26th January selfie contest

જે ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારને પોષે છે, તેમને દેશ સાથે કોઈ લેવા-દેવા નથીઃ PM

PC: twitter.com

PM નરેન્દ્ર મોદીએ તેલંગાણાનાં હૈદરાબાદમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે રૂ. 11,300 કરોડથી વધારે મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનું શિલારોપણ કર્યું હતું અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ પરિયોજનાઓમાં એઈમ્સ બીબીનગર- હૈદરાબાદ, પાંચ રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓ અને સિકંદરાબાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસનાં ભૂમિપૂજનનો સમાવેશ થાય છે. તેમણે રેલવે સાથે સંબંધિત અન્ય વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ પણ કર્યું હતું. દિવસની શરૂઆતમાં PMએ હૈદરાબાદનાં સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી પણ આપી હતી.

PMએ તેલંગાણા રાજ્યના વિકાસની ગતિ વધારવાની તક મળવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે દિવસની શરૂઆતમાં સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવાની વાત પણ યાદ કરી હતી, જે આઇટી સિટી હૈદરાબાદને ભગવાન વેંકટેશ્વરનાં નિવાસસ્થાન તિરુપતિ સાથે જોડશે. PM મોદીએ જણાવ્યું હતું કે, સિકંદરાબાદ-તિરૂપતિ વંદે ભારત એક્સપ્રેસ આસ્થા, આધુનિકતા, ટેક્નૉલોજી અને પ્રવાસનને સફળતાપૂર્વક જોડશે. PMએ તેલંગાણાના નાગરિકોને રેલવે અને રોડ કનેક્ટિવિટી અને હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથે સંબંધિત રૂ. 11,300 કરોડથી વધુની કિંમતની આજની પરિયોજનાઓ માટે અભિનંદન પાઠવ્યા હતા.

PMએ નોંધ્યું હતું કે, તેલંગાણા રાજ્ય લગભગ એ જ સમયથી અસ્તિત્વમાં છે, જે સમયે કેન્દ્રમાં હાલની સરકાર છે અને તેમણે રાજ્યની રચનામાં યોગદાન આપનારા લોકો સામે તેમનું શિશ નમાવ્યું હતું. PM મોદીએ 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ'ની ભાવના પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, તેલંગાણાના વિકાસ સાથે સંબંધિત રાજ્યના નાગરિકોનાં સપનાને સાકાર કરવાની કેન્દ્રની સરકારની ફરજ છે. તેમણે કહ્યું હતું કે, તેલંગાણા છેલ્લાં નવ વર્ષમાં ભારતના વિકાસનાં મૉડલનો મહત્તમ લાભ ઉઠાવી શકે એ માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શહેરોમાં વિકાસનું ઉદાહરણ ટાંકીને PMએ છેલ્લાં નવ વર્ષમાં 70 કિલોમીટરનાં મેટ્રો નેટવર્કનો ઉલ્લેખ કર્યો હતો અને હૈદરાબાદ મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (એમએમટીએસ)ના વિકાસમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. આજે 13 એમએમટીએસ સેવાઓની શરૂઆત પર પ્રકાશ પાડતા PMએ જાણકારી આપી હતી કે, તેલંગાણા માટે રાજ્યમાં તેનાં વિસ્તરણ માટે રૂ. 600 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેનો લાભ હૈદરાબાદ, સિકંદરાબાદ અને નજીકના જિલ્લાઓમાં લાખો નાગરિકોને મળશે, ત્યારે નવાં વ્યાવસાયિક કેન્દ્રો અને રોકાણને પણ પ્રોત્સાહન મળશે.

કોવિડ-19 મહામારીને કારણે અને બે દેશો વચ્ચે ચાલી રહેલાં યુદ્ધને કારણે વિશ્વની અર્થવ્યવસ્થાની અણધારિતાની નોંધ લઈને PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત એવા જૂજ દેશોમાંનો એક છે કે જેણે આધુનિક માળખાગત સુવિધા માટે વિક્રમજનક રોકાણ કર્યું છે. તેમણે માહિતી આપી હતી કે આ વર્ષનાં બજેટમાં ભારતમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ૧૦ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, છેલ્લાં નવ વર્ષમાં તેલંગાણાનું રેલવે બજેટ 17 ગણું વધ્યું છે અને નવી રેલવે લાઇન નાંખવાનું, રેલવે લાઇન ડબલિંગ અને ઇલેક્ટ્રિફિકેશન વગેરે કામ વિક્રમજનક સમયમાં થયું છે. તેમણે કહ્યું હતું કે, સિકંદરાબાદ-મહબૂબનગર પ્રોજેક્ટનું ઇલેક્ટ્રિફિકેશન એનું મુખ્ય ઉદાહરણ છે. તેમણે નોંધ્યું હતું કે, તેનાથી હૈદરાબાદ અને બેંગલુરુ વચ્ચેની કનેક્ટિવિટીમાં સુધારો થશે. PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સિકંદરાબાદ રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ દેશમાં મુખ્ય રેલવે સ્ટેશનોનાં આધુનિકીકરણ માટેની ઝુંબેશનો એક ભાગ છે.

PMએ કહ્યું હતું કે, રેલવેની સાથે તેલંગાણાનું હાઇવે નેટવર્ક પણ ઝડપથી વિકસાવવામાં આવી રહ્યું છે તથા તેમણે ચાર હાઇવે પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કર્યો હતો, જેનો આજે શિલાન્યાસ થયો છે. PMએ રૂ. 2300 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલા હાઇવેનાં અકકલકોટ-કુર્નૂલ સેક્શન, રૂ. 1300 કરોડના ખર્ચે મહાબૂબનગર-ચિંચોલી સેક્શન, રૂ. 900 કરોડના ખર્ચે કાલવાકુર્થી-કોલ્લાપુર સેક્શન અને રૂ. 2700 કરોડના ખર્ચે ખમ્મમ-દેવરાપલ્લે સેક્શનનો ઉલ્લેખ કરીને ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તેલંગાણામાં આધુનિક રાજમાર્ગોનાં વિકાસમાં સંપૂર્ણ તાકાત સાથે અગ્રેસર છે. PM મોદીએ જાણકારી આપી હતી કે, તેલંગાણામાં રાષ્ટ્રીય રાજમાર્ગોની લંબાઈ વર્ષ 2014માં રાજ્યની સ્થાપનાના સમયે 2500 કિલોમીટરથી બમણી થઈને અત્યારે 5,000 કિલોમીટરથી વધારે થઈ ગઈ છે, જ્યાં કેન્દ્ર સરકારે રૂ. 35,000 કરોડનો ખર્ચ કર્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેલંગાણામાં 60,000 કરોડ રૂપિયાના રોડ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે જેમાં ગેમ ચેન્જિંગ હૈદરાબાદ રિંગ રોડનો સમાવેશ થાય છે.

PM મોદીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તેલંગાણામાં ઉદ્યોગ અને કૃષિ એમ બંનેના વિકાસ પર ભાર મૂકી રહી છે. ટેક્સટાઇલ એ એવો જ એક ઉદ્યોગ છે, જે ખેડૂત અને શ્રમિક બંનેને તાકાત આપે છે, એમ નોંધતા PMએ જણાવ્યું હતું કે, સરકારે દેશભરમાં 7 મેગા ટેક્સટાઇલ પાર્ક્સ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે અને તેમાંનો એક તેલંગાણામાં હશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેનાથી યુવાનો માટે રોજગારીની નવી તકોનું સર્જન થશે. આજે એઈમ્સ બીબીનગરનો શિલાન્યાસ કરવાનો ઉલ્લેખ કરીને PMએ કહ્યું હતું કે, સરકાર તેલંગાણામાં શિક્ષણ અને સ્વાસ્થ્યમાં પણ રોકાણ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, આજના વિવિધ પ્રોજેક્ટ્સથી તેલંગાણામાં ઇઝ ઑફ ટ્રાવેલ, ઇઝ ઑફ લિવિંગ અને ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસમાં વધારો થશે. જો કે, PMએ રાજ્ય સરકારનો સહયોગ ન મળવાને કારણે અનેક કેન્દ્રીય પરિયોજનાઓને પૂર્ણ કરવામાં થઈ રહેલા વિલંબ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેલંગાણાના લોકોને જ નુકસાન થાય છે એ બાબત તરફ ધ્યાન દોરતા PM મોદીએ રાજ્ય સરકારને વિનંતી કરી હતી કે, તેઓ વિકાસ સાથે સંબંધિત કાર્યોમાં કોઈ અવરોધ ઊભો ન થવા દે અને ગતિને પણ વેગ આપે.

દેશવાસીઓની આશાઓ, આકાંક્ષાઓ અને સપનાઓને પૂર્ણ કરવા માટે અમારી સરકારની પ્રાથમિકતા પર પ્રકાશ પાડતા PMએ ઉદ્‌ગાર કર્યો કે, મુઠ્ઠીભર લોકો વિકાસની પ્રગતિથી ખૂબ જ બેચેન છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે લોકો સગાવાદ અને ભ્રષ્ટાચારને પોષે છે, તેમને દેશનાં હિત અને સમાજનાં કલ્યાણ સાથે કોઈ લેવાદેવા નથી, અને તેઓ પ્રામાણિક રીતે કામ કરનારાઓ માટે પણ સમસ્યાઓ ઊભી કરે છે. PMએ તેલંગાણાના લોકોને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, એ લોકો દરેક પ્રોજેક્ટ અને રોકાણમાં ફક્ત તેમના પરિવારનું હિત શોધે છે.

ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદ વચ્ચેની સમાનતાનો ઉલ્લેખ કરીને PMએ પુનરોચ્ચાર કર્યો હતો કે, જ્યારે સગાવાદ થાય છે, ત્યારે ભ્રષ્ટાચારનો વિકાસ થવા લાગે છે. PMએ કહ્યું હતું કે, અંકુશ એ કુટુંબવાદ અને વંશવાદની રાજનીતિનો મુખ્ય મંત્ર છે. આ પ્રકારના સિદ્ધાંતોની ટીકાને આગળ વધારતા PMએ કહ્યું હતું કે, રાજવંશો દરેક વ્યવસ્થા પર પોતાનો અંકુશ જાળવી રાખવા ઇચ્છે છે અને જ્યારે કોઈ વ્યક્તિ તેમનાં નિયંત્રણને પડકારે છે, ત્યારે તેને ધિક્કારવા લાગે છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમ અને સમગ્ર દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનું ઉદાહરણ આપીને PMએ કયા લાભાર્થીને શું લાભ થશે તેના પર અંકુશ રાખનારા રાજવંશીય બળો તરફ આંગળી ચીંધી હતી અને આ સ્થિતિમાંથી ઉદ્‌ભવતા ત્રણ અર્થો વિશે વિસ્તૃત વર્ણન કર્યું હતું. પહેલો અર્થ, PMએ કહ્યું કે, પરિવારની પ્રશંસા થતી રહેવી જોઈએ, બીજું, ભ્રષ્ટાચારનાં નાણાં પરિવારને આવતાં રહેવાં જોઈએ, અને ત્રીજું, ગરીબોને મોકલવામાં આવતાં નાણાં ભ્રષ્ટ ઇકોસિસ્ટમ દ્વારા પ્રાપ્ત થવાનું ચાલુ રહેવું જોઈએ. આજે મોદીએ ભ્રષ્ટાચારનાં આ વાસ્તવિક મૂળ પર હુમલો કર્યો છે. તેથી જ આ લોકો હચમચી ગયા છે અને જે કંઈ પણ કરવામાં આવી રહ્યું છે તે ગુસ્સાથી થઈ રહ્યું છે. PM મોદીએ રાજકીય પક્ષોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, જેઓ વિરોધ તરીકે કૉર્ટમાં ગયા હતા પરંતુ તેમને ત્યાં આંચકો લાગ્યો હતો.

PMએ કહ્યું હતું કે, લોકશાહીને સાચા અર્થમાં મજબૂત કરવા માટે સબકા વિકાસ (સૌનો વિકાસ)ની ભાવના સાથે કામ કરવામાં આવે છે, ત્યારે બંધારણની સાચી ભાવના સાકાર થાય છે. PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષ 2014માં કેન્દ્ર સરકાર રાજવંશનાં રાજકારણની બેડીઓમાંથી મુક્ત થઈ એનાં પરિણામ આખો દેશ જોઇ રહ્યો છે. તેમણે માહિતી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષમાં દેશની 11 કરોડ માતાઓ, બહેનો અને દીકરીઓને શૌચાલયોની સુવિધા મળી છે, જેમાં તેલંગાણાના 30 લાખથી વધારે પરિવારો સામેલ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશમાં 9 કરોડથી વધારે બહેનો અને દીકરીઓને ઉજ્જવલા ગેસનાં જોડાણો વિનામૂલ્યે મળ્યાં છે, જેમાં છેલ્લાં 9 વર્ષમાં તેલંગાણાનાં 11 લાખથી વધારે ગરીબ પરિવારો સામેલ છે.

તેમણે જાણકારી આપી હતી કે, આજે અમારી સરકારમાં 80 કરોડ ગરીબોને મફત રાશન આપવામાં આવી રહ્યું છે, ગરીબોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવી રહી છે, તેલંગાણાના 1 કરોડ પરિવારોનાં જન ધન બૅન્ક ખાતા પહેલીવાર ખોલવામાં આવ્યાં છે, તેલંગાણાના અઢી લાખ નાના ઉદ્યોગસાહસિકોને ગૅરન્ટી વિના મુદ્રા લોન મળી છે. 5 લાખ સ્ટ્રીટ-વેન્ડર્સને પ્રથમ વખત બૅન્ક લોન મળી છે, અને તેલંગાણાના 40 લાખથી વધુ નાના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ લગભગ 9 હજાર કરોડ રૂપિયા મળ્યા છે.

PMએ કહ્યું હતું કે, જ્યારે દેશ 'તુષ્ટિકરણ'થી દૂર 'સંતુષ્ટિકરણ' (સૌનો સંતોષ) તરફ આગળ વધે છે, ત્યારે સાચા સામાજિક ન્યાયનો જન્મ થાય છે. તેમણે ટિપ્પણી કરી હતી કે તેલંગાણા સહિત આખો દેશ સંતુષ્ટિકરણના માર્ગ પર ચાલવા માગે છે અને સબકા પ્રયાસ સાથે વિકાસમાં યોગદાન આપવા માગે છે. PMએ તેલંગાણાની વિકાસયાત્રામાં આગામી 25 વર્ષનાં મહત્ત્વ પર ભાર મૂકતાં સમાપનમાં કહ્યું હતું કે, આઝાદી કા અમૃત કાળમાં વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે તેલંગાણાનો ઝડપી વિકાસ અતિ મહત્ત્વપૂર્ણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp