્ય કુમાર કાનાણીની પ્રતિક્રિયા પણ સામે આવી હતી તેમને જણાવ્યું હતું કે તેમને માત્ર નિયમો અને પોલીસના જાહેરનામાના પાલનની વાત કરી છે અને એટલા માટે જ લક્ઝરી બસ એસોસિએશનના પ્રમુખનો ઈગો ઘવાયો છે અને એના જ કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જોકે લોકોની સાથે લક્ઝરી બસના સંચાલકોએ પણ કામ કરવાનું છે એટલે લોકોને મુશ્કેલી ન પડે તે જોવું જોઈએ અને જાહેરનામા અનુસાર જે સમય પ્રતિબંધિત નથી એટલે કે 7 વાગ્યા પહેલા શહેરમાં બસ લાવવી જોઈએ અને રાત્રે 10 વાગ્યા પછી જ બસો ઉપાડવી જોઈએ. જેથી ટ્રાફિકની સમસ્યાનું પણ નિવારણ થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp