ત્રીજા કાર્યકાળમાં ભારત ટોચની 3 ઈકોનોમીમાં સામેલ થઈ જશે, આ છે મોદીની ગૅરંટીઃ PM

PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન ખાતે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (આઇઇસીસી) કૉમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જી-20ના સિક્કા અને જી-20 સ્ટેમ્પનું અનાવરણ પણ કર્યું હતું. PMએ તેમનાં ભાષણની શરૂઆત એક કવિતાથી કરી હતી, જે દેશના નવા ઉત્સાહ અને મિજાજને દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે, ભારત મંડપમ્ ભારતની ક્ષમતાઓ અને રાષ્ટ્રની નવી ઊર્જા માટેનું આહ્વાન છે, આ ભારતની ભવ્યતા અને ઇચ્છાશક્તિની ફિલોસોફી છે.
PMએ આજે સવારે શ્રમિકોને સન્માનિત કરવાની વાત યાદ કરી હતી અને કહ્યું હતું કે, તેમની મહેનત અને સમર્પણના સાક્ષી બનીને સમગ્ર દેશ પ્રભાવિત થયો છે. તેમણે ભારત મંડપમ્ માટે દિલ્હીની જનતાની સાથે-સાથે દરેક ભારતીયને અભિનંદન પાઠવ્યા હતા. કારગિલ વિજય દિવસના ઐતિહાસિક પ્રસંગની નોંધ લઈને PMએ કારગિલ યુદ્ધ દરમિયાન સમગ્ર દેશ વતી ભારત માટે પોતાના પ્રાણનું બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
PMએ વિસ્તૃત પણે જણાવ્યું હતું કે, 'ભારત મંડપમ્' નામની પાછળ ભગવાન બસવેશ્વરનાં 'અનુભવ મંડપમ્'ની પ્રેરણા રહેલી છે. તેમણે કહ્યું કે અનુભવ મંડપમ્ ચર્ચા અને અભિવ્યક્તિની પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે યાદ અપાવ્યું કે ભારતને લોકશાહીની જનની તરીકે સ્વીકારવામાં આવે છે. તેમણે આ સંદર્ભમાં ઘણાં ઐતિહાસિક અને પુરાતત્ત્વીય ઉદાહરણો ટાંક્યાં હતા. તેમણે ઉમેર્યું હતું કે, આપણે આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યાં છીએ ત્યારે આ ભારત મંડપમ્ આપણે ભારતીયો દ્વારા આપણી લોકશાહી માટે એક સુંદર ભેટ છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે જી-20 શિખર સંમેલન થોડાં જ અઠવાડિયાઓમાં આ સ્થળ પર આયોજિત થશે, ત્યારે સમગ્ર વિશ્વ અહીંથી ભારતની હરણફાળ અને તેના વધતાં જતાં કદનું સાક્ષી બનશે.
દિલ્હીમાં વૈશ્વિક કક્ષાનાં કન્વેન્શન સેન્ટરની જરૂરિયાત પર વિસ્તૃત પણે જણાવતા PMએ કહ્યું હતું કે, 21મી સદીમાં આપણે 21મી સદી માટે અનુકૂળ બાંધકામ કરવું પડશે. PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત મંડપમ્ સમગ્ર વિશ્વનાં એક્ઝિબિટર્સ માટે અતિ લાભદાયક સાબિત થશે અને ભારતમાં કૉન્ફરન્સ ટૂરિઝમનું માધ્યમ બનશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારત મંડપમ્ દેશનાં સ્ટાર્ટઅપની ક્ષમતાઓનું પ્રદર્શન કરવા, કલાકારો અને અભિનેતાઓના અભિનયના સાક્ષી બનવા અને હસ્તકલાના કારીગરોના પ્રયાસોને પ્રદર્શિત કરવા માટે એક મંચ તરીકે કામ કરશે. PMએ કહ્યું હતું કે, ભારત મંડપમ્ આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ અભિયાનનું પ્રતિબિંબ બનશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ કન્વેન્શન સેન્ટર અર્થતંત્રથી માંડીને ઇકોલોજી અને વેપારથી માંડીને ટેક્નૉલોજી સુધીનાં દરેક ક્ષેત્ર માટે એક મંચ તરીકે ઉભરી આવશે.
PMએ ધ્યાન દોર્યું હતું કે, ભારત મંડપમ્ જેવી માળખાગત સુવિધા દાયકાઓ અગાઉ વિકસાવવી જોઈતી હતી. તેમણે સ્થાપિત હિતોના વિરોધ છતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ સમાજ ખંડિત રીતે કામ કરીને પ્રગતિ કરી શકતો નથી. તેમણે કહ્યું હતું કે, ભારત મંડપમ્ દૂરંદેશી સંપૂર્ણ કાર્યશૈલીનું ઉદાહરણ છે. તેમણે 160થી વધુ દેશો માટે ઇ-કૉન્ફરન્સ વિઝા સુવિધા જેવાં પગલાં વિશે માહિતી આપીને આ અંગે જાણકારી આપી હતી. દિલ્હી એરપોર્ટની ક્ષમતા 2014માં 5 કરોડથી વધીને આજે વાર્ષિક 7.5 કરોડ થઈ ગઈ છે. એકવાર જેવર એરપોર્ટ કાર્યરત થયા પછી આને વધુ મજબૂત બનાવવામાં આવશે. દિલ્હી એનસીઆરમાં હૉસ્પિટાલિટી ઉદ્યોગ પણ નોંધપાત્ર રીતે વિસ્તર્યો છે. આ બાબત કૉન્ફરન્સ ટૂરિઝમ માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમ ઊભી કરવાનો આયોજિત અભિગમ સૂચવે છે, એમ તેમણે જણાવ્યું હતું.
છેલ્લાં થોડાં વર્ષોમાં નવી દિલ્હી પાટનગર શહેરમાં માળખાગત સુવિધાઓના વિકાસ પર ભાર મૂકીને PMએ સંસદનાં નવનિર્મિત નવઉદ્ઘાટિત ભવન વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે, એનાથી દરેક ભારતીયમાં ગર્વની લાગણી જન્મે છે. તેમણે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, પોલીસ સ્મારક અને બાબા સાહેબ આંબેડકર સ્મારક જેવાં સ્મારકોનું ઉદાહરણ પણ આપ્યું હતું. PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર કાર્યસંસ્કૃતિ અને કાર્યનાં વાતાવરણને બદલવાને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે કર્તવ્ય પથની આસપાસ ઑફિસની ઇમારતોનાં વિકાસનાં કાર્યો ઝડપથી ચાલી રહ્યાં છે. તેમણે PM સંગ્રાહલયને પણ સ્પર્શ કર્યો હતો, જે ભારતે જોયેલા અત્યાર સુધીના દરેક PMનાં જીવનની ઝાંખી કરાવે છે. તેમણે માહિતી આપી હતી કે, વિશ્વનું સૌથી મોટું સંગ્રહાલય 'યુગે યુગિન ભારત'નો વિકાસ નવી દિલ્હીમાં ઝડપથી થઈ રહ્યો છે.
PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે વિકસિત થવા માટે મોટું વિચારવું પડશે અને મોટાં લક્ષ્યાંકો હાંસલ કરવા પડશે. આ જ કારણ છે કે, ભારત 'થિંક બિગ, ડ્રીમ બિગ, એક્ટ બિગ'ના સિદ્ધાંત સાથે આગળ વધી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે વધુ મોટું, વધુ સારું અને વધુ ઝડપી નિર્માણ કરી રહ્યા છીએ. તેમણે વિશ્વનો સૌથી મોટો સોલર-વિન્ડ પાર્ક, સૌથી ઊંચો રેલ બ્રિજ, સૌથી લાંબી ટનલ, સૌથી ઊંચો મોટરેબલ રોડ, સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને એશિયાના બીજા ક્રમના સૌથી મોટા રેલરોડ બ્રિજ વિશે વાત કરી હતી. તેમણે ગ્રીન હાઇડ્રોજનમાં હરણફાળનો ઉલ્લેખ કર્યો હતો.
PMએ કહ્યું હતું કે, વર્તમાન સરકારના આ કાર્યકાળ અને અગાઉના કાર્યકાળના વિકાસના આધારસ્તંભોનો સંપૂર્ણ દેશ સાક્ષી છે. તેમણે કહ્યું હતું કે, ભારતની વિકાસ યાત્રા હવે અટકાવી ન શકાય તેવી છે. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે વર્ષ 2014માં વર્તમાન સરકાર સત્તામાં આવી હતી, ત્યારે ભારત દુનિયામાં 10મા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર હતું, પણ અત્યારે ભારત દુનિયામાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે. ટ્રેક રેકોર્ડ મુજબ, PMએ ખાતરી આપી હતી કે, ત્રીજી ટર્મમાં ભારતનું નામ વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ જશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ મોદીની ગૅરંટી છે. PMએ નાગરિકોને ખાતરી પણ આપી હતી કે, ત્રીજી ટર્મમાં ભારતની વિકાસયાત્રાની ગતિમાં અનેકગણો વધારો થશે અને નાગરિકો તેમનાં સ્વપ્નો સાકાર થતાં જોશે.
PMએ જણાવ્યું હતું કે, અત્યારે ભારતમાં પુનઃનિર્માણની ક્રાંતિ જોવા મળી રહી છે, કારણ કે છેલ્લાં 9 વર્ષમાં માળખાગત સુવિધા ઊભી કરવા પાછળ રૂ. 34 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ વર્ષે પણ મૂડીગત ખર્ચ 10 લાખ કરોડ રાખવામાં આવ્યો છે, એમ તેમણે માહિતી આપી હતી. ભારત અભૂતપૂર્વ ગતિ અને વ્યાપ પર કામ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં 9 વર્ષમાં 40,000 કિલોમીટરની રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન થયું છે, જે તે અગાઉનાં સાત દાયકામાં ફક્ત 20 હજાર હતું. વર્ષ 2014 અગાઉ દર મહિને 600 મીટરની મેટ્રો બિછાવાઇ હતી, આજે દર મહિને 6 કિલોમીટર લાંબી મેટ્રો લાઇન બિછાવાઇ રહી છે. અત્યારે દેશમાં 7.25 લાખ કિલોમીટર લાંબા ગ્રામીણ માર્ગો છે, જે વર્ષ 2014માં માત્ર 4 લાખ કિમી હતા. એરપોર્ટની સંખ્યા આશરે 70 થી વધીને 150 થઈ ગઈ છે. સિટી ગેસ વિતરણ પણ 2014માં માત્ર 60ની તુલનામાં 600 શહેરોમાં પહોંચ્યું છે.
PMએ જણાવ્યું હતું કે, નવું ભારત આગળ વધી રહ્યું છે અને માર્ગમાં આવતા તમામ અવરોધોને પાર કરી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર સમસ્યાઓનું કાયમી સમાધાન શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. PM ગતિશક્તિ માસ્ટરપ્લાનનું ઉદાહરણ આપીને PMએ કહ્યું હતું કે, આ યોજના સામાજિક માળખા માટે ગેમ-ચૅન્જર બની રહી છે. તેમણે કહ્યું હતું કે, તેમાં 1600થી વધારે સ્તરો ધરાવતાં ડેટા સામેલ છે અને તેનો ઉદ્દેશ દેશનો સમય અને નાણાં બચાવવાનો છે.
PMએ 1930ના દાયકાના યુગ તરફ ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે, પાછલી સદીનો ત્રીજો દાયકો ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે મહત્ત્વપૂર્ણ રહ્યો છે, જ્યાં તેનું લક્ષ્ય સ્વરાજ હતું. એ જ રીતે PMએ કહ્યું હતું કે, ચાલુ સદીનો ત્રીજો દાયકો ભારત માટે અતિ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આપણું લક્ષ્ય સમૃદ્ધ ભારત, 'વિકસિત ભારત' છે. PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સ્વરાજની ચળવળનું પરિણામ હતું, જેનાથી ભારતને સ્વતંત્રતા મળી. PMએ કહ્યું હતું કે, હવે આ ત્રીજા દાયકામાં આપણે આગામી 25 વર્ષ માટે 'વિકસિત ભારત'નું લક્ષ્યાંક ધરાવીએ છીએ. તેમણે નાગરિકોને દરેક સ્વાતંત્ર્ય સેનાનીનાં સ્વપ્નો સાકાર કરવા માટે ઉત્સાહિત કર્યા હતા. અનુભવથી બોલતા PMએ જણાવ્યું હતું કે, તેઓ તેમની નજર સમક્ષ પ્રગટ થયેલી અનેક સિદ્ધિઓના સાક્ષી બન્યાં છે અને દેશની તાકાતથી વાકેફ છે. ભારત એક વિકસિત દેશ બની શકે છે! ભારત ગરીબી નાબૂદ કરી શકે છે, એમ PMએ કહ્યું. નીતિ આયોગના એક અહેવાલને ટાંકીને PMએ માહિતી આપી હતી કે, ભારતમાં માત્ર 5 વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. તેમણે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા ઉલ્લેખ કર્યા મુજબ ભારતમાં અત્યંત ગરીબી દૂર થઈ રહી હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો તથા છેલ્લાં 9 વર્ષમાં સરકારે લીધેલી નીતિઓ અને નિર્ણયોને શ્રેય આપ્યો હતો.
સ્વચ્છ ઇરાદાઓ અને યોગ્ય નીતિઓની જરૂરિયાત પર ભાર મૂકતા PMએ જી-20ને ઉદાહરણ તરીકે ટાંક્યું હતું. તેમણે કહ્યું, અમે જી-20ને માત્ર એક શહેર કે એક જ જગ્યાએ સીમિત નથી રાખ્યું. અમે જી-20ની બેઠકો દેશનાં 50થી વધુ શહેરોમાં લઈ ગયા હતા. અમે આનાં માધ્યમથી ભારતની વિવિધતાનું પ્રદર્શન કર્યું. અમે દુનિયાને બતાવી દીધું કે ભારતની સાંસ્કૃતિક શક્તિ શું છે, ભારતનો વારસો શું છે. જી-20નાં પ્રમુખપદની રીત વિશે વધુ જણાવતાં PMએ અંતમાં જણાવ્યું હતું કે, જી-20 બેઠકો માટે ઘણાં શહેરોમાં નવી સુવિધાઓનું નિર્માણ થયું હતું અને જૂની સુવિધાઓનું આધુનિકીકરણ કરવામાં આવ્યું હતું. તેનાથી દેશ અને દેશની જનતાને ફાયદો થયો. આ સુશાસન છે. અમે નેશન ફર્સ્ટ, સિટીઝન ફર્સ્ટની ભાવનાને અનુસરીને ભારતને વિકસિત કરવા જઈ રહ્યા છીએ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp